Sunday 11 December 2011

...ને જગદીશ અને પ્રતિક કાદવમાં પડ્યા !

બને ત્યાં સુધી તો સિને સ્ટાર્સ એ બાબતનું ધ્યાન રાખતા હોય છે કે તેઓના કપડાં ગંદા ન થાય કે, તેઓના શરીર ગંદા ન થાય.. પણ કામ તો આખરે કામ છે.. એ માટે તો તેમણે કપડા પણ ગંદા કરવા પડે... અને જરૂર પડ્યે ગોરી ચામડી પર પણ કાળા ડાઘ લગાવવા પડે. આવું જ થયું આપણાં સ્ટાર્સ જગદીશ ઠાકોર અને પ્રતિક પટેલ સાથે. જગદીશ ઠાકોર અને પ્રતિક પટેલ બંને અપકમિંગ ફિલ્મ પ્રિત ના હારે,  મહિસાગરના આરેમાં સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મના એક સીનમાં એ બંને વચ્ચેની ટક્કર દિગ્દર્શક ગજેન્દ્ર મહિડાને બતાવવી હતી.. અને આ ટક્કર માટે એમણે જે સીન વિચાર્યો હતો..એ પ્રમાણે કામ કરવા જતાં જગદીશ અને પ્રતિક કાદવમાં પડ્યા. !
તમને યાદ છે નાયક ફિલ્મની અનિલ કપૂરવાળી મડ ફાઈટ.. ? એવી જ કંઈક ફાઈટ આ ફિલ્મમાં ફિલ્માવવાની હતી. આમ પણ છેલ્લા ઘણાં સમયથી ઢોલિવૂડમાં કેબલ ફાઈટનો તો ટ્રેન્ડ શરૂ થયો જ છે, એટલે આ ટ્રેન્ડ એક્શન હિરોને ચમકાવતી દરેક ફિલ્મમાં દેખાય છે જ. પણ જગદીશ ઠાકોર અને પ્રતિક પટેલ વચ્ચેની જંગને જબરદસ્ત રીતે બતાવવા માટે અખતરો કરાયો છે મડ ફાઈટનો એટલે કે કાદવ ફાઈટનો. પ્રતિક અને જગદીશ વચ્ચેના એક ફાઈટ સીનને કાદવમાં ફિલ્માવીને દર્શકોને એક્શન સીન કંઈક અલગ રીતે આપવાનો આ ફિલ્મમાં પ્રયાસ કરાયો છે. વળી, જગદીશની એક્શન હિરોની ઈમેજને જાળવી રાખવા માટે પણ આ ફિલ્મમાં કોઈ નવો પ્રયોગ થાય એ જરૂરી હતુ એટલે પ્રદિપ પટેલ નિર્મિત અને ગજેન્દ્ર મહિડા દિગ્દર્શિત આ ફિલ્મમાં હવે જામશે કાદવમાં ફાઈટ.
                                                                                                                                  સૌજન્ય : http://dhollywoodfilms.com/ 

ઢોલિવૂડમાં પહેલીવાર હટકે પ્રમોશન ફંડા

પ્રિત ના હારે મહિસાગરના આરે

કોમેડી ફિલ્મમાં આઈટમ સોંગની ધમાલ

વિક્રમ અને મમતા સાથે ખાસ મુલાકાત

આપણાં નરેશભાઈ - સુપરસ્ટાર નરેશ કનોડિયાના જીવનની અજાણી વાતો

Friday 28 October 2011

આ સાઈટ પર તમે ક્લીક કર્યુ કે નહી...

મિત્રો...
ગુજરાતી ફિલ્મ વિશે આ બ્લોગ પર લખવાનું હમણાંથી અનિયમિત થયું છે. અફસોસ છે કે જોઈએ એટલો સમય હવે બ્લોગ માટે ફાળવી શકતો નથી.. જો કે, ટૂંક સમયમાં ફરી લખવાનું શરૂ કરી દઈશ એની ગેરંટી... પણ હા... સમયની વ્યસ્તતા વચ્ચે તમારી સાથેનો નાતો તો કાયમ ટકાવી રાખવાનો છે એટલે તમને નવી માહિતી આપવાનું કેમ ચૂકાય... મારા બ્લોગ પર હું તમને આપણા સિને જગતની વિવિધ વાતો કહેતો આવ્યો છુ... આવી જ વાતો.. એમાં ન્યૂઝ, પ્રોમોઝ, ગોસિપ્સ... અને બીજુ ઘણું બધુ હવે તમે આ બ્લોગ સિવાય.. અન્ય એક  સાઈટ  www.dhollywoodfilms.com પરથી પણ મેળવી શકશો.. ઘણાં જ અંગત કહી શકાય એવા બે મિત્રો.. ભાણાભાઈ અને પંકજભાઈએ આ સાઈટ શરૂ કરી ઈન્ડસ્ટ્રીને વધુ એક વાર પ્રમોશનનો e - માર્ગ બતાવ્યો છે. આ સાઈટ પરથી ગુજરાતી સિનેચાહકોને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની માહિતી હવે આંગળીઓના ટેરવે મળશે.. તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી અજાણ ટેક્નોસેવી યંગસ્ટર્સ સુધી હવે સિને જગતની માહિતી પહોંચવી આસાન બનશે.. આ નવો પ્રયાસ કરી ફિલ્મ જગતની વાત લોકો સુધી પહોંચાડવામાં બંને મિત્રોને સફળતા મળે તેવી શુભકામનાઓ... ઢોલિવૂ઼ડના  આ નવા ન્યૂઝ તો તમે વાંચ્યા.. હવે નવી સાઈટ પર જવા માટે કરી લ્યો લોગ ઓન... http://dhollywoodfilms.com 



Monday 25 July 2011

વિક્રમની સફળતા પર હિતેન કુમારના સવાલ - એકવાર ક્લીક કરવા આવજો


હિતેન કુમારના વિવાદ બાદ હિતુ કનોડિયાનો જવાબ


હિતેન કુમાર બન્યા વિવાદના જન્મદાતા


વરસાદમાં જ ભીંજાવું છે કે... હેતમાં ?


હિતુ - મોના અને "કંઈક"..


આજ મૈ ખુશ હં... તુમ ભી બોલો મૈ હું ખુશ ક્યું.. ?


કિરણ આચાર્યનો હોટ અવતાર


ઢોલિવૂ઼ડની હોટ હસીનાઓ


Wednesday 20 July 2011

નૈતિક અને ખંજન.. બે યુવા સર્જકોની નવી ફિલ્મ 'ચાર'


ઢોલિવૂડમાં નવતર પ્રયોગ


હિતેન કુમારનો બાદશાહ અંદાજ


હિતેન કુમાર બન્યા એક્શન કુમાર


રાજવીરે રાખ્યો રંગ

રાજવીરમાં હિતુ કનોડિયા
        છેલ્લે બે ફિલ્મ જોઈ... "રાજવીર" અને "સરહદ પાર મારી રાધા." આ બંનેમાં "રાજવીર" જોવાની ખરેખર મજ્જા પડી. સરહદ પારની મારી રાધા ફિલ્મ વિષય સારો હોવા છતાં ખાસ મજા ન પડી. આ બંને ફિલ્મ્સ વિશે તરત લખવું હતુ, પણ સમયની ગરીબીના કારણે લખી ના શકાયું. ખેર, મોડે મોડેય મને ગમેલી ફિલ્મ રાજવીર વિશે થોડું... માત્ર ગુજરાતી ફિલ્મના ચાહકો માટે...
        રાજવીર... સૌથી પહેલું તો ગમ્યું ફિલ્મનું ટાઈટલ.. અત્યારની લાં... બા નામવાળી ફિલ્મથી દુર રહીને આ ફિલ્મનું નામ રાજવીર રખાયું તે ગમ્યું. સાથે જ ગમ્યું ફિલ્મનું મેકિંગ.
વાર્તા
ફિલ્મની વાર્તા તેની ટેગ લાઈન પ્રમાણે રહસ્યમય પ્રેમકથા પ્રમાણેની જ છે. આખી ફિલ્મમાં રહસ્ય છવાયેલું રહે છે, અને દર્શકોને જકડી રાખવામાં એ જ રહસ્ય સફળ થાય છે.
અભિનય
સ્ટોરીલાઈન પ્રમાણે હિતુનો અલગ ગેટ અપ કરાયો તે ગમ્યું. બાકી દરેક ફિલ્મમાં હિરોનો લૂક એક સમાન જ હોય છે. રાજવીરનો હિતુનો નેગેટિવ શેડ અને લૂક આપણને ખલનાયકના સંજય દત્ત અને હીરોના જેકી શ્રોફની યાદ અપાવે છે, રાજવીરના કિરદારમાં હિતુનો અભિનય કાબિલેદાદ છે. તો કિરણે પણ વધુ એક ફિલ્મમાં પોતાની અભિનયક્ષમતા પૂરવાર કરી છે. નરેશ કનોડિયા ખાકી લૂકમાં જામે છે. ફિરોજ ઈરાની દરેક ફિલ્મની જેમ આ ફિલ્મમાં વધુ એક ગેટ અપ અને વધુ એક પંચલાઈન સાથે દેખાયા છે. જ્હાનવીએ સેકન્ડ લીડમાં હોવાં છતાં ધ્યાન ખેંચ્યું છે. 
ગીત સંગીત 
ગીત અને સંગીતને એકદમ હટકે ન કહી શકાય.. પણ સાંભળવા ગમે. ખાસ કરીને ફિલ્મમાં દરેક ગીતને ભુલાવી દે છે આઈટમ સોંગ. સંતુડી અને નરેશ કનોડિયાની ધમાલ ખરેખર કમાલ છે.
દિગ્દર્શન
ફિલ્મનું મેકિંગ ઈમરાન પઠાણની આગવી સ્ટાઈલ બતાવે છે. પહેલી ફિલ્મ સૂરજ ઉગ્યો શમણાંને દેશમાં પણ ઈમરાને મેકિંગમાં નવો પ્રયોગ કર્યો અને આ ફિલ્મમાં પણ. જે જોતાં તેમની અપકમિંગ ફિલ્મ પ્રત્યે દર્શકોની અપેક્ષા વધુ રહેશે. 
..........છેલ્લે.. 
         "પ્રાણ જાયે પણ પ્રિત ના જાયે" ફિલ્મ પછી કંઈક સારી ફિલ્મ જોવાની દર્શકોની આશ રાજવીરે પૂરી કરી હશે... હા.. મારે પણ બે ફિલ્મ જોવાની રહી ગઈ, એક તો "દલડું દીધુ મે કારતકના મેળામાં" અને બીજી "ઘરવાળી બાહરવાળી કામવાળી."  

Sunday 22 May 2011

મુકબધિરના હાવભાવ થકી સમાજની વાચા એટલે, ‘ઝીરો બની ગયો હીરો’


છેલ્લા ઘણાં સમયથી નાટક જોવાની એષણા અધૂરી હતી. ને એમાં ઝીરો બની ગયો હીરો જોવા માટે ઈઝન મળ્યું.  પછી તો રોકાય તે રંગકર્મી શાનો ? વ્યવસાયે પત્રકાર, પણ હૈયે રંગભૂમિ પ્રત્યેના પ્રેમના કારણે નાટક જોવાની તક ભાગ્યે જ ચુકતો.
ઝીરો બની ગયો હીરો... નામ પરથી થોડો ઘણો એવો અંદાજ આવે કે, કોમેડી નાટક હશે.. અને કોઈ નકામો વ્યક્તિ કંઈક બની જાય એવી વાત હશે વિચારી નાટક જોવા બેઠો. મારી ધારણા પચાસ ટકા સાચી અને પચાસ ટકા ખોટી પડી. સાચી ધારણા એટલે ધમ્માલ કોમેડી નાટક. આ નાટકની કોમેડી સામાન્ય નહોતી એમ એ સિવાયનો ભાગ પણ અસામાન્ય હતો.  હસતા-હસાવતા નાટકની વાર્તા ક્યારે આતંકવાદ જેવી ગંભીર બાબત પ્રત્યે તમને દોરી જાય તેની તમને જાણ સુદ્ધા ન રહે. ખડખડાટ હસાવતા હસાવતા આ નાટકમાં કટાક્ષની કટાર સમાજ અને સરકારને ઘોદો મારતી જાય, તેમજ આતંકવાદનો જખમ ખોતરતી જાય. પાછો એ જખમ પર કોમેડીનો મલમ લગાવી નાટક ટાઢક પણ આપતું જાય. કન્સેપ્ટ અને વાર્તાની દૃષ્ટિએ નાટક માનસમાં ટકી રહે તેવું છે.
જેવું નાટક અફલાતુન એવા જ કિરદાર અફલાતુન. મુકબધિર હોવા છતાં રામભરોસે અભિનયના અવાજ થકી દર્શકોના દિલ સુધી સાવ સરળતાથી પહોંચી જાય છે. જનાર્દન પંડિત કહો કે મન્સુરઅલી આ દ્વિ-મુખી કિરદારમાં સનત વ્યાસની બહુમુખી પ્રતિભા પ્રાણ પૂરે છે. ખાખરાવાળા માસીની ફ્યૂઝન રેસિપી ખાવાના શોખીન ગુજરાતીઓને હાસ્યાસ્વાદ પીરસે છે. ગુજ્જુબોય બનીને જીજ્ઞેશ તેની રિંકુ સાથે દર્શકોનો પ્રેમ પામ્યો. તો રિંકુની ચાની ચાહ તો દર્શકોને પણ લાગી ગઈ. બેવડવળી ગયેલા તનધારી કરસનકાકા ટાઈમિંગ સાથે ડાયલોગ ફટકારી દર્શકોને બેવડવાળી દે છે. હુસેનનો સાઈલન્ટ અંદાઝ ઝટકો આપનારો છે તો આકાશ ચોક્સી અદાકારને બદલે પત્રકાર જ લાગે. પોલિસ ઓફિસર રાઠોડનો મિજાજ તેમના અભિનયની કડકાઈ બતાવે છે, તો દેસાઈમાં પણ ઘસાયેલો અદાકાર દેખાઈ આવે છે. ભક્તિ રાઠોડની સાઈન લેંગ્વેજ તેના અભિનયનો અવાજ દમદાર છે તેવો ઈશારો કરે છે. એક એક શબ્દને સંકેતમાં ઢાળનારી ભક્તિ.. ખામોશીને જડબાતોડ જવાબ આપી બ્લેકઆઉટ કરે છે.
દિગ્દર્શનની બારીકાઈ ઉડીને આંખે વળગે તો લેખનમાં કસાયેલી કલમની ધાર જોવા મળે છે. બેકગ્રાઉન્ડ મ્યૂઝિક આપણને ગમે તેવું. તો સેટ નાટકનું જમા પાસું ગણવો જ પડે.
મુકબધિરના હાવભાવ થકી સમાજની વાચા એટલે, ઝીરો બની ગયો હીરો
આતંકરખાઓ સામે રામભરોસે રહેતા નાગરિકોની વાત એટલે, ઝીરો બની ગયો હીરો
મુંગી જીભે બોલાતી સમાજની વાત એટલે, ઝીરો બની ગયો હીરો
સરકારના બહેરાકાને અથડાઈ ફંગોળાતી સમાજની વાત એટલે, ઝીરો બની ગયો હીરો

Monday 11 April 2011

1932-2011 આઠ દાયકા - આઠ સવાલ

             નવમી એપ્રિલ, 1932નો સૂર્યોદય એટલે સવાક ગુજરાતી ચિત્રપટનો સૂર્યોદય. આ જ દિવસે રજૂ થયું હતુ નાનુભાઈ વકીલ દિગ્દર્શિત પહેલું ગુજરાતી ચલચિત્ર 'નરસિંહ મહેતા'.  ત્યાર બાદ દર વર્ષે 'સંસારલીલા', 'અક્કલના ઓથમીર' અને 'બે ખરાબ જણ' એમ એક પછી એક ચલચિત્રો બનતા ગયા. બીજા વિશ્વયુદ્ધના કારણે 1941થી 1945 સુધી ફિલ્મ ઉદ્યોગમાં દુષ્કાળ રહ્યો. આ દુષ્કાળનો અંત આવ્યો 1946માં વી. એમ. વ્યાસ દિગ્દર્શિત ફિલ્મ 'રાણકદેવી'થી. વી. એમ. વ્યાસે એ પછી પણ 'બહારવટિયો,' 'સતી જસમા', 'શામળશાનો વિવાહ' સહિતના ધાર્મિક અને લોકકથાનક વાળા ચલચિત્રોનું નિર્માણ કર્યું. તો રતિભાઈ પૂનાતરે 'ગુણસુંદરી', 'નણંદ ભોજાઈ', 'મંગળફેરા' સહિતની સામાજિક વિષયની ફિલ્મ્સ બનાવી નવો ચીલો ચીતર્યો. દિગ્દર્શક મનહર રસ કપૂરે ત્રણ વાર 'જોગીદાસ ખુમાણ' સહિત લોક કથાનકવાળી ઘણી ફિલ્મ્સ દર્શકોને પીરસી. બળવંત ભટ્ટ દિગ્દર્શિત 'દીવાદાંડી' ફિલ્મ થકી ગુજરાતી ચાહકોને મળ્યું, "તારી આંખનો અફીણી.." જેવું અફલાતૂન ગીત. ત્યાર બાદ એક પછી એક ફિલ્મ દર્શકોને મનોરંજન પીરસતી રહી. 1947થી 1950ના ગાળામાં 70 જેટલી ફિલ્મ નિર્માણ પામી. પણ એ પછીના દસકામાં નિર્માણ પામેલાં ચલચિત્રોની સંખ્યાં માંડ 20 થાય છે. તેમાંથી ગણનાપાત્ર એટલે મનહર રસ કપૂર દિગ્દર્શિત 'કન્યાદાન'  અને 'મૂળુમાણેક'. પન્નાલાલ પટેલની નવલકથા મળેલા જીવ પરથી બનેલી 'મળેલા જીવ' પણ દર્શકજીવના મનને મળી ગઈ. સાઈઠના દસકાનું છેલ્લું વર્ષ ગુજરાતી સિનેજગતને બે અદભૂત ફિલ્મની ભેટ ધરતું ગયું. આ બંને ફિલ્મના દિગ્દર્શક એક જ હતા.. મનહર રસ કપૂર. પહેલી ફિલ્મ તે 'કાદુ મકરાણી' અને બીજી ફિલ્મ એટલે 'મહેંદી રંગ લાગ્યો'. બંને ફિલ્મ ન માત્ર કથાનક પણ સંગીતની દૃષ્ટિએ પણ યાદગાર બની ગઈ છે. બંને ફિલ્મમાં અવિનાશ વ્યાસે વૈવિધ્યસભર સંગીત પીરસ્યું.
       ત્યાર પછી હીરો સલાટ, વીર રામવાળો, જોગીદાસ ખુમાણ, જીવણો જુગારી, વનરાજ ચાવડો  ફિલ્મ્સે સફળતાનો સ્વાદ ચાખ્યો. તો 'અખંડ સૌભાગ્યવતી' એ સરકાર પાસેથી કરમુક્તિ મેળવનાર પહેલું ચલચિત્ર બન્યું. આ ફિલ્મના ગીત અને કલ્યાણજી-આણંદજીના સંગીતે ધૂમ મચાવી હતી. એ પછી 'કસુંબીનો રંગ', 'કલાપી' લોકોને ગમ્યું. તો 'સમય વર્તે સાવધાન'નું "અમે અમદાવાદી.." ગીત તો આજે પણ તરોતાજા લાગે છે. 1968માં બનેલી 'લીલુડી ધરતી' ફિલ્મનું નામ સિનેજગતમાં રંગીન અક્ષરે લખાય છે. વલ્લભ ચોક્સી દિગ્દર્શીત આ ફિલ્મને પહેલી ગુજરાતી રંગીન ફિલ્મનો શ્રેય જાય છે. એ પછીના જ વર્ષે બનેલી ફિલ્મ 'બહુરૂપી'થી ગુજરાતી સિને જગતને મળ્યા જગજીતસિંહ જેવા ગાયક તો.. એ જ વર્ષે બનેલી કાંતિલાલ રાઠોડ દિગ્દર્શિત ફિલ્મ 'કંકુ'ની સફળતા તો રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી. 
               એ પછીના દસકમાં ધરતીના છોરુ, જિગર અને અમી, વેલીને આવ્યા ફૂલ મહત્ત્વની ગણી શકાય. જિગર અને અમીથી આવ્યા સંગીતકાર મહેશ કનોડિયા ( જેઓ ત્યારે મહેશ કુમારથી ઓળખાતા ) તો વેલીને આવ્યા ફૂલ ફિલ્મથી આવ્યા ગુજરાતી સિને જગતના નરેશ ( જેઓ ત્યારે નરેશ કુમાર નામ લખતા). 1971માં સર્જાઈ ગયો ઈતિહાસ. આ વર્ષે બની ફિલ્મ 'જેસલ તોરલ'. અગાઉ નાના નાના કિરદારમાં દેખાયેલાં ઉપેન્દ્ર ત્રિવેદી આ ફિલ્મ બાદ બની ગયા ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર. આ ફિલ્મ માટે તો એમ પણ કહેવાય છે કે, આ ફિલ્મે દર્શકોને ગુજરાતી ફિલ્મ જોતાં કર્યા. બસ આ ફિલ્મ બાદ તો ફિલ્મ નિર્માણકારોને સૌરાષ્ટ્રની વાર્તાઓનું ઘેલું લાગ્યું હોય એમ એક પછી એક ફિલ્મ લોક કથાનક પરથી બનતી ગઈ. 1975માં દિનેશ રાવળની ફિલ્મ 'મેના ગુર્જરી'થી મલ્લિકા સારાભાઈએ રૂપેરી પરદે દેખા દીધી. રાજીવ પણ ગુજરાતી ફિલ્મોમાં ચમક્યાં.  ઐતિહાસિક કથાનક ધરાવતી 'તાનારીરી' પણ સંગીતપ્રધાન ફિલ્મ હોઈ ગણનાપાત્ર રહી. ત્યારબાદ કે.કે.ના દિગ્દર્શનમાં આવેલી 'ડાકુરાણી ગંગા'થી સિનેજગતને નવતારીકાના રૂપમાં રાગિણી મળ્યા. ગુજરાતની પહેલી સિનેમાસ્કોપ ફિલ્મ એટલે 1976માં બનેલી ગિરીશ મનુકાન્ત દિગ્દર્શિત ફિલ્મ, 'સોનબાઈની ચૂંદડી'. 1977માં કનોડિયા ફિલ્મ્સની પહેલી ફિલ્મ 'વણઝારી વાવ' આવી. તો આ જ બેનરની ફિલ્મ, 'તમે રે ચંપોને અમે કેળ' હોરર કથાનક વાળી ફિલ્મ હોઈ તેની પણ નોંધ લેવી પડે. આ વર્ષો દરમિયાન રમેશ મહેતાએ હાસ્ય કલાકાર તરીકે પોતાનું નામ બનાવ્યું હતુ. આ જ નામને વટાવવા માટે 'ગાજરની પિપુડી' ફિલ્મ બનાવાઈ. જેમાં રમેશ મહેતા પહેલીવાર નાયક તરીકે ચમક્યા.
            સતત આવી રહેલી લોકકથાનક વાળી ફિલ્મ્સ વચ્ચે કે.કે.એ 'કુળવધૂ', 'ઘરસંસાર', 'સંસારચક્ર', 'વિસામો' જેવી અલગ ઘરેડની ફિલ્મ આપી. જો કે, લોકકથાનકવાળી ફિલ્મના આક્રમણ સામે સામાજિક ફિલ્મ્સ બહું ટકી ના શકી. જો કે, આવી ફિલ્મ્સે એક ચોક્કસ વર્ગનું ધ્યાન ચોક્કસ ખેંચ્યું. આ જ પ્રવાહની ગણાય તેવી ફિલ્મ એટલે કાંતિ મડિયાની 'કાશીનો દીકરો'. વિનોદીની નિલકંઠની વાર્તા પરથી બનાવાયેલી આ ફિલ્મે સૌને વિચારતા કરી મુક્યા. તો 'પારકી થાપણ', 'જોગ સંજોગ'ની પણ નોંધ લેવી જ રહી. 'જોગ સંજોગ'માં ગુજરાતનું પહેલું ડિસ્કો ગીત ફિલ્માવાયું હતુ.
         1981માં આવેલી કેતન મહેતા દિગ્દર્શિત ફિલ્મે ગુજરાતી સિનેજગતને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. આ ફિલ્મે ગુજરાતી સિનેજગતને એટલી ખ્યાતિ અપાવી કે, એ પછીના વર્ષોમાં એ ખ્યાતિને સંભારીને હરખાવા જેવું જ રહ્યું ! બાકી તો એક જ પ્રકારની ફિલ્મ્સ આવતી રહી. હા.. થોડું અલગ કરવાનો પ્રયાસ કર્યો નિમેષ દેસાઈએ. 1982માં નિમેષ દેસાઈ દિગ્દર્શિત 'નસીબની બલિહારી' એટલે પરેશ રાવલની પહેલી ગુજરાતી ફિલ્મ. આ જ ફિલ્મનું ગીત "સાંવરિયો રે મારો સાંવરિયો.." આજે પણ સૌને ગણગણવું ગમે તેવું છે. આ સિવાય પરેશ રાવલે, 'પારકી જણી'માં પણ અભિનય કર્યો છે. 1983માં આવેલી ફિલ્મ 'ઢોલા મારૂ' માં નરેશ કનોડિયા-સ્નેહલત્તાની જોડીએ ટંકશાળ પાડી. આ જ વર્ષે વિભાકર મહેતા દિગ્દર્શિત ફિલ્મ 'મહિયરની ચૂંદડી'ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. કેશવ રાઠોડ લિખિત આ ફિલ્મ પરથી દેશની નવ ભાષામાં ફિલ્મ્સ બની. ત્યાર બાદ 'પૂજાના ફૂલ' અને 'માણસાઈના દીવા' જેવી ફિલ્મ દર્શકોએ વખાણી. 
          1991થી 2000ના ગાળામાં બનેલી સવાસો જેટલી ફિલ્મ્સ પૈકી પહેલા જ વર્ષે બનેલી સંજીવ શાહ દિગ્દર્શિત ફિલ્મ 'હું હુંશી હુંશીલાલ'ને ફિલ્મોત્સવમાં ભારતીય પેનોરમામાં સ્થાન મળ્યું. આ ફિલ્મ બાદ ફરી પાછો સારી ફિલ્મ્સનો દુષ્કાળ પડ્યો.. આ દુ્ષ્કાળનો અંત આવ્યો છપ્પનિયા દુકાળની વાત ધરાવતી પન્નાલાલ પટેલની કૃતિ પરથી અભિનેતા-દિગ્દર્શક ઉપેન્દ્ર ત્રિવેદીએ બનાવેલી ફિલ્મ, 'માનવીની ભવાઈ'થી. આ ફિલ્મ ઘણી વખણાઈ-નવાજાઈ.આ અરસામાં ફિલ્મ નિર્માણના આંકડાં ઘટ્યા હતાં, તો દર્શકો તેનાથી વધારે ઝડપથી ઘટ્યા હતા. આથી ગુજરાતી ફિલ્મ જગતને બેઠુ કરવાં રાજ્ય સરકારે સબસિડી વધારીને પાંચ લાખ રૂપિયા કરી. આ જાહેરાત બાદ 1997માં ફિલ્મ નિર્માણનો આંક બે આંકડે પહોંચ્યો. 1998માં આવેલી ગોવિંદભાઈ પટેલ દિગ્દર્શિત ફિલ્મ, 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા'એ ફરી એક વખત દર્શકોને થિયેટર સુધી આવતા કર્યા. ત્યાર બાદ, 'ગામમાં પિયરિયું અને ગામમાં સાસરિયું' તથા 'કડલાની જોડ' દર્શકોને ગમી. કમાણીની દૃષ્ટિએ ગાયકમાંથી નાયક બનેલા મણિરાજ બારોટની ફિલ્મ 'ઢોલો મારા મલકનો' નોંધ લેવા જેવી ખરી.. બાકી અભિનયના 'અ'થી મણિરાજ ખાસ્સા છેટાં હતા.  ગુજરાતી ફિલ્મ સારી ન બની શકે એ માન્યતાને વિપુલ શાહે 'દરિયા છોરું' બનાવી ખોટી ઠેરવી. 'મહિયરમાં મનડું નથી લાગતું' અને તેની સિક્વલ બનાવી જશવંત ગાંગાણીએ ઈતિહાસ સર્જ્યો. પહેલીવાર ગુજરાતી ફિલ્મની સિક્વલ બની. આ સિવાય પણ જશવંતભાઈની 'મારા રૂદિયે રંગાણા તમે સાજણા સહિતની 'મ' શ્રેણીની ફિલ્મ્સને જોનાર તમામ દર્શકોએ વખાણી.
        વાસ્તવિકતા અને સત્ય સ્વીકારીએ તો.. ઈ.સ. 2000 પછી દર્શકો ગુજરાતી સિનેમાથી વિમુખ થઈ ગયા છે. દર્શકોની વિમુખતા વચ્ચે 'મોતીના ચોક રે સપનામાં દીઠા', 'જનમોજનમ', 'લવ ઈઝ બ્લાઈન્ડ', 'લાગ્યો કસુંબીનો રંગ', 'પરશુરામ', 'કર્મભૂમિ', 'ગુજરાતનો નાથ', 'દુખિયાનો બેલી બાપા સીતારામ', 'ધૂળકી તારી માયા લાગી', 'વનેચંદનો વરઘોડો', 'મૂરતિયો નં 1' , 'બાપ કમાલ દીકરા ધમાલ', 'રાધાની બાધા', 'અદલા બદલી', 'મોટાભા', 'બેટર હાફ', 'મોહનના મંકીઝ'વગેરે ફિલ્મ્સ આવતી રહી. અમુક ફિલ્મ્સ સુધી દર્શકો પહોંચ્યા. અમુક દર્શકોની નજરે ચઢ્યા વિના જ ઉતરી ગઈ.
       'એક વાર પિયુને મળવા આવજે' થકી ગાયક વિક્રમ ઠાકોરને નાયક તરીકે રજૂ કરાયા. ગાયકીના કારણે લોકચાહના ધરાવનાર વિક્રમને તે પછી તેની એક પછી એક ફિલ્મમાં સફળતા મળતી ગઈ. આજે વિક્રમ ઢોલિવૂડનો સૌથી મોંઘો સ્ટાર બની ગયો છે. હિતેન કુમાર ટિપીકલ હિરોની ઈમેજમાંથી બહાર નિકળીને અભિનય વૈવિધ્ય દેખાય તે પ્રકારના કિરદારોમાં રંગ જમાવી રહ્યા છે. હિતુ કનોડિયા પણ 'મારા રૂદિયે રંગાણા તમે સાજણા' અને 'જય વિજય' કે પછી 'રાજવીર' દરેકમાં લૂક સાથે પણ એક્સપરિમેન્ટ કરીને અદાકારીમાં અફલાતૂન થઈ રહ્યા છે. ચંદન રાઠોડની ઈમેજ લવરબોયની છે પણ 'નાથિયો' ફિલ્મમાં એક્શન પેક, તો 'જોગિડો'માં પણ કંઈક અલગ અંદાઝ સાથે તો વળી 'ઘરવાળી, બાહરવાળી, કામવાળી'માં તો કોમેડિયન બનીને અભિનયની સુવાસ ફેલાવી રહ્યા છે. આ સિવાય જિત ઉપેન્દ્ર, નિશાંત પંડ્યા, ધવન મેવાડા સહિતના અભિનેતાઓ અભિનયના દમ પર ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવી રહ્યા છે.
         જો વાત હોય હિરોઈનની.. તો આમ તો અત્યારે બની રહેલી ગુજરાતી ફિલ્મમાં આમ તો હિરોઈનના ભાગે ગીત અને અમુક ડાયલોગ્સ સિવાય ખાસ કશું આવતું નથી.. ત્યારે કિરણ આચાર્ય, મોનાથીબા, પ્રાંજલ ભટ્ટ, મમતા સોની, આનંદી ત્રિપાઠી સહિતની હિરોઈન પોતાનો અલગ અંદાઝ બતાવી રહી છે.
          કેશવ રાઠોડ, જશવંત ગાંગાણી, હરસુખ પટેલ, સુભાષ શાહ, હરેશ પટેલ, આત્મારામ ઠાકોર, રશ્મિકાંત રાવલ સહિતના દિગ્દર્શક પોતાની સૂઝ કેમેરે કંડારી રહ્યા છે. 'ચાર' નામની ફિલ્મ દ્વારા નવલોહિયો દિગ્દર્શક નૈતિક રાવલ આવી રહ્યો છે ગુજરાતી સિને જગતમાં..
       1932થી આમ જ અવિરત પણે સિનેમાની સફર ચાલી રહી છે, આ સફર ક્યારેક અટકી, ક્યારેક ધીમી પડી તો ક્યારેક બમણા વેગથી દોડી.. બસ એક જ આશા છે ગુજરાતી કલાકાર-કસબીઓ પોતાની શ્રેષ્ઠત્તમ ફિલ્મ આપે અને દર્શકો ગુજરાતી ફિલ્મ પ્રત્યેની સૂગ દુર કરી આપણી માતૃભાષાની.. ગુજરાતી ભાષાની સિનેસફરમાં જોડાય...  
  
આઠ દાયકાના અંતે થઈ રહેલાં આઠ સવાલ :
1. હિન્દી સિનેમાના એક જ વર્ષ બાદ શરૂ થવા છતાં ગુજરાતી સિનેમાની દશા કેમ વખાણવા લાયક નથી ?
2. દરેક બાબતમાં હોઈ શકે છે ગુજરાત નં 1.. ક્યારે થશે ફિલ્મ જગતમાં સાથે ચર્ચા..
3. ગુજરાતી અખબારોને ગુજરાતી ફિલ્મ્સ જગત સાથે શું વાંકુ પડ્યું ?
4. ગુજરાતી સિનેમામાં કલાકારોમાં વૈવિધ્ય કેમ નહી ?
5 પબ્લિસિટીની સમજ ગુજરાતી ફિલ્મ નિર્માણકારોમાં ક્યારે વિકસશે ?
6 બોલિવૂડમાં કાઠુ કાઢનારા ગુજરાતીઓ માતૃભાષાની ફિલ્મ્સને લઈને કાંઈ વિચારશે ?
7  સારી-નરસી દરેક ફિલ્મને મળતી સબસિડી એક સમાન જ છે, એના ધારા ધોરણોમાં ક્યારે ફેરફાર થશે.
8. સુવર્ણકાળ બાદ કપરોકાળ તો આવ્યો.. પણ હવે ફરી ક્યારે પાટે ચડશે ગુજરાતી સિનેમાની ગાડી ?



Saturday 12 March 2011

.... તો સિને ઈન્ડસ્ટ્રીથી બદલાવ છેટો નહી રહે

બોક્સ ઓફિસ પર ફિફ્ટી ફટકારી
       ગુજરાતી ફિલ્મ 55 દાડા પૂરા કરે એ રૂડી વાત કહેવાય. ને આ રૂડી વાત લાવનારી ફિલ્મ એટલે ફિલ્મ પ્રાણ જાયે પણ પ્રીત ન જાયે. આ ફિલ્મ આટ-આટલા દાડા થિયેટરમાં ખેંચી નાખે એ જ મોજ લાવી દે તેવી વાત છે. જો કે, આ તો કંઈ નથી. આથી પણ વધુ મોજ લાવી દે તેવી વાત એ છે કે, કદાચ એવું જલદી બને કે ગુજરાતી સિનેમાનો સારો યુગ પૂન: આવે. આ માટેના સંકેતો તો હાલ મળી રહ્યા છે. ટીવી નાઈનને આપેલાં એક ઈન્ટરવ્યૂમાં બોલિવૂડના અભિનેતા-લેખક-દિગ્દર્શક નિરજ વોરાએ ગુજરાતી ફિલ્મ બનાવવાના એંધાણ આપ્યા. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે, છેલ્લા સવા વરસથી તેઓ ગુજરાતી ફિલ્મ બનાવવાની તૈયારીઓ આદરી રહ્યા છે. ને હા, એમની ફિલ્મ પણ એક-બે નહી પણ એ હશે સાત-આઠ જેટલી. જો નિરજ વોરા બોલ્યુ પાળે તો ગુજરાતી સિને ઈન્ડસ્ટ્રીથી બદલાવ છેટો નહી રહે.
સાત-આઠ ગુજરાતી ફિલ્મ્સનું પ્લાનિંગ છે
એબીસીકોર્પ બનાવશે ગુજરાતી ફિલ્મ
                                                                                  ન માત્ર ઢોલિવૂડ પણ બોલિવૂડમાં પણ ચર્ચાનો વિષય બને તેવા બીજા સમાચાર એ છે કે, ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનની એબીસીકોર્પ લિ. હવે ગુજરાતી ફિલ્મ બનાવશે. આ વાતને નિરજ વોરા સહિત અન્ય કેટલીક હસ્તીઓએ સમર્થન આપ્યું છે. મતલબ, આ વાતમાં પણ દમ છે. ને જો એબીસીકોર્પ દ્વારા ગુજરાતી ફિલ્મનું નિર્માણ થશે તો એ ફિલ્મ પણ અલગ હશે એમાં બેમત નથી. જો બિગ-બીની કંપની ગુજરાત આવશે તો ગુજરાતી સિને ઈન્ડસ્ટ્રીથી બદલાવ છેટો નહી રહે.
એકાદ ફિલ્મનું પ્લાનિંગ તો ખરુ જ
         અભિનયના દમ પર બોલિવૂડમાં પોતાનો સિક્કો જમાવનારા મનોજ જોષી પણ ગુજરાતી  સિને ઈન્ડસ્ટ્રી માટે કંઈક નવું કરવાની ખેવના ધરાવે છે.  તેમણે તો બે-પાંચ ઉદ્યોગપતિઓને હાકલ કરી છે કે, એ ભેગા થાય, હિન્દીમાં નામના ધરાવતા ગુજરાતી કલાકાર-કસબીઓનો તેમને સાથ મળી રહે અને સૌ સાથે મળી માતૃભાષાની ફિલ્મ માટે પ્રયત્ન કરે તો સારી ફિલ્મનું નિર્માણ થઈ શકે છે. શક્ય છે કે, ખુદ મનોજ જોષી પણ એકાદ ગુજરાતી ફિલ્મ લઈને આવે. જો એ આવ્યા તો પણ ગુજરાતી સિને ઈન્ડસ્ટ્રીથી બદલાવ છેટો નહી રહે.
શમણું તો મે'ય જોયું છે
          એક ઈન્ટરવ્યૂમાં સંજય છેલના હૈયામાંથી પણ ગુજરાતી ભાષાની ફિલ્મ પ્રત્યેનો લગાવ દેખાયો. બોલિવૂડમાં સંજયદૃષ્ટી દાખવ્યા બાદ હવે  તેમની નજર જો ગુજરાત પર જલદી ઠરે, તો તેમની કલમ કમાલ કરવાની જ છે. આમ પણ  ઓછામાં  ઓછી એક ગુજરાતી ફિલ્મ બનાવવાનું તો તેમનુંય શમણું છે. ખેર, એ મોડું ન કરતા, આ બધાની સાથો સાથ ફિલ્મ બનાવે તો ગુજરાતી સિને ઈન્ડસ્ટ્રીથી બદલાવ છેટો નહી રહે.
          સારી ફિલ્મ બનાવવાના છુટા છવાયા પ્રયત્નોની જગ્યાએ એમાં સાતત્ય જળવાય તો અને તો જ દર્શકો ગુજરાતી ફિલ્મ તરફ વળી શકશે. કવિ અને સાહિત્યકાર સાંઈરામ દવે કહે છે કે, આ ધરતી પર બે જ જાતી છે, એક ગુજરાતી ને બીજી નોન ગુજરાતી.. તો આવી મહાજાતી ગુજરાતીની માતૃભાષાની ફિલ્મ માંદલી રહે એ તો વળી કેમ ચાલે.. ? આવતી નવમી એપ્રિલે ગુજરાતી સિને જગતને વધુ એક વરસ પુરુ થશે. તો એ તારીખ આવે એ પહેલાં સારપની શરૂઆત થાય તો કદાચ સુવર્ણ યુગના મંડાણને વાર નહી લાગે. બોલિવૂડમાં કાઠુ કાઢી ગયેલાં ગુજરાતીઓ ભેગા મળીને  મથશે  તો ગુજરાતી સિને ઈન્ડસ્ટ્રીથી બદલાવ છેટો નહી રહે.

Tuesday 1 March 2011

તમારા માટે છે આ પત્ર... વાંચ્યો કે.. ?


દોસ્તો...
     સતત આપની સાથે ગુજરાતી ફિલ્મ જગતની વાતો વહેંચુ છુ, ફિલ્મ જગતની એ વાતોના લીધે જ આપની સાથે એક અતૂટ નાતો બંધાયો છે. એ નાતે જ આપની સાથે સહર્ષ એક હરખની વાત વહેંચવાની હ્રદયેચ્છા થઈ.. તો લ્યો વાંચો... 
           બ્લોગ વિશે જાણ્યા અને શીખ્યા બાદ સ્વબ્લોગ બનાવવાની ઈચ્છા થઈ. ઈચ્છાને અમલી બનાવતા પહેલાં પસંદગી કરવાની હતી વિષયની. ક્યાં વિષય પર લખુ તો આપ સૌ દોસ્તો સુધી વિચાર વાટે પહોંચી શકીશ એ વિચાર્યુ. વિષય પસંદગી માટે લાંબુ વિચારવાની એટલા માટે જરૂર ન પડી કે, હૈયે અને હોઠે એક વિષય તો હતો જ, ગુજરાતી ફિલ્મ.. એ વખતે મારુ એમ.ફીલ પણ શરૂ હતુ અને એમાં પણ વિષય ગુજરાતી ફિલ્મ જ હતો. એટલે થયું કે, શા માટે બ્લોગ પર ગુજરાતી સિનેમા પર જ ના લખું ?  મારી ઉંમરનાં જ નહી, પણ મારાથી મોટી ઉંમરના ઘણાં બધા ગુજરાતીઓને આપણી ભાષાની સિનેમાથી છેટુ પડી ગયું હતુ. આથી, એવા લોકો અને ગુજરાતી સિનેમા વચ્ચે સેતુ બંધાય એ માટે આ જ વિષય પર લખવાનો નિર્ધાર કર્યો. બ્લોગ નહીં વંચાય તો ? એવું પણ મનમાં થયું. જો કે, મનમાં ગાંઠવાળી હતી કે, કોઈ ગુજરાતી ફિલ્મ્સ માટે કંઈ કરતું કેમ નથી એવો સવાલ કરવાને બદલે આપણે જ કંઈક કરવું. એ માટે બ્લોગ શ્રેષ્ઠ માધ્યમ લાગ્યુ. લોકો હજુ ભલે ગુજરાતી સિનેમા સુધી ન જતા હોય, પરંતુ એ લોકો સુધી પણ, વાયા બ્લોગ ગુજરાતી સિનેમા પહોંચે એ આશય રાખ્યો. ને બસ.. શરૂ કર્યો બ્લોગ..... નામ રાખ્યું, Dhollywood.com. ને 11 ડિસેમ્બર 2009ના રોજ પહેલી વાર બ્લોગ પોસ્ટ મુકી... તમને થશે આજે કેમ હું આ બધુ લખી રહ્યો છુ, તો તેના માટે એક આનંદ આણતું કારણ છે.  આ કારણનો જવાબ તમને જોવા મળશે આ ચાર્ટમાં....                     
આપ સૌની ચાહનાનો ચાર્ટ      

   
            આ ચાર્ટ છે આપની ચાહનાનો... જે બતાવે છે કે, 11 ડિસેમ્બર 2009થી આજ લગી, એટલે કે, 1લી માર્ચ સુધીમાં 5066 (પાંચ હજાર છાસઠ) મિત્રોએ Dhollywood.com બ્લોગની મુલાકાત લીધી છે. ગુજરાતી ફિલ્મ્સની વાત આટલાં લોકો સુધી પહોંચાડવામાં નિમિત બન્યો એનો આનંદ છે. ને એ પણ નક્કી છે કે, Dhollywood.com દ્વારા આપના સુધી આપણી માતૃભાષાની ફિલ્મ્સની વાત પહોંચતી રહેશે. આશા તો છે કે, આપની અપેક્ષા મુજબ ગુજરાતી ફિલ્મનું મેકિંગ હોય, સારા થિયેટરમાં ગુજરાતી ફિલ્મ્સના પાટિયા દેખાય, ને એ ફિલ્મ્સ સુધી દર્શકો પણ પહોંચે. થોડો સમય લાગશે, પણ આ આશા પૂરી ચોક્કસ થશે એવું લાગી રહ્યું છે. લ્યો તારે.. વાંચતા રહેજો.. Dhollywood.com આપણું સિનેમા આપણી વાત

Friday 25 February 2011

પ્રાણ જાયે પણ પ્રિત ના જાયે... ટાઈટલ પર ન જાવ, ફિલ્મ જોવા જાવ.. 2011ની પહેલી હિટ ફિલ્મ

         પ્રાણ જાયે પણ પ્રિત ના જાયે... આ ફિલ્મને ન માત્ર લવ સ્ટોરી કહી શકાય.. ન માત્ર સીધી સાદી ફિલ્મ કહી શકાય... ન સુપરડુપર બ્લોકબસ્ટર હિટ ફિલ્મ કહી શકાય.. પણ એટલું તો કહેવું જ રહ્યું કે, પ્રાણ જાયે પણ પ્રિત ના જાયે.. એટલે 2011ની પહેલી હિટ ફિલ્મ..
  
વાર્તા
         વાર્તાની દૃષ્ટિએ પ્રાણ જાયે પણ પ્રિત ના જાયે અત્યારની ફિલ્મ્સ કરતાં નોખી તરી આવે છે. આ ફિલ્મ માટે પસંદ કરાયેલો વિષય વણસ્પર્શ્યો ગણી શકાય. હિંદુ યુવક અને મુસ્લિમ યુવતી વચ્ચેની પ્રેમકહાણી સાથે અત્યારની સ્થિતિ ગૂંથી લેવાઈ છે. હિંદુ-મુસ્લિમ સંબંધો બાબતે કહેવાતા સેક્યુલારિસ્ટોએ ગુજરાતને બદનામ કર્યુ છે અને કર્યે રાખે છે, ત્યારે આ પ્રકારની વાર્તા સાથે આવવું એ કાબિલ-એ-તારીફ છે. પ્રવીણ અને રેશ્માની પ્રેમ કહાણીને રજૂ કરતી વખતે કોઈની લાગણી ન દુભાય તેનું લેખકે  ખાસ ધ્યાન રાખ્યું છે. 
આ ફિલ્મ એટલે ચાર ભેરુબંધ હિતેન કુમાર, ચંદન રાઠોડ, જિત ઉપેન્દ્ર અને જિજ્ઞેશ મોદીની કહાણી.. રેશ્મા અને પ્રવીણની પ્રેમ કહાણી.. પ્રવીણ તરફી સંજનાના એક તરફી પ્રેમની કહાણી..  જહાંગીરખાન અને રામસિંહ બાપૂના બદલાની આગની કહાણી.. ધર્મના વાડા બાંધનારા  કહેવાતા અગ્રણીઓને શીખની લપડાક મારતી કહાણી.. આ દરેક પાસાને એટલી સારી રીતે વણી લેવાયા છે કે દર્શકોને ચોક્કસ પસંદ પડે. 
સંવાદ 
સંવાદ એ આ ફિલ્મનો પ્લસ પોઈન્ટ છે. પછી તે જહાંગીરખાન અને રામસિંહ બાપૂ વચ્ચેના સંવાદ હોય કે, પ્રેમની અભિવ્યક્તિ કરતાં પ્રવીણ અને રેશ્માના સંવાદ હોય...  ફિલ્મ જોનારાઓને ફરી યાદ  અપાવું અને નહી જોનારાઓને સ્હેજ સંવાદનો આસ્વાદ કરાવું તો... "તું જિંદગીને નાટક સમજીને બેઠી, અને હું નાટકને જિંદગી ગણી બેઠો" સંવાદ હોય કે પછી, "મને પ્રેમમાં તરતા ન આવડ્યું તો શું થયું મરતા તો આવડ્યું"  અથવા તો.. "સંજોગ તો જો.. પહેલાં હું મોડો પડ્યો ને પછી તું"  કે પછી ફિલ્મના અંતમાં હિતેન કુમાર દ્વારા બોલાતો સંવાદ લઈ લો.. એ સાંભળ્યા બાદ આપ બોલી જશો એક જ શબ્દ.. "વાહ.." 
ગીત-સંગીત 
"માધિયાની મા એ પીવરાવ્યો.." જેવું અલ્લડ ગીત હોય.. કે પછી "ઢોલનો ધબકાર નહી.." જેવું પ્રેમ ભર્યું ગીત.. આ ફિલ્મના ગીતો દર્શકોને સાંભળવા સાથે ગણગણવા ગમે તેવા છે. ખાસ તો ગીતના અર્થસભર શબ્દો ઘણું બધુ કહી જાય છે.
અભિનય
મલ્ટીસ્ટારર ફિલ્મ હોવા છતાં દરેક પાત્ર પોતાના કિરદારને ન્યાય આપી શક્યા છે. વધુ એક વાર લવરબોય તરીકે ચંદન રાઠોડ પૂરા માર્ક્સ લઈ જાય છે. તો જીત ઉપેન્દ્ર તેની એક્શન હિરોની ઈમેજમાં વધુ એક છોગુ ઉમેરી જાય છે. હિતેન કુમાર માટે એટલું કહેવાય કે, તે છવાઈ જાય છે. તો જીજ્ઞેશ ભૂલકણા બાબાના કિરદારને તો બંને અભિનેત્રીઓ પોત-પોતાના કિરદારને યોગ્ય ન્યાય આપે છે. ફિરોઝ ઈરાની વિશે તો કહેવું જ શું.. એ તો દર્શકો માટે દરેક ફિલ્મમાં કંઈક અલગ અંદાઝ સાથે જ  જમાવટ કરી દે છે.
દિગ્દર્શન 
જ્યારે આવો વિષય હોય ત્યારે દિગ્દર્શકની સૂઝની પણ પરીક્ષા થતી હોય છે, અને આ પરીક્ષામાંથી બરકત વઢવાણીયા થઈ ગયા છે પાસ. ફિલ્મને તેમણે સુપેરે દર્શકોને પીરસી છે.
ખાસમખાસ
આ ફિલ્મ માટે ખાસમખાસ વાત એટલે ફિલ્મનો વિષય. બીજી ખાસ વાત એ છે કે, હિંદુ-મુસ્લિમ યુવક-યુવતી વચ્ચેની આ ફિલ્મના પ્રોડ્યુસર-દિગ્દર્શકનો પણ આવો જ સંયોગ છે.  નિર્માતા મહેશ પટેલ, સુરેશ પ્રજાપતિ અને દિગ્દર્શક બરકત વઢવાણીયા. ને હા, વાર્તા-દિગ્દર્શનમાં જો આવા પ્રયોગો થતાં રહેશે તો દર્શકો સો ટકા વખાણશે. ત્રીજા અઠવાડિયા બાદ ફિલ્મ જોવા જવાનું બન્યું ત્યારે પણ થિયેટરમાં ગમે તેટલી સંખ્યામાં દર્શકો જોવા મળે એ ફિલ્મના સારા પાસાના કારણે જ સ્તો.. બાકી, હિન્દી ફિલ્મ્સમાં પણ ત્રીજા દિવસ બાદ, કાગડા ઉડતાં દેખાય છે. આ ફિલ્મનું ટાઈટલ ટ્રેન્ડ પ્રમાણે લાંબુ છે , પણ લાંબા ટાઈટલ પર ન જાવ, હજી આ ફિલ્મ થિયેટરમાં ચાલી જ રહી છે, જેને જોવાની બાકી છે તેણે મોડું કરવા જેવું નથી..

Tuesday 15 February 2011

દિલ થામીને બેસો રોમાના દિવાના.. ટૂંક સમયમાં આવશે ફરી પરદા પર...

        ઉત્તરાયણ વખતે નરેશ કનોડિયાને સવાલ પૂછ્યો કે, કઈ હિરોઈન તમારી ફિરકી પકડે તો ગમે.. ? તેમનો જવાબ હતો.. રોમા માણેક. આ જ દિવસોમાં ચંદન રાઠોડને પણ પૂછાયો આ જ સવાલ.. ને તેની પાસેથી પણ જવાબ મળ્યો.. રોમા માણેક.
       હિરોલોગ જ જેના આટલાં દિવાના હોય ત્યારે ચાહકોની શું વાત કરવી ? ઊંચી મેડીના ઊંચા મોલ ફિલ્મમાં દેખાયેલો એક રૂપાળો ચહેરો લોકોના દિલમાં એવો વસી ગયો, કે એ ચહેરો એ પછી મોટાભાગની ફિલ્મમાં દેખાવા લાગ્યો. આ ચહેરો એટલે રોમા માણેક. પહેલી જ ફિલ્મમાં રોમા-માણેકની જોડી જામી ગુજરાતી ફિલ્મ્સના સુપરસ્ટાર નરેશ કનોડિયા સાથે.....    રોમા માણેકની ત્યાર બાદની ફિલ્મ, એટલે કમાણીની દૃષ્ટિએ ગુજરાતી ફિલ્મ જગતના તમામ રેકોર્ડ તોડનારી ફિલ્મ, દેશ રે જોયા દાદા પરદેશ જોયા. આ ફિલ્મના ટાઈટલમાં જો ફેરફાર કરીને કહીએ તો એમ કહેવાય કે, દેશમાં રે જોવાઈ દોસ્તો પરદેશમાં પણ જોવાઈ.. અને દેશમાં તો વખણાઈ દોસ્તો પરદેશમાં પણ વખણાઈ. આવી વખણાયેલી ફિલ્મની હિરોઈન હોઈ, ત્યાર બાદ રોમા માણેકની ગાડી સિને માર્ગ પર સડસડાટ દોડવા લાગી. એક પછી એક ફિલ્મમાં તે દેખાવા લાગી. તેને અભિનય કે ડાન્સ કરતા જોઈ કોઈ કહી પણ ના શકે કે આ બિનગુજરાતી અભિનેત્રી હશે. બોલિવૂડમાં ભલે રોમા માણેક પોતાનું સ્થાન જમાવી ન શકી પણ ઢોલિવૂડમાં વાગવા લાગ્યો તેના નામનો સિક્કો. છેલ્લે ઢોલી તારો ઢોલ વાગેમાં પણ દેખાઈ રોમા-નરેશ કનોડિયાની જોડી. ત્યાર બાદ થોડા સમય માટે સિનેવનવાસ લેનાર રોમા ફરી દસ્તક દેવા તૈયાર છે. ટૂંક સમયમાં ઢોલિવૂડના પરદા પર ધમાલ મચાવવાની હાલ તો તે કરી રહી છે તૈયારી. હાલ તો રોમા માણેકના અપકમિંગ પ્રોજેક્ટ્સને લઈને છે તેની ચૂપકિદી.. પણ થોડા જ સમયમાં આ બાબતે પણ રોમા કરશે ખુલાસો. નરેશ કનોડિયા સાથે તેનું સૌથી સારુ ટ્યુનિંગ હોવાનું રોમા માને છે, હાલ તો નરેશ કનોડિયા ચરિત્ર અભિનેતા તરીકે દેખાઈ રહ્યા છે ફિલ્મી પરદે.. ત્યારે શું હવે રોમા ચરિત્ર અભિનેત્રીના કિરદારમાં કમ બેક કરશે કે અત્યારની હિરોઈન્સની સામે ટક્કર લેવા આવશે પરદા પર તે રાઝ પરથી ટૂંક સમયમાં ઉઠશે પરદો.. પણ એટલું તો નક્કી છે રોમાને પરદા પર જોઈ ફરી એક વાર તેના દિવાનાઓના દિલ ચૂકી જશે એક ધબકાર...

Friday 7 January 2011

ઢોલિવૂડ રિપોર્ટ -2010

મેકિંગ-વાર્તાની દૃષ્ટિએ અલગ ફિલ્મ
લંડનની ભૂમિ પર બનેલી પહેલી ગુજ્જુ ફિલ્મ





આજની પેઢીને ગમે તેવી ફિલ્મ
          2010નું વર્ષ વિત્યુ.. 2011 શરૂ પણ થઈ ગયુ. વિત્યા વર્ષે 61 જેટલી ફિલ્મો આવી અને ગઈ.. પણ દર્શકોને યાદ કેટલી રહી ? જો દર્શકોને ગમી તે ફિલ્મ્સને આંકડાની દૃષ્ટિએ જોઈએ તો આંગળીના વેઢા વધારે પડે. 61માંથી જૂજ ફિલ્મ્સ એવી હતી જે વખણાઈ પણ અને ચાલી પણ. કેટલીક ફિલ્મ્સને દર્શકોએ આવકારી પણ ક્રિટીક્સે નકારી. તો કેટલીક ફિલ્મને ક્રિટીક્સે પસંદ કરી તો દર્શકોએ નકારી. ઓવરઓલ આ વર્ષ ગુજરાતી સિનેમા માટે ન અતિસારુ ગયું, ન અતિ ખરાબ. ત્યારે ચાલો એક નજર કરીએ ઢોલિવૂડ રિપોર્ટ-2010 પર.

12 વર્ષ બાદ કિરણ કુમારની રી-એન્ટ્રી
   
            આ વર્ષે સૌથી વધુ ગમે તેવી કક્ષાની ફિલ્મ બની હોય તો તે ફિલ્મ એટલે મારા રૂદિયે રંગાણા તમે સાજણા.. હિતુ-આનંદી અભિનીત અને જશવંત ગાંગાણી દિગ્દર્શિત આ ફિલ્મ વાર્તાથી લઈ મેકિંગ તમામ પાસાએ ગમે તેવી રહી. દર્શકોના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને આ ફિલ્મને સિંગલ સ્ક્રીન અને  મલ્ટીપ્લેક્ષમાં પણ રિલીઝ કરાઈ. જશવંતભાઈએ તો પૂરતા પ્રયાસો કર્યા પણ  જોઈએ એટલા દર્શકો ફિલ્મ સુધી ન પહોંચી શક્યા.
રહસ્યમય પ્રેમ કથા
          રાધા ચૂડલો પેરજે મારા નામનો, પિયુ તારા વિના મને એકલું લાગે, વાગી કાળજે કટારી તારા પ્રેમની ફિલ્મ્સ ચાલી તેના હિરો વિક્રમ ઠાકોરના કારણે. આ ત્રણ ફિલ્મ્સ પૈકી પહેલી બંને ફિલ્મ એટલે માત્ર  ફોર્મ્યૂલા ફિલ્મ. જેમાં વાર્તાની દૃષ્ટિએ નવું કશું જ નહોતુ. હા, એક્શન અને વિક્રમના સંવાદોના કારણે ફિલ્મ્સ બોક્સઓફિસ પર ચાલી ગઈ. પિયુ તારા વિના મને એકલું લાગેથી વિક્રમ ઠાકોર બન્યો ઢોલિવૂ઼ડનો સૌથી મોંઘો સ્ટાર.. કારણ કે, આ ફિલ્મ માટે વિક્રમને ચૂકવાયા 25લાખ રૂપિયા. વર્ષાન્તે આવેલી ફિલ્મ વાગી કાળજે કટારી તારા પ્રેમની ફિલ્મની વાર્તા રહસ્યમય પ્રેમ કથા હતી, આ ફિલ્મમાં એક્શન સારી રીતે ફિલ્માવાઈ હતી. આ લખાય છે ત્યાં સુધીમાં તો  એ ફિલ્મ 50 દિવસ કરતા વધારે દિવસ થિયેટરમાં ચાલી ચુકી છે.
વર્કિંગ કપલ્સનું ચિત્ર રજૂ કરતી ફિલ્મ
           તુ તો સાજણ મારા કાળજે કોરાણી અને સાવરિયા મને લઈ દે હો રંગની ચુડી ફિલ્મ્સથી જગદીશ ઠાકોર પણ મેદાનમાં છે. ગાયકમાંથી નાયક બનેલા જગદીશનો પણ નિશ્ચિત ચાહક વર્ગ છે, કદાચ એટલે જ તેની ફિલ્મ સાંવરિયા મને લઈ દે હો રંગની ચૂડી પચાસ પચાસ દિવસ સુધી થિયેટર પર ટકી રહે છે.
વિક્રમને ઢોલિવૂડનો મોંઘો સ્ટાર બનાવતી ફિલ્મ
                                                                                                                                       12 વર્ષ બાદ કિરણ કુમાર મોટાભા ફિલ્મથી ગુજરાતી ફિલ્મ્સમાં પરત આવ્યા. આ ફિલ્મ વાર્તા અને મેકિંગની દૃષ્ટિએ વખણાઈ. જો કે, સાઉથના નિર્માતાની ફિલ્મ હોવા છતાં ફિલ્મમાં ટોટલ સાઉથ ટચ ન જોવા મળ્યો. તો કિરણ કુમારના કિરદારવાળી વધુ એક ફિલ્મ એટલે મે તો હૈયે લખ્યુ સાજણ તારુ નામ. આ ફિલ્મમાં હિતેન કુમાર-બાપ દિકરાના કિરદારમાં ડબલ રોલમાં જોવા મળ્યાં. ફિલ્મ ચાલી ખરી પણ વાર્તાની દૃષ્ટિએ તેમાં વધુ નાવિન્ય ન જોવા મળ્યું.
નવતર કરવાનો પ્રયાસ
             વાર્તા અને મેકિંગ બંને દૃષ્ટિએ નાવિન્ય વાળી ફિલ્મ ગણાય સૂરજ ઉગ્યો શમણાંને દેશ. નારી કેન્દ્રી અને શિક્ષણની વાતને સાંકળીને બનાવાયેલી આ ફિલ્મ યુવાવર્ગને ચોક્કસ પસંદ પડે તેવી ફિલ્મ હતી. કોઈ જ ફેરફાર વગરની આવી રહેલી ફિલ્મ્સના ટાઈટલમાં પણ ખાસ ફેરફાર નહોતો કરાતો.. હા, આ વર્ષના  નાના ટાઈટલ જોવા મળ્યાં ચંદન રાઠોડની ફિલ્મ્સમાં.. જેમ કે, નાથિયો, કાજલ...કાળી રાત, રંગીલી, સમર્પણ. જો કે, ટિપીકલ લાંબા નામ સાથેની ચંદનની ફિલ્મ્સ પણ આવી જ. ચંદનની જ ફિલ્મ સમર્પણ લંડનની ધરતી પર શૂટિંગ કરાયેલી પહેલી ગુજરાતી ફિલ્મ બની. તો કસોટી જિંદગીની નામની એક અલગ વિષય વાળી ફિલ્મમાં નિશાંતનો અભિનય ઝળક્યો.

હિતેન કુમારનો શ્રેષ્ઠ અભિનય
હિતેન કુમારનો ડબલ ધમાકા
નવા વિષય વાળી ફિલ્મ
            આ બધી ફિલ્મસમાંથી કેટલીક રૂપિયા રળી શકી. કેટલીક ફિલ્મ ખર્ચો કાઢી શકી તો કેટલીક ફિલ્મ્સ માત્ર બની શકી. આ વર્ષે માત્ર ફિલ્મ બનાવવા ખાતર જ નહી બનાવવાનો પ્રયાસ જોવા મળ્યો કેટલાક નવતર પ્રયોગ રૂપે. આ નવતર પ્રયોગ એટલે જન્મદાતા, બેટરહાફ અને મોહનના મંકીઝ. જે પૈકી જન્મદાતા એટલે અત્યાર સુધી જોવા મળેલા તમામ ફિલ્મ્સ કરતા શ્રેષ્ઠ અભિનયવાળી ફિલ્મ. બેટરહાફ એટલે વર્કિંગ કપલ્સની વાત કરતી અને અત્યારની જનરેશનને પસંદ આવે તેવી ફિલ્મ. તો મોહનના મંકીઝ એટલે કઈક નવું કરવાનો કરાયેલો પ્રયાસ. ભલે નવા પ્રયોગો સુધી જોઈએ તેટલા દર્શકો ન પહોચી શક્યા.. પણ આ પ્રયાસો આવનારા વર્ષમાં કંઈક નવું થવાની આશાનો સંચાર કરતા ગયા..