Monday 11 April 2011

1932-2011 આઠ દાયકા - આઠ સવાલ

             નવમી એપ્રિલ, 1932નો સૂર્યોદય એટલે સવાક ગુજરાતી ચિત્રપટનો સૂર્યોદય. આ જ દિવસે રજૂ થયું હતુ નાનુભાઈ વકીલ દિગ્દર્શિત પહેલું ગુજરાતી ચલચિત્ર 'નરસિંહ મહેતા'.  ત્યાર બાદ દર વર્ષે 'સંસારલીલા', 'અક્કલના ઓથમીર' અને 'બે ખરાબ જણ' એમ એક પછી એક ચલચિત્રો બનતા ગયા. બીજા વિશ્વયુદ્ધના કારણે 1941થી 1945 સુધી ફિલ્મ ઉદ્યોગમાં દુષ્કાળ રહ્યો. આ દુષ્કાળનો અંત આવ્યો 1946માં વી. એમ. વ્યાસ દિગ્દર્શિત ફિલ્મ 'રાણકદેવી'થી. વી. એમ. વ્યાસે એ પછી પણ 'બહારવટિયો,' 'સતી જસમા', 'શામળશાનો વિવાહ' સહિતના ધાર્મિક અને લોકકથાનક વાળા ચલચિત્રોનું નિર્માણ કર્યું. તો રતિભાઈ પૂનાતરે 'ગુણસુંદરી', 'નણંદ ભોજાઈ', 'મંગળફેરા' સહિતની સામાજિક વિષયની ફિલ્મ્સ બનાવી નવો ચીલો ચીતર્યો. દિગ્દર્શક મનહર રસ કપૂરે ત્રણ વાર 'જોગીદાસ ખુમાણ' સહિત લોક કથાનકવાળી ઘણી ફિલ્મ્સ દર્શકોને પીરસી. બળવંત ભટ્ટ દિગ્દર્શિત 'દીવાદાંડી' ફિલ્મ થકી ગુજરાતી ચાહકોને મળ્યું, "તારી આંખનો અફીણી.." જેવું અફલાતૂન ગીત. ત્યાર બાદ એક પછી એક ફિલ્મ દર્શકોને મનોરંજન પીરસતી રહી. 1947થી 1950ના ગાળામાં 70 જેટલી ફિલ્મ નિર્માણ પામી. પણ એ પછીના દસકામાં નિર્માણ પામેલાં ચલચિત્રોની સંખ્યાં માંડ 20 થાય છે. તેમાંથી ગણનાપાત્ર એટલે મનહર રસ કપૂર દિગ્દર્શિત 'કન્યાદાન'  અને 'મૂળુમાણેક'. પન્નાલાલ પટેલની નવલકથા મળેલા જીવ પરથી બનેલી 'મળેલા જીવ' પણ દર્શકજીવના મનને મળી ગઈ. સાઈઠના દસકાનું છેલ્લું વર્ષ ગુજરાતી સિનેજગતને બે અદભૂત ફિલ્મની ભેટ ધરતું ગયું. આ બંને ફિલ્મના દિગ્દર્શક એક જ હતા.. મનહર રસ કપૂર. પહેલી ફિલ્મ તે 'કાદુ મકરાણી' અને બીજી ફિલ્મ એટલે 'મહેંદી રંગ લાગ્યો'. બંને ફિલ્મ ન માત્ર કથાનક પણ સંગીતની દૃષ્ટિએ પણ યાદગાર બની ગઈ છે. બંને ફિલ્મમાં અવિનાશ વ્યાસે વૈવિધ્યસભર સંગીત પીરસ્યું.
       ત્યાર પછી હીરો સલાટ, વીર રામવાળો, જોગીદાસ ખુમાણ, જીવણો જુગારી, વનરાજ ચાવડો  ફિલ્મ્સે સફળતાનો સ્વાદ ચાખ્યો. તો 'અખંડ સૌભાગ્યવતી' એ સરકાર પાસેથી કરમુક્તિ મેળવનાર પહેલું ચલચિત્ર બન્યું. આ ફિલ્મના ગીત અને કલ્યાણજી-આણંદજીના સંગીતે ધૂમ મચાવી હતી. એ પછી 'કસુંબીનો રંગ', 'કલાપી' લોકોને ગમ્યું. તો 'સમય વર્તે સાવધાન'નું "અમે અમદાવાદી.." ગીત તો આજે પણ તરોતાજા લાગે છે. 1968માં બનેલી 'લીલુડી ધરતી' ફિલ્મનું નામ સિનેજગતમાં રંગીન અક્ષરે લખાય છે. વલ્લભ ચોક્સી દિગ્દર્શીત આ ફિલ્મને પહેલી ગુજરાતી રંગીન ફિલ્મનો શ્રેય જાય છે. એ પછીના જ વર્ષે બનેલી ફિલ્મ 'બહુરૂપી'થી ગુજરાતી સિને જગતને મળ્યા જગજીતસિંહ જેવા ગાયક તો.. એ જ વર્ષે બનેલી કાંતિલાલ રાઠોડ દિગ્દર્શિત ફિલ્મ 'કંકુ'ની સફળતા તો રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી. 
               એ પછીના દસકમાં ધરતીના છોરુ, જિગર અને અમી, વેલીને આવ્યા ફૂલ મહત્ત્વની ગણી શકાય. જિગર અને અમીથી આવ્યા સંગીતકાર મહેશ કનોડિયા ( જેઓ ત્યારે મહેશ કુમારથી ઓળખાતા ) તો વેલીને આવ્યા ફૂલ ફિલ્મથી આવ્યા ગુજરાતી સિને જગતના નરેશ ( જેઓ ત્યારે નરેશ કુમાર નામ લખતા). 1971માં સર્જાઈ ગયો ઈતિહાસ. આ વર્ષે બની ફિલ્મ 'જેસલ તોરલ'. અગાઉ નાના નાના કિરદારમાં દેખાયેલાં ઉપેન્દ્ર ત્રિવેદી આ ફિલ્મ બાદ બની ગયા ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર. આ ફિલ્મ માટે તો એમ પણ કહેવાય છે કે, આ ફિલ્મે દર્શકોને ગુજરાતી ફિલ્મ જોતાં કર્યા. બસ આ ફિલ્મ બાદ તો ફિલ્મ નિર્માણકારોને સૌરાષ્ટ્રની વાર્તાઓનું ઘેલું લાગ્યું હોય એમ એક પછી એક ફિલ્મ લોક કથાનક પરથી બનતી ગઈ. 1975માં દિનેશ રાવળની ફિલ્મ 'મેના ગુર્જરી'થી મલ્લિકા સારાભાઈએ રૂપેરી પરદે દેખા દીધી. રાજીવ પણ ગુજરાતી ફિલ્મોમાં ચમક્યાં.  ઐતિહાસિક કથાનક ધરાવતી 'તાનારીરી' પણ સંગીતપ્રધાન ફિલ્મ હોઈ ગણનાપાત્ર રહી. ત્યારબાદ કે.કે.ના દિગ્દર્શનમાં આવેલી 'ડાકુરાણી ગંગા'થી સિનેજગતને નવતારીકાના રૂપમાં રાગિણી મળ્યા. ગુજરાતની પહેલી સિનેમાસ્કોપ ફિલ્મ એટલે 1976માં બનેલી ગિરીશ મનુકાન્ત દિગ્દર્શિત ફિલ્મ, 'સોનબાઈની ચૂંદડી'. 1977માં કનોડિયા ફિલ્મ્સની પહેલી ફિલ્મ 'વણઝારી વાવ' આવી. તો આ જ બેનરની ફિલ્મ, 'તમે રે ચંપોને અમે કેળ' હોરર કથાનક વાળી ફિલ્મ હોઈ તેની પણ નોંધ લેવી પડે. આ વર્ષો દરમિયાન રમેશ મહેતાએ હાસ્ય કલાકાર તરીકે પોતાનું નામ બનાવ્યું હતુ. આ જ નામને વટાવવા માટે 'ગાજરની પિપુડી' ફિલ્મ બનાવાઈ. જેમાં રમેશ મહેતા પહેલીવાર નાયક તરીકે ચમક્યા.
            સતત આવી રહેલી લોકકથાનક વાળી ફિલ્મ્સ વચ્ચે કે.કે.એ 'કુળવધૂ', 'ઘરસંસાર', 'સંસારચક્ર', 'વિસામો' જેવી અલગ ઘરેડની ફિલ્મ આપી. જો કે, લોકકથાનકવાળી ફિલ્મના આક્રમણ સામે સામાજિક ફિલ્મ્સ બહું ટકી ના શકી. જો કે, આવી ફિલ્મ્સે એક ચોક્કસ વર્ગનું ધ્યાન ચોક્કસ ખેંચ્યું. આ જ પ્રવાહની ગણાય તેવી ફિલ્મ એટલે કાંતિ મડિયાની 'કાશીનો દીકરો'. વિનોદીની નિલકંઠની વાર્તા પરથી બનાવાયેલી આ ફિલ્મે સૌને વિચારતા કરી મુક્યા. તો 'પારકી થાપણ', 'જોગ સંજોગ'ની પણ નોંધ લેવી જ રહી. 'જોગ સંજોગ'માં ગુજરાતનું પહેલું ડિસ્કો ગીત ફિલ્માવાયું હતુ.
         1981માં આવેલી કેતન મહેતા દિગ્દર્શિત ફિલ્મે ગુજરાતી સિનેજગતને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. આ ફિલ્મે ગુજરાતી સિનેજગતને એટલી ખ્યાતિ અપાવી કે, એ પછીના વર્ષોમાં એ ખ્યાતિને સંભારીને હરખાવા જેવું જ રહ્યું ! બાકી તો એક જ પ્રકારની ફિલ્મ્સ આવતી રહી. હા.. થોડું અલગ કરવાનો પ્રયાસ કર્યો નિમેષ દેસાઈએ. 1982માં નિમેષ દેસાઈ દિગ્દર્શિત 'નસીબની બલિહારી' એટલે પરેશ રાવલની પહેલી ગુજરાતી ફિલ્મ. આ જ ફિલ્મનું ગીત "સાંવરિયો રે મારો સાંવરિયો.." આજે પણ સૌને ગણગણવું ગમે તેવું છે. આ સિવાય પરેશ રાવલે, 'પારકી જણી'માં પણ અભિનય કર્યો છે. 1983માં આવેલી ફિલ્મ 'ઢોલા મારૂ' માં નરેશ કનોડિયા-સ્નેહલત્તાની જોડીએ ટંકશાળ પાડી. આ જ વર્ષે વિભાકર મહેતા દિગ્દર્શિત ફિલ્મ 'મહિયરની ચૂંદડી'ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. કેશવ રાઠોડ લિખિત આ ફિલ્મ પરથી દેશની નવ ભાષામાં ફિલ્મ્સ બની. ત્યાર બાદ 'પૂજાના ફૂલ' અને 'માણસાઈના દીવા' જેવી ફિલ્મ દર્શકોએ વખાણી. 
          1991થી 2000ના ગાળામાં બનેલી સવાસો જેટલી ફિલ્મ્સ પૈકી પહેલા જ વર્ષે બનેલી સંજીવ શાહ દિગ્દર્શિત ફિલ્મ 'હું હુંશી હુંશીલાલ'ને ફિલ્મોત્સવમાં ભારતીય પેનોરમામાં સ્થાન મળ્યું. આ ફિલ્મ બાદ ફરી પાછો સારી ફિલ્મ્સનો દુષ્કાળ પડ્યો.. આ દુ્ષ્કાળનો અંત આવ્યો છપ્પનિયા દુકાળની વાત ધરાવતી પન્નાલાલ પટેલની કૃતિ પરથી અભિનેતા-દિગ્દર્શક ઉપેન્દ્ર ત્રિવેદીએ બનાવેલી ફિલ્મ, 'માનવીની ભવાઈ'થી. આ ફિલ્મ ઘણી વખણાઈ-નવાજાઈ.આ અરસામાં ફિલ્મ નિર્માણના આંકડાં ઘટ્યા હતાં, તો દર્શકો તેનાથી વધારે ઝડપથી ઘટ્યા હતા. આથી ગુજરાતી ફિલ્મ જગતને બેઠુ કરવાં રાજ્ય સરકારે સબસિડી વધારીને પાંચ લાખ રૂપિયા કરી. આ જાહેરાત બાદ 1997માં ફિલ્મ નિર્માણનો આંક બે આંકડે પહોંચ્યો. 1998માં આવેલી ગોવિંદભાઈ પટેલ દિગ્દર્શિત ફિલ્મ, 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા'એ ફરી એક વખત દર્શકોને થિયેટર સુધી આવતા કર્યા. ત્યાર બાદ, 'ગામમાં પિયરિયું અને ગામમાં સાસરિયું' તથા 'કડલાની જોડ' દર્શકોને ગમી. કમાણીની દૃષ્ટિએ ગાયકમાંથી નાયક બનેલા મણિરાજ બારોટની ફિલ્મ 'ઢોલો મારા મલકનો' નોંધ લેવા જેવી ખરી.. બાકી અભિનયના 'અ'થી મણિરાજ ખાસ્સા છેટાં હતા.  ગુજરાતી ફિલ્મ સારી ન બની શકે એ માન્યતાને વિપુલ શાહે 'દરિયા છોરું' બનાવી ખોટી ઠેરવી. 'મહિયરમાં મનડું નથી લાગતું' અને તેની સિક્વલ બનાવી જશવંત ગાંગાણીએ ઈતિહાસ સર્જ્યો. પહેલીવાર ગુજરાતી ફિલ્મની સિક્વલ બની. આ સિવાય પણ જશવંતભાઈની 'મારા રૂદિયે રંગાણા તમે સાજણા સહિતની 'મ' શ્રેણીની ફિલ્મ્સને જોનાર તમામ દર્શકોએ વખાણી.
        વાસ્તવિકતા અને સત્ય સ્વીકારીએ તો.. ઈ.સ. 2000 પછી દર્શકો ગુજરાતી સિનેમાથી વિમુખ થઈ ગયા છે. દર્શકોની વિમુખતા વચ્ચે 'મોતીના ચોક રે સપનામાં દીઠા', 'જનમોજનમ', 'લવ ઈઝ બ્લાઈન્ડ', 'લાગ્યો કસુંબીનો રંગ', 'પરશુરામ', 'કર્મભૂમિ', 'ગુજરાતનો નાથ', 'દુખિયાનો બેલી બાપા સીતારામ', 'ધૂળકી તારી માયા લાગી', 'વનેચંદનો વરઘોડો', 'મૂરતિયો નં 1' , 'બાપ કમાલ દીકરા ધમાલ', 'રાધાની બાધા', 'અદલા બદલી', 'મોટાભા', 'બેટર હાફ', 'મોહનના મંકીઝ'વગેરે ફિલ્મ્સ આવતી રહી. અમુક ફિલ્મ્સ સુધી દર્શકો પહોંચ્યા. અમુક દર્શકોની નજરે ચઢ્યા વિના જ ઉતરી ગઈ.
       'એક વાર પિયુને મળવા આવજે' થકી ગાયક વિક્રમ ઠાકોરને નાયક તરીકે રજૂ કરાયા. ગાયકીના કારણે લોકચાહના ધરાવનાર વિક્રમને તે પછી તેની એક પછી એક ફિલ્મમાં સફળતા મળતી ગઈ. આજે વિક્રમ ઢોલિવૂડનો સૌથી મોંઘો સ્ટાર બની ગયો છે. હિતેન કુમાર ટિપીકલ હિરોની ઈમેજમાંથી બહાર નિકળીને અભિનય વૈવિધ્ય દેખાય તે પ્રકારના કિરદારોમાં રંગ જમાવી રહ્યા છે. હિતુ કનોડિયા પણ 'મારા રૂદિયે રંગાણા તમે સાજણા' અને 'જય વિજય' કે પછી 'રાજવીર' દરેકમાં લૂક સાથે પણ એક્સપરિમેન્ટ કરીને અદાકારીમાં અફલાતૂન થઈ રહ્યા છે. ચંદન રાઠોડની ઈમેજ લવરબોયની છે પણ 'નાથિયો' ફિલ્મમાં એક્શન પેક, તો 'જોગિડો'માં પણ કંઈક અલગ અંદાઝ સાથે તો વળી 'ઘરવાળી, બાહરવાળી, કામવાળી'માં તો કોમેડિયન બનીને અભિનયની સુવાસ ફેલાવી રહ્યા છે. આ સિવાય જિત ઉપેન્દ્ર, નિશાંત પંડ્યા, ધવન મેવાડા સહિતના અભિનેતાઓ અભિનયના દમ પર ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવી રહ્યા છે.
         જો વાત હોય હિરોઈનની.. તો આમ તો અત્યારે બની રહેલી ગુજરાતી ફિલ્મમાં આમ તો હિરોઈનના ભાગે ગીત અને અમુક ડાયલોગ્સ સિવાય ખાસ કશું આવતું નથી.. ત્યારે કિરણ આચાર્ય, મોનાથીબા, પ્રાંજલ ભટ્ટ, મમતા સોની, આનંદી ત્રિપાઠી સહિતની હિરોઈન પોતાનો અલગ અંદાઝ બતાવી રહી છે.
          કેશવ રાઠોડ, જશવંત ગાંગાણી, હરસુખ પટેલ, સુભાષ શાહ, હરેશ પટેલ, આત્મારામ ઠાકોર, રશ્મિકાંત રાવલ સહિતના દિગ્દર્શક પોતાની સૂઝ કેમેરે કંડારી રહ્યા છે. 'ચાર' નામની ફિલ્મ દ્વારા નવલોહિયો દિગ્દર્શક નૈતિક રાવલ આવી રહ્યો છે ગુજરાતી સિને જગતમાં..
       1932થી આમ જ અવિરત પણે સિનેમાની સફર ચાલી રહી છે, આ સફર ક્યારેક અટકી, ક્યારેક ધીમી પડી તો ક્યારેક બમણા વેગથી દોડી.. બસ એક જ આશા છે ગુજરાતી કલાકાર-કસબીઓ પોતાની શ્રેષ્ઠત્તમ ફિલ્મ આપે અને દર્શકો ગુજરાતી ફિલ્મ પ્રત્યેની સૂગ દુર કરી આપણી માતૃભાષાની.. ગુજરાતી ભાષાની સિનેસફરમાં જોડાય...  
  
આઠ દાયકાના અંતે થઈ રહેલાં આઠ સવાલ :
1. હિન્દી સિનેમાના એક જ વર્ષ બાદ શરૂ થવા છતાં ગુજરાતી સિનેમાની દશા કેમ વખાણવા લાયક નથી ?
2. દરેક બાબતમાં હોઈ શકે છે ગુજરાત નં 1.. ક્યારે થશે ફિલ્મ જગતમાં સાથે ચર્ચા..
3. ગુજરાતી અખબારોને ગુજરાતી ફિલ્મ્સ જગત સાથે શું વાંકુ પડ્યું ?
4. ગુજરાતી સિનેમામાં કલાકારોમાં વૈવિધ્ય કેમ નહી ?
5 પબ્લિસિટીની સમજ ગુજરાતી ફિલ્મ નિર્માણકારોમાં ક્યારે વિકસશે ?
6 બોલિવૂડમાં કાઠુ કાઢનારા ગુજરાતીઓ માતૃભાષાની ફિલ્મ્સને લઈને કાંઈ વિચારશે ?
7  સારી-નરસી દરેક ફિલ્મને મળતી સબસિડી એક સમાન જ છે, એના ધારા ધોરણોમાં ક્યારે ફેરફાર થશે.
8. સુવર્ણકાળ બાદ કપરોકાળ તો આવ્યો.. પણ હવે ફરી ક્યારે પાટે ચડશે ગુજરાતી સિનેમાની ગાડી ?