Wednesday 20 July 2011

રાજવીરે રાખ્યો રંગ

રાજવીરમાં હિતુ કનોડિયા
        છેલ્લે બે ફિલ્મ જોઈ... "રાજવીર" અને "સરહદ પાર મારી રાધા." આ બંનેમાં "રાજવીર" જોવાની ખરેખર મજ્જા પડી. સરહદ પારની મારી રાધા ફિલ્મ વિષય સારો હોવા છતાં ખાસ મજા ન પડી. આ બંને ફિલ્મ્સ વિશે તરત લખવું હતુ, પણ સમયની ગરીબીના કારણે લખી ના શકાયું. ખેર, મોડે મોડેય મને ગમેલી ફિલ્મ રાજવીર વિશે થોડું... માત્ર ગુજરાતી ફિલ્મના ચાહકો માટે...
        રાજવીર... સૌથી પહેલું તો ગમ્યું ફિલ્મનું ટાઈટલ.. અત્યારની લાં... બા નામવાળી ફિલ્મથી દુર રહીને આ ફિલ્મનું નામ રાજવીર રખાયું તે ગમ્યું. સાથે જ ગમ્યું ફિલ્મનું મેકિંગ.
વાર્તા
ફિલ્મની વાર્તા તેની ટેગ લાઈન પ્રમાણે રહસ્યમય પ્રેમકથા પ્રમાણેની જ છે. આખી ફિલ્મમાં રહસ્ય છવાયેલું રહે છે, અને દર્શકોને જકડી રાખવામાં એ જ રહસ્ય સફળ થાય છે.
અભિનય
સ્ટોરીલાઈન પ્રમાણે હિતુનો અલગ ગેટ અપ કરાયો તે ગમ્યું. બાકી દરેક ફિલ્મમાં હિરોનો લૂક એક સમાન જ હોય છે. રાજવીરનો હિતુનો નેગેટિવ શેડ અને લૂક આપણને ખલનાયકના સંજય દત્ત અને હીરોના જેકી શ્રોફની યાદ અપાવે છે, રાજવીરના કિરદારમાં હિતુનો અભિનય કાબિલેદાદ છે. તો કિરણે પણ વધુ એક ફિલ્મમાં પોતાની અભિનયક્ષમતા પૂરવાર કરી છે. નરેશ કનોડિયા ખાકી લૂકમાં જામે છે. ફિરોજ ઈરાની દરેક ફિલ્મની જેમ આ ફિલ્મમાં વધુ એક ગેટ અપ અને વધુ એક પંચલાઈન સાથે દેખાયા છે. જ્હાનવીએ સેકન્ડ લીડમાં હોવાં છતાં ધ્યાન ખેંચ્યું છે. 
ગીત સંગીત 
ગીત અને સંગીતને એકદમ હટકે ન કહી શકાય.. પણ સાંભળવા ગમે. ખાસ કરીને ફિલ્મમાં દરેક ગીતને ભુલાવી દે છે આઈટમ સોંગ. સંતુડી અને નરેશ કનોડિયાની ધમાલ ખરેખર કમાલ છે.
દિગ્દર્શન
ફિલ્મનું મેકિંગ ઈમરાન પઠાણની આગવી સ્ટાઈલ બતાવે છે. પહેલી ફિલ્મ સૂરજ ઉગ્યો શમણાંને દેશમાં પણ ઈમરાને મેકિંગમાં નવો પ્રયોગ કર્યો અને આ ફિલ્મમાં પણ. જે જોતાં તેમની અપકમિંગ ફિલ્મ પ્રત્યે દર્શકોની અપેક્ષા વધુ રહેશે. 
..........છેલ્લે.. 
         "પ્રાણ જાયે પણ પ્રિત ના જાયે" ફિલ્મ પછી કંઈક સારી ફિલ્મ જોવાની દર્શકોની આશ રાજવીરે પૂરી કરી હશે... હા.. મારે પણ બે ફિલ્મ જોવાની રહી ગઈ, એક તો "દલડું દીધુ મે કારતકના મેળામાં" અને બીજી "ઘરવાળી બાહરવાળી કામવાળી."  

1 comment:

  1. રાજવીર વિશે તમે લખ્યું તે દર્શાવે છે કે ફિલ્મ સારી છે. સારી ફિલ્મોને દર્શકો મળી રહે તેવી શુભેચ્છા.

    ReplyDelete