Tuesday 2 February 2016

અભિનયના મહારાણી પદ્મારાણી

અભિનયના મહારાણી પદ્મારાણી 



અભિનયના મહારાણી પદ્મારાણી
એક અદાકારા... અનેક રૂપ..
એક અભિનેત્રી... અનેક કિરદાર...
કિરદાર કોઈ પણ હોય... મંચ કોઈ પણ હોય.. તખ્તો હોય.. પરદો હોય.. કે હોય ટેલિવિઝન... તેઓ હંમેશા બનીને રહ્યા અભિનયના મહારાણી... પદ્મારાણી..

સંજોગ તો જુઓ.. 25મી જાન્યુઆરી એ પદ્મારાણીનો જન્મદિવસ હતો... અને એ જ તારીખ.. એટલે કે 25મી જાન્યુઆરીએ જ તેમણે મહાપ્રયાણ કર્યુ.  જિંદગીના રંગમંચ પરથી પદ્મારાણીએ એક્ઝિટ કરી લીધી.. ત્યારે ટીવી નાઈન ગુજરાતી પર આ શખ્સિયત પર વિશેષ  કાર્યક્રમ કરતી વખતે.. એમના કામ પર ઉડતી નજર કરીને તોય.. એમ ચોક્કસ કહેવું જ પડે કે, પદ્મારાણીજી.. જેટલું જીવ્યા એ તખ્તા માટે જીવ્યા. અભિનય માટે જીવ્યા. કલા માટે જીવ્યા. પદ્મારાણીજીનો ઠસ્સો, તેમનો રૂઆબ, તેમનો અભિનય અને તેમની હાજરીની તો કાયમ નોંધ લેવાતી રહી છે, પરંતુ હવે તો એમ કહેવું પડે કે, તેમની ગેરહાજરીની પણ નોંધ લેવી પડે.


બહુ ફેમસ થયું હતુ.. બા રિટાયર થાય છે. 

રંગમંચને કરતા હતા પ્રેમ...
       પદ્મારાણીજીના અંતિમ શ્વાસની ખબરે.. તખ્તો હચમચી જાય એ સહજ છે.. કારણ કે, તખ્તા પર જ તો ગુજર્યુ હતુ પદ્મારાણીનું જીવન.. તેઓ રંગમંચને જ જિંદગીગણાવતા. જીવનના મોટાભાગના રવિવાર તેમણે મંચ પર ગાળ્યા. નાટકના 6000થી વધુ શો કરી ચૂકેલા પદ્મારાણી.. ફિલ્મના શુટિંગમાં ક્યાંય પણ હોય.... પણ શનિવારની સાંજે મુંબઈ માટે નીકળી જાય.... અને રવિવારે તો... તેઓનું નાટક હોય હોય ને હોય જ... 
નાટકને પ્રેમ કરતા પદ્મારાણીની જિંદગીનો પહેલો પ્રેમ પણ નાટકના કારણે જ હતો.. અને તેમનો એ પહેલો પ્રેમ એટલે નાટકના ર્નિમાતા નામદાર ઈરાની. નામદાર ઈરાની સાથે પ્રેમ થતાં તેમણે 18 વર્ષની ઉમરે લગ્ન કર્યા હતા. 


પરિવાર અને નાટકમાં પહેલી એન્ટ્રી વિશે...


પૂણેના એક મધ્યમવર્ગીય મરાઠી પરિવારના ભીમરાવ ભોંસલે, આફ્રિકામાં બારિસ્ટરની કામગીરી કરતા હતા.. ત્યાં જ પિતા ભીમરાવ ભોંસલેના ઘરે અને માતા કમલાબાઈની કુખે પદ્મારાણીનો જન્મ આફ્રિકામાં થયો. ભીમરાવ ભોંસલેની બદલી વડોદરા થતાં... તેઓ આફ્રિકાથી વડોદરા આવ્યા. એટલે એમ કહેવાય કે, પદ્મારાણીનો ઉછેર વડોદરામાં થયો હતો. વડોદરાની મહારાણી ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વખતથી જ કલામાં રૂચિ હોવાના કારણે.. એ જમાનામાં નાટ્યજગતનું મોટું નામ ધરાવતા ફરેદુન ઈરાનીની નાટ્યકંપનીમાં પદ્મારાણીનું નામ નવી અભિનેત્રી તરીકે હાઈસ્કુલમાંથી જ પહોંચ્યુ. 1951-52ના વર્ષમાં પહેલીવાર તખ્તા પર એન્ટ્રી કરી.. ત્યાર બાદ પદ્મારાણીએ ક્યારેય પાછળ વળીને જોયું નથી.

વડોદરાથી મુંબઈ ભણી...
સફળતાની બાઉન્ડ્રી વટાવનારું નાટક 
નાટ્યજગતમાં રમૂજી કિરદાર કરીને એન્ટ્રી મેળવનાર પદ્મારાણીએ.. વૈવિદ્ય સભર કિરદાર કર્યા છે. વડોદરાથી તેઓ મુંબઈ આવ્યા... અને મુંબઈમાં રંગભૂમિની સફરની શરૂઆતમાં પાનેતર નાટક સીમાચિહ્ન રૂપ બન્યું. આ નાટકમાં છવાયા બાદ તો પટરાણી, અભિષેક,  સ્વયંસિદ્ધા, તુટી દોર પતંગની, જુવાનીના ઝેર, ધૂપસળી,નીલ ગગનના પંખેરું, મને અજવાળાં બોલાવે, રાતરાણી, બા રીટાયર થાય છે, બાએ મારી બાઉન્ડ્રી જેવા કેટકેટલાય નાટકોમાં તેમણે અભિનયના ઓજસ પાથર્યા છે. એમના નાટકોને જાણે સદી કરવાની ટેવ પડી ગઈ હોય.. એમ તેમના ઘણાં નાટકના 100થી વધારે શો યોજાતા હતા.

નાટકને સમર્પિત પદ્મારાણીની નસ નસમાં અભિનય હતો એમ કહેવું એટલા માટે ખોટું નથી.. કારણ કે, તેઓએ જીવનની છેલ્લી પળ સુધી રંગભૂમિ... અને નાટકો માટેના પોતાના સમર્પણની જ ચિંતા કરી હતી. નાટ્યકર્મી સંજય ગોરડિયાએ જણાવ્યા મુજબ, જ્યારે પદ્મારાણીજીના રોગનું નિદાન થયું.. ત્યારે તેઓને પહેલી ચિંતા પોતાના રોગની નહી, પરંતુ તેમણે લીધેલા નાટકના શો અંગેની હતી. આખરે તેઓ છેલ્લુ નાટક મારી અરજી, તારી મરજી..ના શો કર્યા બાદ જ હોસ્પિટલમાં એડમિટ થયા. નાટકને લઈને આવું સમર્પણ કોનું હોય ?

બા... આ નામથી બહુ ફેમસ થયા પદ્મારાણી... કારણ કે, બા રિટાયર થાય છે.. અને બા એ મારી બાઉન્ડ્રી જેવા તેમના નાટકોએ ધૂમ મચાવેલી...

જૂની રંગભૂમિથી અભિનયની શરૂઆત કરનારા પદ્મારાણી...નવી રંગભૂમિમાં કે મોર્ડન રંગભૂમિમાં પણ એટલા જ વ્યસ્ત રહ્યા... રંગભૂમિ બદલાઈ પણ તેઓ એવરગ્રીન રહ્યા..

પદ્મારાણીના નામમાં રાણીનું ટેગ કેમ લાગ્યું  ?

અભિનયના મહારાણી પદ્મારાણી
જૂની રંગભૂમિમાં એન્ટ્રી લીધા પછી શરૂઆતના સમયમાં તો તેઓ અભિનેત્રી પદ્મા તરીકે ઓળખાતા.... પણ આ નામ પાછળ રાણીનું ટેગ લાગવાની છે એક મસ્ત કહાણી.... આ કહાણી જોડાયેલી છે ફરેદુન શેઠની નાટક કંપની સાથે.. આ નાટક કંપની જ્યાં સુધી વડોદરામાં રહી... ત્યાં સુધી અભિનેત્રી પદ્માએ.. એમના નાટકોમાં કામ કર્યુ... એવામાં એક દિવસ એવું બન્યુ કે, મારે નથી પરણવું.. નામના એક નાટક વખતે... તેની મુખ્ય અભિનેત્રી રાણી પ્રેમલત્તાની તબિયત બગડી... અને તેમના સ્થાને અન્ય અભિનેત્રીને મંચ પર ઉતારવાની ફરજ પડી... એવે વખતે રાણી પ્રેમલત્તાએ... પદ્મા પર ભરોસો મુક્યો... અને એ જ નાટકથી.. તેમના નામની પાછળ... રાણી પ્રેમલત્તાએ... રાણી લગાડ્યુ.. ને નાટકના જાહેરાતના બોર્ડમાં નામ લાગ્યુ... પદ્મારાણી. બસ ત્યારથી તેઓ ઓળખાય છે પદ્મારાણી તરીકે.

હિન્દી સિનેમામાં પદ્મારાણીનું પ્રદાન.
શું તમે જાણો છો કે શાહરૂખની ફિલ્મ પહેલીમાં હતા પદ્મારાણી ?
આમીરખાનની ફિલ્મ દિલમાં પણ હતા પદ્મારાણી... આવી તો 21 જેટલી હિન્દી ફિલ્મમાં તેમણે અભિનય કર્યો છે. તો જિતેન્દ્ર અને ગોવિંદાને ચમકાવતી ફિલ્મ.. આદમી ખિલૌના હૈ..ના ર્નિમાતા પદ્મારાણી હતા. તમને નવાઈ લાગશે, પણ કદાચ તમે આ વાતથી અજાણ હશો કે, પદ્મારાણીના નામે 13 જેટલી ફિલ્મ્સના કોશ્‍ચ્યુમ ડિઝાઈનરની ક્રેડિટ પણ બોલે છે. આમ હિન્દી સિનેમામાં અભિનેત્રી, નિર્માતા અને કોશ્ચ્યુમ ડિઝાઈનર તરીકેનું પ્રદાન પદ્મારાણીજીએ આપ્યું છે.

ગુજરાતી ફિલ્મમાં કેવી રહી સફર  ?
175 જેટલી ગુજરાતી ફિલ્મમાં પદ્મારાણીજીએ અભિનય કર્યો છે. જો તેમની પહેલી ફિલ્મની વાત કરીએ તો યાદ કરવી પડે 1961માં આવેલી ગુજરાતી ફિલ્મ નરસૈયાની હુંડી. આ ફિલ્મ એટલે પદ્મારાણીની પરદા પર એન્ટ્રીની ફિલ્મ... એ પછીથી શરૂ થયેલી ફિલ્મી સફરમાં તેમણે ક્યારેય પાછળ ફરીને નથી જોયું. આ ફિલ્મ બાદ સૌથી મોટો મુકામ ગણવો હોય તો... ફિલ્મ.. અખંડ સૌભાગ્યવતી ગણી શકાય... એ જ અરસામાં ઘણી બધી ફિલ્મમાં તેઓ દેખાતા રહ્યા. પણ એક ફિલ્મનો ઉલ્લેખ ખાસ કરવો છે. આ ફિલ્મ એટલે વેલીને આવ્યા ફૂલ. આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મને નરેશ કનોડિયા નામના હીરો મળ્યા... ને આ જ ફિલ્મમાં નરેશ કનોડિયાના માતાના કિરદારમાં પદ્મારાણી હતા. એ જ વાતને વાગોળતા નરેશ કનોડિયાએ કહ્યુ કે, જો પદ્મારાણીનું માર્ગદર્શન અને સહકાર પહેલી ફિલ્મમાં ન મળ્યો હોત તો તેઓ અભિનેતા તરીકે ઘણું જ કપરું પડ્યુ હોત. સાથે જ નરેશ કનોડિયાએ એ વાતને પણ વાગોળી કે જ્યારે તેમના પુત્ર હિતુ કનોડિયા હીરો તરીકે પરદા પર આવ્યા તો તેમના માતાના કિરદારમાં પણ પદ્મારાણી જોવા મળ્યા છે. આમ પિતા-પુત્ર બંનેના માતાના કિરદારમાં પદ્મારાણીજી જોવા મળ્યા છે. વળી. પહેલી જ ફિલ્મમાં જેઓ માતા તરીકે હતા.. એ જ પદ્મારાણીજીએ મરદનો માંડવો ફિલ્મમાં નરેશ કનોડિયા સાથે જોડી પણ જમાવી હતી. તેમની સફળ ફિલ્મની યાદી બનાવીએ ને તો પણ એ યાદી ઘણીજ લાંબી થઈ જાય.

તખ્તાને જીવનારા... અને ફિલ્મ પાછળ ક્યારેય ન ભાગનારા પદ્મારાણી..ને,... જો કોઈ દિગ્દર્શકે ઓડિશનનું કહ્યુ.. તો તો સમજો કે તેની ફિલ્મ તેઓ ન જ કરે... તેઓ સ્પષ્ટ કહેતા.. કે આટલા સમય સુધી અભિનય કર્યા બાદ.. હવે અભિનયની પરીક્ષા તો ન જ હોય ને... કદાચ એટલે જ તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતી ફિલ્મ નહોતા કરતા.. પણ હા.. છેલ્લે તેમણે જે ગુજરાતી ફિલ્મ અરવિંદ રાઠોડ સાથે કરી એ ફિલ્મ એટલે.. મારા રાજ ઠાકોરની ચૂંદડી..

પરદા પર પદ્મારાણી દરેક કિરદારમાં ખિલતા એમ કહો... કે કોઈ પણ કિરદાર પદ્મારાણીથી ખીલી ઉઠતું એમ કહો બંને એકનું એક જ ગણાય.

ભલે પદ્મારાણીજી સદેહે આપણી વચ્ચે ન હોય.. પરંતુ તેઓએ કલાજગતમાં આપેલા પોતાના પ્રદાન બદલ ચાહકોના દિલમાં સદા જીવંત રહેશે. લોકો હંમેશા યાદ કરશે કે, અભિનયના મહારાણી એટલે પદ્મારાણી.

No comments:

Post a Comment