Sunday 1 August 2010

મારા રૂદિયે રંગાણા તમે સાજણા.. વધુ એક 'મ' જશવંતભાઈને અપાવશે સફળતાનો જશ ?










આ ફિલ્મમાં વાત છે પ્રેમ કહાણીની..
વાત છે યુવા હૈયા વચ્ચે પાંગરતા નિર્દોષ પ્રેમની..
વાત છે બંનેના સંગીત પ્રેમની અને સંગીતના કારણે થતાં પ્રેમની..
જશવંત ગાંગાણીની ફિલ્મ હોય એટલે દર્શકોને અમુક અપેક્ષા તો ચોક્કસ હોય હોય ને હોય જ. આ ફિલ્મ સાથે જશવંતભાઈ ફરીથી દર્શકો સામે આવી રહ્યા છે ત્યારે તેમની ફિલ્મ દર્શકોની એ આશા અને અપેક્ષા સંતોષશે કે કેમ તે તો ફિ્લ્મ રૂપેરી પરદે આવ્યા બાદ જ કહી શકાય. પણ અત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે, આ ફિલ્મ ઘણી બધી એવી વાતો લઈને આવતી હોવાનું કહેવાય છે કે જે ગુજરાતી સિનેમામાં પહેલીવાર થઈ રહી છે.. જેમ કે, 
ઢોલિવૂડમાં પહેલીવાર DI
ઢોલિવૂડમાં પહેલીવાર કેબલ ફાઈટ
ઢોલિવૂડમાં પહેલીવાર મેકિંગ 
ઢોલિવૂડમાં પહેલીવાર હિતુ-આનંદી
આ ફિલ્મમાં ડીજીટલ ઈમેજ એટલે કે DIનો ઉપયોગ કરાયો છે જે પહેલીવાર ઢોલિવૂડમાં ઉપયોગ થયો હોવાનો દાવો ફિલ્મના કેમેરામેન રફીક લતીફ શેખ કરી રહ્યા છે.. તો ફિલ્મના હિરો હિતુ કનોડિયા ફિલ્મની કેબલ ફાઈટને લઈ રોમાંચિત છે. આ પ્રકારના કેબલ ફાઈટ સીન પહેલીવાર કર્યા હોવાનું હિતુ કહે છે. તો જશવંતભાઈ ફિલ્મની વાર્તાથી લઈ નિર્માણ સુધીના દરેક તબક્કે શ્રેષ્ઠ પીરસવાનો પ્રયત્ન કર્યો હોવાનું કહીને બહાનાબાજ દર્શકોની છટકબારી બંધ કરી હોવાનું કહે છે. અમુક દર્શકો સારા થિયેટરમાં ફિલ્મ ન  આવતી હોવાથી જોવા ન જતાં હોવાનું કારણ આગળ ધરે છે... આ કારણ ટાળવા જશવંતભાઈએ ફિલ્મને સિંગલ સ્ક્રીન સાથે મલ્ટીપ્લેક્ષમાં રિલીઝ કરવાનું પણ જોખમ લીધું છે.  ફિલ્મના પ્રોમોઝ દર્શકોની આતુરતા વધારે તેવા બન્યાં છે.  ફિલ્મના ગીત-સંગીત ગમે તેવા છે. વળી, જશવંતભાઈએ ફિલ્મનું મેકિંગ બનાવીને ઢોલિવૂડમાં પ્રમોશનનો નવો ચીલો ચાતર્યો છે. આ ફિલ્મમાં પહેલીવાર દેખાશે હિતુ કનોડિયા અને આનંદી ત્રિપાઠીની જોડી.. હા, આ પહેલા તેઓ "માંડવડા રોપાવો માણારાજ"માં ગેસ્ટ અપિરિયન્સમાં સાથે દેખાઈ ચૂક્યા છે.. ત્યારે હવે હિતુ-આનંદીની જોડી કેવો જાદુ ચલાવે છે તે બતાવશે આવતો શુક્રવાર.. નરેશ કનોડિયા આ ફિલ્મમાં હટકે રોલમાં છે તો ફિરોઝ ઈરાની વધુ એક વખત કરશે વિલનગીરી.. જીતુ પંડ્યા અને જીજ્ઞેશ મોદી સહિતની ટોળકી પાસે ફિલ્મમાં કરાવાઈ છે ધિંગામસ્તી.. એટલે કે પ્રેમ કહાણી, ફાઈટ્સ, કોમેડી સહિતના તમામ મસાલા સાથેની આ ફિલ્મ વધુ એક વખત જશવંતભાઈના ટ્રેન્ડ પ્રમાણે 'મ'થી શરૂ થાય છે ત્યારે તેમના રૂદિયે લાગેલો  'મ'નો રંગ કેટલો જશ અપાવે  છે તે બતાવશે, "મારા રૂદિયે રંગાણા તમે સાજણા.."




3 comments:

  1. ફિલ્મ ને શુભકામનાઓ, અને હા તમારો આભાર, ઢોલીવુડ અંગે કંઇક શોધતો જ હતો, ગુજ.ફિલ્મો અંગે જાણવાની ઇચ્છા થયા કરે. આશા રાખું કે એ અહિં ફળીભૂત થશે. અભિનંદન શુભેચ્છા.

    ReplyDelete
  2. @Anoymous: ચોક્કસ દોસ્ત.. અહીં આપની ગુજરાતી ફિલ્મ વિશે જાણવાની ઈચ્છા પૂરી થશે.. facebook પર પણ LCD નામનું Page છે જ.. ત્યાંથી પણ માહિતી મળી રહેશે..

    ReplyDelete