Wednesday 12 February 2014

'દેશbook' જોઈ આવ્યા કે નહી... ? Like કરવા જેવી ગુજરાતી ફિલ્મ

'દેશbook' 
       ટાઈટલ સાથે જ્યારે ફર્સ્ટ લૂક જોયો ત્યારથી આ ફિલ્મ જોવાની ઈચ્છા હતી. ને એ પૂરી પણ થઈ. ટાઈટલ પરથી હતુ કે ફિલ્મ કંઈક નવી વાત સાથે હશે.. ને છે પણ એવું જ. છેલ્લે ઘણી ફિલ્મ્સમાં એવું થયેલું કે ફિલ્મનો પ્રોમો જોયા પછી થિયેટર સુધી જઈએ ને ગયા પછી દાવ થઈ જાય.. અથવા તો એ િફિલ્મ વિશે ન લખીએ તો ફિલ્મ માટે સારુ એવું થાય એટલે લખવાનું ટાળું.. પણ આ ફિલ્મ જોયા બાદ તરત જ પહેલો વિચાર એ આવ્યો કે મારો બ્લોગ વાચતા મિત્રો સાથે આ ફિલ્મની વાત શેર કરુ. 

Like કરવા જેવી ગુજરાતી ફિલ્મ.. જાવ જોઈ આવો..
સરદાર સાથે અસરદાર ફિલ્મ.. એટલે દેશbook..

યુવાનો... સિસ્ટમ અને આજની વાત રજૂ કરતી ફિલ્મ એટલે દેશbook. 

અત્યારની ગુજરાતી ફિલ્મ્સ કરતાં સાવ જુદી પડતી ફિલ્મ એટલે દેશbook..

બે ચાર કલાક ફેસબુક પર ગાળી.. કોઈની વાહિયાત વાત Like કરવાને બદલે આ સરસ મજાની ફિલ્મ જોઈ આવો.. તો ગુજરાતી ફિલ્મને Like કરનારાઓમાં તમારો વધારો થશે. 



સ્ટોરી
      અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે સરદાર. રાજનીતિના કારણે. દરેક પક્ષ સરદારને પોતાના ગણાવવાની હોડમાં છે, ત્યારે સરદાર એકેય પક્ષના નહી.. પણ દેશના છે. એવી જ કંઈક વાત સાથે આ ફિલ્મમાં દેખાય છે સરદાર.  ગાંધીજી એન્ડ ફેમિલી..  જુદાં જુદાં નાટક અને ફિલ્મના વિષય તરીકે પરદા પર અને તખ્તા પર જોવા મળી ચૂક્યા છે. પણ.. લોખંડી પૂરુષને સાવ સરળ રીતે, યુવાનો પચાવી શકે એ રીતે રજૂ કરાયા છે. હાલની સિસ્ટમમાં રહેલી ખોટ.. ખટકે તો છે સૌ કોઈને.. પણ એની સામે અવાજ ઉઠાવવા કોઈ તૈયાર નથી ત્યારે એવું યુવાનો કરે તેવી ઈચ્છા સાથે સરદાર આવે છે અને પછી જામે છે ફિલ્મ.. 
      સરદાર સિવાય વાત પ્રેમની.. એ બે પાત્ર વચ્ચેનો હોય કે પરિવારનો હોય... એ પાસાને પણ સારી રીતે સાંકળી લેવાયો છે આ ફિલ્મમાં. વિદેશ જવાની ઘેલછા, કે કોઈને પોતાના કરતા નીચા સમજવાનો સ્વભાવ..  આ બાબતને પણ સારી રીતે મુકાઈ છે વાર્તામાં. ટૂંકમાં તમને અત્યારની ફિલ્મ્સ કરતા સ્ટોરી નવી જ લાગવાની ગેરંટી.. 
સ્ક્રીન પ્લે
       સ્ક્રીન પ્લે માટે એમ જ કહેવું પડે કે... વાહ, વિપુલ શર્મા વાહ... 
       દર્શકોને પાત્ર સાથે જોડી રાખે... અને પાત્રને ખીલવનો પૂરો મોકો મળે એનું ધ્યાન રાખ્યુ છે તમે. યંગસ્ટર્સની અત્યારની શૈલી જોવા મળે છે સંવાદોમાં. સરદારના સંવાદો તો ભારેભરખમ હશે એવી પૂર્વધારણા હતી... પણ સરદાર સાથે યુથ કનેક્ટ થાય એ માટે ભારેભરખમ શબ્દોનો ભાર એમના પર નથી લદાયો એની મજા પડી. ઓવરઓલ.. સ્ક્રીનપ્લે સરસ છે. 
ગીત- સંગીત 
       લેટ્સ હેવ ફન બકા તુ...   વિનય દવે સારા લિરિક્સ અને યુથને ગમે તેવું  અભિષેક પટવારીએ આપેલું સંગીત. બોસ... ડાન્સફ્લોર પર ઝુમી ઉઠવાનું મન થાય તેવું કોમ્બીનેશન... મજા પડી...      
અભિનય
સરદારના કિરદારને જમાવ્યુ છે કલ્પેશ પટેલે. 
તુષાર પણ યુથને કનેક્ટ કરે છે. આજનો યુથ જીવતો હોય એમ પાત્રને જીવી બતાવ્યુ છે તુષારે. આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એક નવો ચહેરો મળ્યો. રંગભૂમિ સાથેનું જોડાણ દેખાય છે પરદા પર. 
અર્ચન ત્રિવેદી અને જૈમિની ત્રિવેદી બરાબર ખીલવ્યું છે તેમનું કેરેક્ટર.. સ્ક્રીન પર એ હોય એટલે દર્શકોની અપેક્ષા આમ પણ વધારે રહેવાની જ. ને એ અપેક્ષામાં તેઓ ખરા પણ ઉતર્યા છે. 
હરેશ ડાઘીયાએ ગોરધન ગોલ્ડન... અને જીતેન્દ્ર ઠક્કરે ભાઈજીના પાત્રમાં દર્શકોનું દિલ જીત્યું.
દિગ્દર્શન 
લવ ઈઝ બ્લાઈન્ડ જેણે પણ જોઈ હશે..તેઓ વિપુલ શર્માના નામને લઈને આ ફિલ્મ જોવા આવવાના જ. ને એ ફિલ્મના કારણે આ ફિલ્મમાં વિપુલ શર્મા પાસે અપેક્ષાઓ વધી જાય. ને ગુજરાતી ફિલ્મની બજેટ મર્યાદામાં એ અપેક્ષાઓ ફુલફિલ પણ થાય છે એનો આનંદ. 

ટૂંકમાં....
સારી ગુજરાતી ફિલ્મ નથી આવતી એવી ફરિયાદ દૂર કરનારી ફિલ્મ છે 'દેશbook'
એક અંગત વાત... 
         આ વાચ્યા પહેલાં જોનારામાંથીય કેટલાય અને વાંચ્યા પછી ફિલ્મ જોનારામાંથીય કેટલાય એવા હશે કે જે.. પહેલી પ્રતિક્રિયા એવી આપી દેશે કે, ''બોલિવૂડ જેવું નહી''  અલ્યા ભાઈ..  ગુજરાતી ફિલ્મના બજેટ પણ બોલિવૂડની ફિલ્મ જેવા નથી હોતા એવું નહી વિચારવાનું આ બોલતા પહેલા.. ? 
જો આપણી માનસિકતા આવી રહેશે અથવા તો આપણે માત્ર એમ કહ્યા કરશું કે.. "ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પતી જવાની અણી પર છે.."  અથવા તો "ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હવે લાંબુ નહી ખેંચે.."  તો ક્યાથી ખેંચે ? પહેલાં એવી ફરિયાદ કરતા હતા કે મલ્ટીપ્લેક્ષમાં ફિલ્મ આવે તો જોવા જઈએ... અને હવે આવે છે તો.. "ગુજરાતી ફિલ્મ તે કંઈ જોવાય... હીહીહી... " એમ કહી ફિલ્મ જોવાનું ટાળીએ.. તો ક્યાંથી નવું બનાવવાની હિંમત રહે ફિલ્મ મેકર્સમાં.. એના કરતા.. જુઓ એમણે કરેલા પ્રયાસને.. ગમે તો વખાણો.. ન ગમે તો ઝાટકી કાઢો.. બધી હિન્દી ફિલ્મ પણ હીટ નથી હોતી યાર.. ચેન્નઈ એક્સપ્રેસમાંય પડી જ ગ્યાંતા ને આપણા રૂપિયા.. શું કરી લીધુ? હજુયે ફરી શાહરૂખને જોવા જવાનાજ ને... ? એનો અમુક ટકા સપોર્ટ આપણી ઈન્ડસ્ટ્રી પણ ઝંખે છે. ગુજરાતી ફિલ્મ પ્રત્યે માત્ર સોગિયુ ડાચું.. અને અમુક ખરાબ ફિલ્મના કારણે બધી ફિલ્મ નહી જોવાની એવું તો કંઈ ચાલે... ગુજરાતી છીએ આપણે.. આપણી ભાષા તો જ બચશે...જો આપણી ભાષાની ફિલ્મ્સ બચશે...  આ જ ફિલ્મમાં સરદારના મુખે એક ડાયલોગ છે... "ગુજરાતી છે તું... અને હું એવું ઈચ્છુ છુ કે જ્યારે કોઈ ક્રાંતિની શરૂઆત થાય... ત્યારે લોક ચોક્કસ એમ કહે કે, નક્કી એ ક્રાંતિ કરનાર ગુજરાતી હશે." કંઈક આવી જ ક્રાંતિ આપણી ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રીમાં પણ થવી જોઈએ.. અને એની શરૂઆત કરનારા ગુજરાતી દર્શકો જ હોવા જોઈએ.. ખરુ કે નહી.. ? તો ક્યારે જાવ છો.. 'દેશbook' જોવા.. ?