Friday 3 January 2014

યાદ કરીએ 2013ની 13 ગુજરાતી ફિલ્મ



આમ તો વરસેદહાડે સાઈઠેક ફિલ્મની એવરેજ છેલ્લા અમુક વરસોથી જોવા મળી છે. આ વરસે પણ એ જળવાઈ રહી. જો કે, દરવખતની જેમ યાદ રહે એવી ફિલ્મો પણ આંગળીને વેઢે ગણી શકાય એટલી જ નીકળી ( આમ જુઓ તો આંગળીના વેઢા કરતા એક વધારે..! 13 ફિલ્મની વાત કરવી છે ને એટલે ..!)  આ બધી જ ફિલ્મોમાંથી મોટાભાગની કમાણીની બાબતે લાખના બાર હજાર કરનારી નીકળી... ને એમાં પાછુ નવુંયે કશું નહોતુ.. એટલે એની વાત કોરાણે મુકીએ. સાવ થોડી ફિલ્મ કમાણીની દૃષ્ટિએ સારી રહી. તો કેટલીક કમાણીમાં નિષ્ફળ રહી, પરંતુ ચર્ચામાં રહી. 


નવું કરવાનો પ્રયત્ન 

1) હેપ્પી ફેમિલી પ્રા. લિ. 
2013ના અંતમાં દર્શકોને હેપ્પી હેપ્પી કરવાના પ્રયાસરૂપે પરદા પર આવી હેપ્પી ફેમિલી. બહુ સારી ગુજરાતી ફિલ્મની અપેક્ષાવાળા અને ગુજરાતીના બજેટમાં હિન્દી ફિલ્મની અપેક્ષા રાખનારા 'ચીવટ'વાળા દર્શકો ચોક્કસ એમાંય વાંધોવચકો શોધે.. પણ સરવાળે સારુ કરવાનો પ્રયત્ન કર્યો એનો રાજીપો. દિગ્દર્શક રઘુવીર જોશી અને નિર્માતા આનદ દોશી સહિતની યંગબ્રિગેડ ગુજરાતી ફિલ્મ બનાવે... અને ગુજરાતી દર્શકો મલ્ટીપ્લેક્ષમાં ગુજરાતી ફિલ્મ જોવા આવશે એવી આશા રાખે એ જ તો સારી ગુજરાતી ફિલ્મ આવશે તેવી આશા અમર રાખવામાં આપણને મદદ કરે છે. 


2) ધ ગુડ રોડ 
બહુ ઓછા દર્શકોએ જોયેલી.. પણ બહુબધી ચર્ચાયેલી ફિલ્મ એટલે ધ ગુડ રોડ. 
ઓસ્કરમાં ગઈ અને ફેંકાઈ ગઈ એ આ ફિલ્મની બીજી ઓળખ. 
જો આ ફિલ્મે ઓસ્કરમાં એન્ટ્રી ન લીધી હોત તો મોટાભાગના ગુજરાતીઓને જાણ પણ ન થઈ હોત કે આ ફિલ્મ ક્યારે પરદા પર આવી અને ક્યારે ઉતરી ગઈ. પણ જેવી આ ફિલ્મની જાણ થઈ કે, ફિલ્મ જોયા વિના જ કેટલાય એચ.પી.( હરખપદુડા) ગુજરાતીઓ...  ગુજરાતી ફિલ્મો સારી બનવા લાગી છેની ચર્ચામાં લાગી ગયા.. તો આ ફિલ્મ જોઈ જ નહોતી તેવાય કેટલાય લોકો આ ફિલ્મના વિરોધમાં પણ મેદાને ઉતરી ગયા. 
એની વે.. ગુજરાતી ફિલ્મની ઓસ્કરમાં એન્ટ્રીનો હરખ... અને ફેંકાયાનો વસવસો. 

3) કોઈને કહેશો નહી 
ગે રીલેશનશીપ પર બનેલી બીજી ગુજરાતી ફિલ્મ ( આ પહેલા મેઘધનુષ્ય આવી હતી.. જો બીજી કોઈ આવી હોય તો જ્ઞાનમાં વધારો કરવા જણાવશો )
આ ફિલ્મના ગીતોમાં પ્રયોગ કરાયો. ગુજરાતી ઉપરાંત આ ફિલ્મમાં અંગ્રેજી અને સંસ્કૃત ગીતનો નવતર પ્રયોગ કરાયો. મેકિંગ પણ ગમે એવું હતુ. ઓવરઓલ.. ફિલ્મના નામ.. કોઈને કહેશો નહી..ને બદલે આવી પણ ફિલ્મ બની છે એમ કોઈ પણને કહેવાય યાર.. એ બહાને લોકો સુધી ગુજરાતી ફિલ્મની વાત પહોંચે અને ગુજરાતી ફિલ્મની ચર્ચા થાય. 
( તા.ક. મોટેભાગે આપણી ગુજરાતી ફિલ્મ્સ વાળા આમ પણ માઉથ પબ્લિસિટી પર ભરોસો રાખે છે, બાકી પૈસેથી કરાતી પબ્લિસિટીમાં અગેઈન બજેટ પ્રોબ્લેમ ! ) 

4) સપ્તપદી 
વરસની શરૂઆતમાં જ આવી હતી આ ફિલ્મ.. સપ્તપદી.. 
નામ વાંચીને તમને યાદ આવી ખરી ?
ના આવી. ? 
ક્યાંથી આવે.. ?
બહુ ઓછી પબ્લિસિટીનો ભોગ બની હતી આ ફિલ્મ પણ... મેકિંગ વખતે આ ફિલ્મ જેટલી ચર્ચાઈ એથી અનેક ગણી ચર્ચાઓ તેના રિલિઝ વખતે થવી જોઈતી હતી. આફ્ટરઓલ ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અને બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનની ફિલ્મ નિર્માણ કંપની એબીકોર્પ દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી હતી. વળી, સ્વરૂપ સંપત અને માનવ ગોહિલ જેવા અદભૂત અદાકારોએ તેમાં અભિનય કર્યો હતો. બિગ-બીએ પોતાની કંપનીની ફિલ્મ ગણીને..
 અમુકવાર બ્લોગ પર આનો ઉલ્લેખકર્યો હોત તોય દર્શકો થિયેટરમાં પહોંચીને ફિલ્મને સફળતા સુધી લઈ ગયા હોત. હશે..નસીબ ગુજરાતી ફિલ્મના.. બીજુ શું ?

બોક્સઓફિસ પર 'વિક્રમ'

                                              5) મા બાપના આશીર્વાદ 
પારિવારિક વાર્તા અને વિક્રમના ચાહકોને વખાણે તેવું મેકિંગ ધરાવતી ફિલ્મ, મા-બાપના આશીર્વાદ..ને કમાણીમાં દર્શકોના આશીર્વાદ મળ્યા. બોક્સઓફિસ પર ફિલ્મ ચાલે એ ગુજરાતી ફિલ્મના સારા ભવિષ્ય માટે આવશ્યક છે. હાલ જે દર્શકો સીંગલ સ્ક્રીનમાં ફિલ્મ જોવા જાય છે તે દર્શકોને આ ફિલ્મ પસંદ પડી. અને પરિણામે ફિલ્મ કમાણીની દૃષ્ટિએ પણ સફળ રહી. 

6) પાટણથી પાકિસ્તાન 
આ વર્ષમાં વિક્રમ માટે બીજી સફળતા એટલે પાટણથી પાકિસ્તાન. નામ પરથી જ નવો વિષય લાગતી આ ફિલ્મને દર્શકોએ એક્શનના કારણે પસંદ કરી.  




ચર્ચાંમાં ચૂંદડી અને બદલાની ભાવના - એવરેજ દેખાવ

7) મારા રાજ ઠાકોરની ચૂંદડી
જગદીશ ઠાકોર અને રેશ્મા પુરોહિત અભિનિત આ ફિલ્મને સિંગલ સ્ક્રીનના દર્શકોએ એવરેજ પ્રતિભાવ આપ્યો. આ ફિલ્મમાં ચરિત્ર અભિનેતા અને અભિનેત્રીના કિરદારમાં અરવિંદ રાઠોડ અને પદ્મારાણીએ ફરી એકવાર રંગ જમાવ્યો. વટ અને વેરની વાત સાથેની આ ફિલ્મને મિશ્રપ્રતિસાદ મળ્યો. 

8) ઠાકોરની લોહીભીની ચૂંદડી 
સુપરહિટ ફિલ્મ લોહીભીની ચૂંદડીની રિમેક એટલે ઠાકોરની લોહીભીની ચૂંદડી. આ ફિલ્મમાં હીરો બદલાયા, જો કે, દિગ્દર્શક સુભાષ શાહ જ હતા. મૂળ  ફિલ્મના અભિનેતાઓ સાથે આ ફિલ્મના અભિનેતાઓની સરખામણી ન કરીએ એ જ ઉત્તમ... કમાણીની દૃષ્ટિએ આ ફિલ્મ એવરેજ રહી હોવાનું કહેવાય છે. 

9)મારી પ્રીત કરે પોકાર 
કાયમ હીરો બને એ વિલન.. અને કાયમ વિલન બને એ હીરો બને.. એવું બન્યુ ગુજરાતી ફિલ્મ મારી પ્રીત કરે પોકારમાં. હિતેન કુમારે નવું કરવાના ભાગ રૂપે આ ફિલ્મમાં નેગેટિવ શેડ સ્વીકાર્યો અને પાર પાડ્યો. દર્શકોને આ ફિલ્મ પસંદ પડી હોત એવું કહેતા ફિલ્મની નજીકના વર્તુળો જણાવે છે કે, આ ફિલ્મ તારીખોના ચક્કરમાં અટવાણી એટલે ધારી એટલી દર્શકો સુધી ન પહોંચી શકી. 

10)સુહાગ
સ્ત્રી કેન્દ્રી અને બદલાની વાત સાથેની ફિલ્મ એટલે સુહાગ. રોમા માણેકે આ ફિલ્મમાં તવાયફનું કિરદાર નિભાવ્યુ. સૌરાષ્ટ્રના અમુક જ થિયેટરમાં રજૂ થઈ. બાકીના વિસ્તારના દર્શકોએ તો એ જોવાની જ બાકી છે.

ચર્ચાણી બહુ, વખણાઈ નહી

11)નામ છે મારુ ગંગા
અમિતાભ બચ્ચન ગુજરાતી ફિલ્મમાં.. આવી જ જાહેરાત સાથેની આ ફિલ્મના પોસ્ટર્સમાં બિગ-બી બહુ છવાયા. જ્યાં જુઓ ત્યાં નામ છે મારુ ગંગા.. એવા ગુજરાતી ટાઈટલ સાથેના પોસ્ટરમાં બચ્ચન અન્ય કલાકારો સાથે દેખાય. એ જોઈને કોઈ પણને થાય કે, બાપુ.. જલસો પડવાનો.. બિગ-બી આપણી ફિલ્મમાં... ને આ જ આશાઓ સાથે થિયેટરમાં જાવ.. એટલે છેતરાયાનો અહેસાસ થાય. ભોજપુરીમાંથી ઘણુ જ ખરાબ ગુજરાતી ડબ થયેલી આ ફિલ્મ જોયા બાદ એમ જ થાય કે, આપણી ગુજરાતી ફિલ્મોમાંય અમુક સારી બને છે, થિયેટરમાં ગયા પછી બહાર નીકળી જવાનું તો મન થયુ હતુ..પણ સહનશક્તિની પરીક્ષા કરવા અને ફિલ્મના દરેક ખરાબ પાસા નિહાળવા માટે આ લખનાર થિયેટરમાં બેસી રહેલો. 

12) હા હું દીકરીનો બાપ
ગુજરાતી ફિલ્મો પબ્લિસિટી પાછળ પૈસા નથી ખર્ચતી એવું મહેણું ભાંગનારી ફિલ્મ હતી.. હા.હું દીકરીનો બાપ. જો કે, એટલી પબ્લિસિટી છતાં સરવાળે દર્શકો થિયેટર સુધી ન પહોંચે એ આપણા કમનસીબ.!

                                                                               13) શક્તિ ધ પાવર 
શક્તિ ધ પાવર.. આ ફિલ્મનું ટ્રેલર જોયુ ત્યારે ફિલ્મને લઈને બહુ બધી આશાઓ બંધાણી હતી. જો કે, બધી આશાઓ ક્યાં પૂરી થાય છે એ ન્યાયે આ ફિલ્મ સારી હશે એ આશા.. ફિલ્મ જોયા બાદ નિરાશામાં પરીણમી. ફિલ્મમાં ગ્રાફિક્સનો આટલો ખરાબ ઉપયોગ કરશે એવી તો કલ્પનાય ક્યાંથી હોય. અમુક દ્રશ્યોને બાદ કરતા દર્શકો આ ફિલ્મની શક્તિનો સ્વીકાર કરે.. એટલો પાવર તો ફિલ્મમાં નહોતો જ.