Sunday 18 January 2015

બોક્સઓફિસની દુનિયામાં નવી ફિલ્મ... આ તે કેવી દુનિયા !

આ તે કેવી દુનિયા
આ ફિલ્મનું પોસ્ટર જોયું ત્યારે જ હતું કે અર્બન મૂવી જોવાનું પસંદ કરનારાઓ પોસ્ટર જોઈને પણ એકવાર ચોક્કસ થિયેટર સુધી પહોંચશે.  ફિલ્મના કલેક્શનને લઈને અમુક મિત્રો સાથે થયેલી વાત પ્રમાણે, આ સાચુ પણ પડ્યું. અમુક સેન્ટરને બાદ કરતા અમદાવાદ, મુંબઈ, વડોદરા, ભાવનગર, રાજકોટ સહિત અન્ય સેન્ટરમાં  ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો એ ફિલ્મ મેકર્સ માટે પુણ્યના પોઈન્ટ વધારનારી વાત છે. ( પુણ્યના પોઈન્ટ.. શબ્દપ્રયોગ ફિલ્મ જેણે જોઈ નથી તેને નહી સમજાય ! ) 

સ્ટોરી
ફિલ્મની વન લાઈન ખુબ જ સરસ છે. સ્વર્ગ અને નર્ક સિવાયની એક દુનિયાની કહાણી. કર્મની દુનિયાની કહાણી. ફિલ્મ જોયા બાદ જે મિત્રો સાથે ફિલ્મની વાર્તા શેર કરી તેઓને પણ ફિલ્મની વાર્તા સાંભળવી ગમી. ને તરત પ્રતિક્રિયા આપતા કે, તો તો જોવી પડશે ફિલ્મ. ચાલો એ બહાને પણ ગુજરાતી ફિલ્મ જોવા મિત્રો જશે એનો આનંદ થયો. ને જોઈને મિત્રો બહાર આવે પછી કહેતા કે, ફિલ્મનો ફર્સ્ટ હાફ તને ધીમો ન લાગ્યો ? ધીમેથી એમને હા, કહી દીધી એટલે ગુજરાતી ફિલ્મ જોવા ઓડિયન્સને પ્રોત્સાહન આપવાના પુણ્યના પાંચ પોઈન્ટ આપણાં ખાતામાં બેલેન્સ. ( અગેઈન,  પુણ્યના પોઈન્ટ.. શબ્દપ્રયોગ ફિલ્મ જેણે જોઈ નથી તેને નહી સમજાય !.. ફિલ્મના ફર્સ્ટ હાફમાં એકની એક વાત સમજાવવા પાંચ વાર પ્રયત્ન કરાયો છે તો અહી હુંયે એટલી છૂટ લઈ જ શકુ ને !.!.!.)  
બાકી આ ફિલ્મને રૂટિન વાર્તાઓના મારા વચ્ચે તેજસ પડિયાએ એક તાજ્જી.. નવી વાર્તા વાળી ગુજરાતી ફિલ્મ આપી.

અભિનય
રાજ અને યતિન... બંનેએ પોત-પોતાના કિરદારને ન્યાય આપ્યો છે. પદ્મેશ પંડિત બાબાના કિરદારમાં જામે છે. જગ્ગાભાઈ બનીને જોરદાર જમાવટ જમાવીને જલસા કરાવ્યા સુનિલ વિસરાણીએ. કિંજલ ક્યાંક ગમે, ક્યાંક કાચી પડે. બાકી સનત વ્યાસ પોતાના નાનકડા રોલમાં પણ પોતાની છાપ છોડી જાય. આ સિવાયના કિરદારોએ પણ પોત-પોતાના કિરદાર માટે કરેલી મહેનત અને તેમની પાસે દિગ્દર્શકે કઢાવેલું કામ પરદા પર દેખાય છે.
પણ હા, આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બે સારા અભિનેતા ચોક્કસ મળ્યા.

ગીત-સંગીત
વીજુ શાહે ગુજરાતી ફિલ્મમાં મ્યૂઝિક આપ્યું હોય તેવી આ પહેલી ફિલ્મ બની. ને સંગીતમાં તેમની છાંટ દેખાય છે.  બોલિવૂડના સિંગર અઝીઝે ગાયેલું ગીત ગમે તેવું છે. ટિપિકલ સંગીતથી હટીને થિરકવું ગમે તેવી ટ્યૂન સાંભળવા મળે એટલે યુવા પેઢીને ગમે.

દિગ્દર્શન
અનુભવ બંસલે આ ફિલ્મમાં સિનેમેટ્રોગ્રાફી કરી છે.  તેજસ પડિયાએ ફિલ્મના દિગ્દર્શનની સુકાન સંભાળી છે. પોતાના લેખક તરીકેના પાસા પર જો તેજસે દિગ્દર્શકનું પાસું હાવી કર્યુ હોત તો ડેફિનેટલી ફર્સ્ટ હાફ સ્લો જાય છે તેના બદલે તેજસ સારો કરી જ શક્યા હોત.

છેલ્લે.... એટલું તો ચોક્કસ લખીશ કે,
આ ફિલ્મ બનાવવાના કારણે વિજય ખત્રીના ખાતામાં ફિલ્મના કેટલા રૂપિયા જમા થશે એ હું નથી જાણતો, પણ હા, વિજય ખત્રીનો આ પ્રયત્ન થવાના કારણે, સારી ગુજરાતી ફિલ્મ બનવાના ચાલી રહેલા પ્રયત્નમાં તેમણે પોતાની ફિલ્મનો ઉમેરો ચોક્કસ કર્યો છે. જેના કારણે ગુજરાતી ભાષા માટે કંઈક નક્કર કરવાથી એ બાબતે તેમના કર્મના એકાઉન્ટમાં પુણ્યના પોઈન્ટનું બેલેન્સ ચોક્કસ વધશે. !

No comments:

Post a Comment