Thursday 3 April 2014

WHISKY IS RISKY : સેપ્ટના યુવાને ઉઠાવ્યું ફિલ્મી 'રિસ્ક' !


           સેપ્ટના સ્ટુડન્ટ્સ.. આ સાંભળો એટલે તરત જ આ યુનિવિર્સિટીથી પરિચિત હોય તેને યાદ આવે પોતાની જ દુનિયામાં મસ્ત રહેતા વિદ્યાર્થીઓ... આ વિદ્યાર્થીઓમાંથી કંઈક હટકે કરનારા એક યુવાનની અહીં વાત કરવી છે.. કારણ છે એ યુવાને ઉઠાવેલું રિસ્ક..
રિસ્ક... પ્રોજેક્ટ માટે એક ફિલ્મ બનાવવાનું..
રિસ્ક.. એ ફિલ્મની ભાષા ગુજરાતી રાખવાનું..
રિસ્ક.. એ ફિલ્મ મોટા પરદે રિલિઝ કરવાનું..
રિસ્ક.. એ ફિલ્મ સુધી દર્શકોને ખેંચી લાવવાનો પ્રયત્ન કરવાનું.. અને એ પણ પાછા એ દર્શકો કે જેઓ ગુજરાતી ફિલ્મના નામ માત્રથી નાકનું ટેરવું ચઢાવે છે. અને પોતાનું કહેવાતું સ્ટેટસ ડાઉન જતું હોતાનું ફિલ કરે છે. ( કારણ કે, એમને તો ફ્રેન્ડઝમાં વટ પાડવા હોલિવૂડના જ મૂવી જોવાનું જ પસંદ હોય છે)
આટલા બધા રિસ્કનો સરવાળો એટલે અંગ્રેજી નામવાળી ગુજરાતી ફિલ્મ... WHISKY IS RISKY. ને એ રિસ્ક લેનાર યુવા સર્જક એટલે ધવલ પટેલ.
શું છે 'WHISKY IS RISKY'માં ?
આ ફિલ્મમાં વાત છે પોલિટિક્સની, પોલીસની, પાવરની.. અને આ બધાનું જે થવું હોય તે થાય.. મારે શું ? એમ માનતા અને બસ પોતાની જિંદગી જીવ્યે રાખતા યુવાનોની. દરેક બાબતને એક બીજા સાથે જોડીને દર્શકો સામે મુકવાનો પ્રયત્ન કર્યો છે ધવલ પટેલે.
ફિલ્મનો એક સ્ટીલ : પોલિટિક્સ + પોલિસ
ફિલ્મમાં સૌથી વધુ શું પસંદ આવે ?
WHISKY IS RISKY... શરૂ થાય ત્યારથી અંત સુધીમાં જો સૌથી વધુ પસંદ આવે તેનું કોઈ પાસું હોય તો તે છે તેની સિનેમેટ્રોગ્રાફી + જિગર દવે અને દીપક આનંદના સરસ ગીત અને સમીર-માનાનું સાંભળવું ગમે તેવું સંગીત.આ ફિલ્મના ગીતો નેટ પરથી ફ્રી ડાઉનલોડ કરી શકાય છે. મ્યૂઝિક લવર્સે આ મોકો છોડવા જેવો નથી.
અભિનય 
રાજુ બારોટ અને રાકેશ પૂજારાનો અનુભવ તેમના અભિનયમાં ઝળકે છે. નિર્મિત અને જિગર બુંદેલા પણ પોતાની છાપ છોડી જાય છે. આટલાં વર્ષોથી નિસર્ગ ત્રિવેદીને જોતાં હોવાં છતાં પહેલાં તો ઓળખવા અઘરાં લાગ્યા. કલાકારને બદલે એમનું પાત્ર જ પરદા પર દેખાય.. એની મજ્જા કંઈક ઓર છે.. !
દિગ્દર્શન
ધવલ પટેલની પહેલી જ ફિલ્મ. પહેલી જ ફિલ્મમાં અદાકારો પાસેથી કામ સરસ રીતે લેવું અને તેને પરદા પર સારી રીતે બતાવવું એ કસોટી હોય છે. છતાં ધવલે ઘણો સરસ પ્રયત્ન કર્યો છે. ખાસ તો વાર્તામાં જુદી જુદી બાબતને એક સાથે આગળ વધતી બતાવવી અને તેને એક બીજા સાથે સાંકળી રાખવાનો પ્રયાસ કર્યો છે. જો કે,ક્યાંક એવું લાગે કે.. થોડીવાર માટે આપણે ફિલ્મ સાથે જોડાઈ ન શકીએ.. અને ફિલ્મને સમજવાનો પ્રયત્ન કરીએ. જો કે, 95 મિનિટની જ ફિલ્મ બનાવવો નિર્ણય પણ યોગ્ય છે જેથી ફિલ્મની લંબાઈ અકારણ ન વધી જાય. પણ પહેલી ફિલ્મમાં ઘણું સરસ કામ કર્યું હોવાનું કહી શકાય.
શા માટે જોવા જવું જોઈએ ?
  • જુદા પ્રકારની ગુજરાતી ફિલ્મ જોવાની ઈચ્છાવાળા દર્શકોએ આ ફિલ્મ અચૂક જોવા જવી.
  • ગુજરાતી ફિલ્મમાં એક્સપરિમેન્ટ્સ નથી થતાં એમ ફરિયાદ કરનારાઓએ તો ખાસ જોવી. 
  • એક યુવાન... પોતાની ભાષાની ફિલ્મ માટે જ્યારે રિસ્ક ઉઠાવતો હોય ત્યારે એના રિસ્કમાં એને સાથ આપવાં પણ ગુજરાતીએ જરૂર જોવી જોઈએ ફિલ્મ WHISKY IS RISKY.. જરાં પણ રિસ્ક નથી આ ફિલ્મ જોવામાં.!!
  • રાગીણી-MMS જેવી વાહિયાત ફિલ્મ જોવાનું રિસ્ક તમે ઉઠાવી શકો છો.. તો તો યાર આતો આપણી ભાષાની ફિલ્મ છે... આપણી ભાષાની ફિલ્મ્સને બચાવવા માટે યંગ મેકર્સ હવે મેદાને પડ્યા છે ત્યારે તેમને અને આપણી ફિલ્મ્સને સપોર્ટ માટે જરૂર જુઓ આવા નવા એક્સપરિમેન્ટવાળી ગુજરાતી ફિલ્મ્સ.