Monday 14 June 2010

હાશ હવે ગુજરાતી ફિલ્મમાં ગ્લેમર તો આવ્યું.. !



તમારે નવતર ભાતની ગુજરાતી ફિલ્મ જોવી છે..?
ગુજરાતી ફિલ્મમાં કંઈક અલગ વિષયની વાર્તા નિહાળવી છે ?
ગુજરાતી ફિલ્મમાં પણ સરસ કેમેરા વર્ક થઇ શકે એ જોયાનુભવ કરવો છે ?
ગુજરાતી ગીતો પર પણ સારી કોરિયોગ્રાફી થઇ શકે છે એ જોઈ થિરકવું છે ?
ગુજરાતી ફિલ્મમાં સાઉન્ડ ઈફેક્ટ સાથે સાઉથ સ્ટાઈલ માણવી છે ?
આ અને આવી તમામ બાબત કે જેને તમે ટિપિકલ ગુજરાતી ફિલ્મથી હટકે કહી શકો.. તે જોવી હોય તો જોઈ આવો ઇમરાન પઠાણ દિગ્દર્શિત ફિલ્મ, "સૂરજ ઉગ્યો શમણાંને દેશ"  આવી જ ઘણી બધી સારપનો સરવાળો કહો કે ઉણપની બાદબાકી.. એટલે "સૂરજ ઉગ્યો શમણાંને દેશ".  આ ફિલ્મ સારી ફિલ્મના શમણાં સાકાર કરશે એવું લાગ્યું. 
વાર્તા 
માલપુર નામના એક ગામમાં ચાલતી હોય છે બાપાસાહેબની દાદાગીરી. તેમની મેલી મુરાદના કારણે આખું ગામ અભણ રહે છે. સૌ કોઈ બાપાસાહેબના ગુલામની જેમ જીવન ગુજારે છે. આ બાપાસાહેબનો જ માણસ સૂરજ તેમની સામે બંડ પોકારે છે. તો સૂરજ જેને પ્રેમ કરતો હોય છે એ રૂપા પણ બાપાસાહેબને પડકારે છે. સૂરજ અને રૂપાની પ્રેમ કહાણી અને બાપાસાહેબ સામે અવાજ ઉઠાવવાની કહાણી આખી વાર્તામાં વળાંક લાવે છે. શિક્ષણ જેવા વિષયને જોર જુલમ અને અન્યાય સાથે સાંકળીને તેમાં સ્ત્રી શક્તિની પણ વાત કરી છે. જરૂર જણાઈ ત્યાં કોમેડીનો તડકો પણ લગાવ્યો છે. ઓવરઓલ હાલ ચાલી રહેલા ટ્રેન્ડ કરતા હટકે વાર્તા હોઈ ચોક્કસ ગમે. 
અભિનય 
એક્શનપેક ભૂમિકામાં હિતુ જામે છે. સહેજ સાઉથ સ્ટાઈલની છાંટ પણ હિતુના અભિનયમાં દેખાય છે. લૂક પણ અલગ દેખાય છે. 
ગામડાની રૂપાળી રૂપાના કિરદારમાં મોના ટિપિકલ હિરોઈન લાગે છે, પણ રૂપા સૂરજના કિરદારમાં મોનાએ રંગ રાખ્યો છે. આ કિરદારમાં મોનાનો લૂક એટલે અદ્દલ રાજનીતિની કેટરીના. 
ચંદન હલ્કી ફુલ્કી ભૂમિકામાં ક્યાંક કોમેડી કરે છે તો ક્યાંક ઈશ્કિયા અંદાજમાં દેખાય છે. સારો ડાન્સર એવો ચંદન ગીતમાં બરાબર ખીલે છે.  તો ચંદન સાથે છે તેની જ ધુળકી ફેઈમ રાની શર્મા. 
બાપાસાહેબ એટલે કે જાકીરખાને પાત્રમાં જીવ રેડયો. 
કોમેડિયન કેરેક્ટર મફતને લોકોને હસાવવામાં સફળતા મળી. 
લોકેશન 
મોડાસાની આસપાસના જે ગામમાં શૂટિંગ કરાયું તે સ્થળ નયનરમ્ય છે. તે સ્થળને દર્શકો સમક્ષ વધુ સારી રીતે મુક્યું દિગ્દર્શકની સૂઝ અને સિનેમેટ્રોગ્રાફરે. 
ગ્લેમરસ ગલીપચી
ગુજરાતી સિને જગતનો અત્યાર સુધીનો સૌથી લાંબો કિસિંગ સીન આ ફિલ્મમાં છે.. હિતુ અને મોનાનો લાં........બો કિસિંગ સીન એવી રીતે ફિલ્માવવામાં આવ્યો છે કે જે જરા પણ ચીપ ના લાગે. આ સીન જોઈ એમ થયું કે હાશ હવે ગુજરાતી ફિલ્મમાં ગ્લેમર તો આવ્યું.. !

  

Wednesday 9 June 2010

પૂરું કરશે સારી ફિલ્મનું શમણું.. સુરજ ઉગ્યો શમણાને દેશ..

"સુરજ ઉગ્યો શમણાને દેશ"નું શુટિંગ ચાલી રહ્યું હતું ત્યારથી જ આ ફિલ્મના ઘણા વખાણ હિતુ-મોના અને ચંદન પાસેથી સાંભળ્યા હતા.. મોડાસાના એક ગામડામાં જ્યાં આ ફિલ્મનું શૂટિંગ થઇ રહ્યું હતું ત્યાં જવાનું થયું.. તે વખતે હિતુનો ગેટ-અપ જોઇને કંઈક નવું થઇ રહ્યું હોવાનું લાગ્યું પણ ખરું.. ત્યારથી હતું કે આ ફિલ્મ જોવી જ છે.. ખાસ તો આ ફિલ્મના દિગ્દર્શક ઇમરાન પઠાણે ઘણા નવા પ્રયોગો કર્યા હોવાનું સાંભળ્યું હતું.. અને આ સાંભળેલી વાત સાચી લાગી આ ફિલ્મનો પ્રોમો જોયાં બાદ.. પ્રોમોમાં જોવા મળેલા શોટ્સ, કેમેરા એન્ગલ, એક્શન, ગીત, નૃત્યની ઝલક જોતા જ થયું કે ટ્રેલર આવું અદભૂત છે તો ફિલ્મ પણ જોરદાર જ હશે.. હા એક વાત સાચી છે કે ઘાણી વખત ટ્રેલર જેવું ફિલ્મ ન પણ હોય.. પણ આ ટ્રેલર જોતા જ મારા જેવો સિનેચાહકના મનમાં થાય કે "સુરજ ઉગ્યો શમણાને દેશ".. એ સારી ફિલ્મનું શમણું ચોક્કસ પૂરું કરશે.. અને હા, ચટપટી ગ્લેમરસ ગોસીપ તો એ છે કે આ ફિલ્મમાં એક લાં.......બો કિસિંગ સીન પણ ફિલ્માવાયો છે. બોસ.. આપણી ફિલ્મોમાં હવે ગ્લેમરનો રંગ હવે રહી રહીને આવ્યો છે.. ત્યારે આ જે વાંચશે.. તેને એકાદવાર તો  મનમાં ગલીપચી થશે કે હાલોને જોઈ નાખીએ.. જો આવું થાયને તો જોઈ નાખજો હો.. ગુજરાતી ફિલ્મને આપ જેવા સારા દર્શક મળશે.. 
તાક : હું કંઈ આ ફિલ્મનો પબ્લીસીટી મેનેજર નથી.. પણ મને પ્રોમો જોઇને થયું કે આ વાત આપ જેવા વાચકો સુધી પહોચાડવી જોઈએ.. કદાચ એ વાચકમાંથી કોઈ દર્શક બને તો સરવાળે ગુજરાતી સિને જગતને એ દર્શક વધ્યાનો ફાયદો થાયને બસ એટલો જ સ્વાર્થ...

Tuesday 1 June 2010

Comming Soon

Must watch Special bulletin only on Gujarati Films.. Name of bulletin is L C D.. Lights Camera Dhamal.. Show time : 6 :30 pm on every sat., only on Gujarat's No.1 news Channel tv 9 Gujarat.