Monday 16 August 2010

25 લાખનો વિક્રમ

              ગુજરાતી ફિલ્મ જગતમાં વિક્રમ સર્જ્યો છે વિક્રમે.. વિક્રમનો વિક્રમ એટલે એક ફિલ્મ માટે સૌથી વધુ અમાઉન્ટ લેવાનો વિક્રમ.. એક જ ફિલ્મ માટે વિક્રમ ઠાકોરને મળ્યા છે રૂપિયા 25 લાખ. ફરી એક વખત વાંચી જાવ.. અહીં લખ્યા છે પૂરા 25 લાખ.. ગુજરાતી ફિલ્મ જગતના ઈતિહાસમાં આજ સુધી ક્યારેય ન બની હોય તેવી ઘટના જેમાં બની છે તે ફિલ્મ એટલે નિર્માતા પરેશ પટેલની અપકમિંગ ફિલ્મ "પિયુ તારા વિના મને એકલું લાગે." આ ફિલ્મ માટે વિક્રમને ચૂકવાયા છે 25 લાખ રૂપિયા.. શોખ માટે, ઈત્તર પ્રવૃતિ માટે અને સબસિડીનો લાભ ખાંટવા માટે ફિલ્મ બનાવનારા માટે તો આટલી રકમ આખી ફિલ્મનું બજેટ નથી હોતી.. ત્યારે માત્ર ફિલ્મના હિરોને અધધધ..કહી શકાય તેવી રકમ આપીને પરેશ પટેલે પણ નિર્માણ ક્ષેત્રે વિક્રમ સર્જયો છે.  
            આ વાંચનાર સૌ કોઈને થઈ રહ્યો છે એક જ સવાલ કે, વિક્રમ ઠાકોરમાં એવું તો શું ખાસ છે કે તેને મળે છે આટલી તગડી રકમ. આ સવાલનો જવાબ આપતા વિક્રમ કહે છે કે, તેની એક પછી એક ફિલ્મ થઈ છે સુપરહિટ. તેની દરેક ફિલ્મને દર્શકોએ આવકારી છે અને એ જ કારણે નિર્માતાએ તેને આટલી રકમ સામેથી ઓફર કરી. ખુદ વિક્રમ કહે છે એક ફિલ્મના 25 લાખ મળ્યા તે ખુદ તેના માટે પણ સ્વપ્ન સમાન છે, જો કે, તેણે આ સ્વપ્ન સાકાર થવાનો શ્રેય આપ્યો દર્શકોને. આમ તો ગુજરાતી ફિલ્મના સ્ટાર્સને ચૂકવાતી રકમ 10 લાખની આસપાસ હોવાનું ચર્ચાય છે ત્યારે આ ફિલ્મે સર્જી દીધો છે ઈતિહાસ. આ ફિલ્મ બાદ નાના ગજા(ગજવા!)ના નિર્માતાઓએ વિક્રમની આસપાસ ફરકતા પણ એક વાર વિચાર કરવો પડે તેવું હાલ તો લાગી રહ્યું છે. સાથે એક એ શક્યતા પણ છે કે, હવે વિક્રમને આટલી રકમ આપી શકે તેવા કેટલાં નિર્માતાઓ હશે ? શું વિક્રમને આ જ રકમ મળતી રહેશે કે, ફરી ઘટશે તેના ભાવ એ હાલ તો કહી શકાય તેમ નથી. પણ હા, એટલું ચોક્કસ કહી શકાય કે, આ ફિલ્મથી સ્થપાઈ ગયો, 25 લાખનો વિક્રમ.

1 comment:

  1. ઓહોહો...શું વાત છે..ગુજરાતી ફ઼િલ્મોના શાહરૂખખાન જ કહેવાય ને આ વિક્રમભાઈ તો..

    ReplyDelete