Monday 25 June 2012

ગુજરાતી ફિલ્મ સારી નથી એમ હવે કેવી રીતે કહીશ.. !!

               ગુજરાતી ફિલ્મ્સ પ્રત્યે દર્શકોને સુગ છે, એ વાત ને ખોટી પાડે છે, નવી ગુજરાતી ફિલ્મ, કેવી રીતે જઈશ. આ ફિલ્મને મળી રહેલા પ્રતિસાદ બાદ એમ કહી શકાય કે જો દર્શકોને સારું અપાય તો એ ગુજરાતી ફિલ્મ જોવી પણ પસંદ કરે છે. અઠવાડિયા બાદ પણ આ ફિલ્મની ટિકીટ માટે દર્શકો પડાપડી કરે એ ગુજરાતી ફિલ્મ જગત માટે સારી શરૂઆતના શ્રી ગણેશ છે. 

વાર્તા
based on a true story
based on many true stories
ફિલ્મના અંતે આવતા આ બે વાક્ય ખરા અર્થમાં આ ફિલ્મની કહાણી છે. વિદેશ જવાની ઘેલછા ધરાવતા અનેક હરીશોને આ ફિલ્મ પોતાની કહાણી લાગશે ( હરીશ આ ફિલ્મ નો હીરો છે )  વિદેશ જવાના અધૂરા રહેલા સ્વપ્નાને બાપ, વાયા દીકરા સંતોષવાની ઈચ્છા રાખે, અને એ માટે જે જે કંઈ કરવા તૈયાર થાય છે, એ જ બાબતને પ્રશાંત પટેલ અને અનીશ શાહ દ્વારા આ ફિલ્મની કહાણીમાં બતાવવામાં આવી છે.
સંવાદ
રૂટીન લાઇફમાં બોલાતી રીતે જ બોલાયા છે ફિલ્મના સંવાદ.. એટલે સંવાદો ફિલ્મી લાગવાને બદલે પોતાના લાગે છે. ખાસ કરીને યંગસ્ટર્સને તો આ ફિલ્મના સંવાદો પોતાની સ્ટાઈલના જ લાગશે. ( બરાબરને બકા !! )
ગીત- સંગીત
ગીત અને સંગીત પણ છે અફલાતુન. આમ પણ રઈશ મનીયાર, જૈનીશ પંચાલ, વિવેક ટેલરની કલમનો જાદુ હોય  અને મેહુલ સુરતી તથા વિશ્વેશ પરમારનું સંગીત હોય એટલે 'વાહ' કીધા વિના કેવી રીતે રહીશ !!
અભિનય
વિદેશ જઈ મોટેલકિંગ બનવાના સપના રાખતો અને  'પેશન'થી ભર્યો ભર્યો હરીશ(સ!) હોય કે, એને પ્રેમ કરતી એનઆરઆઈ આયુષી, કે પછી બાકીના કોઈ પણ કિરદારને લઇ લો...  દરેક પાત્ર પોતાની ભૂમિકાને દમદાર રીતે નિભાવવામાં સફળ થયેલા પરદા પર દેખાય છે.
દિગ્દર્શન દિગ્દર્શનની બાબતે અભિષેક જૈન લઇ જાય છે ફૂલ ટૂ દાદ.. ફિલ્મનો સુકાની સારો તો ફિલ્મની નૈયા પાર થઇ જ સમજો. કેવી રીતે જઈશ..ની નાવને  અભિષેક જૈને સુપેરે પાર પાડી છે. મેકિંગની બાબતે ફિલ્મ સો ટકા ગમે તેવી છે.  અને ખાસ તો હું અમદાવાદીઓને કહીશ, અમદાવાદને આ ફિલ્મમાં જેટલું સારી રીતે બતાવ્યું છે, એટલું કોઈ ફિલ્મમાં નથી બતાવાયું. દરેક ફ્રેમ કંઈક ને કંઈક કહી જાય છે. અભિષેક સાથે સિનેમેટ્રોગ્રાફર પુશ્કરસિંહની પણ નોંધ લેવી જ પડે..
છેલ્લે.. છેલ્લે..
બેટર હાફ, મોહનના મન્કીઝ, ચાર, વીર હમીરજી આ દરેક ફિલ્મમાં નવું કરવાનો પ્રયાસ કરાયો. મલ્ટીપ્લેક્ષ ઓડીયન્સને ખેચવાનો પ્રયત્ન કરાયો.. એ ફિલ્મોએ નવું કર્યું હોવાની ચર્ચાઓ ઘણી થઇ પણ કેવી રીતે જઈશ જેટલો પ્રતિસાદના મળી શક્યો. છતાં નિરાશા વિના એ દરેક ફિલ્મના મેકર્સ દ્વારા નવું કરવાનો પ્રયત્ન થતો રહ્યો, અને એ પ્રયત્નના અંતે એક આવી સરસ મજાની ફિલ્મ મળી એનો આનંદ  છે.. હવે વધુ આવી થોડી ફિલ્મ્સ આવે તો ગુજરાતી ફિલ્મની દશા અને દિશા બદલાતા કોઈ નહિ રોકી શકે..   ગુજરાતી ફિલ્મ નથી સારી હોતી એમ કહેનાર અને ગુજરાતી ફિલ્મોમાં નવા પ્રયોગો ના ચાલે એમ કહેનારે આ ફિલ્મ અચૂક જોવી.. ફિલ્મ જોયા પછી કોઈ નહિ કહે કે, ગુજરાતી ફિલ્મ કેવી રીતે જોઇશ..  વેલડન, અભિષેક... હવે આપની ટીમ પાસેથી દર્શકોને રહેશે નવી ફિલ્મની રાહ...