Monday 29 February 2016

બોક્સઓફિસ પર આવી... ઓલ્વેઝ રહીશું સાથે


ગુગલ અને ગુજરાતી ફિલ્મને.. અત્યારે છે એટલો નજીકનો નાતો નહોતો.. એટલે કે, ગુજરાતી ફિલ્મ વિશે લખનારા મિત્રો બહુ ઓછા હતા... ત્યારે ગુગલ પર ખાંખાખોળા કરતા... મને વિક્રમ ઠાકોરની ફિલ્મનો રિવ્યુ લખેલો એક બ્લોગ નજરે ચડ્યો.. વાંચ્યો.. મજ્જા પડી....  પહેલી મજા તો એ વાતની હતી કે, ગુજરાતી ફિલ્મ પર રિવ્યુ લખાયેલો હતો... અને બીજુ એ ગમ્યુ.. કે, ગુજરાતી ફિલ્મ પર 2009થી માત્ર મારા બ્લોગ http://jitendrabandhaniya.blogspot.com  પર જ લખાતુ હતુ.. આ સિવાય પણ વધુ એક બ્લોગમાં ગુજરાતી ફિલ્મ વિશે લખાય છે. એ બ્લોગનું નામ મજ્જાનું છે... "બાપુનો બબડાટ... લિ.યુવરાજ".  માહિતી મેળવતા ખબર પડી કે, આ બ્લોગ.. યુવરાજ જાડેજા નામનો કોઈ યુવાન લખે છે. બ્લોગ પર સંપર્ક માટે મેસેજ છોડ્યો.. પણ જવાબ ન મળ્યો. થયું કે, બાપુ છે, મિજાજી હશે જવાબ ન આપે.. પછી અચાનક જ સંપર્કમાં આવ્યા... વાતો થઈ... ને લાગ્યુ કે, આ બાપુ મિજાજી નથી, મજ્જાના માણસ છે.. એ વખતે તેઓ ફિલ્મની તૈયારીમાં હતા.. અને હવે આ ફિલ્મ બની ગઈ છે, ગયા શુક્રવારથી ફિલ્મ પરદા પર પરીક્ષા આપી રહી છે. ફિલ્મ બોક્સઓફિસ પર સફળ થઈ ન થઈ એ ચર્ચાને બાજુએ મુકીને આ ફિલ્મ માટે યુવરાજને દિલથી અભિનંદન. અભિનંદન એટલા માટે કે, ફિલ્મ બનાવવી છે એવું સપનું સાકાર કરી શક્યા.
અભિનંદન એટલા માટે કે, કોમેડી ઝોનરની ફિલ્મ્સ જ આવી રહી છે ત્યારે મેડિકો લવ સ્ટોરીના એક નવા જ વિષય સાથે બોક્સઓફિસ પર આવ્યા. આવા વિષય સાથે આવવું એ જ હિંમતનું કામ છે. 


ઓલ્વેઝ રહીશું સાથે વિશે...   સ્ટોરી
ઓલ્વેઝ રહીશું સાથે એટલે પરદા પર આવેલી એક મેડિકો લવ સ્ટોરી.
નામ પરથી જ ખ્યાલ આવી જાય કે, આ ફિલ્મ એક લવ સ્ટોરી છે. 
એક ડોકટર અને દર્દીની લવ સ્ટોરી.
બિમારી સામે ઝઝુમતિ પ્રેમિકા અને તેને બચાવવા માટે મથતા ડોકટરની કહાણીને ફિલ્મમાં રજૂ કરાઈ છે. રીતેશ મોકાસણા લિખિત મારી ઉમર તને મળી જાય.. નવલકથા પરથી આ ફિલ્મ બનાવાઈ છે.

અભિનય
ઉમંગ આચાર્ય અને તિલ્લાના દેસાઈ અભિનીત આ ફિલ્મમાં બંનેની જોડી જામે છે... અને પરદા પર પોતાના કિરદારને બંને ન્યાય આપી શક્યા છે, શૌનક વ્યાસ દર્શકોને હસાવવામાં સફળ રહ્યા છે. બાકીના ઘણા કિરદારમાં જોઈએ એટલું જામતું નથી. કાસ્ટિંગ ડિરેક્ટરની કચાશ ચોખ્ખી દેખાય છે.

સ્ક્રીન પ્લે અને સંવાદ 
કિરદાર પ્રમાણે સંવાદો અને શૈલીનું ધ્યાન રખાયુ હતુ. પણ ક્યાંક ભારે ભરખમ લાગતા સંવાદને હળવી રીતે પણ મુકી શકાયા હોત. 

ગીત સંગીત
ફિલ્મના દિગ્દર્શક યુવરાજ જાડેજાએ લખેલા ગીતો ખરેખર અદભૂત છે... તેમાં સમીર-માનાનું સંગીત ગીતને કર્ણપ્રીય બનાવે છે. પાર્થ ઓઝા, ઐશ્વર્યા મજમુદાર અને ઓસમાણ મીર સહિતના ગાયકોએ આ ગીતમાં જમાવટ કરી છે.
દિગ્દર્શન
પહેલી જ ફિલ્મ હોઈ યુવરાજે કરેલા દિગ્દર્શનની સરાહના તો કરવી જ પડે, આમ પણ અત્યારે જે પ્રકારની ફિલ્મ ચાલી રહી છે તેની સામે આ પ્રકારની લવ સ્ટોરી સાથે આવવું એ પણ છે હિંમતનું કામ છે. પણ હા, દિગ્દર્શન બાબતે એમ પણ ચોક્કસ કહી શકાય કે, ઘણી બધી જગ્યાએ વધુ સારુ કામ થઈ શક્યુ હોત. હવે પછીની ફિલ્મ વખતે યુવરાજ આ અપેક્ષા પણ પૂરી કરે એવી આશા રહેશે.



Sunday 7 February 2016

અભિનયના મહારાણી પદ્મારાણી : શ્રદ્ધાંજલિ સાથે સ્મરણાંજલિ


લોચા+લબાચા+ગપલું+ગોટાળો+જોલ = પોલમપોલ, ટ્રેલર મચાવી રહ્યું છે ધૂમ

       હવે રાહ... તેજસ પડિયા દિગ્દર્શિત ફિલ્મ 'પોલમપોલ'ની. આ ફિલ્મની રાહનું સૌથી પહેલું કારણ એ છે કે,  આ તે કેવી દુનિયા બાદ તેજસની બીજી ફિલ્મ હોઈ ફિલ્મ પાસે અપેક્ષા રહેવાની. ગુજ્જુભાઈમાં જિમિતે જે રીતે ધમાલ મચાવી એ પછી હવે પોલમપોલમાં ડુગ્ગીના કિરદારમાં જિમિત જોવા મળશે એટલે જિમિતના ફેનફોલોઅર્સને આ ફિલ્મની રાહ રહેવાની. એડવર્લ્ડમાં કામ કર્યા બાદ પહેલી ગુજરાતી ફિલ્મ સાથે જીનલની એન્ટ્રી થઈ રહી છે. તો સનત વ્યાસ, સુનિલ વિસરાણી, પ્રેમ ગઢવી, જયેશ મોરે જેવા કલાકારો પણ ફિલ્મ માટે મજબૂત પાસું ગણાય... એટલે હવે રાહ 12મી ફેબ્રુઆરીની... 

 

Tuesday 2 February 2016

અભિનયના મહારાણી પદ્મારાણી

અભિનયના મહારાણી પદ્મારાણી 



અભિનયના મહારાણી પદ્મારાણી
એક અદાકારા... અનેક રૂપ..
એક અભિનેત્રી... અનેક કિરદાર...
કિરદાર કોઈ પણ હોય... મંચ કોઈ પણ હોય.. તખ્તો હોય.. પરદો હોય.. કે હોય ટેલિવિઝન... તેઓ હંમેશા બનીને રહ્યા અભિનયના મહારાણી... પદ્મારાણી..

સંજોગ તો જુઓ.. 25મી જાન્યુઆરી એ પદ્મારાણીનો જન્મદિવસ હતો... અને એ જ તારીખ.. એટલે કે 25મી જાન્યુઆરીએ જ તેમણે મહાપ્રયાણ કર્યુ.  જિંદગીના રંગમંચ પરથી પદ્મારાણીએ એક્ઝિટ કરી લીધી.. ત્યારે ટીવી નાઈન ગુજરાતી પર આ શખ્સિયત પર વિશેષ  કાર્યક્રમ કરતી વખતે.. એમના કામ પર ઉડતી નજર કરીને તોય.. એમ ચોક્કસ કહેવું જ પડે કે, પદ્મારાણીજી.. જેટલું જીવ્યા એ તખ્તા માટે જીવ્યા. અભિનય માટે જીવ્યા. કલા માટે જીવ્યા. પદ્મારાણીજીનો ઠસ્સો, તેમનો રૂઆબ, તેમનો અભિનય અને તેમની હાજરીની તો કાયમ નોંધ લેવાતી રહી છે, પરંતુ હવે તો એમ કહેવું પડે કે, તેમની ગેરહાજરીની પણ નોંધ લેવી પડે.


બહુ ફેમસ થયું હતુ.. બા રિટાયર થાય છે. 

રંગમંચને કરતા હતા પ્રેમ...
       પદ્મારાણીજીના અંતિમ શ્વાસની ખબરે.. તખ્તો હચમચી જાય એ સહજ છે.. કારણ કે, તખ્તા પર જ તો ગુજર્યુ હતુ પદ્મારાણીનું જીવન.. તેઓ રંગમંચને જ જિંદગીગણાવતા. જીવનના મોટાભાગના રવિવાર તેમણે મંચ પર ગાળ્યા. નાટકના 6000થી વધુ શો કરી ચૂકેલા પદ્મારાણી.. ફિલ્મના શુટિંગમાં ક્યાંય પણ હોય.... પણ શનિવારની સાંજે મુંબઈ માટે નીકળી જાય.... અને રવિવારે તો... તેઓનું નાટક હોય હોય ને હોય જ... 
નાટકને પ્રેમ કરતા પદ્મારાણીની જિંદગીનો પહેલો પ્રેમ પણ નાટકના કારણે જ હતો.. અને તેમનો એ પહેલો પ્રેમ એટલે નાટકના ર્નિમાતા નામદાર ઈરાની. નામદાર ઈરાની સાથે પ્રેમ થતાં તેમણે 18 વર્ષની ઉમરે લગ્ન કર્યા હતા. 


પરિવાર અને નાટકમાં પહેલી એન્ટ્રી વિશે...


પૂણેના એક મધ્યમવર્ગીય મરાઠી પરિવારના ભીમરાવ ભોંસલે, આફ્રિકામાં બારિસ્ટરની કામગીરી કરતા હતા.. ત્યાં જ પિતા ભીમરાવ ભોંસલેના ઘરે અને માતા કમલાબાઈની કુખે પદ્મારાણીનો જન્મ આફ્રિકામાં થયો. ભીમરાવ ભોંસલેની બદલી વડોદરા થતાં... તેઓ આફ્રિકાથી વડોદરા આવ્યા. એટલે એમ કહેવાય કે, પદ્મારાણીનો ઉછેર વડોદરામાં થયો હતો. વડોદરાની મહારાણી ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વખતથી જ કલામાં રૂચિ હોવાના કારણે.. એ જમાનામાં નાટ્યજગતનું મોટું નામ ધરાવતા ફરેદુન ઈરાનીની નાટ્યકંપનીમાં પદ્મારાણીનું નામ નવી અભિનેત્રી તરીકે હાઈસ્કુલમાંથી જ પહોંચ્યુ. 1951-52ના વર્ષમાં પહેલીવાર તખ્તા પર એન્ટ્રી કરી.. ત્યાર બાદ પદ્મારાણીએ ક્યારેય પાછળ વળીને જોયું નથી.

વડોદરાથી મુંબઈ ભણી...
સફળતાની બાઉન્ડ્રી વટાવનારું નાટક 
નાટ્યજગતમાં રમૂજી કિરદાર કરીને એન્ટ્રી મેળવનાર પદ્મારાણીએ.. વૈવિદ્ય સભર કિરદાર કર્યા છે. વડોદરાથી તેઓ મુંબઈ આવ્યા... અને મુંબઈમાં રંગભૂમિની સફરની શરૂઆતમાં પાનેતર નાટક સીમાચિહ્ન રૂપ બન્યું. આ નાટકમાં છવાયા બાદ તો પટરાણી, અભિષેક,  સ્વયંસિદ્ધા, તુટી દોર પતંગની, જુવાનીના ઝેર, ધૂપસળી,નીલ ગગનના પંખેરું, મને અજવાળાં બોલાવે, રાતરાણી, બા રીટાયર થાય છે, બાએ મારી બાઉન્ડ્રી જેવા કેટકેટલાય નાટકોમાં તેમણે અભિનયના ઓજસ પાથર્યા છે. એમના નાટકોને જાણે સદી કરવાની ટેવ પડી ગઈ હોય.. એમ તેમના ઘણાં નાટકના 100થી વધારે શો યોજાતા હતા.

નાટકને સમર્પિત પદ્મારાણીની નસ નસમાં અભિનય હતો એમ કહેવું એટલા માટે ખોટું નથી.. કારણ કે, તેઓએ જીવનની છેલ્લી પળ સુધી રંગભૂમિ... અને નાટકો માટેના પોતાના સમર્પણની જ ચિંતા કરી હતી. નાટ્યકર્મી સંજય ગોરડિયાએ જણાવ્યા મુજબ, જ્યારે પદ્મારાણીજીના રોગનું નિદાન થયું.. ત્યારે તેઓને પહેલી ચિંતા પોતાના રોગની નહી, પરંતુ તેમણે લીધેલા નાટકના શો અંગેની હતી. આખરે તેઓ છેલ્લુ નાટક મારી અરજી, તારી મરજી..ના શો કર્યા બાદ જ હોસ્પિટલમાં એડમિટ થયા. નાટકને લઈને આવું સમર્પણ કોનું હોય ?

બા... આ નામથી બહુ ફેમસ થયા પદ્મારાણી... કારણ કે, બા રિટાયર થાય છે.. અને બા એ મારી બાઉન્ડ્રી જેવા તેમના નાટકોએ ધૂમ મચાવેલી...

જૂની રંગભૂમિથી અભિનયની શરૂઆત કરનારા પદ્મારાણી...નવી રંગભૂમિમાં કે મોર્ડન રંગભૂમિમાં પણ એટલા જ વ્યસ્ત રહ્યા... રંગભૂમિ બદલાઈ પણ તેઓ એવરગ્રીન રહ્યા..

પદ્મારાણીના નામમાં રાણીનું ટેગ કેમ લાગ્યું  ?

અભિનયના મહારાણી પદ્મારાણી
જૂની રંગભૂમિમાં એન્ટ્રી લીધા પછી શરૂઆતના સમયમાં તો તેઓ અભિનેત્રી પદ્મા તરીકે ઓળખાતા.... પણ આ નામ પાછળ રાણીનું ટેગ લાગવાની છે એક મસ્ત કહાણી.... આ કહાણી જોડાયેલી છે ફરેદુન શેઠની નાટક કંપની સાથે.. આ નાટક કંપની જ્યાં સુધી વડોદરામાં રહી... ત્યાં સુધી અભિનેત્રી પદ્માએ.. એમના નાટકોમાં કામ કર્યુ... એવામાં એક દિવસ એવું બન્યુ કે, મારે નથી પરણવું.. નામના એક નાટક વખતે... તેની મુખ્ય અભિનેત્રી રાણી પ્રેમલત્તાની તબિયત બગડી... અને તેમના સ્થાને અન્ય અભિનેત્રીને મંચ પર ઉતારવાની ફરજ પડી... એવે વખતે રાણી પ્રેમલત્તાએ... પદ્મા પર ભરોસો મુક્યો... અને એ જ નાટકથી.. તેમના નામની પાછળ... રાણી પ્રેમલત્તાએ... રાણી લગાડ્યુ.. ને નાટકના જાહેરાતના બોર્ડમાં નામ લાગ્યુ... પદ્મારાણી. બસ ત્યારથી તેઓ ઓળખાય છે પદ્મારાણી તરીકે.

હિન્દી સિનેમામાં પદ્મારાણીનું પ્રદાન.
શું તમે જાણો છો કે શાહરૂખની ફિલ્મ પહેલીમાં હતા પદ્મારાણી ?
આમીરખાનની ફિલ્મ દિલમાં પણ હતા પદ્મારાણી... આવી તો 21 જેટલી હિન્દી ફિલ્મમાં તેમણે અભિનય કર્યો છે. તો જિતેન્દ્ર અને ગોવિંદાને ચમકાવતી ફિલ્મ.. આદમી ખિલૌના હૈ..ના ર્નિમાતા પદ્મારાણી હતા. તમને નવાઈ લાગશે, પણ કદાચ તમે આ વાતથી અજાણ હશો કે, પદ્મારાણીના નામે 13 જેટલી ફિલ્મ્સના કોશ્‍ચ્યુમ ડિઝાઈનરની ક્રેડિટ પણ બોલે છે. આમ હિન્દી સિનેમામાં અભિનેત્રી, નિર્માતા અને કોશ્ચ્યુમ ડિઝાઈનર તરીકેનું પ્રદાન પદ્મારાણીજીએ આપ્યું છે.

ગુજરાતી ફિલ્મમાં કેવી રહી સફર  ?
175 જેટલી ગુજરાતી ફિલ્મમાં પદ્મારાણીજીએ અભિનય કર્યો છે. જો તેમની પહેલી ફિલ્મની વાત કરીએ તો યાદ કરવી પડે 1961માં આવેલી ગુજરાતી ફિલ્મ નરસૈયાની હુંડી. આ ફિલ્મ એટલે પદ્મારાણીની પરદા પર એન્ટ્રીની ફિલ્મ... એ પછીથી શરૂ થયેલી ફિલ્મી સફરમાં તેમણે ક્યારેય પાછળ ફરીને નથી જોયું. આ ફિલ્મ બાદ સૌથી મોટો મુકામ ગણવો હોય તો... ફિલ્મ.. અખંડ સૌભાગ્યવતી ગણી શકાય... એ જ અરસામાં ઘણી બધી ફિલ્મમાં તેઓ દેખાતા રહ્યા. પણ એક ફિલ્મનો ઉલ્લેખ ખાસ કરવો છે. આ ફિલ્મ એટલે વેલીને આવ્યા ફૂલ. આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મને નરેશ કનોડિયા નામના હીરો મળ્યા... ને આ જ ફિલ્મમાં નરેશ કનોડિયાના માતાના કિરદારમાં પદ્મારાણી હતા. એ જ વાતને વાગોળતા નરેશ કનોડિયાએ કહ્યુ કે, જો પદ્મારાણીનું માર્ગદર્શન અને સહકાર પહેલી ફિલ્મમાં ન મળ્યો હોત તો તેઓ અભિનેતા તરીકે ઘણું જ કપરું પડ્યુ હોત. સાથે જ નરેશ કનોડિયાએ એ વાતને પણ વાગોળી કે જ્યારે તેમના પુત્ર હિતુ કનોડિયા હીરો તરીકે પરદા પર આવ્યા તો તેમના માતાના કિરદારમાં પણ પદ્મારાણી જોવા મળ્યા છે. આમ પિતા-પુત્ર બંનેના માતાના કિરદારમાં પદ્મારાણીજી જોવા મળ્યા છે. વળી. પહેલી જ ફિલ્મમાં જેઓ માતા તરીકે હતા.. એ જ પદ્મારાણીજીએ મરદનો માંડવો ફિલ્મમાં નરેશ કનોડિયા સાથે જોડી પણ જમાવી હતી. તેમની સફળ ફિલ્મની યાદી બનાવીએ ને તો પણ એ યાદી ઘણીજ લાંબી થઈ જાય.

તખ્તાને જીવનારા... અને ફિલ્મ પાછળ ક્યારેય ન ભાગનારા પદ્મારાણી..ને,... જો કોઈ દિગ્દર્શકે ઓડિશનનું કહ્યુ.. તો તો સમજો કે તેની ફિલ્મ તેઓ ન જ કરે... તેઓ સ્પષ્ટ કહેતા.. કે આટલા સમય સુધી અભિનય કર્યા બાદ.. હવે અભિનયની પરીક્ષા તો ન જ હોય ને... કદાચ એટલે જ તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતી ફિલ્મ નહોતા કરતા.. પણ હા.. છેલ્લે તેમણે જે ગુજરાતી ફિલ્મ અરવિંદ રાઠોડ સાથે કરી એ ફિલ્મ એટલે.. મારા રાજ ઠાકોરની ચૂંદડી..

પરદા પર પદ્મારાણી દરેક કિરદારમાં ખિલતા એમ કહો... કે કોઈ પણ કિરદાર પદ્મારાણીથી ખીલી ઉઠતું એમ કહો બંને એકનું એક જ ગણાય.

ભલે પદ્મારાણીજી સદેહે આપણી વચ્ચે ન હોય.. પરંતુ તેઓએ કલાજગતમાં આપેલા પોતાના પ્રદાન બદલ ચાહકોના દિલમાં સદા જીવંત રહેશે. લોકો હંમેશા યાદ કરશે કે, અભિનયના મહારાણી એટલે પદ્મારાણી.

આવશે ગુજરાતી સિનેમાના અચ્છે દિન !.... નવી નીતિ બદલશે ફિલ્મ જગતની નિયતી ?



ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે હરખનો અવસર છે. ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે 2016ની નવી નીતિ જાહેર કરી છે. નવી પોલીસીના પ્લસ માઈનસની વાત કરીશું.. પણ અત્યારે તો તમે એ જાણી લો.. કે, આ નવી નીતિમાં છે શું ?

આ નીતિમાં ગુજરાતી ચલચિત્રની ગુણવત્તા અને તેની લોકભોગ્યતા કેન્દ્ર સ્થાને રાખવામાં આવી છે.
ગુજરાતી ચલચિત્રની ગુણવત્તા માટે.....
(
અ) દરેક ચલચિત્રનું ચલચિત્ર પરિક્ષણ સમિતિ (Film Screening Committee) મારફતે પરિક્ષણ કરાવવામાં આવશે. જે માટે ૧૦ જેટલાં વિશેષજ્ઞોને ચલચિત્ર પરિક્ષણ સમિતિમાં સ્થાન આપવામાં આવશે.
(
બ) ચલચિત્ર પરિક્ષણ સમિતિના દરેક સભ્ય દ્વારા ચલચિત્રના ૧૩ જેટલા વિભાગો (Departments) માટે ફાળવેલ કુલ ૮૦ ગુણમાંથી ગુણાંકન કરવામાં આવશે.
(
ક) ચલચિત્ર પરિક્ષણ સમિતિના દરેક સભ્યએ આપેલા ગુણો પરથી સરેરાશ ગુણ કાઢવામાં આવશે.
આ નીતિમાં ચલચિત્રની ગુણવત્તા સાથે તેની લોક ભોગ્યતાનો પણ સમન્વય સાધવામાં આવેલ છે. તેના માટે.....
(
અ) ગુજરાતી ચલચિત્રની ગુજરાત રાજ્યમાં સિનેમાગૃહો તથા મલ્ટીપ્લેક્ષમાં વેચાયેલી ટીકીટોની સંખ્યાના આધારે ૨૦ ગુણમાંથી ગુણ આપવામાં આવશે.
(
બ) ગુજરાતી ચલચિત્રની  વેચાયેલી ટીકીટોની સંખ્યાના ૨૦ ગુણના પુરાવા માટે પણ સરકારી તંત્ર ઉપર આધાર રાખવામાં આવેલ નથી.
(
ક) આ માટે સંબંધિત ચલચિત્રના ડ્રિસ્ટ્રીબ્યુટરના રીપોર્ટને જ પૂરાવા તરીકે ધ્યાનમાં લેવાની જોગવાઈ નવી નીતિમાં રાખવામાં આવી છે.
આમ ગુણવત્તાના ૮૦ ગુણ અને લોકભાગ્યતાના ૨૦ ગુણ મળી કુલ ૧૦૦ ગુણમાંથી સંબંધિત ચલચિત્રને મળેલા ગુણના આધારે નીચે મુજબ ગ્રેડ આપવામાં આવશે.
ગુણ ગ્રેડ
૮૧ કે તેથી વધુ ગુણ મેળવનાર ચલચિત્ર A
૬૧ થી ૮૦ ગુણ મેળવનાર ચલચિત્ર B
૫૧ થી ૬૦ ગુણ મેળવનાર ચલચિત્ર C
૪૧ થી ૫૦ ગુણ મેળવનાર ચલચિત્ર D
૪૧ થી ઓછા ગુણ મેળવનાર ચલચિત્ર કોઇ ગ્રેડ નહિ

સંબંધિત ચલચિત્રને મળેલા ગ્રેડના આધારે નીચે મુજબ આર્થિક સહાયની રકમ ચૂકવવામાં આવશે.
ગ્રેડ સહાયની રકમ
A
રૂ.૫૦ લાખ અથવા ચલચિત્ર નિર્માણના પ્રત્‍યક્ષ ખર્ચની ૭૫ ટકા રકમ એ બે પૈકી જે ઓછી હોય તે રકમ.
B
રૂ.૨૫ લાખ અથવા ચલચિત્ર નિર્માણના પ્રત્‍યક્ષ ખર્ચની ૭૫ ટકા રકમ એ બે પૈકી જે ઓછી હોય તે રકમ.
C
રૂ.૧૦ લાખ અથવા ચલચિત્ર નિર્માણના પ્રત્‍યક્ષ ખર્ચની ૭૫ ટકા રકમ એ બે પૈકી જે ઓછી હોય તે રકમ.
D
રૂ. ૫ લાખ અથવા ચલચિત્ર નિર્માણના પ્રત્‍યક્ષ ખર્ચની ૭૫ ટકા રકમ એ બે પૈકી જે ઓછી હોય તે રકમ.

બાળ ચલચિત્રને  ગ્રેડ આધારે મળવાપાત્ર રકમ ઉપરાંત ૨૫ ટકા વધારાની આર્થિક સહાય મળવાપાત્ર થશે.
મહિલા  સશક્તિકરણ સંબંધિત વિષયના ચલચિત્રને ગ્રેડ આધારે મળવાપાત્ર આર્થિક સહાય ઉપરાંત ૨૫ ટકા વધારાની આર્થિક સહાય મળવાપાત્ર થશે.
જે ગુજરાતી ચલચિત્રને ભારત સરકારનો Regional Language  Category માં  “રજત કમલનો રાષ્ટ્રીય પુરસ્કાર મળેલ હશે તેવા ગુજરાતી ચલચિત્રના નિર્માતાને રૂ.૧ કરોડ ની આર્થિક સહાય મળવાપાત્ર થશે.
જે ગુજરાતી ચલચિત્રને નીચે જણાવેલ આંતરરાષ્ટ્રીય  એવોર્ડ મળેલ હશે તેવા ગુજરાતી ચલચિત્રના નિર્માતાને એવોર્ડની સામે દર્શાવ્યા મુજબ રૂ.૨ કરોડ થી રૂ.૫ કરોડ ની સહાય મળવાપાત્ર થશે.
ક્રમ    આંતરરાષ્ટ્રીય એવોર્ડનું નામ               રકમ રૂ.
    ઓસ્‍કાર એકેડમી એવોર્ડસ, અમેરિકા
(The Academy Awards, or "Oscars")
            ૫ કરોડ
કાન્‍સ ફિલ્‍મ ફેસ્‍ટિવલ, ફ્રાન્‍સ
(Cannes Film Festival)
                         ૫ કરોડ
બર્લિન ઇન્‍ટરનેશનલ ફિલ્‍મ ફેસ્‍ટિવલ, જર્મની
(Berlin International Film Festival)
             ૩ કરોડ
વેનિસ ઇન્‍ટરનેશનલ ફિલ્‍મ ફેસ્‍ટિવલ, ઇટલી
(Venice International Film Festival)
            ૩ કરોડ
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં પુરસ્કૃત કરવામાં આવતાંસ્વર્ણ મયુર”  એવોર્ડ
Golden Peacock Award, International Film Festival of India (IFFI)
      ૨ કરોડ
મોસ્‍કો ઇન્‍ટરનેશનલ ફિલ્‍મ ફેસ્‍ટિવલ, રશિયા
(Moscow International Film Festival)
           ૨ કરોડ
ટોરેન્‍ટો ઇન્‍ટરનેશનલ ફિલ્‍મ ફેસ્‍ટિવલ, કેનેડા
(Toronto International Film Festival (TIFF))
    ૨ કરોડ
બુશાન (પુશાન) ઇન્‍ટરનેશનલ ફિલ્‍મ ફેસ્‍ટિવલ, દક્ષિણ કોરિયા
(Busan International Film Festival, previously Pusan International Film Festival
૨ કરોડ
હોંગકોંગ ઇન્‍ટરનેશનલ ફિલ્‍મ ફેસ્‍ટિવલ, ચીન
(Hong Kong International Film Festival (HKIFF))
  ૨ કરોડ
૧૦ મેનહમ ઇન્‍ટરનેશનલ ફિલ્‍મ ફેસ્‍ટિવલ, જર્મની
(Mannheim-Heidelberg International Film festival)
   ૨ કરોડ
૧૧ રોટારડમ ઇન્‍ટરનેશનલ ફિલ્‍મ ફેસ્‍ટિવલ, નેધરલેન્‍ડ
(International Film Festival Rotterdam (IFFR))
      ૨ કરોડ

ચલચિત્ર પરિક્ષણ સમિતિ (Gujarati Film Screening Committee)” ની બેઠક દર ત્રણ માસે (Quarterly) એટલે કે વર્ષમાં ચાર વાર મળશે. તેથી વર્ષ આખર સુધી ચલચિત્રના નિર્માતાએ રાહ જોવી નહિ પડે. 
મળવાપાત્ર સહાયની રકમ પણ નિર્માતાના બેન્ક ખાતામાં બારોબાર જમા કરવામાં આવનાર છે.

ગુજરાતી ચલચિત્રોના શ્રેષ્ઠ કલાકાર-કસબીઓને જુદી-જુદી ૩૨ કેટેગરીમાં આપવામાં આવતાં રોકડ પુરસ્કારની રકમ બે ગણી કરવામાં આવી છે.
ગુજરાતી ચલચિત્રોને ૧૦૦ ટકા કરમુક્તિ આપવાની બાબતને પણ અધ્યતન કરીને આ નીતિમાં સમાવેશ કરવામાં આવેલ છે.
આમ આ નીતિમાં ગુજરાતી ચલચિત્રોની ગુણવત્તા અને લોકભોગ્યતાને કેન્દ્ર સ્થાને રાખવામાં આવી છે. આ ઉપરાંત તેમાં આંતરરાષ્ટ્રીય  એવોર્ડઅનેરાષ્ટ્રીય  એવોર્ડવિજેતા ચલચિત્રો માટે તથા બાળ ચલચિત્રોઅને મહિલા  સશક્તિકરણ સંબંધિત વિષયના ચલચિત્રોમાટે વિશેષ આર્થિક સહાયની જોગવાઇ રાખવામાં આવી છે.