Saturday 12 March 2011

.... તો સિને ઈન્ડસ્ટ્રીથી બદલાવ છેટો નહી રહે

બોક્સ ઓફિસ પર ફિફ્ટી ફટકારી
       ગુજરાતી ફિલ્મ 55 દાડા પૂરા કરે એ રૂડી વાત કહેવાય. ને આ રૂડી વાત લાવનારી ફિલ્મ એટલે ફિલ્મ પ્રાણ જાયે પણ પ્રીત ન જાયે. આ ફિલ્મ આટ-આટલા દાડા થિયેટરમાં ખેંચી નાખે એ જ મોજ લાવી દે તેવી વાત છે. જો કે, આ તો કંઈ નથી. આથી પણ વધુ મોજ લાવી દે તેવી વાત એ છે કે, કદાચ એવું જલદી બને કે ગુજરાતી સિનેમાનો સારો યુગ પૂન: આવે. આ માટેના સંકેતો તો હાલ મળી રહ્યા છે. ટીવી નાઈનને આપેલાં એક ઈન્ટરવ્યૂમાં બોલિવૂડના અભિનેતા-લેખક-દિગ્દર્શક નિરજ વોરાએ ગુજરાતી ફિલ્મ બનાવવાના એંધાણ આપ્યા. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે, છેલ્લા સવા વરસથી તેઓ ગુજરાતી ફિલ્મ બનાવવાની તૈયારીઓ આદરી રહ્યા છે. ને હા, એમની ફિલ્મ પણ એક-બે નહી પણ એ હશે સાત-આઠ જેટલી. જો નિરજ વોરા બોલ્યુ પાળે તો ગુજરાતી સિને ઈન્ડસ્ટ્રીથી બદલાવ છેટો નહી રહે.
સાત-આઠ ગુજરાતી ફિલ્મ્સનું પ્લાનિંગ છે
એબીસીકોર્પ બનાવશે ગુજરાતી ફિલ્મ
                                                                                  ન માત્ર ઢોલિવૂડ પણ બોલિવૂડમાં પણ ચર્ચાનો વિષય બને તેવા બીજા સમાચાર એ છે કે, ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનની એબીસીકોર્પ લિ. હવે ગુજરાતી ફિલ્મ બનાવશે. આ વાતને નિરજ વોરા સહિત અન્ય કેટલીક હસ્તીઓએ સમર્થન આપ્યું છે. મતલબ, આ વાતમાં પણ દમ છે. ને જો એબીસીકોર્પ દ્વારા ગુજરાતી ફિલ્મનું નિર્માણ થશે તો એ ફિલ્મ પણ અલગ હશે એમાં બેમત નથી. જો બિગ-બીની કંપની ગુજરાત આવશે તો ગુજરાતી સિને ઈન્ડસ્ટ્રીથી બદલાવ છેટો નહી રહે.
એકાદ ફિલ્મનું પ્લાનિંગ તો ખરુ જ
         અભિનયના દમ પર બોલિવૂડમાં પોતાનો સિક્કો જમાવનારા મનોજ જોષી પણ ગુજરાતી  સિને ઈન્ડસ્ટ્રી માટે કંઈક નવું કરવાની ખેવના ધરાવે છે.  તેમણે તો બે-પાંચ ઉદ્યોગપતિઓને હાકલ કરી છે કે, એ ભેગા થાય, હિન્દીમાં નામના ધરાવતા ગુજરાતી કલાકાર-કસબીઓનો તેમને સાથ મળી રહે અને સૌ સાથે મળી માતૃભાષાની ફિલ્મ માટે પ્રયત્ન કરે તો સારી ફિલ્મનું નિર્માણ થઈ શકે છે. શક્ય છે કે, ખુદ મનોજ જોષી પણ એકાદ ગુજરાતી ફિલ્મ લઈને આવે. જો એ આવ્યા તો પણ ગુજરાતી સિને ઈન્ડસ્ટ્રીથી બદલાવ છેટો નહી રહે.
શમણું તો મે'ય જોયું છે
          એક ઈન્ટરવ્યૂમાં સંજય છેલના હૈયામાંથી પણ ગુજરાતી ભાષાની ફિલ્મ પ્રત્યેનો લગાવ દેખાયો. બોલિવૂડમાં સંજયદૃષ્ટી દાખવ્યા બાદ હવે  તેમની નજર જો ગુજરાત પર જલદી ઠરે, તો તેમની કલમ કમાલ કરવાની જ છે. આમ પણ  ઓછામાં  ઓછી એક ગુજરાતી ફિલ્મ બનાવવાનું તો તેમનુંય શમણું છે. ખેર, એ મોડું ન કરતા, આ બધાની સાથો સાથ ફિલ્મ બનાવે તો ગુજરાતી સિને ઈન્ડસ્ટ્રીથી બદલાવ છેટો નહી રહે.
          સારી ફિલ્મ બનાવવાના છુટા છવાયા પ્રયત્નોની જગ્યાએ એમાં સાતત્ય જળવાય તો અને તો જ દર્શકો ગુજરાતી ફિલ્મ તરફ વળી શકશે. કવિ અને સાહિત્યકાર સાંઈરામ દવે કહે છે કે, આ ધરતી પર બે જ જાતી છે, એક ગુજરાતી ને બીજી નોન ગુજરાતી.. તો આવી મહાજાતી ગુજરાતીની માતૃભાષાની ફિલ્મ માંદલી રહે એ તો વળી કેમ ચાલે.. ? આવતી નવમી એપ્રિલે ગુજરાતી સિને જગતને વધુ એક વરસ પુરુ થશે. તો એ તારીખ આવે એ પહેલાં સારપની શરૂઆત થાય તો કદાચ સુવર્ણ યુગના મંડાણને વાર નહી લાગે. બોલિવૂડમાં કાઠુ કાઢી ગયેલાં ગુજરાતીઓ ભેગા મળીને  મથશે  તો ગુજરાતી સિને ઈન્ડસ્ટ્રીથી બદલાવ છેટો નહી રહે.

Tuesday 1 March 2011

તમારા માટે છે આ પત્ર... વાંચ્યો કે.. ?


દોસ્તો...
     સતત આપની સાથે ગુજરાતી ફિલ્મ જગતની વાતો વહેંચુ છુ, ફિલ્મ જગતની એ વાતોના લીધે જ આપની સાથે એક અતૂટ નાતો બંધાયો છે. એ નાતે જ આપની સાથે સહર્ષ એક હરખની વાત વહેંચવાની હ્રદયેચ્છા થઈ.. તો લ્યો વાંચો... 
           બ્લોગ વિશે જાણ્યા અને શીખ્યા બાદ સ્વબ્લોગ બનાવવાની ઈચ્છા થઈ. ઈચ્છાને અમલી બનાવતા પહેલાં પસંદગી કરવાની હતી વિષયની. ક્યાં વિષય પર લખુ તો આપ સૌ દોસ્તો સુધી વિચાર વાટે પહોંચી શકીશ એ વિચાર્યુ. વિષય પસંદગી માટે લાંબુ વિચારવાની એટલા માટે જરૂર ન પડી કે, હૈયે અને હોઠે એક વિષય તો હતો જ, ગુજરાતી ફિલ્મ.. એ વખતે મારુ એમ.ફીલ પણ શરૂ હતુ અને એમાં પણ વિષય ગુજરાતી ફિલ્મ જ હતો. એટલે થયું કે, શા માટે બ્લોગ પર ગુજરાતી સિનેમા પર જ ના લખું ?  મારી ઉંમરનાં જ નહી, પણ મારાથી મોટી ઉંમરના ઘણાં બધા ગુજરાતીઓને આપણી ભાષાની સિનેમાથી છેટુ પડી ગયું હતુ. આથી, એવા લોકો અને ગુજરાતી સિનેમા વચ્ચે સેતુ બંધાય એ માટે આ જ વિષય પર લખવાનો નિર્ધાર કર્યો. બ્લોગ નહીં વંચાય તો ? એવું પણ મનમાં થયું. જો કે, મનમાં ગાંઠવાળી હતી કે, કોઈ ગુજરાતી ફિલ્મ્સ માટે કંઈ કરતું કેમ નથી એવો સવાલ કરવાને બદલે આપણે જ કંઈક કરવું. એ માટે બ્લોગ શ્રેષ્ઠ માધ્યમ લાગ્યુ. લોકો હજુ ભલે ગુજરાતી સિનેમા સુધી ન જતા હોય, પરંતુ એ લોકો સુધી પણ, વાયા બ્લોગ ગુજરાતી સિનેમા પહોંચે એ આશય રાખ્યો. ને બસ.. શરૂ કર્યો બ્લોગ..... નામ રાખ્યું, Dhollywood.com. ને 11 ડિસેમ્બર 2009ના રોજ પહેલી વાર બ્લોગ પોસ્ટ મુકી... તમને થશે આજે કેમ હું આ બધુ લખી રહ્યો છુ, તો તેના માટે એક આનંદ આણતું કારણ છે.  આ કારણનો જવાબ તમને જોવા મળશે આ ચાર્ટમાં....                     
આપ સૌની ચાહનાનો ચાર્ટ      

   
            આ ચાર્ટ છે આપની ચાહનાનો... જે બતાવે છે કે, 11 ડિસેમ્બર 2009થી આજ લગી, એટલે કે, 1લી માર્ચ સુધીમાં 5066 (પાંચ હજાર છાસઠ) મિત્રોએ Dhollywood.com બ્લોગની મુલાકાત લીધી છે. ગુજરાતી ફિલ્મ્સની વાત આટલાં લોકો સુધી પહોંચાડવામાં નિમિત બન્યો એનો આનંદ છે. ને એ પણ નક્કી છે કે, Dhollywood.com દ્વારા આપના સુધી આપણી માતૃભાષાની ફિલ્મ્સની વાત પહોંચતી રહેશે. આશા તો છે કે, આપની અપેક્ષા મુજબ ગુજરાતી ફિલ્મનું મેકિંગ હોય, સારા થિયેટરમાં ગુજરાતી ફિલ્મ્સના પાટિયા દેખાય, ને એ ફિલ્મ્સ સુધી દર્શકો પણ પહોંચે. થોડો સમય લાગશે, પણ આ આશા પૂરી ચોક્કસ થશે એવું લાગી રહ્યું છે. લ્યો તારે.. વાંચતા રહેજો.. Dhollywood.com આપણું સિનેમા આપણી વાત