Friday 25 February 2011

પ્રાણ જાયે પણ પ્રિત ના જાયે... ટાઈટલ પર ન જાવ, ફિલ્મ જોવા જાવ.. 2011ની પહેલી હિટ ફિલ્મ

         પ્રાણ જાયે પણ પ્રિત ના જાયે... આ ફિલ્મને ન માત્ર લવ સ્ટોરી કહી શકાય.. ન માત્ર સીધી સાદી ફિલ્મ કહી શકાય... ન સુપરડુપર બ્લોકબસ્ટર હિટ ફિલ્મ કહી શકાય.. પણ એટલું તો કહેવું જ રહ્યું કે, પ્રાણ જાયે પણ પ્રિત ના જાયે.. એટલે 2011ની પહેલી હિટ ફિલ્મ..
  
વાર્તા
         વાર્તાની દૃષ્ટિએ પ્રાણ જાયે પણ પ્રિત ના જાયે અત્યારની ફિલ્મ્સ કરતાં નોખી તરી આવે છે. આ ફિલ્મ માટે પસંદ કરાયેલો વિષય વણસ્પર્શ્યો ગણી શકાય. હિંદુ યુવક અને મુસ્લિમ યુવતી વચ્ચેની પ્રેમકહાણી સાથે અત્યારની સ્થિતિ ગૂંથી લેવાઈ છે. હિંદુ-મુસ્લિમ સંબંધો બાબતે કહેવાતા સેક્યુલારિસ્ટોએ ગુજરાતને બદનામ કર્યુ છે અને કર્યે રાખે છે, ત્યારે આ પ્રકારની વાર્તા સાથે આવવું એ કાબિલ-એ-તારીફ છે. પ્રવીણ અને રેશ્માની પ્રેમ કહાણીને રજૂ કરતી વખતે કોઈની લાગણી ન દુભાય તેનું લેખકે  ખાસ ધ્યાન રાખ્યું છે. 
આ ફિલ્મ એટલે ચાર ભેરુબંધ હિતેન કુમાર, ચંદન રાઠોડ, જિત ઉપેન્દ્ર અને જિજ્ઞેશ મોદીની કહાણી.. રેશ્મા અને પ્રવીણની પ્રેમ કહાણી.. પ્રવીણ તરફી સંજનાના એક તરફી પ્રેમની કહાણી..  જહાંગીરખાન અને રામસિંહ બાપૂના બદલાની આગની કહાણી.. ધર્મના વાડા બાંધનારા  કહેવાતા અગ્રણીઓને શીખની લપડાક મારતી કહાણી.. આ દરેક પાસાને એટલી સારી રીતે વણી લેવાયા છે કે દર્શકોને ચોક્કસ પસંદ પડે. 
સંવાદ 
સંવાદ એ આ ફિલ્મનો પ્લસ પોઈન્ટ છે. પછી તે જહાંગીરખાન અને રામસિંહ બાપૂ વચ્ચેના સંવાદ હોય કે, પ્રેમની અભિવ્યક્તિ કરતાં પ્રવીણ અને રેશ્માના સંવાદ હોય...  ફિલ્મ જોનારાઓને ફરી યાદ  અપાવું અને નહી જોનારાઓને સ્હેજ સંવાદનો આસ્વાદ કરાવું તો... "તું જિંદગીને નાટક સમજીને બેઠી, અને હું નાટકને જિંદગી ગણી બેઠો" સંવાદ હોય કે પછી, "મને પ્રેમમાં તરતા ન આવડ્યું તો શું થયું મરતા તો આવડ્યું"  અથવા તો.. "સંજોગ તો જો.. પહેલાં હું મોડો પડ્યો ને પછી તું"  કે પછી ફિલ્મના અંતમાં હિતેન કુમાર દ્વારા બોલાતો સંવાદ લઈ લો.. એ સાંભળ્યા બાદ આપ બોલી જશો એક જ શબ્દ.. "વાહ.." 
ગીત-સંગીત 
"માધિયાની મા એ પીવરાવ્યો.." જેવું અલ્લડ ગીત હોય.. કે પછી "ઢોલનો ધબકાર નહી.." જેવું પ્રેમ ભર્યું ગીત.. આ ફિલ્મના ગીતો દર્શકોને સાંભળવા સાથે ગણગણવા ગમે તેવા છે. ખાસ તો ગીતના અર્થસભર શબ્દો ઘણું બધુ કહી જાય છે.
અભિનય
મલ્ટીસ્ટારર ફિલ્મ હોવા છતાં દરેક પાત્ર પોતાના કિરદારને ન્યાય આપી શક્યા છે. વધુ એક વાર લવરબોય તરીકે ચંદન રાઠોડ પૂરા માર્ક્સ લઈ જાય છે. તો જીત ઉપેન્દ્ર તેની એક્શન હિરોની ઈમેજમાં વધુ એક છોગુ ઉમેરી જાય છે. હિતેન કુમાર માટે એટલું કહેવાય કે, તે છવાઈ જાય છે. તો જીજ્ઞેશ ભૂલકણા બાબાના કિરદારને તો બંને અભિનેત્રીઓ પોત-પોતાના કિરદારને યોગ્ય ન્યાય આપે છે. ફિરોઝ ઈરાની વિશે તો કહેવું જ શું.. એ તો દર્શકો માટે દરેક ફિલ્મમાં કંઈક અલગ અંદાઝ સાથે જ  જમાવટ કરી દે છે.
દિગ્દર્શન 
જ્યારે આવો વિષય હોય ત્યારે દિગ્દર્શકની સૂઝની પણ પરીક્ષા થતી હોય છે, અને આ પરીક્ષામાંથી બરકત વઢવાણીયા થઈ ગયા છે પાસ. ફિલ્મને તેમણે સુપેરે દર્શકોને પીરસી છે.
ખાસમખાસ
આ ફિલ્મ માટે ખાસમખાસ વાત એટલે ફિલ્મનો વિષય. બીજી ખાસ વાત એ છે કે, હિંદુ-મુસ્લિમ યુવક-યુવતી વચ્ચેની આ ફિલ્મના પ્રોડ્યુસર-દિગ્દર્શકનો પણ આવો જ સંયોગ છે.  નિર્માતા મહેશ પટેલ, સુરેશ પ્રજાપતિ અને દિગ્દર્શક બરકત વઢવાણીયા. ને હા, વાર્તા-દિગ્દર્શનમાં જો આવા પ્રયોગો થતાં રહેશે તો દર્શકો સો ટકા વખાણશે. ત્રીજા અઠવાડિયા બાદ ફિલ્મ જોવા જવાનું બન્યું ત્યારે પણ થિયેટરમાં ગમે તેટલી સંખ્યામાં દર્શકો જોવા મળે એ ફિલ્મના સારા પાસાના કારણે જ સ્તો.. બાકી, હિન્દી ફિલ્મ્સમાં પણ ત્રીજા દિવસ બાદ, કાગડા ઉડતાં દેખાય છે. આ ફિલ્મનું ટાઈટલ ટ્રેન્ડ પ્રમાણે લાંબુ છે , પણ લાંબા ટાઈટલ પર ન જાવ, હજી આ ફિલ્મ થિયેટરમાં ચાલી જ રહી છે, જેને જોવાની બાકી છે તેણે મોડું કરવા જેવું નથી..

Tuesday 15 February 2011

દિલ થામીને બેસો રોમાના દિવાના.. ટૂંક સમયમાં આવશે ફરી પરદા પર...

        ઉત્તરાયણ વખતે નરેશ કનોડિયાને સવાલ પૂછ્યો કે, કઈ હિરોઈન તમારી ફિરકી પકડે તો ગમે.. ? તેમનો જવાબ હતો.. રોમા માણેક. આ જ દિવસોમાં ચંદન રાઠોડને પણ પૂછાયો આ જ સવાલ.. ને તેની પાસેથી પણ જવાબ મળ્યો.. રોમા માણેક.
       હિરોલોગ જ જેના આટલાં દિવાના હોય ત્યારે ચાહકોની શું વાત કરવી ? ઊંચી મેડીના ઊંચા મોલ ફિલ્મમાં દેખાયેલો એક રૂપાળો ચહેરો લોકોના દિલમાં એવો વસી ગયો, કે એ ચહેરો એ પછી મોટાભાગની ફિલ્મમાં દેખાવા લાગ્યો. આ ચહેરો એટલે રોમા માણેક. પહેલી જ ફિલ્મમાં રોમા-માણેકની જોડી જામી ગુજરાતી ફિલ્મ્સના સુપરસ્ટાર નરેશ કનોડિયા સાથે.....    રોમા માણેકની ત્યાર બાદની ફિલ્મ, એટલે કમાણીની દૃષ્ટિએ ગુજરાતી ફિલ્મ જગતના તમામ રેકોર્ડ તોડનારી ફિલ્મ, દેશ રે જોયા દાદા પરદેશ જોયા. આ ફિલ્મના ટાઈટલમાં જો ફેરફાર કરીને કહીએ તો એમ કહેવાય કે, દેશમાં રે જોવાઈ દોસ્તો પરદેશમાં પણ જોવાઈ.. અને દેશમાં તો વખણાઈ દોસ્તો પરદેશમાં પણ વખણાઈ. આવી વખણાયેલી ફિલ્મની હિરોઈન હોઈ, ત્યાર બાદ રોમા માણેકની ગાડી સિને માર્ગ પર સડસડાટ દોડવા લાગી. એક પછી એક ફિલ્મમાં તે દેખાવા લાગી. તેને અભિનય કે ડાન્સ કરતા જોઈ કોઈ કહી પણ ના શકે કે આ બિનગુજરાતી અભિનેત્રી હશે. બોલિવૂડમાં ભલે રોમા માણેક પોતાનું સ્થાન જમાવી ન શકી પણ ઢોલિવૂડમાં વાગવા લાગ્યો તેના નામનો સિક્કો. છેલ્લે ઢોલી તારો ઢોલ વાગેમાં પણ દેખાઈ રોમા-નરેશ કનોડિયાની જોડી. ત્યાર બાદ થોડા સમય માટે સિનેવનવાસ લેનાર રોમા ફરી દસ્તક દેવા તૈયાર છે. ટૂંક સમયમાં ઢોલિવૂડના પરદા પર ધમાલ મચાવવાની હાલ તો તે કરી રહી છે તૈયારી. હાલ તો રોમા માણેકના અપકમિંગ પ્રોજેક્ટ્સને લઈને છે તેની ચૂપકિદી.. પણ થોડા જ સમયમાં આ બાબતે પણ રોમા કરશે ખુલાસો. નરેશ કનોડિયા સાથે તેનું સૌથી સારુ ટ્યુનિંગ હોવાનું રોમા માને છે, હાલ તો નરેશ કનોડિયા ચરિત્ર અભિનેતા તરીકે દેખાઈ રહ્યા છે ફિલ્મી પરદે.. ત્યારે શું હવે રોમા ચરિત્ર અભિનેત્રીના કિરદારમાં કમ બેક કરશે કે અત્યારની હિરોઈન્સની સામે ટક્કર લેવા આવશે પરદા પર તે રાઝ પરથી ટૂંક સમયમાં ઉઠશે પરદો.. પણ એટલું તો નક્કી છે રોમાને પરદા પર જોઈ ફરી એક વાર તેના દિવાનાઓના દિલ ચૂકી જશે એક ધબકાર...