Monday 21 September 2015

ગુજ્જુભાઈ ખરેખર 'ગ્રેટ' છે...!! ગમે એવી ગુજરાતી ફિલ્મ


             ગુજ્જુભાઈ સિરિઝના નાટકો જોયેલા... હવે ગુજ્જુભાઈ એટલે કે, સિદ્ધાર્થ રાંદેરિયા 'ગુજ્જુભાઈ ધ ગ્રેટ' ફિલ્મ લઈને આવતા હોય એટલે હસાવશે એવી અપેક્ષા તો તેમના નાટકના જોનારને હોય હોય ને હોય જ.  હા, ફિલ્મ જોતા પહેલા એવું હતુ કે, ફિલ્મ નાટક  ન હોય તો સારું.. ને જેવી ફિલ્મ પતી કે તરત થયું કે, ના.. નાટક નહોતું જ, પરદા પર ફિલ્મ જ દેખાતી હતી. જો કે, એ માટેની ક્રેડિટ ડિરેક્ટર ઈશાનના ખાતામાં જાય. ફિલ્મની જે પંચ લાઈન છે તેમ 1ST સુપર કોમેડી ગુજરાતી ફિલ્મ.. દેખાઈ રહી છે. 

સ્ટોરી અને સ્ક્રીનપ્લે
એન્જોય... એન્જોય.... અને એન્જોય.... આવો જીવનમંત્ર રાખનારા હસમુખ ગાંધીની ફેમિલિ ફરતે આખી ફિલ્મની કહાણી છે. એ કહાણીમાં દિકરી તનિષા, તનિષાનો બોયફ્રેન્ડ મોન્ટુ અને હસમુખ ગાંધીનો મેનેજર બકુલ બુચ કઈ રીતે ટ્વીસ્ટ લાવે છે એ ઘટમાળ માત્ર ને માત્ર હાસ્ય સર્જે છે. અધૂરામાં પૂરુ તેમાં પોલીસ અને આતંકવાદી ભળે એટલે કહાણી જામતી જાય છે. સિદ્ધાર્થ રાંદેરિયાનો સ્ક્રીનપ્લે એટલે હાસ્યની ગેરંટી તો હોય જ.

અભિનય
સિદ્ધાર્થ રાંદેરિયા ધમાલ મચાવે જ.. પણ એમની ધમાલ જેટલી જ કમાલ કરી જિમિત ત્રિવેદીએ. સિદ્ધાર્થ રાંદેરિયા સાથે સ્ક્રીન શેર કરવી એટલે તગડા એક્ટર હોવું અનિવાર્ય અને આવશ્યક બંને હતુ, ને જિમિતને જોઈ દર્શકો ચોક્કસ એમ બોલે છે કે, હસમુખભાઈને બકુલ બરાબરનો મળ્યો છે.!! સ્વાતિ શાહ તો મજ્જાના એક્ટ્રેસ છ જ.  સુનિલ વિસરાણી અને ધર્મેશ વ્યાસ પણ પોલીસ અને આતંકવાદીના કિરદારમાં જમાવટ કરે છે. 
ગીત સંગીત
નિરેન ભટ્ટ અને ઈશાન રાંદેરિયાના ગીતોને પાર્થ ભરત ઠક્કર અને અદ્વેત નેમલેકરે સંગીત આપ્યુ છે. ગીત યંગસ્ટર્સને પસંદ આવે એવી ફ્લેવરના સંભળાય છે.
દિગ્દર્શન
ફિલ્મ જે રીતે સ્ટાર્ટ થાય છે. એ જ સીકવન્સ બતાવી દે છે કે ઈશાનની ગાડી દોડવાની છે બોસ. પહેલી જ ફિલ્મ ને એમાં સિદ્ધાર્થ રાંદેરિયા ( ભલે ને પિતા હોય ) સામે ડિરેક્શન તરીકે એન્ટ્રી લેવાની અઘરું તો ગણાય જ. ને એમાં આઉટ એન્ડ આઉટ કોમેડી સબ્જેક્ટ એટલે દિગ્દર્શક તરીકે ઈશાને અઘરી પરીક્ષા પાસ કરવાની હતી.. જે ઈશાને કરી છે.

ફિલ્મ શા માટે જોવા જવી ? 
જો તમે સરસ મજાની ગુજરાતી ફિલ્મ જોવા માગતા હોય તો ડેફિનેટલી તમારે આ ફિલ્મ જોવી જોઈએ. 

કોણ ન જોવા જાય ?
જેને ગુજરાતી ફિલ્મ માટે સોગિયું ડાચું જ રાખવાનું છે અને ફિલ્મની નિંદા જ કરવાની છે એ મહેરબાની કરીને જોવા ન જાય... કેમ કે, જો એ જોવા જશે તો એને પણ હસાવી દેશે આ કોમેડી ફિલ્મ...

  

Friday 11 September 2015

દેશની કોઈ સરહદ પ્રેમને રોકી શકતી નથી : દર્શકો ધારે તો કમાણીને કોઈ રોકી શકતા નથી.


ગુજરાતી ફિલ્મ પહેલા ત્રણ દિવસમાં કમાણી 65 લાખને પાર પહોંચાડે અને અઠવાડિયુ પતે ત્યાં સુધીમાં કલેક્શનનો આંંક કરોડને પાર કરી જાય તો એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ગુડ ન્યૂઝ જ કહેવાય. ને વળી, અર્બન અર્બન અર્બનના દેકારા વચ્ચે આ ફિલ્મ આવી અને કલેક્શનના આંકડાઓ દ્વારા એ બતાવી ગઈ કે રૂરલ વિષય પરની ગુજરાતી ફિલ્મ પણ થિયેટરમાં ચાલે જ છે. નવાઈની વાત તો એ છે કે, આ ફિલ્મ આવી ત્યારે તેર વર્ષ બાદ ફિલ્મની ટિકિટ બ્લેકમાં વેચાઈ તેવો કેસ નોંધાયો. જો કે, આ તો કાળાબજારિયાઓ પોલીસની ઝપટે ચડી ગયા હશે એટલે કેસ થયો બાકી વિક્રમની ફિલ્મની ટિકિટ બ્લેકમાં વેચાતી હોવાની બાબત તેના ચાહકો માટે નવી નથી.  હા, માત્ર અર્બનના ટેગ વાળી જ ફિલ્મ જોવાનું વિચારનાર ગુજરાતીઓને આ બાબત ચોક્કસ નવાઈ પમાડે. 

કેવી છે ફિલ્મ ?
આમ જુઓ તો મોટેભાગે જે ગુજરાતી ફિલ્મ્સ બોક્સઓફિસ ચલાવી રહી છે તેના જેવી જ ફિલ્મ ગણી શકાય. એકદમ જોરદાર ને એકદમ નવું જ જોવા મળે એવો ન તો કોઈ દાવો કરાયો કે ન તો એવું તમને જોવા મળે. અરે ક્યાંક ક્યાંક તમને સ્ક્રીન પ્લે નબળો લાગે.. પણ હા.. ફિલ્મની એક્શન અને સિનેમેટ્રોગ્રાફીમાં કરાયેલી મહેનત તમને ચોક્કસ દેખાઈ આવે. વિક્રમના અભિનયની ચર્ચા તેની અગાઉની ફિલ્મની સરખામણીએ જ કરવી પડે ને એમાં દર ફિલ્મે સુધારો દેખાતો જાય.. તો પહેલી જ ફિલ્મ સાથે તનુશ્રીનું કામ નોંધનીય છે. વિલનમાં ચંદન રાઠોડ જામે છે બોસ. હું તો માનું કે, ચંદન ગુજરાતી ફિલ્મ્સ માટે સારો વિલન સાબિત થઈ શકે તેમ છે. જો આમ થાય તો ફિલ્મના તકિયા કલામની જેમ એ ચોક્કસ બોલશે કે, સુભાનઅલ્લાહ. હિના રાજપૂત પણ પોતાના કિરદારને ન્યાય આપે છે. પણ હા સાથે એ થોડુંક ખૂંચે કે, મુખ્ય કલાકારોને બાદ કરતા અન્ય કલાકારોની અણઆવડત પરદા પર નરી આંખે દેખાઈ આવે છે, એ પછી વિક્રમના મિત્રોના કિરદારમાં રહેલા કલાકારો હોય કે ચંદનના મિત્રના મહત્વના કિરદારમાં રહેલ કલાકાર હોય. એ તમામની એન્ટ્રી વખતે સ્ક્રીનની ગતિ ચોક્કસ અવરોધાતી દેખાય. જો કે, એ નબળા પાસા પર હરેશ પટેલની એક્શન ચોક્કસ હાવી થઈ જાય. આમ પણ આ ફિલ્મ પોતાના પિતાશ્રીના સ્વપ્ન સમાન હોઈ હરેશ પટેલે ફિલ્મની સફળતા સાથે પિતાને અંજલિ આપી છે. ગુજરાતી સિનેમાના ભિષ્મ પિતામહનું જેને બિરુદ મળ્યુ હતુ એવા ગોવિંદભાઈ પટેલને ફિલ્મની સફળતાના રિપોર્ટ થકી જ હરેશ પટેલે ખરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.