Saturday 12 March 2011

.... તો સિને ઈન્ડસ્ટ્રીથી બદલાવ છેટો નહી રહે

બોક્સ ઓફિસ પર ફિફ્ટી ફટકારી
       ગુજરાતી ફિલ્મ 55 દાડા પૂરા કરે એ રૂડી વાત કહેવાય. ને આ રૂડી વાત લાવનારી ફિલ્મ એટલે ફિલ્મ પ્રાણ જાયે પણ પ્રીત ન જાયે. આ ફિલ્મ આટ-આટલા દાડા થિયેટરમાં ખેંચી નાખે એ જ મોજ લાવી દે તેવી વાત છે. જો કે, આ તો કંઈ નથી. આથી પણ વધુ મોજ લાવી દે તેવી વાત એ છે કે, કદાચ એવું જલદી બને કે ગુજરાતી સિનેમાનો સારો યુગ પૂન: આવે. આ માટેના સંકેતો તો હાલ મળી રહ્યા છે. ટીવી નાઈનને આપેલાં એક ઈન્ટરવ્યૂમાં બોલિવૂડના અભિનેતા-લેખક-દિગ્દર્શક નિરજ વોરાએ ગુજરાતી ફિલ્મ બનાવવાના એંધાણ આપ્યા. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે, છેલ્લા સવા વરસથી તેઓ ગુજરાતી ફિલ્મ બનાવવાની તૈયારીઓ આદરી રહ્યા છે. ને હા, એમની ફિલ્મ પણ એક-બે નહી પણ એ હશે સાત-આઠ જેટલી. જો નિરજ વોરા બોલ્યુ પાળે તો ગુજરાતી સિને ઈન્ડસ્ટ્રીથી બદલાવ છેટો નહી રહે.
સાત-આઠ ગુજરાતી ફિલ્મ્સનું પ્લાનિંગ છે
એબીસીકોર્પ બનાવશે ગુજરાતી ફિલ્મ
                                                                                  ન માત્ર ઢોલિવૂડ પણ બોલિવૂડમાં પણ ચર્ચાનો વિષય બને તેવા બીજા સમાચાર એ છે કે, ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનની એબીસીકોર્પ લિ. હવે ગુજરાતી ફિલ્મ બનાવશે. આ વાતને નિરજ વોરા સહિત અન્ય કેટલીક હસ્તીઓએ સમર્થન આપ્યું છે. મતલબ, આ વાતમાં પણ દમ છે. ને જો એબીસીકોર્પ દ્વારા ગુજરાતી ફિલ્મનું નિર્માણ થશે તો એ ફિલ્મ પણ અલગ હશે એમાં બેમત નથી. જો બિગ-બીની કંપની ગુજરાત આવશે તો ગુજરાતી સિને ઈન્ડસ્ટ્રીથી બદલાવ છેટો નહી રહે.
એકાદ ફિલ્મનું પ્લાનિંગ તો ખરુ જ
         અભિનયના દમ પર બોલિવૂડમાં પોતાનો સિક્કો જમાવનારા મનોજ જોષી પણ ગુજરાતી  સિને ઈન્ડસ્ટ્રી માટે કંઈક નવું કરવાની ખેવના ધરાવે છે.  તેમણે તો બે-પાંચ ઉદ્યોગપતિઓને હાકલ કરી છે કે, એ ભેગા થાય, હિન્દીમાં નામના ધરાવતા ગુજરાતી કલાકાર-કસબીઓનો તેમને સાથ મળી રહે અને સૌ સાથે મળી માતૃભાષાની ફિલ્મ માટે પ્રયત્ન કરે તો સારી ફિલ્મનું નિર્માણ થઈ શકે છે. શક્ય છે કે, ખુદ મનોજ જોષી પણ એકાદ ગુજરાતી ફિલ્મ લઈને આવે. જો એ આવ્યા તો પણ ગુજરાતી સિને ઈન્ડસ્ટ્રીથી બદલાવ છેટો નહી રહે.
શમણું તો મે'ય જોયું છે
          એક ઈન્ટરવ્યૂમાં સંજય છેલના હૈયામાંથી પણ ગુજરાતી ભાષાની ફિલ્મ પ્રત્યેનો લગાવ દેખાયો. બોલિવૂડમાં સંજયદૃષ્ટી દાખવ્યા બાદ હવે  તેમની નજર જો ગુજરાત પર જલદી ઠરે, તો તેમની કલમ કમાલ કરવાની જ છે. આમ પણ  ઓછામાં  ઓછી એક ગુજરાતી ફિલ્મ બનાવવાનું તો તેમનુંય શમણું છે. ખેર, એ મોડું ન કરતા, આ બધાની સાથો સાથ ફિલ્મ બનાવે તો ગુજરાતી સિને ઈન્ડસ્ટ્રીથી બદલાવ છેટો નહી રહે.
          સારી ફિલ્મ બનાવવાના છુટા છવાયા પ્રયત્નોની જગ્યાએ એમાં સાતત્ય જળવાય તો અને તો જ દર્શકો ગુજરાતી ફિલ્મ તરફ વળી શકશે. કવિ અને સાહિત્યકાર સાંઈરામ દવે કહે છે કે, આ ધરતી પર બે જ જાતી છે, એક ગુજરાતી ને બીજી નોન ગુજરાતી.. તો આવી મહાજાતી ગુજરાતીની માતૃભાષાની ફિલ્મ માંદલી રહે એ તો વળી કેમ ચાલે.. ? આવતી નવમી એપ્રિલે ગુજરાતી સિને જગતને વધુ એક વરસ પુરુ થશે. તો એ તારીખ આવે એ પહેલાં સારપની શરૂઆત થાય તો કદાચ સુવર્ણ યુગના મંડાણને વાર નહી લાગે. બોલિવૂડમાં કાઠુ કાઢી ગયેલાં ગુજરાતીઓ ભેગા મળીને  મથશે  તો ગુજરાતી સિને ઈન્ડસ્ટ્રીથી બદલાવ છેટો નહી રહે.

2 comments:

  1. એ હઉ મોટા માણહુંને કેવાનું થાય કે વચન પાળજો નહીં તો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો પ્રાણ હવે ધીમે ધીમે સાલી રહ્યો સે. વચન જાશે તો પ્રાણ જાશે માટે મોડા તો મોડા પણ આવજો ખરા. ગુજરાતીઓ હવે બદલાઈ રીયા સે. ઈ નક્કી તમારી ફિલ્મું જોહે અને એ ય પછી તો બેડો પાર. જીતુભાઈ, ખૂબ હારા હમાસાર લાયા સો. તમુને ખૂબ ખૂબ અભિનંદન.
    સવજી ચૌધરી, અ-મેન & મીડિયા ક્રિએશન.

    ReplyDelete
  2. સારા પ્રયત્નોને જ્યારે જાજા હાથ મળી રહે ત્યારે તે રળિયામણા બની જ રહે છે. ગુજરાતી ફિલ્મને પણ રળિયામણા હાથ મળવાના તો શરૂ થઈ જ ગયા છે. ત્યારે ગુજરાતી ફિલ્મોની વસંત જલ્દી મ્હોરી ઊઠે અને તેમાં સફળતાના મઘમઘતા ફૂલો બેસે તેની જ રાહ છે. તમારો પ્રયત્નો આવનારી પેઢીને ગુજરાતી ફિલ્મોના સુવર્ણયુગના મીઠા ફળોનો આસ્વાદ ચોક્કસ કરાવશે અને એ પણ નજીકના ભવિષ્યમાં. અનેક શુભેચ્છાઓ.

    ReplyDelete