Monday, 29 February 2016

બોક્સઓફિસ પર આવી... ઓલ્વેઝ રહીશું સાથે


ગુગલ અને ગુજરાતી ફિલ્મને.. અત્યારે છે એટલો નજીકનો નાતો નહોતો.. એટલે કે, ગુજરાતી ફિલ્મ વિશે લખનારા મિત્રો બહુ ઓછા હતા... ત્યારે ગુગલ પર ખાંખાખોળા કરતા... મને વિક્રમ ઠાકોરની ફિલ્મનો રિવ્યુ લખેલો એક બ્લોગ નજરે ચડ્યો.. વાંચ્યો.. મજ્જા પડી....  પહેલી મજા તો એ વાતની હતી કે, ગુજરાતી ફિલ્મ પર રિવ્યુ લખાયેલો હતો... અને બીજુ એ ગમ્યુ.. કે, ગુજરાતી ફિલ્મ પર 2009થી માત્ર મારા બ્લોગ http://jitendrabandhaniya.blogspot.com  પર જ લખાતુ હતુ.. આ સિવાય પણ વધુ એક બ્લોગમાં ગુજરાતી ફિલ્મ વિશે લખાય છે. એ બ્લોગનું નામ મજ્જાનું છે... "બાપુનો બબડાટ... લિ.યુવરાજ".  માહિતી મેળવતા ખબર પડી કે, આ બ્લોગ.. યુવરાજ જાડેજા નામનો કોઈ યુવાન લખે છે. બ્લોગ પર સંપર્ક માટે મેસેજ છોડ્યો.. પણ જવાબ ન મળ્યો. થયું કે, બાપુ છે, મિજાજી હશે જવાબ ન આપે.. પછી અચાનક જ સંપર્કમાં આવ્યા... વાતો થઈ... ને લાગ્યુ કે, આ બાપુ મિજાજી નથી, મજ્જાના માણસ છે.. એ વખતે તેઓ ફિલ્મની તૈયારીમાં હતા.. અને હવે આ ફિલ્મ બની ગઈ છે, ગયા શુક્રવારથી ફિલ્મ પરદા પર પરીક્ષા આપી રહી છે. ફિલ્મ બોક્સઓફિસ પર સફળ થઈ ન થઈ એ ચર્ચાને બાજુએ મુકીને આ ફિલ્મ માટે યુવરાજને દિલથી અભિનંદન. અભિનંદન એટલા માટે કે, ફિલ્મ બનાવવી છે એવું સપનું સાકાર કરી શક્યા.
અભિનંદન એટલા માટે કે, કોમેડી ઝોનરની ફિલ્મ્સ જ આવી રહી છે ત્યારે મેડિકો લવ સ્ટોરીના એક નવા જ વિષય સાથે બોક્સઓફિસ પર આવ્યા. આવા વિષય સાથે આવવું એ જ હિંમતનું કામ છે. 


ઓલ્વેઝ રહીશું સાથે વિશે...   સ્ટોરી
ઓલ્વેઝ રહીશું સાથે એટલે પરદા પર આવેલી એક મેડિકો લવ સ્ટોરી.
નામ પરથી જ ખ્યાલ આવી જાય કે, આ ફિલ્મ એક લવ સ્ટોરી છે. 
એક ડોકટર અને દર્દીની લવ સ્ટોરી.
બિમારી સામે ઝઝુમતિ પ્રેમિકા અને તેને બચાવવા માટે મથતા ડોકટરની કહાણીને ફિલ્મમાં રજૂ કરાઈ છે. રીતેશ મોકાસણા લિખિત મારી ઉમર તને મળી જાય.. નવલકથા પરથી આ ફિલ્મ બનાવાઈ છે.

અભિનય
ઉમંગ આચાર્ય અને તિલ્લાના દેસાઈ અભિનીત આ ફિલ્મમાં બંનેની જોડી જામે છે... અને પરદા પર પોતાના કિરદારને બંને ન્યાય આપી શક્યા છે, શૌનક વ્યાસ દર્શકોને હસાવવામાં સફળ રહ્યા છે. બાકીના ઘણા કિરદારમાં જોઈએ એટલું જામતું નથી. કાસ્ટિંગ ડિરેક્ટરની કચાશ ચોખ્ખી દેખાય છે.

સ્ક્રીન પ્લે અને સંવાદ 
કિરદાર પ્રમાણે સંવાદો અને શૈલીનું ધ્યાન રખાયુ હતુ. પણ ક્યાંક ભારે ભરખમ લાગતા સંવાદને હળવી રીતે પણ મુકી શકાયા હોત. 

ગીત સંગીત
ફિલ્મના દિગ્દર્શક યુવરાજ જાડેજાએ લખેલા ગીતો ખરેખર અદભૂત છે... તેમાં સમીર-માનાનું સંગીત ગીતને કર્ણપ્રીય બનાવે છે. પાર્થ ઓઝા, ઐશ્વર્યા મજમુદાર અને ઓસમાણ મીર સહિતના ગાયકોએ આ ગીતમાં જમાવટ કરી છે.
દિગ્દર્શન
પહેલી જ ફિલ્મ હોઈ યુવરાજે કરેલા દિગ્દર્શનની સરાહના તો કરવી જ પડે, આમ પણ અત્યારે જે પ્રકારની ફિલ્મ ચાલી રહી છે તેની સામે આ પ્રકારની લવ સ્ટોરી સાથે આવવું એ પણ છે હિંમતનું કામ છે. પણ હા, દિગ્દર્શન બાબતે એમ પણ ચોક્કસ કહી શકાય કે, ઘણી બધી જગ્યાએ વધુ સારુ કામ થઈ શક્યુ હોત. હવે પછીની ફિલ્મ વખતે યુવરાજ આ અપેક્ષા પણ પૂરી કરે એવી આશા રહેશે.



No comments:

Post a Comment