Sunday 6 May 2012

નરેશ કનોડિયાને દાદાસાહેબ ફાળકે એકેડમી એવોર્ડ


દાદા સાહેબ ફાળકે એકેડમી એવોર્ડ સાથે નરેશ કનોડિયા
ગુજરાતી સિને જગતના મિલેનિયમ મેગાસ્ટારનું બિરુદ મેળવનાર અને ગુજરાતી સિનેમાના શહેનશાહ ગણાતા નરેશ કનોડિયાને દાદા સાહેબ એકેડમી એવોર્ડ એનાયત કરાયો છે. ગુજરાતી સિનેમામાં અભૂતપૂર્વ યોગદાન બદલ આ સન્માન મેળવ્યા બાદ નરેશ કનોડિયાએ સન્માનને વધાવતા દાદા સાહેબ ફાળકે એકેડમી એવોર્ડને પોતાના જીવનનું શ્રેષ્ઠ સન્માન લેખાવ્યું હતુ.
110 કરતા વધારે ગુજરાતી ફિલ્મમાં અદાકારી કરીને, ગુજરાતી સિને જગતમાં પોતાનું આગવું સ્થાન બનાવનાર નરેશ કનોડિયા ગુજરાતી સિનેમામાં એક સિમાચિહ્નન રૂપ છે ત્યારે તેમને મળેલો દાદા સાહેબ એકેડમી એવોર્ડ તેમના એ સિમાચિહ્નનમાં વધુ એક સિદ્ધિ સ્વરૂપ છે. અત્યાર સુધી શ્રેષ્ઠ અભિનેતા તરીકે અનેક વખત સન્માન પામી ચૂકેલા નરેશ કનોડિયાને દાદા સાહેબ ફાળકે એકેડમી એવોર્ડ,  તેમના દ્વારા ગુજરાતી સિનેમાના કરાયેલા પ્રતિનિધિત્વ અને એમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે. આ સન્માન બાદ નરેશ કનોડિયાએ દાદા સાહેબ એવોર્ડ એકેડમીનો આભાર વ્યક્ત કરતા ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, હું હજુયે કશું જ નથી, હજુ ઘણું કામ કરવાનું બાકી છે અને ઘણું શીખવાનું બાકી છે. અભિનય હોય કે તલવારબાજી કે પછી સ્વીમીંગ કે અદાકારીનું કોઈ પણ પાસું હોય..તેઓ ક્યાંય શીખવા ગયા નથી. જે વખતે જે કામ સોંપાયું તે કામ ભગવાનના નામ સાથે પાર પાડ્યું છે. આ એવોર્ડથી સન્માનિત કરાયા એનો હર્ષ છે.હિન્દી સિનેમાની પહેલી ફિલ્મ રાજા હરિશ્ચંદ્રને 100 વર્ષ પૂરા થયાનાં જ દિવસે યોજાયેલા એવોર્ડ સમારોહમાં આ એવોર્ડ નરેશ કનોડિયાને એનાયત કરાયો.