Wednesday 1 December 2010

નરેશ કનોડિયાનો રજની અંદાજ

ઢોલિવૂડનો રજનીકાંત
http://www.youtube.com/watch?v=jKmvAdet-08

ચંદનની અપ-કમિંગ ફિલ્મ : તમારા વિના અમારું કોણ ?

http://www.youtube.com/watch?v=9azQ5ndsJYcચંદનની અપકમિંગ ફિલ્મ તમારા વિના અમારું કોણ ? ટોટલ ફેમિલી ડ્રામા.. ચંદન ફરી એક વાર લવર બોયની ભૂમિકામાં.. ઢોલિવૂ઼ડના મુન્નો મુન્ની..

રાજવીર - નાયકનો ખલનાયકી વાળો અંદાઝ

http://www.youtube.com/watch?v=Pfn6ONSo4Mw
ખલનાયક હિતુ કનોડિયા
http://www.youtube.com/watch?v=-bUc4V4hSr8

ખરાબ ફિલ્મોનું મહેણું ભાંગશે "મોહનના મંકીઝ"

       

     ત્રીજી ડિસેમ્બરથી પરદા પર તોફાન મચાવવા આવી રહ્યા છે, "મોહનના મંકીઝ". ટાઈટલથી જ ડિફરન્ટ લાગતી આ ફિલ્મ ડિફરન્ટ હશે તેવું તેના પ્રોમોઝ જોતા લાગી રહ્યું છે. આ ફિલ્મમાં ગાંધીના વિચાર હશે, એ વિચાર રજૂ કરવા માટે મોહનના ત્રણ મંકીઝ હશે.. પણ એ વિચાર લોકો સુધી પહોંચાડવાનો અંદાઝ હશે અલગ.. ફિલ્મના ગીત અને સંગીત પણ પ્રોમોઝ દ્વારા લોકો સુધી સારી રીતે પહોંચી રહ્યા છે. યંગસ્ટર્સને પણ ગણગણવા તેવા આ ફિલ્મના ગીત છે અને સંગીત પણ યંગસ્ટર્સને ઘેલું લગાડે તેવું છે. બસ જોવાનું એ છે કે, અત્યારના લોકોને પચાવવા અઘરા લાગે તેવા ગાંઘી વિચારને આ ફિલ્મમાં કેટલી સરળ રીતે રજૂ કરાયા છે. આમ તો, આ પહેલા ગાંધીવિચાર સાથેની બોલિવૂડની ફિલ્મ 'લગે રહો મુન્નાભાઈ' લોકો સુધી પહોંચી, વખણાઈ પણ ખરી. એ ફિલ્મ થિયેટરમાંથી ઉતર્યા બાદ લોકો વચ્ચે મુકતી ગઈ "ગાંધીગીરી". 
          "મોહનના મંકીઝ" ધમ્માલ અંદાઝમાં પોતાના વિચાર લોકમાનસ પર છોડી શકે છે કે કેમ એ વાતને બાજુ પર મુકીને એક વાત તો સ્વીકારવી જ રહી કે, હવે ગુજરાતી ફિલ્મ્સમાં કંઈક સારુ થવાની શરૂઆત તો ચોક્કસ થઈ છે. લોકો નહી જ સ્વીકારે એવું વિચારીને ઘણાં સારુ કે કંઈક અલગ કરવાનું માંડી વાળે. પણ અહીં તો એ અલગ નહી કરવાનો માંડી વળાયો છે અને અલગ કરવાનો પ્રયત્ન કરાયો છે. આ ફિલ્મની સફળતા માત્ર ફિલ્મ બનાવનાર પુરતી જ સિમિત નહી રહે પણ, તેની સફળતા સાથે જોડાયેલ છે આવી જ સારી ફિલ્મ બનાવવાનું વિચારનારા પણ હિંમત નહી કરનારા કેટલાય નિર્માણકારોની હિંમત.
           આ ફિલ્મની બાબતમાં ઉડીને આંખે વળગે તેવી બાબત છે આ ફિલ્મની પબ્લિસિટી. નવી તરાહની ફિલ્મ બની છે એ વાત લોકો ત્યારે જ જાણે.. જ્યારે ફિલ્મની પબ્લિસિટી યોગ્ય રીતે થાય. સતત એ ફિલ્મના પ્રચારનો મારો ચલાવાય ત્યારે જ લોકો તેના વિશે જાણી શકે, અને થિયેટર સુધી આવવાનો વિચાર કરે. 'દુષણો સામે લડશે બંદર' જેવી ટેગ લાઈનવાળી આ ફિલ્મની ટેગ લાઈનમાં જો થોડો  ફેરફાર કરીને કહીએ તો કહેવાય કે, 'સારી નહી બનતી ગુજરાતી ફિલ્મનું દુષણ દુર કરવા આવી ગયા બંદર'. વેલ, ફિલ્મના નિર્માતા દ્વારા અલગ વિષય પર અદ્યતન ટેકનોલોજી દ્વારા ફિલ્મ બનાવાઈ, લોકો સુધી ફિલ્મની વાત પહોંચે તે માટે તમામ રીતે પબ્લિસિટી પણ કરી....  હવે આપણો વારો કે નહી ?

Thursday 25 November 2010

બદલાતા ઢોલિવૂડની તસવીર

ખલનાયક હિતુ કનોડિયા
હિતેન કુમારનો હટકે અંદાજ
         નથી પહેર્યુ કેડિયુ.. નથી ટીપીકલ ઝભ્ભો.. આ છે આપણા ગુજ્જુ હિરો. હવે તેઓ દેખાય છે હટકે, તેમનો લૂક લાગે છે ડિફરન્ટ, તેમનો અંદાજ લાગે છે એકદમ હટકે.. અને એક્સપ્રેસન પણ છે સોલિડ.. 

ચંદનના ચાર લૂક
          આ તસવીર માત્ર આ  તમામ હિરોના ડિફરન્ટ લૂક આપને બતાવવા નથી મૂકાઈ. આ તસવીર માત્ર આ હિરોલોગની નથી, પણ આ તસવીર છે આપણાં બદલાતા ઢોલિવૂ઼ડની. ગુજરાતી ફિલ્મ્સને ચીલાચાલું જ સમજી બેસતા સોગિયા મોઢાવાળાઓના મો થોડીવાર માટે તો પહોળા રહી જાય તેવી છે  આ તમામ તસવીર. અલબત, આ બાબત ગુજરાતી સિનેમામાં ઘણી પહેલાં આવવી જોઈતી હતી,  એમાં મોડું ચોક્કસ થયું છે, પણ હવે એ જ જૂનો રાગ આલાપ્યે શો ફાયદો ? આખરે હવે સારુ થવાની શરૂઆત થઈ તો ખરી ને એનો આનંદ માણીએ. હા, એવું પણ નથી, કે, પહેલીવાર જ આ બદલાવ આવ્યો છે. આ પહેલાં અમુક ફિલ્મ્સમાં પ્રયત્ન થઈ ચુક્યા છે. પણ મોટાભાગની ફિલ્મ્સ બીબાંઢાળ હોઈ એ પ્રયત્નોને પણ દર્શકો તરફથી માત્ર જાકારો જ મળ્યો છે. એટલે એવા પ્રયત્નોનું પુનરાવર્તન થવું અટક્યું છે, પણ હા, આવા પ્રયત્નોનું સાતત્ય જળવાય અને તે પ્રયત્ન કરાય છે તેવી વાત લોકો સુધી પહોંચાડાય તો અને તો જ લોકો ગુજરાતી ફિલ્મ્સ વિશે ફરીથી હકારાત્મક વિચારતા થશે. 

જોયા છે ક્યારેય મૂછ વિનાના હિતેન કુમાર!
           આનંદ એ વાતનો છે કે, આપણાં અદાકારો હવે એક જ પ્રકારના કિરદારમાં બંધાવાની જગ્યાએ તેમા વરાઈટી લાવતા થયાં છે. હિતેન કુમાર પોતાની ઉમર કરતા ઘણી મોટી ઉંમરના કિરદારમાં દેખાય છે અને દર્શકોની દાદ પણ મેળવે છે.  'મહિય.રમાં મનડુ નથી લાગતુ'ની સિક્વલમાં હિતેન કુમાર બાપ-બેટાના કિરદારમાં દેખાયા હતા, એ પછી પણ તેમણે એ પ્રકારનું કિરદાર નિભાવ્યું હશે. પણ વખાણવું પડે તેવું તેમનું કિરદાર હતુ 'જન્મદાતા'માં. વેલ, આ જ હિતેન કુમાર છેલ્લા થોડા સમયમાં જુદા જુદા પ્રકારના દસ લૂકમાં દર્શકોને જોવા મળશે. આ મૂછાળા અભિનેતા એક કિરદારમાં તો દેખાશે મૂછ વગર !!!
હિતુ કનોડિયાનો નેગેટિવ શેડ
હિતુ કનોડિયા પણ હિરોગીરીથી હટીને હવે નેગેટિવ શેડ્સ બખુબી નિભાવે છે. 'સૂરજ ઉગ્યો શમણાંને દેશ' અને 'મારા રૂદિયે રંગાણા તમે સાજણા' બંને ફિલ્મ્સમાં હિતુ હિરો તો હતો.. પણ તેના કિરદારમાં જોવાં મળ્યો નેગેટિવ શેડ. માત્ર નાયક બની રહેવાને બદલે ખલનાયકીમાં પણ હવે તે જમાવે છે રંગ. 
ચંદનનો નેગેટિવ શેડ

         ચોકલેટી લૂક ધરાવતો ચંદન રાઠોડ પણ લવરબોયની ઈમેજમાં બંધાઈ રહેવા નથી માગતો. 'સમર્પણ'માં ચંદન બાપ-બેટા બેઉના રોલમાં દેખાયો. તો તેની અપકમિંગ ફિલ્મ 'જોગિડો'માં ચંદન દેખાશે નકારાત્મક છાંટ ધરાવતા હિરોના કિરદારમાં. તો મને લઈ જા સાંવરિયાના કિરદારથી પણ ચંદન છે ઉત્સાહિત. ને ઘરવાળી, બાહરવાળી, કામવાળીમાં ચંદન કરશે કોમેડી.
              તો.. બોસ. શું વિચાર છે !! આ હિરોલોગ તો હવે ભાઈલોગ બની રહ્યા છે, ટપોરી બની રહ્યા છે, ખલનાયક બની રહ્યા છે, કોમેડી કરી રહ્યા છે, પોતાનાથી થતાં તમામ પ્રયત્નો કરી રહ્યા છે, ફિલ્મના મેકિંગમાં પણ સુધારો થઈ રહ્યો છે. હા, હજુ થોડી ફિલ્મ્સ ખરાબ પણ બની રહી છે, પણ એ તો નજર ન લાગે એ માટે કાળા ટપકાં સમાન !! ( જો કે, આ કાળું ટપકું જરાં મોટું છે એ કડવી હકીકત છે !) ફિલ્મ્સ સારી બનશે તો બેસીને જોવા લાયક થિયેટર પણ મળશે.. અને તેવા સારા ફિલ્મ તથા સારા થિયેટર હોય તો દર્શકોને જોવા જવાનો શો વાંધો હોય ? તો કહો જોઈએ કેવી લાગી ઢોલિવૂડની બદલાતી તસવીરની તાસીર ?

Friday 19 November 2010

રહસ્યથી ભરપૂર પ્રેમ કહાણી : વાગી કાળજે કટારી તારા પ્રેમની

http://www.youtube.com/watch?v=JWgaBnE1Z98&feature=channel
વાગી કાળજે કટારી તારા પ્રેમની.. એક રહસ્યમય પ્રેમ કથા... નામ પ્રમાણે જ રહસ્યથી ભરપૂર છે.. થોડી થોડી વારે એક નવો વળાંક વાર્તામાં આવે અને પછી ફરી શરૂ થાય રહસ્યના તાણાવાણા.
વાર્તા :
વિક્રમ-હિતુની દોસ્તી અને બંનેનો પ્રેમ.. આ જ વાતને રહસ્યની જાળમાં શબ્દો વડે ધીરેન રાંધેજાએ ગૂંથી છે, અને તેને દ્રશ્યો વડે દર્શકો સામે મુકનાર દિગ્દર્શક છે હરસુખ પટેલ. ફિલ્મમાં પ્રેમ, બેવફાઈ, બદલો આ બધી જ બાબતને એ રીતે મુકવામાં આવી છે કે, તમને એમ તો ચોક્કસ થાય કે, આગળ શું થશે. ઘણાં પાત્રો પણ એવા મુકાયા છે કે, ક્યારેક રહસ્યનો ઉકેલ આપણને તેમના તરફ દોરી જાય, પણ એ માત્ર ઉલઝાવવા પૂરતા હોય. જે દર્શકોને સસ્પેન્સ ફિલ્મ જોવાની પસંદ હોય તેમને આ ફિલ્મ ચોક્કસ પસંદ પડે. વિક્રમનો ચાહક વર્ગ જુદા જ પ્રકારનો છે, તેમની સામે વિક્રમને આ પ્રકારની વાર્તામાં રજૂ કર્યો એ સારી બાબત કહેવાય. વળી, ત્રીજા સપ્તાહે જ્યારે હું ફરી વખત થિયેટર પર પહોંચ્યો ત્યારે ઓડિયન્સની સંખ્યા જોઈને નવો પ્રયોગ સફળ જણાયો.. આર્થિક સફળતા તો પ્રોડ્યુસર્સ જાણે !! પણ હા, માત્ર મસાલા મૂવી કરતા વિક્રમને નવી વાર્તામાં રજૂ કર્યો એ જ બાબત આગળ પણ વિક્રમના પ્રોડ્યુસર્સ અનુસરે તો દર્શકોને પણ કંઈક નવું મળી શકે. 
અભિનય :
વિક્રમનો અભિનય તેની અગાઉની ફિલ્મ કરતા ચોક્કસ સારો લાગ્યો. એક્શન સીનમાં પણ વિક્રમ જબરદસ્ત  રંગ જમાવે છે. પોલીસ ડ્રેસમાં જોઈને કહી ઉઠાય કે, ઢોલિવૂડનો દબંગ. હિતુ ભલે થોડા સમય માટે પરદા પર આવે  પણ એ પોતાના સમય દરમિયાન હંમેશની જેમ પરદા પર છવાઈ જાય છે. ખબર નહી કેમ, પણ જેમ જેમ ઉંમર થતી જાય છે તેમ તેમ ઢોલિવૂડના મહાનાયક અભિનયનો જુદો જ રંગ બતાવે છે, નરેશ કનોડિયાના ચાહકો આ ફિલ્મની તેમની અદા પર આફરિન પોકારી જ ઉઠે. વેસ્ટર્ન કોશ્ચ્યુમ સાથે જોવા મળતી મમતા દર્શકોને નજરને ઝકડી રાખે તેવી લાગી. ફિરોઝ  ઈરાની તો છે તેમના આગવા અંદાજમાં દરેક ફિલ્મમાં દેખાય જ છે.
ગમ્યું :
ફિલ્મના એક્શન સીન. ખાસ કરીને નરેશ કનોડિયા અને વિક્રમ વચ્ચેનો ફાઈટ સીન.. ગુજરાતી ફિલ્મને નીચી જ સાબિત કરનારાઓને આ સીન હિન્દી ફિલ્મના કોપી લાગશે.. પણ ભલા માણસ એ તો વિચારો કે, આપણે ત્યાં આવા સીનની શરૂઆત થઈ. 
વિક્રમને લઈને બનતી ફિલ્મથી કંઈક અલગ પ્રકારની વાર્તામાં તેને રજૂ કરાયો
ચળક-ભડકને બદલે વિક્રમને અત્યારની જનરેશનના કપડાંમાં રજૂ કરાયો
મમતાને પણ હાલના સમયની ડિમાન્ડ પ્રમાણે ટીપીકલ ગામડાની ગોરી કરતા વેસ્ટર્ન લૂકમાં રજૂ કરાઈ. 
ના ગમ્યું : 
ફિલ્મનું લાંબુ નામ જરાયે ના ગમ્યું. 
ફિલ્મ સારી બનાવવાનો પ્રયત્ન કરાય છે ત્યારે તેનું નામ "વાગી કાળજે કટારી તારા પ્રેમની" જેવું લાંબુ રાખવાની જગ્યાએ કંઈક નાનું નવું વિચારી શક્યા હોત. જે ટ્રેન્ડ ચાલે છે તેનાથી મેકિંગની દ્રષ્ટિએ તો આ ફિલ્મના નિર્માણકારો દુર હટીને નવું કરી રહ્યા છે ત્યારે નામ બાબતે પણ ટ્રેન્ડથી હટવાની હિંમત કરી ન શકે ?

Gujarati Film star Hitu kanodia break chain of Vikram Thakor

Tv9 Gujarat - Dashavatar of Hiten Kumar

Wednesday 27 October 2010

અપકમિંગ ધમ્માલ ફિલ્મ્સ..

              રિલીઝના આંકને જોઈએ તો વરસે દહાડે ફિલ્મ ફટકારે છે અર્ધી સદી.. પચાસ જેટલી ફિલ્મ રિલીઝ થતી હોય ત્યારે તેમાંથી કેટલીક ફિલ્મ થઈ જાય છે સુપરહિટ.. તો કેટલીક ફિલ્મ થઈ જાય છે સુપર ફ્લોપ... પણ આ હિટ-ફ્લોપની હારમાળ વચ્ચે આવી રહી છે પાંચ એવી ફિલ્મ જેના પર રખાઈ રહી છે ઘણી બધી આશાઓ... આ પાંચ ફિલ્મ એટલે.. 
વાગી કાળજે કટારી તારા પ્રેમની 
ઓ સાજણ ફરી ક્યારે મળીશું..
ઘરવાળી બહારવાળી કામવાળી 
જય વિજય
અને
મોહનના મંકીઝ
          આ પાંચેય ફિલ્મ્સ થોડા જ સમયમાં હશે પરદા પર..  વાત કરીએ જો આ ફિલ્મ અંગે તો સૌથી પહેલા રિલીઝની તૈયારી છે તે ફિલ્મ એટલે વાગી કાળજે કટારી તારા પ્રેમની.. વિક્રમ ઠાકોર-મમતા સોની અને હિતુ કનોડિયા અભિનીત આ ફિલ્મના સુકાની છે હરસુખ પટેલ.. હરસુખ પટેલ એન્ડ ગ્રુપ દ્વારા બનાવાયેલી આ ફિલ્મ, વિક્રમની અગાઉની ફિલ્મ કરતા વધારે ધમ્માલ મચાવશે કે કેમ તે જાણવા વધુ રાહ જોવાની જરૂર નથી. કારણ કે, વિક્રમના વધી રહેલા ક્રેઝને 'કેશ' કરવા અને દિવાળીની રજાઓમાં મનોરંજનરસિયાઓની મજા માણવાની આદતને વટાવવા ફિલ્મ રિલીઝ માટે ટાણું પસંદ કરાયું છે દિવાળીનું. વિક્રમનો જે આગવો ચાહક વર્ગ છે તે આ ટાણું નહી ચુકે તો નિર્માતા માટે ફિલ્મ બની શકે છે પૈસા વસૂલ...
              વિક્રમ સિવાય ધૂમ મચાવતો બીજો સુપરસ્ટાર એટલે ચંદન રાઠોડ.. ચંદન હાલ સાત જેટલા જુદા જુદા પ્રોજેક્ટ્સ પર કરી રહ્યો છે કામ..  ઓ સાજણ ફરી ક્યારે મળીશુ..  દ્વારા ચંદન દિવાળીના દિવસોમાં જ આવી રહ્યો છે દર્શકોને મળવા.. આ ફિલ્માં ચંદન-રીનાની જોડી છે તો દિગ્દર્શક છે કેશવ રાઠોડ.  યંગસ્ટર્સને ધ્યાનમાં રાખી આ ફિલ્મમાં વિષય પસંદ કરાયો છે લવસ્ટોરી. ચંદન-રીનાની જોડીને રંગીલીમાં તો દર્શકોએ વખાણી હવે આ  ફિલ્મ દ્વારા છઠી વખત આવી રહેલી આ જોડી ફરી ધૂમ મચાવશે કે કેમ તે તો ત્યારે જ ખબર પડશે જ્યારે પરદા પર આવશે આ ફિલ્મ.. 
         આ સિવાય આવી રહી છે વધુ એક ફિલ્મ આ ફિલ્મ એટલે ઘરવાળી બહારવાળી કામવાળી. નામ પરથી જ ફિલ્મ ધમ્માલ કોમેડી હોવાનો અંદાજ આવી જાય છે. ગોવિંદા માટે 'ભોલા' નામથી બનનારી આ ફિલ્મ કોઈ કારણસર ન બની શકી અને હવે તે ગુજરાતી ભાષામાં બની રહી છે, અને સંજોગ તો જુઓ, ગોવિંદા માટેની આ ફિલ્મ જે હિરો કરી રહ્યો છે તે ડાંન્સિંગ અને કોશ્ચ્યુમ સ્ટાઈલના કારણે ઓળખાય છે ગુજરાતી ગોવિંદા તરીકે.. આ હિરો એટલે ચંદન રાઠોડ. પિતા કેશવ રાઠોડના દિગ્દર્શનમાં ચંદન આ ફિલ્માં ઘરવાળી  બહારવાળી અને કામવાળી સાથે પરદા પર ધમાલ સર્જે.. એ પહેલાં જ ફિલ્મનું એક મસ્તીભર્યુ ગીત ચંદનના જ અવાજમાં રેકોર્ડ કરાયું અને ચંદન પર જ ફિલ્માવાયુ. એટલે આ ફિલ્માં જોવા મળશે ચંદનનો એકટર + સિંગરનો ડબલ ધમાકા..
           ચંદનના ડબલ ધમાકાને ટક્કર દેવા તૈયાર છે હિતુ કનોડિયા.. અને એ પણ ડબલ ધમાકા સાથે. હિતુની અપકમિંગ ફિલ્મ જય-વિજયમાં તે દેખાશે ડબલ રોલમાં. આ ફિલ્મમાં જ હિતુ પર જ ફિલ્માવાયું છે એક સોંગ.. જેના શબ્દો છે, "ઓ ડાર્લિંગ.. માય નેમ ઈઝ હિતુ..." આ ગીત અને ફિલ્મને લઈ હિતુ છે આતુર. લકી આનંદ દિગ્દર્શિત આ ફિલ્મમાં હિતુના ડબલ રોલ સાથે જોવા મળશે ચુલબુલી મોના થીબા. 'મારા રૂદિયે રંગાણા તમે સાજણા' ફિલ્મ બાદ,  આ ફિલ્મમાં હિતુ પાસે દર્શકોની અપેક્ષા પણ વધી ગઈ છે. 
            દર્શકો સ્વીકારે કે ન સ્વીકારે, પણ નિર્માણકર્તાઓએ પોતાની જવાબદારી સમજીને એક પછી એક પ્રયોગાત્મક ફિલ્મ દર્શકોને પીરસવાનું શરૂ રાખ્યું છે, તેના જ ભાગ રૂપે આવી રહી છે ફિલ્મ મોહનના મંકીઝ. આ ફિલ્મનું ટાઈટલ જેટલું હટકે છે તેટલો જ હટકે લા્ગ્યો આ ફિલ્મનો પ્રોમો. વેલ, પ્રોમોમાં ફિલ્મ જેટલી પસંદ પડી છે તેટલી જ પસંદ તેને જોયા બાદ પડે તે પણ છે જરૂરી. ગાંધી વિચારને કંઈક અલગ રીતે આ ફિલ્મમાં રજૂ કરાયો હોવાનો દાવો કરાઈ રહ્યો છે ત્યારે ફિલ્મ આડે સવાલ એ પણ છે કે, લગે રહો મુન્નાભાઈમાં ગાંધી વિચારને જે રીતે રજૂ કરાયો તે જોનાર દર્શક આ ફિલ્મને કેટલી પચાવી શકશે.
             આ સિવાય પણ કેટલીક ફિલ્મ મચાવવા આવી રહી છે ધમાલ.. તે વિશે પણ તમરા સુધી પહોંચાડીશ માહિતી.. પણ... ટૂંક સમયમાં.. વાંચતા રહો.. dhollywood.com

Wednesday 22 September 2010

કસોટી ફિલ્મની.. મંકીઝની ધમાલ..

                     ના ગરબો.. ના ગોકીરો.. ના કેડિયું.. ના ચણિયાચોળી.. ના પ્રેમ માટે પ્રેમિકાના બાપ સાથે સંઘર્ષ.. ના જમીનદાર સાથે ગરીબની લડાઈ.. છતાં ગુજરાતી ફિલ્મ...  નવાઈ લાગે કેમ ? વેલ, આ નવાઈ લાગે એ સારી વાત છે. જો આવું બનવાનું સાતત્ય જળવાઈ રહેશે તો ગુજરાતી ફિલ્મ જગતના સારા દિ આવશે તેવી આશા જીવંત રહી શકશે.
                  બે ફિલ્મની વાત કરવી છે.. એક કસોટી જિંદગીની.. અને બીજી એટલે મોહનના મંકીઝ.. બંને ફિલ્મની વાર્તા એક બીજા કરતા તદ્દન જુદી છે, પણ એ બંનેની સાથે વાત એટલે નીકળી કે, બંનેની વાર્તા સામાન્ય ગુજરાતી ફિલ્મ્સ કરતા પણ જુદી છે. 
                      કસોટી જિંદગીની.. આ ફિલ્મની વાર્તામાં સાંકળી લેવાયો છે એઈડ્સ જેવો ગંભીર વિષય. ફિલ્મના નિર્માતાએ યંગસ્ટર્સને આકર્ષવા માટે કોલેજ લાઈફથી માંડીને રેઈન સોંગ જેવા મસાલાનો ઉપયોગ કર્યો છે,  ફિલ્મનું મેકિંગ  એકસ્ટ્રા ઓર્ડિનરી છે એવું હુ નથી કહેતો.. પણ એક બાબતનો સંતોષ છે કે, આ વિષય પર ફિલ્મ બનાવવાનો વિચાર નિર્માતાને આવ્યો અને તેણે અમલમાં પણ મુક્યો. નિશાંત પંડ્યા સહિતની સ્ટારકાસ્ટ સાથે બનાવાયેલી કસોટી જિંદગીની ફિલ્મની કસોટીનો ખરો આધાર છે બોક્સઓફિસ.. 
                   મોહનના મંકીઝ આ ફિલ્મનું ટાઈટલ જ તેને અત્યારી લાંબા નામધારી ગુજરાતી ફિલ્મ કરતા અલગ તારવે છે. ગુજલિશ ટાઈટલ સાથેની આ ફિલ્મમાં ત્રણ કેરેક્ટર છે અમર, અકબર અને એન્થોની.. આ ત્રણેય કિરદારનો ભેટો થાય છે ગાંધીવાદી વિચારધારા સાથેના એક પ્રોફેસર સાથે.. બસ પછી એ મોહનવાદી પ્રોફેસર અને તેમની સાથેના આ ત્રણ મંકીઝની વાત એટલે જ મોહનના મંકીઝ.. ગાંધી વિચારને હળવી શૈલીમાં દર્શકો સામે લગે રહો મુન્નાભાઈ ફિલ્મમાં મુકાયો.. આ ફિલ્મમાં પણ ગંભીર બાબતને મંકીઝના માધ્યમથી દર્શકો સુધી મુકાશે.. 
                     નિર્માતાઓ દ્વારા નવું નથી અપાતું એવુ જ કહેનારા દર્શકો માટે ફિલ્મ તો બની છે અથવા તો બની રહી છે.. પણ કાયમ ગુજરાતી ફિલ્મ માટે સોગિયુ અને દિવેલિયું ડાચુ રાખનારાઓ પોતાનું મો સારુ રાખીને થિયેટર સુધી જશે કે કેમ એ સવાલનો જવાબ તો ખબર નહી ક્યાં સુધી અદ્ધરતાલ રહેશે.

Friday 17 September 2010

ટૂંક સમયમાં....

મિત્રો...
નવી પોસ્ટ  મુકીશ ટૂંક જ સમયમાં.. બસ થોડો સમય મળે તેની રાહ છે.. ઘણું બધુ લખવું છે, શબ્દો ઘણાં છે, વાતો ઘણી છે, પણ સમય તો સમય છે.. એ ક્યાં કોઈ દિવસ આપણો થાય છે..

Monday 16 August 2010

25 લાખનો વિક્રમ

              ગુજરાતી ફિલ્મ જગતમાં વિક્રમ સર્જ્યો છે વિક્રમે.. વિક્રમનો વિક્રમ એટલે એક ફિલ્મ માટે સૌથી વધુ અમાઉન્ટ લેવાનો વિક્રમ.. એક જ ફિલ્મ માટે વિક્રમ ઠાકોરને મળ્યા છે રૂપિયા 25 લાખ. ફરી એક વખત વાંચી જાવ.. અહીં લખ્યા છે પૂરા 25 લાખ.. ગુજરાતી ફિલ્મ જગતના ઈતિહાસમાં આજ સુધી ક્યારેય ન બની હોય તેવી ઘટના જેમાં બની છે તે ફિલ્મ એટલે નિર્માતા પરેશ પટેલની અપકમિંગ ફિલ્મ "પિયુ તારા વિના મને એકલું લાગે." આ ફિલ્મ માટે વિક્રમને ચૂકવાયા છે 25 લાખ રૂપિયા.. શોખ માટે, ઈત્તર પ્રવૃતિ માટે અને સબસિડીનો લાભ ખાંટવા માટે ફિલ્મ બનાવનારા માટે તો આટલી રકમ આખી ફિલ્મનું બજેટ નથી હોતી.. ત્યારે માત્ર ફિલ્મના હિરોને અધધધ..કહી શકાય તેવી રકમ આપીને પરેશ પટેલે પણ નિર્માણ ક્ષેત્રે વિક્રમ સર્જયો છે.  
            આ વાંચનાર સૌ કોઈને થઈ રહ્યો છે એક જ સવાલ કે, વિક્રમ ઠાકોરમાં એવું તો શું ખાસ છે કે તેને મળે છે આટલી તગડી રકમ. આ સવાલનો જવાબ આપતા વિક્રમ કહે છે કે, તેની એક પછી એક ફિલ્મ થઈ છે સુપરહિટ. તેની દરેક ફિલ્મને દર્શકોએ આવકારી છે અને એ જ કારણે નિર્માતાએ તેને આટલી રકમ સામેથી ઓફર કરી. ખુદ વિક્રમ કહે છે એક ફિલ્મના 25 લાખ મળ્યા તે ખુદ તેના માટે પણ સ્વપ્ન સમાન છે, જો કે, તેણે આ સ્વપ્ન સાકાર થવાનો શ્રેય આપ્યો દર્શકોને. આમ તો ગુજરાતી ફિલ્મના સ્ટાર્સને ચૂકવાતી રકમ 10 લાખની આસપાસ હોવાનું ચર્ચાય છે ત્યારે આ ફિલ્મે સર્જી દીધો છે ઈતિહાસ. આ ફિલ્મ બાદ નાના ગજા(ગજવા!)ના નિર્માતાઓએ વિક્રમની આસપાસ ફરકતા પણ એક વાર વિચાર કરવો પડે તેવું હાલ તો લાગી રહ્યું છે. સાથે એક એ શક્યતા પણ છે કે, હવે વિક્રમને આટલી રકમ આપી શકે તેવા કેટલાં નિર્માતાઓ હશે ? શું વિક્રમને આ જ રકમ મળતી રહેશે કે, ફરી ઘટશે તેના ભાવ એ હાલ તો કહી શકાય તેમ નથી. પણ હા, એટલું ચોક્કસ કહી શકાય કે, આ ફિલ્મથી સ્થપાઈ ગયો, 25 લાખનો વિક્રમ.

Friday 6 August 2010

દર્શકોના રૂદિયાને રંગે તેવી ફિલ્મ : મારા રૂદિયે રંગાણા તમે સાજણા


નવી પેઢી માટે નવી તરાહની ફિલ્મ એટલે જશવંત ગાંગાણી દિગ્દર્શિત, " મારા રૂદિયે રંગાણા તમે સાજણા". જો ફિલ્મી સ્ટાઈલ અને એમાં પણ આપણાં ઢોલિવૂડની સ્ટાઈલમાં કહીએ તો, દર્શકોના રૂદિયાને રંગે તેવી ફિલ્મ એટલે "મારા રૂદિયે રંગાણા તમે સાજણા". આજની પેઢીને ગમે તેવી ફિલ્મ બનેલી આ ફિલ્મને ક્રિટીકની નજરે  સ્ટાર્સ આપવા બેસીએ તો આપવા પડે * * * * *

વાર્તા : 
સંગીતને પ્રેમ કરતા બે યુવા હૈયામાં એક મેક માટે અસીમ પ્રેમ હોય, છતાં સંજોગ એવો ખેલ ખેલે કે બંને એક-બીજાને મળી ન શકે, ને જ્યારે મળે ત્યારે સંજોગ ફરી પાછો એવો ખેલ ખેલે કે પ્રેમીઓને મીઠો વિરહ સહેવાનો વારો આવે. મિલન અને વિરહ વચ્ચેની સંતાકુકડી વાર્તાને આગળ ધપાવતી રહે. દૂર તો'ય પાસે, ને પાસે તો'ય દૂર..જેવું જ થાય છે આ ફિલ્મના હિરો-હિરોઈન વચ્ચે. પ્રેમકહાણી પરથી બનતી સામાન્ય ફિલ્મ્સ કરતાં આ ફિલ્મની વાર્તા સાવ નોખી તરી આવે છે. વાર્તામાં પ્રાણ પૂરે છે જકડી રાખે તેવા ટ્વીસ્ટ. વાર્તા થોડી આગળ વધે કે તુરંત જ દર્શકને સવાલ થાય જ કે, હવે શું થશે ? આ સવાલનો જવાબ પણ દર્શક મનોમન નક્કી કરી નાખે, પણ થાય એના જવાબથી સાવ વિપરિત.. અને ધાર્યુ ન થાય એટલે તેને ગમવાનું જ...  ધાર્યુ થાય એમાં નવિન શું ? એટલે ફિલ્મની વાર્તા લઈ જાય * * * * *
સંવાદ : 
સંવાદની બાબતમાં પણ ફિલ્મ ફુલ્લી પાસ. 
ગીત-સંગીત : 
બીજા દર્શકોની ખબર નથી પણ મારા દોસ્તો તો ફિલ્મના ગીત ગણગણતાં થઈ ગયા.. અને એ પણ એવા દોસ્તો કે જેઓ ગુજરાતી ફિલ્મના નામ માત્રથી છેટા ભાગતા હતા.. દિલને સ્પર્શી જાય તેવા પાર્થિવના અવાજમાં  ફિલ્મના ગણગણવા ગમે તેવા ગીત અને ગૌરાંગભાઈનું  સુમધૂર સંગીત  યુવાપેઢીને આકર્ષવામાં ચોક્કસ સફળ થાય તેવું છે. 
અભિનય :
જેમ હિતુએ આ ફિલ્મ માટે લૂક બદલ્યો તેમ અભિનય પણ.. તેની અગાઉની ફિલ્મ્સ કરતા તદ્દન જૂદાં જ લૂક સાથેના અને તદ્દન જૂદા જ અભિનય સાથેના હિતુને ચાહકો પસંદ કરશે. તો આનંદી પણ આ જ બેનર હેઠળની તેની અગાઉની ફિલ્મ્સ કરતાં વધુ સુંદર દેખાવા સાથે અભિનયમાં પણ જામી રહી છે. ખાસ યાદ કરીને લખવું પડે કે, નરેશ કનોડિયાને આ પહેલા આવા અંદાજ સાથે કોઈએ ક્યારેય નહીં નિહાળ્યા હોય. નરેશ કનોડિયાની અંદર રહેલા શ્રેષ્ઠ અદાકારને જશવંતભાઈ જે રીતે પરદા પર લાવ્યા છે તે સૌ કોઈને ગમી જાય. કોમેડીના કિરદાર ભજવતા દરેક કલાકાર પણ પોત-પોતાના પાત્રને ઉચિત ન્યાય આપે છે. 
દિગ્દર્શન : 
પોતાના બેનરની જ અગાઉની ફિલ્મ્સ કરતાં ચઢિયાતી ફિલ્મ બનાવવાનો જશવંતભાઈએ કરેલો નિર્ધાર સાચો ઠર્યો છે તે પરદા પર દેખાય છે. દિગ્દર્શનમાં ક્યાંય કચાશ ન રાખીને જશવંતભાઈએ દર્શકોને શ્રેષ્ઠ પીરસવાનો પ્રયાસ કર્યો છે. 
બહું ગમ્યું : 
નવી પેઢીને ગમે તેવી ફિલ્મ બનાવી તે.
મસ્ત મજાના સંગીત સાથેના સુમધુર ગીત
વાર્તામાં રહેલા એક પછી એક ટ્વીસ્ટ
ફિલ્મ્સના સુપર્બ એક્શન સીન્સ
ફિલ્મમાં ઝળકતી બોલિવૂડ અને સાઉથ સ્ટાઈલ
છેલ્લે : 
ફિલ્મ જોઈને આવ્યા બાદ, ગમી ગઈ હોવાથી ઘણાં મિત્રોને પણ જોવાનું સુચન કર્યું. પણ મિત્રોએ એ ફિલ્મનું લાંબુ નામ જોઈ નાકનું ટેરવું ચઢાવ્યુ... બસ એ બાબત દિલને ખૂંચી.. કે આટલી superb ફિલ્મ છે, તેમાં કોઈ કચાશ કાઢી શકાય તેમ નથી.. ત્યારે હવે તમને નામનો વાંધો આવે છે !! 13 અક્ષરનું નામ રાખવું એ તો ગુજરાતી ફિલ્મ્સનો ટ્રેન્ડ છે.. બાકી, જશવંતભાઈએ આ ફિલ્મ બનાવીને એ તો સારુ કરી જ દીધુ કે, હવે જો કોઈ કહે કે, ગુજરાતી ફિલ્મ સારી નથી બનતી તો તેને વટથી કહેવાનું કે, "મારા રૂદિયે રંગાણા તમે સાજણા" જોઈ આવ.. એ ફિલ્મ દર્શકોના રૂદિયાને રંગે તેવી બની છે... સારી ફિલ્મ આવે અને એ પણ મલ્ટીપ્લેક્ષમાં આવે તો જોવા જઈ એમ કહેનારાઓ માટે આ સારી ફિલ્મ આવી છે અને એ પણ મલ્ટીપ્લેક્ષમાં.. એટલે હવે જોવા ન જાવ તો તમારો વાંક...

Sunday 1 August 2010

મારા રૂદિયે રંગાણા તમે સાજણા.. વધુ એક 'મ' જશવંતભાઈને અપાવશે સફળતાનો જશ ?










આ ફિલ્મમાં વાત છે પ્રેમ કહાણીની..
વાત છે યુવા હૈયા વચ્ચે પાંગરતા નિર્દોષ પ્રેમની..
વાત છે બંનેના સંગીત પ્રેમની અને સંગીતના કારણે થતાં પ્રેમની..
જશવંત ગાંગાણીની ફિલ્મ હોય એટલે દર્શકોને અમુક અપેક્ષા તો ચોક્કસ હોય હોય ને હોય જ. આ ફિલ્મ સાથે જશવંતભાઈ ફરીથી દર્શકો સામે આવી રહ્યા છે ત્યારે તેમની ફિલ્મ દર્શકોની એ આશા અને અપેક્ષા સંતોષશે કે કેમ તે તો ફિ્લ્મ રૂપેરી પરદે આવ્યા બાદ જ કહી શકાય. પણ અત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે, આ ફિલ્મ ઘણી બધી એવી વાતો લઈને આવતી હોવાનું કહેવાય છે કે જે ગુજરાતી સિનેમામાં પહેલીવાર થઈ રહી છે.. જેમ કે, 
ઢોલિવૂડમાં પહેલીવાર DI
ઢોલિવૂડમાં પહેલીવાર કેબલ ફાઈટ
ઢોલિવૂડમાં પહેલીવાર મેકિંગ 
ઢોલિવૂડમાં પહેલીવાર હિતુ-આનંદી
આ ફિલ્મમાં ડીજીટલ ઈમેજ એટલે કે DIનો ઉપયોગ કરાયો છે જે પહેલીવાર ઢોલિવૂડમાં ઉપયોગ થયો હોવાનો દાવો ફિલ્મના કેમેરામેન રફીક લતીફ શેખ કરી રહ્યા છે.. તો ફિલ્મના હિરો હિતુ કનોડિયા ફિલ્મની કેબલ ફાઈટને લઈ રોમાંચિત છે. આ પ્રકારના કેબલ ફાઈટ સીન પહેલીવાર કર્યા હોવાનું હિતુ કહે છે. તો જશવંતભાઈ ફિલ્મની વાર્તાથી લઈ નિર્માણ સુધીના દરેક તબક્કે શ્રેષ્ઠ પીરસવાનો પ્રયત્ન કર્યો હોવાનું કહીને બહાનાબાજ દર્શકોની છટકબારી બંધ કરી હોવાનું કહે છે. અમુક દર્શકો સારા થિયેટરમાં ફિલ્મ ન  આવતી હોવાથી જોવા ન જતાં હોવાનું કારણ આગળ ધરે છે... આ કારણ ટાળવા જશવંતભાઈએ ફિલ્મને સિંગલ સ્ક્રીન સાથે મલ્ટીપ્લેક્ષમાં રિલીઝ કરવાનું પણ જોખમ લીધું છે.  ફિલ્મના પ્રોમોઝ દર્શકોની આતુરતા વધારે તેવા બન્યાં છે.  ફિલ્મના ગીત-સંગીત ગમે તેવા છે. વળી, જશવંતભાઈએ ફિલ્મનું મેકિંગ બનાવીને ઢોલિવૂડમાં પ્રમોશનનો નવો ચીલો ચાતર્યો છે. આ ફિલ્મમાં પહેલીવાર દેખાશે હિતુ કનોડિયા અને આનંદી ત્રિપાઠીની જોડી.. હા, આ પહેલા તેઓ "માંડવડા રોપાવો માણારાજ"માં ગેસ્ટ અપિરિયન્સમાં સાથે દેખાઈ ચૂક્યા છે.. ત્યારે હવે હિતુ-આનંદીની જોડી કેવો જાદુ ચલાવે છે તે બતાવશે આવતો શુક્રવાર.. નરેશ કનોડિયા આ ફિલ્મમાં હટકે રોલમાં છે તો ફિરોઝ ઈરાની વધુ એક વખત કરશે વિલનગીરી.. જીતુ પંડ્યા અને જીજ્ઞેશ મોદી સહિતની ટોળકી પાસે ફિલ્મમાં કરાવાઈ છે ધિંગામસ્તી.. એટલે કે પ્રેમ કહાણી, ફાઈટ્સ, કોમેડી સહિતના તમામ મસાલા સાથેની આ ફિલ્મ વધુ એક વખત જશવંતભાઈના ટ્રેન્ડ પ્રમાણે 'મ'થી શરૂ થાય છે ત્યારે તેમના રૂદિયે લાગેલો  'મ'નો રંગ કેટલો જશ અપાવે  છે તે બતાવશે, "મારા રૂદિયે રંગાણા તમે સાજણા.."




Friday 23 July 2010

નાયક નહીં ગાયક હું મૈં : ગાયકોને ચંદનનો પડકાર


                      ગુજરાતી ફિલ્મ્સમાં ગાયક હોય તે નાયક બને એ ટ્રેન્ડ તો બહુ ચાલ્યો.. પણ આ ટ્રેન્ડથી ઉલટુ કર્યુ ચંદન રાઠોડે. અભિનેતા ચંદન હવે પોતાની ફિલ્મ માટે ગાયક બન્યો.. અને જમાવ્યો ગાયકીનો રંગ. તેની અપકમિંગ કોમેડી ફિલ્મ "ઘરવાળી, બાહરવાળી, કામવાળી"માં ચંદને બે ગીત ગાઈને નવી શરૂઆત કરી છે. ચંદને અભિનેતા અને ડાન્સર તરીકે પોતાને સાબિત કર્યા બાદ હવે નવી સિદ્ધી પોતાના નામે કરી છે. બોલિવૂડના સ્ટાર્સ શાહરૂખ ખાન, આમીર ખાન, ગોવિંદા, સંજય દત્ત અને બિગ બીએ પોતાના અવાજનો જાદુ ફિલ્મ્સમાં પાથર્યો છે ત્યારે ચંદન પણ પોતાના અવાજના જાદુ સાથે નવી ફિલ્મમાં દર્શકોને જોવા-સાંભળવા મળશે. ખાસ કરીને ચંદને ગાયેલું ટપોરી ગીત તેના ધમાલિયા સંગીત અને તેના તોફાની શબ્દોના કારણે તરત જ જીભે ચઢી જાય તેવું છે.. સંગીતકાર સમીર રાવલે આ ગીતને મજ્જાનું બનાવ્યું છે.  ક્યા બાત હૈ ચંદન.. હવે ગાયકમાંથી નાયક બનેલા સ્ટાર્સને પડકાર ફેંકવાનું મન બનાવ્યું છે કે શું ? આ ગીતની વાહવાહી દર્શકો કરશે તો તો ચંદન કદાચ એમ પણ ગાશે.. "નાયક હી નહી, ગાયક ભી હું મૈ..."  મેં ચંદનનું આ ગીત સાંભળ્યું છે એટલે એટલું તો ચોક્કસ કહી શકીશ કે,  દર્શકોને ચંદનના અવાજમાં ગીત સાંભળવાની મજા પડશે એ ચોક્કસ.. 

Friday 9 July 2010

થોડી રાહ...

આ પહેલા બ્લોગ પર જે બાબત લખી કે, સમર્પણ આ શુક્રવારે એટલે કે, 9મીએ રિલીઝ થાય છે.. એમાં થોડો ફેરફાર થયો છે અને એ હવે પછીના સપ્તાહે આવશે એટલે સમર્પણ જોવા માગતા દર્શકોએ જોવી પડશે વધુ એક સપ્તાહ સુધી રાહ..  એ પછી પણ ગુજરાતી સિનેચાહકો માટે ટૂંક સમયમાં આવી રહી છે બે મોટા બેનરની ફિલ્મ, એક તો જશવંત ગાંગાણીની હિતુ કનોડિયા અને આનંદી ત્રિપાઠી અભિનીત "મારા રૂદિયે રંગાણા તમે સાજણા" અને બીજી ફિલ્મ એટલે, વિક્રમ ઠાકોર અભિનીત "પિયુ તારા વિના મને એકલું લાગે"

Tuesday 6 July 2010

1 દિવસ, 2 કલાકાર, ડબલ ધમાકા

              
       લાગે છે કંઈક હટકે કરવાની ચાહત છે આપણાં કલાકારોને.. અગાઉ ઘણી ફિલ્મ્સમાં કેટલાંક કલાકારો બાપ-દિકરાના ડબલ રોલમાં દેખાયા છે. આ જ બાબતનું પૂનરાવર્તન થશે 9 મી જુલાઈએ.. એક જ દિવસે આ બાબતનું બે વાર પૂનરાવર્તન થશે.
               વાત એમ છે કે, 9 મી જુલાઈએ આવી રહી છે ગુજરાતી ફિ્લ્મ "મેં તો હૈયે લખ્યું સાજણ તારું નામ" અને આ જ દિવસે રિલીઝ થઈ રહી છે ''સમર્પણ".  આ બંને ફિલ્મની વાર્તા તદ્દન જુદી છે, ફિલ્માંકન જુદુ છે, શુટિંગ લોકેશન જુદુ છે, પણ અભિનેતા જુદાં છે, પણ એક વાત કોમન છે અને તે એ કે, બંને ફિલ્મમાં હિરો દેખાશે ડબલ રોલમાં. એટલે કે, બાપ અને બેટા બંનેના કિરદારમાં. 
            "મે તો હૈયે લખ્યું સાજણ તારું નામ" ફિલ્મમાં છે સુપરસ્ટાર હિતેન કુમાર. હિતેન કુમારે આ ફિલ્મમાં એક ધરતીપુત્રનું કિરદાર નિભાવ્યુ છે સાથે  જ તેઓ તેના જ પુત્રના કિરદારમાં પણ દેખાયા છે. આ અગાઉ પણ હિતેન કુમાર બાપ-બેટાના કિરદારમાં દેખાયા હતા તેમની સુપરહિટ ફિલ્મ "મહિયરમાં મનડું નથી લાગતું"ની સિક્વલમાં. એ ફિલ્મમાં જોવા મળેલો તેમનો અભિનયનો ડબલ ધમાકા ફરી દર્શકોને " મેં તો હૈયે લખ્યું સાજણ તારું નામમાં દેખાશે". આમ પણ કંઈક જુદાં જ પ્રકારના કિરદાર નિભાવવાની ચાહત હિતેન કુમારના હૈયે લખેલી છે. ત્યારે તેમની આ ચાહત આ ફિલ્મમાં કિરદાર રૂપે સાકાર થઈ છે. 
              લંડનના લોકેશન સાથે આવી રહેલી ફિલ્મ "સમર્પણ"માં સુપરસ્ટાર ચંદન રાઠોડ પહેલીવાર દેખાઈ રહ્યા છે બાપ-દિકરા બંનેના કિરદારમાં.. યુવા અભિનેતા ચંદન બાપ તરીકે કેવો દેખાશે તે જોવાની આતુરતા તેના ચાહકોમાં ચોક્કસ હશે. આ આતુરતાનો અંત લાવવા 9મી જુલાઈએ ગુજરાત અને લંડનમાં એક સાથે રિલીઝ થઈ રહી છે ચંદનની ફિલ્મ "સમર્પણ" 

Monday 14 June 2010

હાશ હવે ગુજરાતી ફિલ્મમાં ગ્લેમર તો આવ્યું.. !



તમારે નવતર ભાતની ગુજરાતી ફિલ્મ જોવી છે..?
ગુજરાતી ફિલ્મમાં કંઈક અલગ વિષયની વાર્તા નિહાળવી છે ?
ગુજરાતી ફિલ્મમાં પણ સરસ કેમેરા વર્ક થઇ શકે એ જોયાનુભવ કરવો છે ?
ગુજરાતી ગીતો પર પણ સારી કોરિયોગ્રાફી થઇ શકે છે એ જોઈ થિરકવું છે ?
ગુજરાતી ફિલ્મમાં સાઉન્ડ ઈફેક્ટ સાથે સાઉથ સ્ટાઈલ માણવી છે ?
આ અને આવી તમામ બાબત કે જેને તમે ટિપિકલ ગુજરાતી ફિલ્મથી હટકે કહી શકો.. તે જોવી હોય તો જોઈ આવો ઇમરાન પઠાણ દિગ્દર્શિત ફિલ્મ, "સૂરજ ઉગ્યો શમણાંને દેશ"  આવી જ ઘણી બધી સારપનો સરવાળો કહો કે ઉણપની બાદબાકી.. એટલે "સૂરજ ઉગ્યો શમણાંને દેશ".  આ ફિલ્મ સારી ફિલ્મના શમણાં સાકાર કરશે એવું લાગ્યું. 
વાર્તા 
માલપુર નામના એક ગામમાં ચાલતી હોય છે બાપાસાહેબની દાદાગીરી. તેમની મેલી મુરાદના કારણે આખું ગામ અભણ રહે છે. સૌ કોઈ બાપાસાહેબના ગુલામની જેમ જીવન ગુજારે છે. આ બાપાસાહેબનો જ માણસ સૂરજ તેમની સામે બંડ પોકારે છે. તો સૂરજ જેને પ્રેમ કરતો હોય છે એ રૂપા પણ બાપાસાહેબને પડકારે છે. સૂરજ અને રૂપાની પ્રેમ કહાણી અને બાપાસાહેબ સામે અવાજ ઉઠાવવાની કહાણી આખી વાર્તામાં વળાંક લાવે છે. શિક્ષણ જેવા વિષયને જોર જુલમ અને અન્યાય સાથે સાંકળીને તેમાં સ્ત્રી શક્તિની પણ વાત કરી છે. જરૂર જણાઈ ત્યાં કોમેડીનો તડકો પણ લગાવ્યો છે. ઓવરઓલ હાલ ચાલી રહેલા ટ્રેન્ડ કરતા હટકે વાર્તા હોઈ ચોક્કસ ગમે. 
અભિનય 
એક્શનપેક ભૂમિકામાં હિતુ જામે છે. સહેજ સાઉથ સ્ટાઈલની છાંટ પણ હિતુના અભિનયમાં દેખાય છે. લૂક પણ અલગ દેખાય છે. 
ગામડાની રૂપાળી રૂપાના કિરદારમાં મોના ટિપિકલ હિરોઈન લાગે છે, પણ રૂપા સૂરજના કિરદારમાં મોનાએ રંગ રાખ્યો છે. આ કિરદારમાં મોનાનો લૂક એટલે અદ્દલ રાજનીતિની કેટરીના. 
ચંદન હલ્કી ફુલ્કી ભૂમિકામાં ક્યાંક કોમેડી કરે છે તો ક્યાંક ઈશ્કિયા અંદાજમાં દેખાય છે. સારો ડાન્સર એવો ચંદન ગીતમાં બરાબર ખીલે છે.  તો ચંદન સાથે છે તેની જ ધુળકી ફેઈમ રાની શર્મા. 
બાપાસાહેબ એટલે કે જાકીરખાને પાત્રમાં જીવ રેડયો. 
કોમેડિયન કેરેક્ટર મફતને લોકોને હસાવવામાં સફળતા મળી. 
લોકેશન 
મોડાસાની આસપાસના જે ગામમાં શૂટિંગ કરાયું તે સ્થળ નયનરમ્ય છે. તે સ્થળને દર્શકો સમક્ષ વધુ સારી રીતે મુક્યું દિગ્દર્શકની સૂઝ અને સિનેમેટ્રોગ્રાફરે. 
ગ્લેમરસ ગલીપચી
ગુજરાતી સિને જગતનો અત્યાર સુધીનો સૌથી લાંબો કિસિંગ સીન આ ફિલ્મમાં છે.. હિતુ અને મોનાનો લાં........બો કિસિંગ સીન એવી રીતે ફિલ્માવવામાં આવ્યો છે કે જે જરા પણ ચીપ ના લાગે. આ સીન જોઈ એમ થયું કે હાશ હવે ગુજરાતી ફિલ્મમાં ગ્લેમર તો આવ્યું.. !

  

Wednesday 9 June 2010

પૂરું કરશે સારી ફિલ્મનું શમણું.. સુરજ ઉગ્યો શમણાને દેશ..

"સુરજ ઉગ્યો શમણાને દેશ"નું શુટિંગ ચાલી રહ્યું હતું ત્યારથી જ આ ફિલ્મના ઘણા વખાણ હિતુ-મોના અને ચંદન પાસેથી સાંભળ્યા હતા.. મોડાસાના એક ગામડામાં જ્યાં આ ફિલ્મનું શૂટિંગ થઇ રહ્યું હતું ત્યાં જવાનું થયું.. તે વખતે હિતુનો ગેટ-અપ જોઇને કંઈક નવું થઇ રહ્યું હોવાનું લાગ્યું પણ ખરું.. ત્યારથી હતું કે આ ફિલ્મ જોવી જ છે.. ખાસ તો આ ફિલ્મના દિગ્દર્શક ઇમરાન પઠાણે ઘણા નવા પ્રયોગો કર્યા હોવાનું સાંભળ્યું હતું.. અને આ સાંભળેલી વાત સાચી લાગી આ ફિલ્મનો પ્રોમો જોયાં બાદ.. પ્રોમોમાં જોવા મળેલા શોટ્સ, કેમેરા એન્ગલ, એક્શન, ગીત, નૃત્યની ઝલક જોતા જ થયું કે ટ્રેલર આવું અદભૂત છે તો ફિલ્મ પણ જોરદાર જ હશે.. હા એક વાત સાચી છે કે ઘાણી વખત ટ્રેલર જેવું ફિલ્મ ન પણ હોય.. પણ આ ટ્રેલર જોતા જ મારા જેવો સિનેચાહકના મનમાં થાય કે "સુરજ ઉગ્યો શમણાને દેશ".. એ સારી ફિલ્મનું શમણું ચોક્કસ પૂરું કરશે.. અને હા, ચટપટી ગ્લેમરસ ગોસીપ તો એ છે કે આ ફિલ્મમાં એક લાં.......બો કિસિંગ સીન પણ ફિલ્માવાયો છે. બોસ.. આપણી ફિલ્મોમાં હવે ગ્લેમરનો રંગ હવે રહી રહીને આવ્યો છે.. ત્યારે આ જે વાંચશે.. તેને એકાદવાર તો  મનમાં ગલીપચી થશે કે હાલોને જોઈ નાખીએ.. જો આવું થાયને તો જોઈ નાખજો હો.. ગુજરાતી ફિલ્મને આપ જેવા સારા દર્શક મળશે.. 
તાક : હું કંઈ આ ફિલ્મનો પબ્લીસીટી મેનેજર નથી.. પણ મને પ્રોમો જોઇને થયું કે આ વાત આપ જેવા વાચકો સુધી પહોચાડવી જોઈએ.. કદાચ એ વાચકમાંથી કોઈ દર્શક બને તો સરવાળે ગુજરાતી સિને જગતને એ દર્શક વધ્યાનો ફાયદો થાયને બસ એટલો જ સ્વાર્થ...

Tuesday 1 June 2010

Comming Soon

Must watch Special bulletin only on Gujarati Films.. Name of bulletin is L C D.. Lights Camera Dhamal.. Show time : 6 :30 pm on every sat., only on Gujarat's No.1 news Channel tv 9 Gujarat.   

Tuesday 25 May 2010

લાંબા સમયથી ચાલતો લાં.............બા નામનો ટ્રેન્ડ !


                   "કોઈ એક કરે એટલે આપણે પણ કરવાનું.. બોસ.. નવું કરવા જઈએ અને જો દર્શકો ના સ્વીકારે તો પતી જઈએ. જે ટ્રેન્ડ ચાલતો હોય તેને અનુસરો અને એ પ્રમાણે જ ચાલો." આવું જ કંઈક માનનારા ગુજરાતી સિને નિર્માણકારો ફિલ્મના નામમાં પણ એવું જ કરે છે.. અમુક લાંબા નામધારી ફિલ્મને સફળતા મળે એટલે શરુ થઇ જાય લાં.....બાનામ વાળી ફિલ્મનો ટ્રેન્ડ.. વળી, ઘણા નામ આપણને મજા કરાવે તેવા હોય છે. હા, લાંબા નામ વળી ફિલ્મ્સ કંઈ હમણાની વાત નથી એ પણ 'લાં.......બા' સમયથી શરુ થયેલો ટ્રેન્ડ છે. હમણાં હમણાની કેટલીક ફિલ્મ્સના નામ વાંચો. 
રાધા ચૂડલો પેરજે મારા નામનો 
આંખમાં કંકુ કપાળે કાજળ
હું રે વિજોગણ તારા નામની 
પિયુ તારા વિના મને એકલું લાગે
દલડું દીધું મેં કારતકના મેળામાં 
મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે
ચાલો ઉજવીએ પુરુષોત્તમ માસ 
ભાલાવાળા મારી ભેરે રેજો 
મારા રૂદિયે રંગાણા તમે સાજણા 
હાલ રુપલીને પૈણવા 
                   છે ને મસ મોટા નામધારી ફિલ્મ્સ.. અરે ફિલ્મ જોઇને થિયેટરમાંથી બહાર નીકળો તો કદાચ એ જ વખતે નામ ભૂલી જવાય એટલા લાંબા નામ છે. આ નામની પણ એક મજા છે.. ચાલો માણીએ એ મજા.. કારણ કે દરેક ફિલ્મનું નામ કંઈક કહી જાય છે. જેમ કે,
રાધા ચૂડલો પેરજે મારા નામનો 
                              રાધા, ચૂડલો અને પ્રેમ !
આંખમાં કંકુ કપાળે કાજળ
                             કંકુ અને કાજળ એટલે સ્ત્રીની વાત.. અને તેના સ્થાન બદલાયા એટલે તેના પર અત્યાચારની વાત ! 
હું રે વિજોગણ તારા નામની 
                            પ્રેમીના વિરહમાં પ્રેમિકા થઇ હશે વિજોગણ !
પિયુ તારા વિના મને એકલું લાગે
                            પ્રેમી વિના પ્રેમિકાને કેવું લાગે !
દલડું દીધું મેં કારતકના મેળામાં 
                             મેળામાં ઇલુ ઇલુ !
મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે
                             તમે જ કહો જોઈએ કે ક્યાં બોલે ?
ચાલો ઉજવીએ પુરુષોત્તમ માસ 
                             ભક્તિભાવભરી ફિલ્મની જય !
મારા રૂદિયે રંગાણા તમે સાજણા 
                             પ્રેમરંગ !
હાલ રુપલીને પૈણવા 
                          દર્શકો ફિલ્મ જોવા આવે કે જાનમાં ?

આ તો કંઈ નથી.. "નામસાગર"માંથી ઉડેલા થોડાક નામના થોડાક છાંટા છે.. હજુ તો આવા નામથી "સિનેસાગર" છલકાય છે..તમે શું કહો છો આ બધા નામ વાંચીને ? 

Monday 24 May 2010

રાહ જોઉં છું..

બ્લોગ પર નવી પોસ્ટ મુકવી છે, પણ રાહ છે એકાદ સારી ફિલ્મની.. કંઈક નવું જોવા મળે તો લખું ને.. આ વખતે બે ફિલ્મ પરદા પર આવી "મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે" અને "મોંઘા મુલની પ્રીત".. અખબારમાં તેની જાહેરાત જોઈ.. જોવા જવું હતું પણ સ્ટારકાસ્ટ અને ફિલ્મના નામ અને પોસ્ટર જોઇને હિંમત ના થઇ. હા "મોંઘા મુલની પ્રીત"માં હિતેન કુમાર દેખાય છે,, પણ જાહેરાતમાં જે રીતે બેઉ હીરોને રજુ કરાયા છે એ જોતા એવું જ લાગે છે કે કદાચ હિતેન કુમારના નામનો જ ઉપયોગ કરાયો હોઈ શકે. જો કંઈક હટકે નહિ આવે તો તે જોવા દર્શકો કેમ આવશે ? 

Monday 3 May 2010

સ્વર્ણિમ સિનેમા..!! સોનેરી શમણું


              સ્વર્ણિમ ગુજરાતની સોનેરી ઉજવણી થઇ. બધું સોનેરી સોનેરી દેખાયું. પણ સવાલ એ છે કે બતાવવામાં આવેલી ગુજરાતની આ ચમક દમકનું એકાદું સોનેરી કિરણ ગુજરાતી સિને જગત પર  દેખાય છે ખરું ? ગુજરાતી સિને જગત કઈ દિશા અને દશામાંથી પસાર થઇ રહ્યું છે એ ચર્ચાનો વિષય છે. આ વિશે ક્યારેક ચર્ચા થાય છે.. બસ એટલું જ..બાકી બધું ત્યાનું ત્યાં જ. "પરિવર્તન સંસારનો નિયમ છે" આ વાક્ય કદાચ ગુજરાતી સિને જગત સાથે સંકળાયેલા મોટાભાગના લોકો સ્વીકારવા તૈયાર નથી.. હા થોડો વર્ગ એવો છે કે જે ઈચ્છે છે કે, પરિવર્તન જરૂરી છે. ગુજરાતી ફિલ્મને નવારૂપ રંગ સાથે નવી તરાહથી રજુ કરવા કેટલાક કલાકાર કસબીઓ મથામણ કરી રહ્યા છે, પણ આવા લોકોના નામ ગણવા આંગળીના વેઢા પૂરતા છે. શું આટલા લોકોના પ્રયત્નો પૂરતા છે ગુજરાતી સિને જગતને સધિયારો આપવા ? આ સવાલનો જવાબ છે 'ના'.  

            ગુજરાતી સિને જગતનો સુવર્ણકાળ હવે ભૂતકાળ બની ગયો છે એવું કહીને કંઈક બોલ્યાનો સંતોષ મેળવી લેવો પુરતો નથી. જરૂર છે ગુજરાતી સિને જગત માટે કંઈક કરવાની.. અને સ્વર્ણિમ ગુજરાતનું આ પાસું ૨૪ કેરેટ સોનાનું ના હોય એ સમજ્યા.. પણ સોનાનાં ઢોળાવવાળું તો જોઈએ ને ? સ્વર્ણિમ સિને જગત માટે જોઈએ છે બદલાયેલું સિને જગત. જેને જોઈ દરેક ગુજરાતી વટથી કહે, આ છે અમારું સિને જગત.  જોકે, આ માટે સિને જગતને જોઈએ છે આ બાબતો : 
પ્રદેશની નહિ ગુજરાત માટેની ગુજરાતી ફિલ્મ 
અમુક ફિલ્મ સૌરાષ્ટ્રમાં ચાલે છે તો અમુક ફિલ્મ ઉત્તર ગુજરાતમાં ધૂમ મચાવે છે. તો વળી અમુક ફિલ્મ માત્ર ને માત્ર દક્ષિણ ગુજરાતમાં જ ચાલે છે. આમાં ગુજરાતની ફિલ્મ ક્યાં ? ગુજરાતી ફિલ્મ બને છે તે ગુજરાત માટે બને છે કે કોઈ વિસ્તાર માટે તે સમજવું જ અઘરું થઇ ગયું છે. 
નવી વાર્તા 

ગુજરાતી ફિલ્મ જોયાં બાદ એમ થાય કે ગામ, જમીનદાર, ગરીબનો છોકરો-અમીરની છોકરી, વિખુટા પડેલા પ્રેમીઓ નો મેળાપ, ચુંદડી-ચૂડલો-પાલવ-માંડવો-બાળપણની પ્રીત અને બીબાઢાળ વાર્તા સિવાયની કોઈ વાત  જ નહિ હોય ? ક્યાંક પ્રયત્ન થયા છે પણ એ ફિલ્મ લોકો સુધી પહોચી નથી. 
મજબુત સંવાદ 
" મારા રુદિયાની રાણી તને જોઈ હૈયામાં પ્રીતની પહેલી મોસમનો સાદ સંભળાય છે", "તારી પ્રીતના પાલવથી... " " તારી આંખોમાં પ્રીતનું પુર દેખાય છે" આવા ટીપીકલ ડાયલોગ આજે કયો ગુજરાતી પોતાની પ્રેમિકા સામે જઈને બોલે છે ? કોઈ જ નહિ. તો પછી ગુજરાતી દર્શકોની માથે કેમ આવા જ ડાયલોગ મારવામાં આવે છે ?
જોરશોરથી પ્રચાર 
કેટલીયે ફિલ્મ્સ આવીને જતી રહે છે, જોવાની તો દુર રહ્યું નામ પણ સંભાળવા નથી મળતું. તો કેટલાક લોકો ફિલ્મ સારી હોવાનો દાવો કરે છે પણ એ સારી છે એ વાત લોકો સુધી નહિ પહોચાડાય તો લોકો ફિલ્મ સુધી જશે કઈ રીતે. ગુજરાતી સિને જગતનું સૌથી નબળું પાસું તેના પ્રચારનો અભાવ છે.
ગાડરિયા પ્રવાહમાં નહિ તણાવાનું પસંદ કરતા સિને નિર્માણકારો 
"આવું તો ના જ કરાય", "આવું તો ના જ ચાલે.." "દર્શકો આવી જ ફિલ્મ જુએ છે", "દર્શકો ફલાણો હીરો કે ફલાણી હિરોઈન હોય તો જ ફિલ્મ જોવા જાય..", " ફિલ્મનું ટાઈટલ  લાંબુ લચક જ ચાલે", "બીજા જે કરે તેવું કરો તો જ સફળ થવાય" એવું માનનારાઓનો અતિરેક છે. એટલે બદલાવ આવવાની આશ દેખાતી જ નથી.
સબસીડીને કમાણીની સીડી ન બનાવનારા સિને નિર્માણકારો 
સરકાર ગુજરાતી ફિલ્મ્સની સ્થિતિને લઇ ગંભીર બની અને ગુજરાતી ફિલ્મના નિર્માતાઓને ટેકો કરવા માટે રૂપિયા પાંચ લાખની સબસીડી જાહેર કરી. ઘણા નિર્માતાઓ આ ટેકાને જ આધાર બનાવીને ઉભા રહી ગયા. તેમણે સબસીડીનો ઉપયોગ કમાણીની સીડી તરીકે કર્યો. સબસીડીના ઉપયોગને બદલે દુરુપયોગની નીતિએ સિને જગતની ઘોર ખોદી. અહી સુપરસ્ટાર હિતેન કુમારનું એક નિવેદન ટાંકવાનું મન થાય કે, " સબસીડી વધારો.... સબસીડી વધારો.... એમ એક યાચક બનીને જતા પહેલા એ સાબિત કરીને બતાવો કે સરકારે તમને આજ સુધી જે આપ્યું તેનું તમે વળતર આપ્યું છે "
સરકારની નીતિમાં બદલાવ 
સરકાર શુભાશયથી ગુજરાતી સિને નિર્માણકારને રૂપિયા પાંચ લાખની સહાય આપે છે. સરકારનો આશય સારો છે.. પણ અહી 'સબ સમાન'  વાજબી થોડું ગણાય ? ઘોડા અને ગધેડા બેઉને સરખા એ ક્યાંનો ન્યાય ? સબસીડીની સરકારની નીતિમાં જરાક ફેરફાર કરાય અને જેવી ફિલ્મ એ પ્રમાણે સબસીડી આપવામાં આવે તો ન્યાય તોળાશે. ગ્રેડ સિસ્ટમને આધારે સબસીડીની નીતિ ઘડી શકાય. 
૩ કલાક બેસી શકાય તેવા સિનેમાગૃહ 

આ વાંચનારાને એક સવાલ, તમે છેલ્લે કઈ ગુજરાતી ફિલ્મ થીયેટરમાં બેસીને જોઈ ? રહેવા દો. જવાબ માટે ના મથશો કારણ કે એ માટે પહેલા તમારે એ યાદ કરવું પડશે કે છેલ્લે તમે કઈ ગુજરાતી ફિલ્મ જોઈ. 'મોટાભા'  ફિલ્મના ફસ્ટ ડે લાસ્ટ શોમાં જોવા હું મારા મિત્ર અમરદીપસિંહને લઇ ગયો. ફિલ્મ જોઇને તેમણે જે કોમેન્ટ હળવા મૂડમાં કરી તે ઘણી ગંભીર લાગી.. મેં પૂછ્યું કે, ''બાપુ, ફિલ્મ કેવી લાગી ?'' અમરે જવાબ આપ્યો, "ફિલ્મ છોડ પહેલા મન ભરીને ખુલ્લી હવામાં શ્વાસ લેવા દે ! તને સંશોધન બાદ એમ.ફીલની ડીગ્રી આપવાની જગ્યાએ આવા થિયેટરમાં બેસીને ફિલ્મ જોવા બદલ એમ જ ડીગ્રી આપી દેવી જોઈએ" અમારી ચર્ચામાં ફિલ્મની 'કથા'ને બદલે થિયેટરની 'વ્યથા'  મુખ્ય બની ગઈ !
ફિલ્મ બનાવનારનું સાચું સંગીત સંભળાય તેવી સાઉન્ડ સિસ્ટમ
ફિલ્મની અર્ધી સફળતા તેના સંગીતમાં છે. પણ જો સાઉન્ડ સિસ્ટમ સારી ના હોય તો સારું સંગીત પણ શા કામનું ? ફિલ્મની  સારા સંગીતની 'પથારી' ફરતા મેં સાંભળી છે ફિલ્મ 'મોટાભા'નું સરસ સંગીત હોવા છતાં સરસ ન સંભળાયું ! કારણ માત્ર ખરાબ સાઉન્ડ સિસ્ટમ. 
હીરો-હિરોઈન અને વિલનનું એક જ ઘર ! 
મોટાભાગની ગુજરાતી ફિલ્મ જુઓ, એક જ લોકેશન પરદા પર ડોકિયા કરતુ દેખાશે. દરેક ફિલ્મમાં એક હોય તે સમજ્યા.. પણ એક જ ફિલ્મમાં હીરો-હિરોઈન અને વિલનનું ઘર એક જ હોય એ કઈ રીતે ગળે ઉતરે ? ચાલો બજેટના કરને એક જ ઘરમાં શુટિંગ કરવાનું હોય એ સ્વીકાર્ય..પણ બેક ગ્રાઉન્ડ પણ બદલવાની તસ્દી નહિ લેવાની ? 
શોખવાળા છેટા રહેજો રાજ ! 
વાર્તા-લેખક-કથા-પટકથા-ગીત-સંગીત-અભિનેતા-દિગ્દર્શક અને નિર્માતા.... આ દરેક પાછળ એક જ નામ વાચવા મળે એટલે સમજવું કે કોઈ શોખીન જીવડો છે. આવા શોખીન જીવડાઓએ ભેગા મળીને સિને ઉદ્યોગને જીવવા નથી દીધો.. તમારા શોખને પોસવામાં તમે સિને ઉદ્યોગને કેટલું નુકસાન પહોચાડો છો એ ક્યારેય વિચાર્યું છે ખરું ? આવા શોખ અને 'ઈતર પ્રવુતિ' માટે ફિલ્મ બનાવનારાઓ ફિલ્મ બનાવવાનું માંડી વાળીને સિને જગતની મોટી સેવા કરી શકે. આજ મામલે હવે હિતેન કુમારે ઝુંબેશ ઉપાડી છે અને તેઓ સિનિયર કલાકારોને અપીલ કરી રહ્યા છે કે, "સારી ફિલ્મ બનાવનારને પરખો અને તેને જ સાથ આપો. માત્ર થોડાક રૂપિયા માટે કલાને ધંધો બનાવનારને સાથ આપી પ્રોત્સાહન આપવાનું ટાળો." 

આ મુદ્દા તો માત્ર નમુના છે. આ સિવાય પણ કેટલીયે એવી બાબતો છે જેના પરત્વે નજર નાખવાની હજુ બાકી છે.. કોઈ એકલપંડે કે થોડાકનો સમૂહ જો બદલાવ ઈચ્છે તો નહિ આવે.. બધા સાથે મળશે અને સહ્પ્રયત્ન કરશે તો ગુજરાતી સિને ઉદ્યોગકારો પણ સ્વર્ણિમ ગુજરાતની ગાથામાં પોતાનું પ્રકરણ આબરૂભેર ઉમેરાવી શકશે. 



Saturday 6 March 2010

બેટર હાફ : રીયલી.... અ સિમ્પલ ગુજરાતી ફિલ્મ





                 વર્કિંગ કપલ્સની સમસ્યા, સંઘર્ષ અને સમજણવાળું સમાધાન.. આ બધી બાબતોનો સરવાળો એટલે આશિષ કક્કડની ફિલ્મ 'બેટર હાફ'.. 'બેટર હાફ' બીજી ફિલ્મ્સ કરતા 'બેટર' લાગવાનું સીધું જ કારણ છે બીબાઢાળ રજૂઆતથી કિનારો કર્યો તે.... ફિલ્મના ગીતના શબ્દો ગમી જાય તેવા અને સંગીત પણ કર્ણપ્રિય. બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ કાનને ગમ્યું. 
વાર્તા : 
માનવ ( ધર્મેન્દ્ર ગોહિલ ) અને કામિની ( નેહા મહેતા ) નો પરિચય પહેલા પ્રણય અને બાદમાં પરિણયમાં પરીણમે છે. જેવું બધાની જિંદગીમાં થાય છે તેવું જ આ કપલની જિંદગીમાં પણ થયું. પહેલા મજ્જાની લાઇફ અને પછી લાઇફલાઈન ક્યાંક તૂટે. કારણરૂપ બને છે પત્નીના સપના કરતા બમણો બની જતો પુરુષનો પરિવાર પ્રેમ. સ્ત્રી પોતાના પરિવારને ભૂલી પતિના પરિવારને પોતાનો બનાવે છે.. પણ પતિ મોટાભાગના કિસ્સામાં પત્નીના શમણાને નગણ્ય ગણે છે. માનવ અને કામિની પણ આ જ તબક્કામાંથી પસાર થયા. સંજોગવસાત માનવના ઘરનો પ્રસંગ અને કામિનીનો ડ્રીમ પ્રોજેક્ટ બંને  એક સાથે જ આવે છે. આ ઘટના એટલે બંનેના છુટા પડવાનું કારણ. જરૂરિયાત એટલે જ પ્રેમ એમ સમજતા માનવને જીભાઈ ( રાજુ બારોટ ) સમજાવે છે પ્રેમની પરિભાષા. જરૂર પડ્યે માનવની મમ્મી ( ડાયના  રાવલ ) સમજાવે છે પોતાના પુત્રને.. અને સમજણ બાદ ફરી શરુ થાય છે બંનેનો સંસાર... પ્રેમ અને સમજણ વચ્ચેના સંઘર્ષને આશિષભાઈએ સારી રીતે રજુ કર્યો છે.. ઘણાબધા કપલ્સને સ્પર્શતો વિષય હોઈ મજ્જા પડી.. 
 અભિનય : 
ધર્મેન્દ્ર ગોહિલ અને નેહા મહેતાના મજબુત અભિનય ફરતે ફરે છે આખી ફિલ્મ. બંનેએ પોત પોતાના કિરદારને જોરદાર ન્યાય આપ્યો છે. તો રાજુ બારોટ, ડાયના રાવલ, હરિતા દરેક જામે છે. મયુર ભલે બે જ ડાયલોગ બોલે પણ તેનું પાત્ર દર્શકને સહજતાથી હસાવી જાય છે. 
લોકેશન : 
માધુર્ય અને અમદાવાદના બીજા લોકેશન અમદાવાદીઓ તો ઓળખી જ જવાના. જોયેલા લોકેશન જોઈ બધું પોતીકું હોવાનો ભાવ જાગે.
બહુ ગમ્યું..
નવી તરેહની ગુજરાતી ફિલ્મ બનાવી તે. 
આવી ફિલ્મ બનાવવાની હિંમત દાખવી તે. 
ગણગણવા ગમે તેવા ગીતો આપ્યા તે.
મસ્ત મજાનું સંગીત આપ્યું તે.
સંદેશ આપતી ફિલ્મ બનાવી તે..
સારા... સ્પષ્ટ અને સીધી જ વાત કરતા સંવાદો લખ્યા તે. જરૂર પડ્યે રૂટીન લાઇફમાં બોલતા અંગ્રેજી વાક્યો વાપર્યા તે.
મલ્ટીપ્લેક્ષમાં રીલિઝ કરી તે.  
થોડું ખટક્યું...
માનવ અને કામિનીની ફરતે ફરતી વાર્તામાં બીજા પાત્રો વિસરાયા તે. જેમકે રજીસ્ટર્ડ લગ્નમાં પરિવારજન, મિત્ર કે બીજું કોઈ જ નહિ.. સાક્ષી પણ નહિ !! ,,,,, માનવ-કામિનીના ઝઘડા બાદ માનવ બોલે છે..''કામિની બધા જુએ છે''  આ સંવાદ વખતે માત્ર તે બે જ ફ્રેમમાં હતા.. તો જોતું કોણ હતું !!??
બહુ જ ઓછા લોકેશન્સનો ઉપયોગ.
મને ખટકેલી આ વાત વાંચીને 'બેટર હાફ' ટીમને કદાચ ખટકે.. મારો આશય આખીયે 'બેટર હાફ' ટીમનું દિલ દુભાવવાનો નહિ.. પણ આપની next મોટા બજેટની ફિલ્મ બાદ કોઈ આવું લખી કે કહી ના જાય તે માટે 'પાનો' ચઢાવવાનો છે.  તમારા જેવા કંઇક નવું કરનારની તો પીઠ થાબડવાની હોય.. પણ સાચું કહું સાહેબજી.. એક દર્શક તરીકે ના ગમ્યું તો કહી દીધું કારણ કે તમારી next મોટા બજેટની ફિલ્મ આનાથી પણ હટકે જોવાની આતુરતા છે. ગુજરાતી ફિલ્મ જેને જોવાની ઈચ્છા છે તે 'ડેડ ઓડીયન્સ'  આપની ફિલ્મ થકી ફરી થિયેટર સુધી આવતું થાય અને આ ફિલ્મ બહુને બહુ લોકો સુધી પહોચે એવી શુભેચ્છા.  'બેટર હાફ' ગુજરાતી સિનેજગત માટે 'બેટર'  પુરવાર થાય તેવી ખરા દિલથી અભ્યર્થના...

Sunday 7 February 2010

મોટાભા : ઘણા સમયે આવી એક પારિવારિક ફિલ્મ




બાર બાર વર્ષે કિરણ કુમાર ફરી ગુજરાતી ફિલ્મમાં આવવાના હોય એટલે સિનેરસિકને એ ફિલ્મ જોવાની ઉત્કંઠા જરૂર હોય. ગુજરાતી ફિલ્મ જગતના અભ્યાસુ અને ગુજરાતી ફિલ્મના રસિક તરીકે મને પણ એ ફિલ્મ જોવાની એટલી જ ઉત્કંઠા હતી. શુક્રવારે જ છેલા શો માં પહોચી ગયો થિયેટર પર. ટિકીટબારી પર ભીડ જોઈ હાશકારો પણ થયો. થિયેટર ચિક્કાર ભરેલું હતું એ જોઈ ખુશી વધી. પહેલી વાર સાઉથના નિર્માતા હોઈ ફિલ્મમાં સાઉથ ટચ હશે તેવી અપેક્ષા સાથે ફિલ્મ જોઈ.

ડી. રામાનાયડુ પ્રસ્તુતિ અને અવિરાજ દિગ્દર્શિત ફિલ્મ મોટાભા એ પારિવારિક વાર્તા પર આધારિત છે. આ વાર્તા મોટાભાની આસપાસ ગુથાયેલી રહે છે. મોટાભાએટલે કે ધર્મરાજસિંહ ગોહિલ  એક એવું વ્યક્તિત્વ કે જે પરિવારને હૂફ આપવા... પરિવારને એક રાખવા બધું ન્યોછાવર કરી દે છે. પણ સંજોગો એવા સર્જાય છે કે મોટાભાના પરિવારનો માળો વીંખાઈ જાય છે. મોટાભાને ત્રણ ભાઈઓ હોવા છતાં તેમને છેક સુધી સાથ આપનાર એક જ ભાઈ રહે છે. મોટાભાને ઉપકારનો બદલો અપકારથી મળે છે. તેમને જશને બદલે અપજશ મળે છે. તે હંમેશા સુખ વહેચતા ફરતા હોય છે.. પણ વિધાતા તેમના નસીબમાં લખે છે. નર્યું દુખ. આ જ ફિલ્માં એક સંવાદ મુજબ કૌરવો અને પાંડવોની લડાઈમાં છેવટે બાણથી વિંધાય છે ભીષ્મ. કંઈક આવી જ હાલત થાય છે આ ફિલ્મમાં મોટાભાની. 

મોટાભાના કિરદારમાં કિરણ કુમાર રંગ જમાવે છે.  કિરણ કુમારના સૌથી નાનાભાઈના પાત્રમાં હિતુ ખીલી ઉઠે છે. સાથે મોના થીબા પણ મનને ફાવે તે જ કરવા વાળી મનસ્વિનીના પાત્રને ન્યાય આપે છે.  તો પદમારાણી અને રાગિણી જેવા ધરખમ કલાકારો હોઈ અભિનયનું પાસું સશકત છે. ફિલ્મમા મજ્જા પડી જાય તેવી બાબત છે ફિલ્મના મસ્ત ગીતો.. "એ છોરી.. '' અને ''કે ને મારા કાન કુંવર, i love you કહી દે'' જેવા ગીતો આજની પેઢીને સો ટકા ગમે ગમે ને ગમે જ.((જો કે, હું જે થીયેટરમાં ફિલ્મ જોવા ગયો ત્યાં કમનસીબે સાઉન્ડ એટલું ખરાબ હતું કે સંગીતકાર ઇકબાલ દરબાર અને દિગ્દર્શકે કરેલી મહેનત એ ખરાબ સાઉન્ડમા દબાઇ જાય.)) ગીતમા કોસ્ચ્યુમ-લોકેશન પણ ગમી જાય તેવા છે. ગુજરાતી ફિલ્મ્સના ગીત બીબાઢાળ રાગ થી હટીને આવા થઇ જાય એટલે તો બાપુ મોજ પડી જાય ને.. હિતુ-મોનાનું ટ્યુનીંગ જોતા ડાન્સ તો ધમ્માલ જ હોય એમાં બેમત નથી. અત્યારે બની રહેલી ફિલ્મ્સની સરખામણીએ નિર્માણ પણ સારું હતું. બસ જે વાત ખટકી તે એ કે.. દમદાર સ્ક્રિપ્ટના અભાવે આખીય ફિલ્મ જોયા બાદ મન પર હાવી થઇ જાય તેવું કોઈ પણ પાત્ર નથી. જે અપેક્ષા ના સંતોષાઈ તે એ કે સાઉથના નિર્માતા હોઈ ફિલ્મના એડીટીંગમાં સાઉથ ટચ જોવા મળશે તેમ હતું . પણ માત્ર છેલ્લે હિતુ પર થઇ રહેલા હુમલાને રોકવા કિરણ કુમાર ખેસથી તલવાર હટાવે છે. તે એક સીન સિવાય સાઉથ ટચ ક્યાંય સ્પર્શી ના શક્યો. 
હાલ જયારે પ્રેમ કહાણીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે પારિવારિક વાર્તા સાથે આવવું એ પણ એક સાહસ જ છે. આ સાહસમાં સહભાગી થનાર ટીમને અભિનંદન. 

Thursday 28 January 2010

હિતેન કુમારનો મુક અભિનય બોલે છે

          હમણાં એક ફિલ્મ જોઈ. તેનું નામ છે, ''રાધા મારા રુદિયાની રાણી''. આ ફિલ્મની સૌથી મજાની વાત એ છે કે ફિલ્મનો નાયક મૂંગો છે. વગર બોલ્યે દર્શકો સુધી એક એક સંવાદ પહોચાડવાનો.. એટલે અભિનય ક્ષમતાની પૂરે પૂરી કસોટી. આ કસોટીમાં પર ઉતર્યા હિતેન કુમાર. આ ફિલ્મ મેં ત્રીજા અઠવાડિયે જોઈ. જોવા ગયો ત્યારે ત્રીજું સપ્તાહ હોઈ દર્શકો ઓછા હતા, પણ જેટલા હતા એ સૌને ફિલ્મ ભલે ના ગમે પણ હિતેન કુમારનું કિરદાર ગમી ગયું હશે એની સો ટકા ખાતરી. 
              વિમલ અને રાધા નામના બે ભાઈ બહેન, અને તેમનો લાખો નામનો ધરમનો ભાઈ.. ત્રણેય વચ્ચેના હેતના બંધનની આંટીઘૂંટીની વાત છે આ ફિલ્મમાં. મૂંગા વિમલના જીવનમાં આવતી એક પછી એક મુશ્કેલી અને તેનો વિમલ કઈ રીતે સામનો કરે છે તેનું નિરૂપણ કરાયું છે આ ફિલ્મમાં.     વિમલ અને પૂજાની પ્રેમ કહાણી પાંગરે એ પહેલા જ કરમાઈ જાય તે કરુણતા બતાવી છે આ ફિલ્મમાં.   પ્રેમિકાના મોત બાદ આક્રંદ કરતા હિતેન કુમારને જોઈ રૂવાંટા ચોક્કસ ઉભા થઇ જાય. તો સપના અને લાખાની પ્રેમ કહાણી શરુઆતમાં ગલગલીયા કરાવે છે. વાત રહી ત્રીજી પ્રેમ કહાણીની. તો નીતિન અને રાધાની પ્રેમ કહાણી સાવ સરળ બતાવી છે. વળી ગળાડૂબ પ્રેમ કરતો નીતિન અચાનક વિશ્વાસ ખોઈ બેસે અને પોતાની પ્રેમિકાને બેવફા માનવા લાગે એ સ્વીકારવું અઘરું લાગ્યું. 
આખી ફિલ્મ જોયા પછી એક વિચાર આવ્યો.. જો આ ફિલ્મમાં હિતેન કુમારના ભાગે બોલવાનું આવ્યું હોત તો.. ? કારણ કે, એક પણ સંવાદ બોલ્યા વગર હિતેન કુમારના નામે ફિલ્મ બોલે છે. આખી ફિલ્મ હિતેન કુમાર, જીત ઉપેન્દ્ર અને વિભૂતિ ખેંચી જાય છે. ગાયકમાંથી નાયક બનવા આવેલા નીતિન બારોટનો આખીયે ફિલ્મમાં ક્યાય ગજ વાગતો નથી. હિતેન કુમાર-કિરણ આચાર્ય, જીત ઉપેન્દ્ર- સપના અને નીતિન- વિભૂતિ એમ ત્રણેય જોડી વચ્ચે પાંગરતી પ્રેમ કહાણી આ ફિલ્મમાં બતાવી છે. આ જોડીઓમાં નીતિન સાવ નવો નિશાળીયો છે એ ચોખ્ખું દેખાઈ આવે છે. દેખાવે પણ દર્શકો તેને નાયક તરીકે સ્વીકારે એ વાત ગળે ઉતરે તેવી નથી. વળી, વિરહી ગીતોનો દર્દીલો ગાયક નીતિન બારોટ પહેલી વાર પરદા પર કહી ને જે રીતે તેને પ્રમોટ કરાયો, તે જ વાત સાબિત કરવા પરાણે દર્દીલા વિરહી ગીતો તેની પાસે કલાઈમેક્સમાં ગવરાવ્યા એ સહન કરવું પણ અઘરું હતું. કારણ જે રીતે કલાઈમેક્સ જામ્યો હતો ત્યારે વચ્ચે વચ્ચે એ ગીત અને શાયરીનો મારો ચલાવાય એ દર્શકને કઈ રીતે પસંદ પડે ? 
એક ગાયક  નાયક તરીકે ચાલી જાય એટલે પાછળ બીજા ગાયકોને નાયક તરીકે લઇ ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ જે રીતે શરુ થયો છે એ કદાચ નિર્માતાને થોડોક આર્થિક લાભ કરાવી જાય.. અથવા ચાલી ગયેલા ગાયક સામે બીજા ગાયકને ઉતર્યાનો માનસિક સંતોષ મળે.. પણ એ સંતોષ લાંબે ગાળે ફિલ્મ ઉદ્યોગને નુકસાન પહોચાડનાર છે એ કેમ ભૂલી જવાય છે ? ગાયકને ગાયક રહેવા દો, નાહકના નાયક બનાવી તેમને દર્શકોની નજરમાંથી શા માટે ઉતારો છો ? 

Monday 25 January 2010

''હારુન અરુણ''ને એવોર્ડ બે, થિયેટર એક પણ નહિ !! વાહ રે ગુજરાત



           વધુ એક વાર ગુજરાતનું ગૌરવ ઝળક્યું આંતરરાષ્ટ્રીય સ્તરે.. આ વખતે પણ નિમિત બની ગુજરાતી બાળ ફિલ્મ 'હારુન-અરુણ'.  ઢાકામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં વિનોદ ગણાત્રા દિગ્દર્શિત આ ફિલ્મ 'જુવેનાઇલ ઓડિયન્સ એવોર્ડ' મેળવી સિદ્ધિનું એક છોગું પોતાના શિરે લગાવી ગઈ. ચિલ્ડ્રન્સ સોસાયટી દ્વારા નિર્મિત આ ફિલ્મે બીજી સફળતા મેળવી છે. આ પહેલા હારુન-અરુણે શિકાગોમાં ગુજરાતનો ડંકો વગાડ્યો હતો. ઉપર-છાપરી આ બીજી સફળતા મેળવનાર દિગ્દર્શક વિનોદ ગણાત્રા લાખ લાખ અભિનંદનના હકદાર છે. વિનોદ ગણાત્રા સાથે રાગિણીબહેન સહિતની ટીમ પણ અભિનંદનની અધિકારી છે. જે કોઈ ગુજરાતી આ સમાચાર જાણે તે કેટલો આનંદિત થઇ જાય.. જો કે, આ આનંદ વચ્ચે એક વાતનું દુખ અનુભવે કે આંતરરાષ્ટ્રીય સ્તરે નામ રોશન કરનારી ફિલ્મથી હજુ ગુજરાતની જનતા વંચિત છે. બોલો આટલી સારી ફિલ્મ હજી થિયેટરથી વંચિત છે. આ ફિલ્મ ક્યારે ગુજરાતના થિયેટરમાં આવશે એની રાહ ગુજરાતના સીનેરસિક જોઈ રહ્યા છે. યાર, એક તરફ સૌ કોઈ ફરિયાદ કરી રહ્યા છે કે, ગુજરાતી ફિલ્મ્સ સારી નથી હોતી. બીજી તરફ આટલી સારી ફિલ્મ જનતાને જોવા નથી મળતી. અરે ! બબ્બે આંતરરાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહમાં આ ફિલ્મને મળેલું સન્માન એ માત્ર, 'હારુન-અરુણ'નું  સન્માન નથી. માત્ર વિનોદ ગણાત્રા અને તેમની ટીમનું જ સન્માન નથી, પણ એ સન્માન છે ગુજરાતી ફિલ્મ જગતનું. એ સન્માન છે ગુજરાતી ભાષાની ફિલ્મનું. સન્માન છે ગુજરાતી ભાષાનું. જે ફિલ્મે આવું સન્માન અપાવ્યું છે એ ફિલ્મ થિયેટરમાં બતાવવા થિયેટર માલિકો વચ્ચે પડાપડી થવી જોઈએ. પણ અહી તો ઉલટી ગંગા છે. આ ફિલ્મ હજી પરદા પર નથી આવી એ જોતા તો એમ જ કહેવાય ને. ચિલ્ડ્રન્સ સોસાઈટી ઓફ ઇન્ડિયા દ્વારા આ ફિલ્મનું નિર્માણ સારી રીતે થાય એ માટે આર્થિક મદદ કરાઈ.. પણ હવે ખરી જરૂર તો તેને લોકો સુધી લઇ જવાની છે. નંદિતા દાસ ચિલ્ડ્રન્સ સોસાઈટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ પદે બિરાજેલા છે ત્યારે શું તેઓ એક ડગલું આગળ વધીને આ દિશામાં કશુંક નક્કર કરે તેવી આશા એક ગુજરાતી તરીકે અને એક ગુજરાતી સીને રસિક તરીકે હોય તો એમાં ખોટું કશું નથી. 
        સારી ફિલ્મને થિયેટર ના મળવું એ વિનોદ ગણાત્રા માટે નવું નથી. આ પહેલા તેમની જ ફિલ્મ ''હેડા હોડા'' વખતે  પણ આવું જ થયું હતું. ''હેડા હોડા'' પણ ઢગલાબંધ એવોર્ડ પોતાની ઝોળીમાં મેળવી ચુકી છે. અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડસ સમારોહની સફર કરી ચુકેલી આ ફિલ્મ હજુ સુધી આપણાં ગુજરાતના થિયેટર સુધી નથી પહોચી શકી. લો બોલો, આને શું કહીશું.. ? આપણાં ફૂટેલા નસીબ બીજું શું ? ''હેડા હોડા'' જેવી સારી ફિલ્મથી આપણે તો વંચિત રહ્યા છીએ. શું ''હારુન અરુણ''નું પણ એવું જ થશે ? આશા રાખીએ આ વખતે કોઈ સાચો ગુજરાતી જાગે અને ''હારુન-અરુણ''ને થિયેટર સુધી લઇ આવે. લઇ આવો યાર, આ ફિલ્મ જોયા બાદ ગુજરાતી ફિલ્મ્સ સારી નથી હોતી એવું કહેનારના મો સિવાઈ જશે એ નક્કી છે.. 

Friday 1 January 2010

લાડવા નહિ પેંડા ખાવાનું ''બારમું''



સવાર સવારમાં છાપું આવે એટલે ઘણાને ટેવ હોય 'બેસણું' કોનું છે ને કોણ 'ગયું' એ પાનું ખોલવાની... મારી ટેવ હેડલાઈન્સ જોવાની છે, સિવાય કે શુક્રવાર. જો શુક્રવાર હોય તો  હેડલાઈન્સ છોડીને સીધું જ ફિલ્મ કઈ આવીને કઈ ગઈ એ જોવાની આદત. આ શુક્રવારે પણ આદત મુજબ છાપું ખોલ્યું ને મજ્જા પડી ગઈ. કારણ એ હતું કે તે દિવસે આપણું ઢોલીવુડ એ બોલીવુડની સમાંતર હતું. બે ફિલ્મ્સ બોલીવુડની ( ''રાત ગઈ બાત ગઈ'' અને ''બોલો રામ'' રીલીઝ થઇ અને બે  ઢોલીવુડની ( ''ધમ્માચકડી'' અને ''સજની છે દેશમાં ને વાલમ વિદેશમાં'' ) રીલીઝ થઇ. બોલીવુડની અગાઉ રીલીઝ થયેલી ''  થ્રી ઇડીયટસ''  અને ''પા'' ધૂમ મચાવે છે તો આપણી બે ફિલ્મો પણ હજુ પરદા પર છે.. ''તને પારકી માનું કે માનું પોતાની'' અને ''હૈયાની હાટડીમાં હેતના હસ્તાક્ષર''. બોલો કોઈ પણ ગુજરાતી સીને રસિકને મોજમાં લાવી દે તેવી વાત છે કે નહિ ? 
આ બધા કરતા મોજ આવે તેવી વાત તો હજુ બાકી છે. વાત જાણે એમ છે કે, આ અઠવાડીએ એક ગુજરાતી ફિલ્મનું ''બારમું'' બેઠું. જો જો પાછા કઈ સોગીયું ના વિચારતા આતો હરખાવાનું ''બારમું'' છે. લાડવા ખાવાનું નહી પેંડા ખાવાનું ''બારમું'' છે. તમે કહેશો કે એવું તો કયું ટાણું છે કે આટલો હરખ થાય.. ભાઈ કોઈ ગુજરાતી ફિલ્મ ૧૨ અઠવાડિયા પુરા કરે તો હરખ થાય કે નહિ ? હરસુખ પટેલ દિગ્દર્શિત અને વિક્રમ ઠાકોર અભિનીત ''તને પારકી માનું કે માનું પોતાની'' ફિલ્મનું આ બારમું સપ્તાહ છે. હાલ કોઈ હિન્દી ફિલ્મ ૧૦ અઠવાડિયા પુરા કરતી નથી ત્યારે આપણી ગુજરાતી ફિલ્મ બાર-બાર અઠવાડિયા ખેચી નાખે એથી રૂડું શું ? 
વિક્રમ અને હિતુ કનોડિયા અભિનીત ''પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય '' ફિલ્મે સિલ્વર જ્યુબીલી ઉજવી ત્યારે દેશની પહેલી સિલ્વર જ્યુબીલી ફિલ્મનો 'વિક્રમ' સ્થાપ્યો હતો.. ત્યારે વિક્રમની આ ફિલ્મે એની અર્ધી મંજિલ તો પૂરી કરી લીધી છે. બારમું સપ્તાહ ચાલી રહ્યું છે, અને આશાવાદી અભિગમથી વિચારીએ તો હવે માત્ર તેર સપ્તાહ જ બાકી છે. પછી સર્જાશે વધુ એક ગુજરાતી ફિલ્મ સિલ્વર જ્યુબીલી થવાનો 'વિક્રમ' .. જોકે હાલના ગુજરાતી સીને રસિકોની ઘટતી જતી સંખ્યાને જોતા તેર અઠવાડિયાનો મારગ કાપવો અઘરો છે... ખેર, બેસ્ટ ઓફ લક.. 
જીતેન્દ્ર બાંધણીયા, બુલેટીન પ્રોડ્યુસર, ટીવી ૯