Sunday 22 May 2011

મુકબધિરના હાવભાવ થકી સમાજની વાચા એટલે, ‘ઝીરો બની ગયો હીરો’


છેલ્લા ઘણાં સમયથી નાટક જોવાની એષણા અધૂરી હતી. ને એમાં ઝીરો બની ગયો હીરો જોવા માટે ઈઝન મળ્યું.  પછી તો રોકાય તે રંગકર્મી શાનો ? વ્યવસાયે પત્રકાર, પણ હૈયે રંગભૂમિ પ્રત્યેના પ્રેમના કારણે નાટક જોવાની તક ભાગ્યે જ ચુકતો.
ઝીરો બની ગયો હીરો... નામ પરથી થોડો ઘણો એવો અંદાજ આવે કે, કોમેડી નાટક હશે.. અને કોઈ નકામો વ્યક્તિ કંઈક બની જાય એવી વાત હશે વિચારી નાટક જોવા બેઠો. મારી ધારણા પચાસ ટકા સાચી અને પચાસ ટકા ખોટી પડી. સાચી ધારણા એટલે ધમ્માલ કોમેડી નાટક. આ નાટકની કોમેડી સામાન્ય નહોતી એમ એ સિવાયનો ભાગ પણ અસામાન્ય હતો.  હસતા-હસાવતા નાટકની વાર્તા ક્યારે આતંકવાદ જેવી ગંભીર બાબત પ્રત્યે તમને દોરી જાય તેની તમને જાણ સુદ્ધા ન રહે. ખડખડાટ હસાવતા હસાવતા આ નાટકમાં કટાક્ષની કટાર સમાજ અને સરકારને ઘોદો મારતી જાય, તેમજ આતંકવાદનો જખમ ખોતરતી જાય. પાછો એ જખમ પર કોમેડીનો મલમ લગાવી નાટક ટાઢક પણ આપતું જાય. કન્સેપ્ટ અને વાર્તાની દૃષ્ટિએ નાટક માનસમાં ટકી રહે તેવું છે.
જેવું નાટક અફલાતુન એવા જ કિરદાર અફલાતુન. મુકબધિર હોવા છતાં રામભરોસે અભિનયના અવાજ થકી દર્શકોના દિલ સુધી સાવ સરળતાથી પહોંચી જાય છે. જનાર્દન પંડિત કહો કે મન્સુરઅલી આ દ્વિ-મુખી કિરદારમાં સનત વ્યાસની બહુમુખી પ્રતિભા પ્રાણ પૂરે છે. ખાખરાવાળા માસીની ફ્યૂઝન રેસિપી ખાવાના શોખીન ગુજરાતીઓને હાસ્યાસ્વાદ પીરસે છે. ગુજ્જુબોય બનીને જીજ્ઞેશ તેની રિંકુ સાથે દર્શકોનો પ્રેમ પામ્યો. તો રિંકુની ચાની ચાહ તો દર્શકોને પણ લાગી ગઈ. બેવડવળી ગયેલા તનધારી કરસનકાકા ટાઈમિંગ સાથે ડાયલોગ ફટકારી દર્શકોને બેવડવાળી દે છે. હુસેનનો સાઈલન્ટ અંદાઝ ઝટકો આપનારો છે તો આકાશ ચોક્સી અદાકારને બદલે પત્રકાર જ લાગે. પોલિસ ઓફિસર રાઠોડનો મિજાજ તેમના અભિનયની કડકાઈ બતાવે છે, તો દેસાઈમાં પણ ઘસાયેલો અદાકાર દેખાઈ આવે છે. ભક્તિ રાઠોડની સાઈન લેંગ્વેજ તેના અભિનયનો અવાજ દમદાર છે તેવો ઈશારો કરે છે. એક એક શબ્દને સંકેતમાં ઢાળનારી ભક્તિ.. ખામોશીને જડબાતોડ જવાબ આપી બ્લેકઆઉટ કરે છે.
દિગ્દર્શનની બારીકાઈ ઉડીને આંખે વળગે તો લેખનમાં કસાયેલી કલમની ધાર જોવા મળે છે. બેકગ્રાઉન્ડ મ્યૂઝિક આપણને ગમે તેવું. તો સેટ નાટકનું જમા પાસું ગણવો જ પડે.
મુકબધિરના હાવભાવ થકી સમાજની વાચા એટલે, ઝીરો બની ગયો હીરો
આતંકરખાઓ સામે રામભરોસે રહેતા નાગરિકોની વાત એટલે, ઝીરો બની ગયો હીરો
મુંગી જીભે બોલાતી સમાજની વાત એટલે, ઝીરો બની ગયો હીરો
સરકારના બહેરાકાને અથડાઈ ફંગોળાતી સમાજની વાત એટલે, ઝીરો બની ગયો હીરો