Sunday 18 January 2015

બોક્સઓફિસની દુનિયામાં નવી ફિલ્મ... આ તે કેવી દુનિયા !

આ તે કેવી દુનિયા
આ ફિલ્મનું પોસ્ટર જોયું ત્યારે જ હતું કે અર્બન મૂવી જોવાનું પસંદ કરનારાઓ પોસ્ટર જોઈને પણ એકવાર ચોક્કસ થિયેટર સુધી પહોંચશે.  ફિલ્મના કલેક્શનને લઈને અમુક મિત્રો સાથે થયેલી વાત પ્રમાણે, આ સાચુ પણ પડ્યું. અમુક સેન્ટરને બાદ કરતા અમદાવાદ, મુંબઈ, વડોદરા, ભાવનગર, રાજકોટ સહિત અન્ય સેન્ટરમાં  ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો એ ફિલ્મ મેકર્સ માટે પુણ્યના પોઈન્ટ વધારનારી વાત છે. ( પુણ્યના પોઈન્ટ.. શબ્દપ્રયોગ ફિલ્મ જેણે જોઈ નથી તેને નહી સમજાય ! ) 

સ્ટોરી
ફિલ્મની વન લાઈન ખુબ જ સરસ છે. સ્વર્ગ અને નર્ક સિવાયની એક દુનિયાની કહાણી. કર્મની દુનિયાની કહાણી. ફિલ્મ જોયા બાદ જે મિત્રો સાથે ફિલ્મની વાર્તા શેર કરી તેઓને પણ ફિલ્મની વાર્તા સાંભળવી ગમી. ને તરત પ્રતિક્રિયા આપતા કે, તો તો જોવી પડશે ફિલ્મ. ચાલો એ બહાને પણ ગુજરાતી ફિલ્મ જોવા મિત્રો જશે એનો આનંદ થયો. ને જોઈને મિત્રો બહાર આવે પછી કહેતા કે, ફિલ્મનો ફર્સ્ટ હાફ તને ધીમો ન લાગ્યો ? ધીમેથી એમને હા, કહી દીધી એટલે ગુજરાતી ફિલ્મ જોવા ઓડિયન્સને પ્રોત્સાહન આપવાના પુણ્યના પાંચ પોઈન્ટ આપણાં ખાતામાં બેલેન્સ. ( અગેઈન,  પુણ્યના પોઈન્ટ.. શબ્દપ્રયોગ ફિલ્મ જેણે જોઈ નથી તેને નહી સમજાય !.. ફિલ્મના ફર્સ્ટ હાફમાં એકની એક વાત સમજાવવા પાંચ વાર પ્રયત્ન કરાયો છે તો અહી હુંયે એટલી છૂટ લઈ જ શકુ ને !.!.!.)  
બાકી આ ફિલ્મને રૂટિન વાર્તાઓના મારા વચ્ચે તેજસ પડિયાએ એક તાજ્જી.. નવી વાર્તા વાળી ગુજરાતી ફિલ્મ આપી.

અભિનય
રાજ અને યતિન... બંનેએ પોત-પોતાના કિરદારને ન્યાય આપ્યો છે. પદ્મેશ પંડિત બાબાના કિરદારમાં જામે છે. જગ્ગાભાઈ બનીને જોરદાર જમાવટ જમાવીને જલસા કરાવ્યા સુનિલ વિસરાણીએ. કિંજલ ક્યાંક ગમે, ક્યાંક કાચી પડે. બાકી સનત વ્યાસ પોતાના નાનકડા રોલમાં પણ પોતાની છાપ છોડી જાય. આ સિવાયના કિરદારોએ પણ પોત-પોતાના કિરદાર માટે કરેલી મહેનત અને તેમની પાસે દિગ્દર્શકે કઢાવેલું કામ પરદા પર દેખાય છે.
પણ હા, આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બે સારા અભિનેતા ચોક્કસ મળ્યા.

ગીત-સંગીત
વીજુ શાહે ગુજરાતી ફિલ્મમાં મ્યૂઝિક આપ્યું હોય તેવી આ પહેલી ફિલ્મ બની. ને સંગીતમાં તેમની છાંટ દેખાય છે.  બોલિવૂડના સિંગર અઝીઝે ગાયેલું ગીત ગમે તેવું છે. ટિપિકલ સંગીતથી હટીને થિરકવું ગમે તેવી ટ્યૂન સાંભળવા મળે એટલે યુવા પેઢીને ગમે.

દિગ્દર્શન
અનુભવ બંસલે આ ફિલ્મમાં સિનેમેટ્રોગ્રાફી કરી છે.  તેજસ પડિયાએ ફિલ્મના દિગ્દર્શનની સુકાન સંભાળી છે. પોતાના લેખક તરીકેના પાસા પર જો તેજસે દિગ્દર્શકનું પાસું હાવી કર્યુ હોત તો ડેફિનેટલી ફર્સ્ટ હાફ સ્લો જાય છે તેના બદલે તેજસ સારો કરી જ શક્યા હોત.

છેલ્લે.... એટલું તો ચોક્કસ લખીશ કે,
આ ફિલ્મ બનાવવાના કારણે વિજય ખત્રીના ખાતામાં ફિલ્મના કેટલા રૂપિયા જમા થશે એ હું નથી જાણતો, પણ હા, વિજય ખત્રીનો આ પ્રયત્ન થવાના કારણે, સારી ગુજરાતી ફિલ્મ બનવાના ચાલી રહેલા પ્રયત્નમાં તેમણે પોતાની ફિલ્મનો ઉમેરો ચોક્કસ કર્યો છે. જેના કારણે ગુજરાતી ભાષા માટે કંઈક નક્કર કરવાથી એ બાબતે તેમના કર્મના એકાઉન્ટમાં પુણ્યના પોઈન્ટનું બેલેન્સ ચોક્કસ વધશે. !

Friday 2 January 2015

ફિલ્મી ફ્લેશબેક - 2014

2014માં કઈ કઈ ફિલ્મ્સ પરદા પર આવી, તેમાંથી કઈ ફિલ્મ હિટ રહી અને કઈ સુપરહિટ રહી. તેમજ કઈ ફિલ્મને બોક્સઓફિસ પર મળી જોરદાર પછડાટ એ જાણવા વાંચો ફિલ્મી ફ્લેશબેક -2014. 
આમ જુઓ તો 2014ના વર્ષની બ્લોકબસ્ટર માત્ર એક ફિલ્મ... બે યાર....ને ગણી શકાય. પણ આ સિવાય પણ કેટલીક એવી ફિલ્મ છે કે જેના પરદા પરના દેખાવ અને તેના મેકિંગ સહિતની બાબતોના કારણે 2014ના વર્ષની ફિલ્મ્સની જ્યારે પણ વાત નીકળે ત્યારે 21 જેટલી ફિલ્મને યાદ કરવી પડશે.  
 1. બે યાર 
100 દિવસ પૂરા થયા બાદ પણ થિયેટરમાં વખણાતી અને જોવાતી ફિલ્મ બે યાર માટે એમ કહેવાય કે, 2014ની દમદાર ફિલ્મ બે યાર જ રહી. ગુજરાતી ફિલ્મથી દુર ભાગતા દર્શકોએ પણ આ ફિલ્મને વખાણી અને માણી.

 2. આપણે તો ધીરુભાઈ 
ધીરુભાઈ અંબાણી બનવા માગતા એક ગુજરાતી યુવાનની મહત્વકાંક્ષાને પરદા પર બતાવતી ફિલ્મ આપણે તો ધીરુભાઈ હતી. વ્રજેશ હીરજી જેવા કલાકારના કારણ સિવાય આ ફિલ્મની હિન્દી રિમેક બનવાના સમાચારે ફિલ્મને ચર્ચામાં રાખી. આ જ કારણસર 2014ની નોંધપાત્ર ફિલ્મો જ્યારે પણ યાદ કરાય ત્યારે આ ફિલ્મ ચોક્કસ યાદ કરવી પડશે. 
  3. સાથિયો ચાલ્યો ખોડલધામ 
પટેલ સમાજના યાત્રાધામ એવા ખોડલધામને સાંકળતી ફિલ્મ સાથિયો ચાલ્યો ખોડલધામ કદાચ પટેલ સમાજના જ લોકોએ જોઈ હોત તો પણ કમાણી કરી જાત. એક હકીકત એ છે કે, ફિલ્મમાં લોકોને સમાજ અને ધાર્મિક આસ્થાની વાત નહી પણ એન્ટરટેઈનમેન્ટ જોઈએ છે .  સ્ટોરીલાઈન સિવાય આ ફિલ્મ મેકિંગમાં પણ માર ખાઈ ગઈ.  છતાં બોલિવૂડના કલાકારોના કારણે 2014ની ચર્ચાતી ફિલ્મમાં સાથિયો ચાલ્યો ખોડલધામનુ નામ ઉમેરાય છે.   
4. દેશબુક 
સરદાર.... રાષ્ટ્રનું એક એવું વ્યક્તિત્વ.. કે જે પરદા પર બહુ ઓછુ આવ્યું છે તેના વિચાર સાથે પરદા પર ફિલ્મ દેશબુક આવી. ફેસબુક..વાળી જનરેશનને... દેશબુક.. જોવી ગમે એવી ફિલ્મ ચોક્કસ હતી...

5. વ્હીસ્કી ઈઝ રિસ્કી 
સ્ટડી પ્રોજેક્ટમાં જ ગુજરાતી ફિલ્મ જ બનાવનાર ધવલ પટેલની ફિલ્મ.. વ્હીસ્કી ઈઝ રિસ્કી 2014ની યાદ રાખવી પડે તેવી ગુજરાતી ફિલ્મ ગણી શકાય. મેકિંગ.. સ્ટોરીલાઈન.. અને સંગીત સહિતના પાસાઓમાં ગુજરાતના યુથને વ્હીસ્કી ઈઝ રિસ્કી આકર્ષે તેવી ફિલ્મ બની રહી.
 
6. એક પ્રેમનો દિવાનો એક પ્રેમની દિવાની 
વર્ષની શરૂઆતમાં વિક્રમ ઠાકોરની ફિલ્મ એક પ્રેમનો દિવાનો... એક પ્રેમની દિવાની...  આવી હતી. 2014ની ચર્ચામાં રહેલી ફિલ્મોની યાદીમાં... આ ફિલ્મ વિક્રમ ઠાકોર અભિનીત ફિલ્મ હોવાના કારણે ચોક્કસ સ્થાન પામે. 
 
7. રસિયા તારી રાધા રોકાણી રણમાં 
કચ્છના મસ્ત લોકેશન્સ પર બનેલી... કંગાળ મેકિંગ અને એવી જ સ્ટોરી લાઈન વાળી ફિલ્મ રસિયા તારી રાધા રોકાણી રણમાં..  ગણી શકાય. આમ છતાં નવાઈની વાત એ છે કે, આ ફિલ્મે સારી કમાણી કરી હતી. માત્ર કમાણીના જ કારણોસર આ ફિલ્મની નોંધ 2014ની યાદ કરવી પડે તેવી ફિલ્મમાં લેવી પડે. બાકી.. રસિયા તારી રાધા રોકાણી રણમાં એક રૂટિન ફિલ્મ જેવી જ ફિલ્મ હતી. 
8. કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી 
આ વર્ષની વિક્રમ ઠાકોરની ત્રીજી અને છેલ્લી ફિલ્મ કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી છે. પારિવારીક વાર્તા સાથેની આ ફિલ્મ પણ કમાણીના કારણે 2014ના વર્ષમાં પોતાની નોંધ છોડી ગઈ.
9. કળિયુગનો કાનો 
2014ની નોંધ લેવી પડે તેવી ફિલ્મમાં એક નામ કળિયુગનો કાનો ગણી શકાય. આ ફિલ્મની નોંધ લેવાનું પહેલું કારણ એ કે, ફિલ્મ રિલિઝ પહેલા બોલ્ડ પોસ્ટરના કારણે ચર્ચામાં આવી હતી. અને પરદા પર ફિલ્મ આવ્યા બાદ ફિલ્મના એક્શનસીન અને મેકિંગના કારણે દર્શકોએ ફરી ફિલ્મની ચર્ચા કરી. ફિલ્મના ગીત પણ દર્શકોને પસંદ આવે એવા બન્યા. ઓવરઓલ ફિલ્મ 2014ની નોંધપાત્ર ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવનારી ફિલ્મ બની રહી. 
10. પ્રેમરોગ
જુદાં જ વિષયના કારણે પ્રેમરોગ એ 2014માં નોંધ લેવી પડે તેવી ફિલ્મ ગણાય. એક જ પ્રકારની પ્રેમ કહાણીઓ કરતા... કેટલાક એવા કિસ્સાઓ કે, જેના કારણે પ્રેમની ચર્ચાઓ ન્યૂઝમાં પણ થતી હોય છે.. એવા જ કિસ્સાઓમાંથી પ્રેરણા લઈ.. સમાજના સળગતા મુદ્દાને આ ફિલ્મ થકી પરદા પર લાવવામાં આવેલો....  અને મેકિંગ તેમજ કહાણીને લોકોએ સારો પ્રતિસાદ આપેલો... એટલે પ્રેમરોગ 2014ની એક નોંધપાત્ર ફિલ્મ બની ગઈ.
11. પડકાર 
હિતેન કુમાર.. અને રાકેશ બારોટ સાથે... શક્તિ કપૂર જેવા ચહેરાઓ ફિલ્મમાં... હોવા છતાં..  પરદા સુધી દર્શકોને ખેંચી લાવવામાં પડકાર ફિલ્મને પડકારનો સામનો કરવો પડેલો. બોક્ધાસઓફિસ પર આ ફિલ્મ સારી કમાણી ન કરી શકી. પણ હા... પડકાર..માં રહેલા મોટા ચહેરાઓના કારણે પડકાર એ  2014ની નોંધપાત્ર ફિલ્મ બની.
12. વિશ્વાસઘાત  
હિતુ કનોડિયાની ફિલ્મ... વિશ્વાસઘાત...ને પણ 2014ની સારી ફિલ્મોની યાદીમાં સામેલ કરવી પડે. મેકિંગ અને વાર્તા આ ફિલ્મના મજબૂત પાસા હતા. આ ફિલ્મના ગીત પણ મજ્જાના હતા... જેથી દર્શકોને આ પાસુ પણ દમદાર લાગ્યુ.
13. ઠાકોરના કોલ જગમાં અનમોલ 
વટ વચન અને વેર માટે ઠાકોર શું કરી શકે... એ સ્ટોરી લાઈન પર બનેલી ફિલ્મ... ઠાકોરના કોલ, જગમાં અનમોલ... આમ તો રૂટિન આવતી ફિલ્મ જેવી જ ફિલ્મ હતી... જો કે, 2014ની નોંધ લેવી પડે તેવી ફિલ્મમાં આ ફિલ્મનો સમાવેશ કરવો.. તે માટેનું સૌથી મોટું કારણ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ગુજરાતી ફિલ્મમાં એન્ટ્રી ગણી શકાય. 
14. પપ્પુ પાસ થઈ ગયો 
2014માં.. પરદા પર પપ્પુ પાસ થઈ ગયો ફિલ્મ આવી. પણ બોક્સઓફિસ પર આ ફિલ્મ પાસ ન થઈ.  કોમેડી અને બાળકો માટેની ફિલ્મ.,.. એ મુદ્દા પર આ ફિલ્મ આવી ત્યારે આ ફિલ્મને એટલીસ્ટ બાળકો પસંદ કરશે એવી આશા હતી... પરંતુ બાળકોએ આ ફિલ્મને ન જોઈને તેને કમાણીમાં ફેઈલ કરી. છતાં આ ફિલ્મની નોંધ લેવી પડે તે માટેનું સૌથી મોટું કારણ... સીઆઈડી ફેમ દયાની પહેલી વાર ગુજરાતી ફિલ્મમાં એન્ટ્રી ગણી શકાય. દયા સાથે આ ફિલ્મમાં રૂપાલી ગાંગુલી હતી. દયા હોય કે, રૂપાલી.... દર્શકોને તો ફિલ્મમાં પડવી જોઈએ મજા.. બાકી તો બોક્સઓફિસ પર ક્યારે ફિલ્મ આવે અને ક્યારે ઉતરી જાય... એની પણ જાણ રહેતી નથી.
15. કરમ કિસ્મત ને કુદરત 
જિત ઉપેન્દ્ર અને વૃંદા બ્રહ્મભટ્ટ..ની આ ફિલ્મના એવા કરમ.. કે કિસ્મત નહી હોય કે કુદરત તેને બ્લોક બસ્ટર બનાવી દે.... પણ આ ફિલ્મ માટે એમ ચોક્કસ કહેવાય કે, દિગ્દર્શક મનોજ  નથવાણી ફિલ્મ માટે કંઈક નવું કરી શક્યા.. એટલે 2014ની યાદ કરવી પડે તેવી ફિલ્મમાં 3Kનું નામ આવે છે. 
16. ધર્માત્મા 
ધર્માત્મા ફિલ્મ સાથે ડોન લૂકમાં પરદા પર જીત ઉપેન્દ્ર વર્ષના અંતમાં જોવા મળ્યા. વર્ષના અંત ભાગમાં આવેલી આ ફિલ્મ, જોરદાર કમાલ તો ન કરી શકી.. પણ હા, જીતનો લૂક અને એક્શન અવતાર દર્શકોને ચોક્કસ પસંદ આવે તેવો છે. એટલે જ 2014ની યાદ રાખી શકાય તેવી ફિલ્મમાં ધર્માત્માનું નામ આવે છે.
17. વાવ 
ઘણી બધી રાહ જોવરાવ્યા બાદ... વાવ.. ફિલ્મ પરદા પર આવી હતી. ને જેટલી ઝડપે આવી એટલી જ ઝડપે ઉતરી ગઇ. એવું હતું કે, જગદીશ ઠાકોર સાથે આનંદી અને કોમલની આ ફિલ્મ કમાલ કરી જશે. ખાસ તો ફિલ્મની સ્ટોરીના કારણે આવું કહેવાતું હતુ.. પણ ફિલ્મનો ધીમો ફર્સ્ટ હાફ દર્શકોને કંટાળો આપી ગયો.. ઓવરઓલ અસર ફિલ્મ પર પણ જોવા મળી.. જો કે, વાર્તાના કારણે આ ફિલ્મને ચોક્કસ 2014ની યાદ રાખવી પડે તેવી ફિલ્મમાં સ્થાન આપવું પડે. 
18. બજરંગલીલા 
બજરંગલીલા... પરદા પર ન કરી શકી લીલા. આ ફિલ્મ ધારી સફળતા ન મેળવી શકી. પણ હા.. આ ફિલ્મની સબ્જેક્ટ લાઈન રૂટિન ફિલ્મ કરતા ચોક્કસ અલગ હતી. એટલે જ ફિલ્મ.. બજરંગ લીલાને... 2014ની ફિલ્મમાં સ્થાન મળે છે.
19. નમો સૌને ગમો 
વર્ષના મધ્યાંતે ચૂંટણીના બરાબર જામેલા માહોલમાં પરદા પર આવી હતી નમો સૌને ગમો... પણ નમો સૌને ન ગમી... નરેન્દ્ર મોદીની ઓળખ સમાન નામ નમો. છે. એવું જ નામ અને કિરદારનો એવો જ લૂક... છતાં પણ મોદીની સતત વધતી લોકપ્રિયતાને એન્કેશ કરવાનો કિમીયો કારગત ન નિવડ્યો... ને આ ફિલ્મ કમાલ ન કરી શકી. નિષ્ફળતા છતાં ચર્ચામાં રહેવાને કારણે 2014ની નોંધનીય ફિલ્મોમાં સ્થાન મેળવી ગઈ નમો સૌને ગમો...
20. ઘર મારુ મંદિર  
ઘણાં સમય સુધી કોઈ ફિલ્મ ન આવવાને કારણે ચંદન રાઠોડને આ ફિલ્મ પર આશાઓ હતી. પણ આ ફિલ્મ પરદા પર ન જ ચાલી. ઘર મારુ મંદિર મોટી પબ્લિસિટી વિના આવી અને પરદા પરથી ઉતરી પણ ગઈ... પરિવારની વાત હોઈ પરદા પર લોકો સ્વીકારે જ એવી માન્યતા નથી ચાલતી એવું આ ફિલ્મના બેહાલ પરથી સાબિત થયું. 
21. લોહીનો નહી તો કોઈનો નહી..
હિતેન કુમાર અને જગદીશ ઠાકોર સ્ટારર ફિલ્મ લોહીનો નહી, તો કોઈનો નહી.. પણ પરદા પર દર્શકની ના થઈ શકી. અમુક જગ્યાએ દર્શકોએ પસંદ કરી.. બાકી ઓવરઓલ આ ફિલ્મ જોરદાર કમાલ ન કરી શકી... પણ હા.. હિતેન કુમાર અને જગદીશ જેવા નામના કારણે આ ફિલ્મની નોંધ લેવી પડે તેવી ફિલ્મ લોહીનો નહી તો કોઈનો નહી.. ગણી શકાય.