Friday 6 August 2010

દર્શકોના રૂદિયાને રંગે તેવી ફિલ્મ : મારા રૂદિયે રંગાણા તમે સાજણા


નવી પેઢી માટે નવી તરાહની ફિલ્મ એટલે જશવંત ગાંગાણી દિગ્દર્શિત, " મારા રૂદિયે રંગાણા તમે સાજણા". જો ફિલ્મી સ્ટાઈલ અને એમાં પણ આપણાં ઢોલિવૂડની સ્ટાઈલમાં કહીએ તો, દર્શકોના રૂદિયાને રંગે તેવી ફિલ્મ એટલે "મારા રૂદિયે રંગાણા તમે સાજણા". આજની પેઢીને ગમે તેવી ફિલ્મ બનેલી આ ફિલ્મને ક્રિટીકની નજરે  સ્ટાર્સ આપવા બેસીએ તો આપવા પડે * * * * *

વાર્તા : 
સંગીતને પ્રેમ કરતા બે યુવા હૈયામાં એક મેક માટે અસીમ પ્રેમ હોય, છતાં સંજોગ એવો ખેલ ખેલે કે બંને એક-બીજાને મળી ન શકે, ને જ્યારે મળે ત્યારે સંજોગ ફરી પાછો એવો ખેલ ખેલે કે પ્રેમીઓને મીઠો વિરહ સહેવાનો વારો આવે. મિલન અને વિરહ વચ્ચેની સંતાકુકડી વાર્તાને આગળ ધપાવતી રહે. દૂર તો'ય પાસે, ને પાસે તો'ય દૂર..જેવું જ થાય છે આ ફિલ્મના હિરો-હિરોઈન વચ્ચે. પ્રેમકહાણી પરથી બનતી સામાન્ય ફિલ્મ્સ કરતાં આ ફિલ્મની વાર્તા સાવ નોખી તરી આવે છે. વાર્તામાં પ્રાણ પૂરે છે જકડી રાખે તેવા ટ્વીસ્ટ. વાર્તા થોડી આગળ વધે કે તુરંત જ દર્શકને સવાલ થાય જ કે, હવે શું થશે ? આ સવાલનો જવાબ પણ દર્શક મનોમન નક્કી કરી નાખે, પણ થાય એના જવાબથી સાવ વિપરિત.. અને ધાર્યુ ન થાય એટલે તેને ગમવાનું જ...  ધાર્યુ થાય એમાં નવિન શું ? એટલે ફિલ્મની વાર્તા લઈ જાય * * * * *
સંવાદ : 
સંવાદની બાબતમાં પણ ફિલ્મ ફુલ્લી પાસ. 
ગીત-સંગીત : 
બીજા દર્શકોની ખબર નથી પણ મારા દોસ્તો તો ફિલ્મના ગીત ગણગણતાં થઈ ગયા.. અને એ પણ એવા દોસ્તો કે જેઓ ગુજરાતી ફિલ્મના નામ માત્રથી છેટા ભાગતા હતા.. દિલને સ્પર્શી જાય તેવા પાર્થિવના અવાજમાં  ફિલ્મના ગણગણવા ગમે તેવા ગીત અને ગૌરાંગભાઈનું  સુમધૂર સંગીત  યુવાપેઢીને આકર્ષવામાં ચોક્કસ સફળ થાય તેવું છે. 
અભિનય :
જેમ હિતુએ આ ફિલ્મ માટે લૂક બદલ્યો તેમ અભિનય પણ.. તેની અગાઉની ફિલ્મ્સ કરતા તદ્દન જૂદાં જ લૂક સાથેના અને તદ્દન જૂદા જ અભિનય સાથેના હિતુને ચાહકો પસંદ કરશે. તો આનંદી પણ આ જ બેનર હેઠળની તેની અગાઉની ફિલ્મ્સ કરતાં વધુ સુંદર દેખાવા સાથે અભિનયમાં પણ જામી રહી છે. ખાસ યાદ કરીને લખવું પડે કે, નરેશ કનોડિયાને આ પહેલા આવા અંદાજ સાથે કોઈએ ક્યારેય નહીં નિહાળ્યા હોય. નરેશ કનોડિયાની અંદર રહેલા શ્રેષ્ઠ અદાકારને જશવંતભાઈ જે રીતે પરદા પર લાવ્યા છે તે સૌ કોઈને ગમી જાય. કોમેડીના કિરદાર ભજવતા દરેક કલાકાર પણ પોત-પોતાના પાત્રને ઉચિત ન્યાય આપે છે. 
દિગ્દર્શન : 
પોતાના બેનરની જ અગાઉની ફિલ્મ્સ કરતાં ચઢિયાતી ફિલ્મ બનાવવાનો જશવંતભાઈએ કરેલો નિર્ધાર સાચો ઠર્યો છે તે પરદા પર દેખાય છે. દિગ્દર્શનમાં ક્યાંય કચાશ ન રાખીને જશવંતભાઈએ દર્શકોને શ્રેષ્ઠ પીરસવાનો પ્રયાસ કર્યો છે. 
બહું ગમ્યું : 
નવી પેઢીને ગમે તેવી ફિલ્મ બનાવી તે.
મસ્ત મજાના સંગીત સાથેના સુમધુર ગીત
વાર્તામાં રહેલા એક પછી એક ટ્વીસ્ટ
ફિલ્મ્સના સુપર્બ એક્શન સીન્સ
ફિલ્મમાં ઝળકતી બોલિવૂડ અને સાઉથ સ્ટાઈલ
છેલ્લે : 
ફિલ્મ જોઈને આવ્યા બાદ, ગમી ગઈ હોવાથી ઘણાં મિત્રોને પણ જોવાનું સુચન કર્યું. પણ મિત્રોએ એ ફિલ્મનું લાંબુ નામ જોઈ નાકનું ટેરવું ચઢાવ્યુ... બસ એ બાબત દિલને ખૂંચી.. કે આટલી superb ફિલ્મ છે, તેમાં કોઈ કચાશ કાઢી શકાય તેમ નથી.. ત્યારે હવે તમને નામનો વાંધો આવે છે !! 13 અક્ષરનું નામ રાખવું એ તો ગુજરાતી ફિલ્મ્સનો ટ્રેન્ડ છે.. બાકી, જશવંતભાઈએ આ ફિલ્મ બનાવીને એ તો સારુ કરી જ દીધુ કે, હવે જો કોઈ કહે કે, ગુજરાતી ફિલ્મ સારી નથી બનતી તો તેને વટથી કહેવાનું કે, "મારા રૂદિયે રંગાણા તમે સાજણા" જોઈ આવ.. એ ફિલ્મ દર્શકોના રૂદિયાને રંગે તેવી બની છે... સારી ફિલ્મ આવે અને એ પણ મલ્ટીપ્લેક્ષમાં આવે તો જોવા જઈ એમ કહેનારાઓ માટે આ સારી ફિલ્મ આવી છે અને એ પણ મલ્ટીપ્લેક્ષમાં.. એટલે હવે જોવા ન જાવ તો તમારો વાંક...

2 comments:

  1. નરેશ કનોડિયાનો દારૂડિયાના રોલમાં એકદમ નવો જ રોલ જોવા જેવો છે.

    http://rupen007.feedcluster.com/

    ReplyDelete
  2. aa tamaro blog vanchi vanchi ne guj.films jovanu man thai jay etli mahiti bhari che tame ema..thx..really nice work jitubhai..cngrts..

    ReplyDelete