Monday 3 May 2010

સ્વર્ણિમ સિનેમા..!! સોનેરી શમણું


              સ્વર્ણિમ ગુજરાતની સોનેરી ઉજવણી થઇ. બધું સોનેરી સોનેરી દેખાયું. પણ સવાલ એ છે કે બતાવવામાં આવેલી ગુજરાતની આ ચમક દમકનું એકાદું સોનેરી કિરણ ગુજરાતી સિને જગત પર  દેખાય છે ખરું ? ગુજરાતી સિને જગત કઈ દિશા અને દશામાંથી પસાર થઇ રહ્યું છે એ ચર્ચાનો વિષય છે. આ વિશે ક્યારેક ચર્ચા થાય છે.. બસ એટલું જ..બાકી બધું ત્યાનું ત્યાં જ. "પરિવર્તન સંસારનો નિયમ છે" આ વાક્ય કદાચ ગુજરાતી સિને જગત સાથે સંકળાયેલા મોટાભાગના લોકો સ્વીકારવા તૈયાર નથી.. હા થોડો વર્ગ એવો છે કે જે ઈચ્છે છે કે, પરિવર્તન જરૂરી છે. ગુજરાતી ફિલ્મને નવારૂપ રંગ સાથે નવી તરાહથી રજુ કરવા કેટલાક કલાકાર કસબીઓ મથામણ કરી રહ્યા છે, પણ આવા લોકોના નામ ગણવા આંગળીના વેઢા પૂરતા છે. શું આટલા લોકોના પ્રયત્નો પૂરતા છે ગુજરાતી સિને જગતને સધિયારો આપવા ? આ સવાલનો જવાબ છે 'ના'.  

            ગુજરાતી સિને જગતનો સુવર્ણકાળ હવે ભૂતકાળ બની ગયો છે એવું કહીને કંઈક બોલ્યાનો સંતોષ મેળવી લેવો પુરતો નથી. જરૂર છે ગુજરાતી સિને જગત માટે કંઈક કરવાની.. અને સ્વર્ણિમ ગુજરાતનું આ પાસું ૨૪ કેરેટ સોનાનું ના હોય એ સમજ્યા.. પણ સોનાનાં ઢોળાવવાળું તો જોઈએ ને ? સ્વર્ણિમ સિને જગત માટે જોઈએ છે બદલાયેલું સિને જગત. જેને જોઈ દરેક ગુજરાતી વટથી કહે, આ છે અમારું સિને જગત.  જોકે, આ માટે સિને જગતને જોઈએ છે આ બાબતો : 
પ્રદેશની નહિ ગુજરાત માટેની ગુજરાતી ફિલ્મ 
અમુક ફિલ્મ સૌરાષ્ટ્રમાં ચાલે છે તો અમુક ફિલ્મ ઉત્તર ગુજરાતમાં ધૂમ મચાવે છે. તો વળી અમુક ફિલ્મ માત્ર ને માત્ર દક્ષિણ ગુજરાતમાં જ ચાલે છે. આમાં ગુજરાતની ફિલ્મ ક્યાં ? ગુજરાતી ફિલ્મ બને છે તે ગુજરાત માટે બને છે કે કોઈ વિસ્તાર માટે તે સમજવું જ અઘરું થઇ ગયું છે. 
નવી વાર્તા 

ગુજરાતી ફિલ્મ જોયાં બાદ એમ થાય કે ગામ, જમીનદાર, ગરીબનો છોકરો-અમીરની છોકરી, વિખુટા પડેલા પ્રેમીઓ નો મેળાપ, ચુંદડી-ચૂડલો-પાલવ-માંડવો-બાળપણની પ્રીત અને બીબાઢાળ વાર્તા સિવાયની કોઈ વાત  જ નહિ હોય ? ક્યાંક પ્રયત્ન થયા છે પણ એ ફિલ્મ લોકો સુધી પહોચી નથી. 
મજબુત સંવાદ 
" મારા રુદિયાની રાણી તને જોઈ હૈયામાં પ્રીતની પહેલી મોસમનો સાદ સંભળાય છે", "તારી પ્રીતના પાલવથી... " " તારી આંખોમાં પ્રીતનું પુર દેખાય છે" આવા ટીપીકલ ડાયલોગ આજે કયો ગુજરાતી પોતાની પ્રેમિકા સામે જઈને બોલે છે ? કોઈ જ નહિ. તો પછી ગુજરાતી દર્શકોની માથે કેમ આવા જ ડાયલોગ મારવામાં આવે છે ?
જોરશોરથી પ્રચાર 
કેટલીયે ફિલ્મ્સ આવીને જતી રહે છે, જોવાની તો દુર રહ્યું નામ પણ સંભાળવા નથી મળતું. તો કેટલાક લોકો ફિલ્મ સારી હોવાનો દાવો કરે છે પણ એ સારી છે એ વાત લોકો સુધી નહિ પહોચાડાય તો લોકો ફિલ્મ સુધી જશે કઈ રીતે. ગુજરાતી સિને જગતનું સૌથી નબળું પાસું તેના પ્રચારનો અભાવ છે.
ગાડરિયા પ્રવાહમાં નહિ તણાવાનું પસંદ કરતા સિને નિર્માણકારો 
"આવું તો ના જ કરાય", "આવું તો ના જ ચાલે.." "દર્શકો આવી જ ફિલ્મ જુએ છે", "દર્શકો ફલાણો હીરો કે ફલાણી હિરોઈન હોય તો જ ફિલ્મ જોવા જાય..", " ફિલ્મનું ટાઈટલ  લાંબુ લચક જ ચાલે", "બીજા જે કરે તેવું કરો તો જ સફળ થવાય" એવું માનનારાઓનો અતિરેક છે. એટલે બદલાવ આવવાની આશ દેખાતી જ નથી.
સબસીડીને કમાણીની સીડી ન બનાવનારા સિને નિર્માણકારો 
સરકાર ગુજરાતી ફિલ્મ્સની સ્થિતિને લઇ ગંભીર બની અને ગુજરાતી ફિલ્મના નિર્માતાઓને ટેકો કરવા માટે રૂપિયા પાંચ લાખની સબસીડી જાહેર કરી. ઘણા નિર્માતાઓ આ ટેકાને જ આધાર બનાવીને ઉભા રહી ગયા. તેમણે સબસીડીનો ઉપયોગ કમાણીની સીડી તરીકે કર્યો. સબસીડીના ઉપયોગને બદલે દુરુપયોગની નીતિએ સિને જગતની ઘોર ખોદી. અહી સુપરસ્ટાર હિતેન કુમારનું એક નિવેદન ટાંકવાનું મન થાય કે, " સબસીડી વધારો.... સબસીડી વધારો.... એમ એક યાચક બનીને જતા પહેલા એ સાબિત કરીને બતાવો કે સરકારે તમને આજ સુધી જે આપ્યું તેનું તમે વળતર આપ્યું છે "
સરકારની નીતિમાં બદલાવ 
સરકાર શુભાશયથી ગુજરાતી સિને નિર્માણકારને રૂપિયા પાંચ લાખની સહાય આપે છે. સરકારનો આશય સારો છે.. પણ અહી 'સબ સમાન'  વાજબી થોડું ગણાય ? ઘોડા અને ગધેડા બેઉને સરખા એ ક્યાંનો ન્યાય ? સબસીડીની સરકારની નીતિમાં જરાક ફેરફાર કરાય અને જેવી ફિલ્મ એ પ્રમાણે સબસીડી આપવામાં આવે તો ન્યાય તોળાશે. ગ્રેડ સિસ્ટમને આધારે સબસીડીની નીતિ ઘડી શકાય. 
૩ કલાક બેસી શકાય તેવા સિનેમાગૃહ 

આ વાંચનારાને એક સવાલ, તમે છેલ્લે કઈ ગુજરાતી ફિલ્મ થીયેટરમાં બેસીને જોઈ ? રહેવા દો. જવાબ માટે ના મથશો કારણ કે એ માટે પહેલા તમારે એ યાદ કરવું પડશે કે છેલ્લે તમે કઈ ગુજરાતી ફિલ્મ જોઈ. 'મોટાભા'  ફિલ્મના ફસ્ટ ડે લાસ્ટ શોમાં જોવા હું મારા મિત્ર અમરદીપસિંહને લઇ ગયો. ફિલ્મ જોઇને તેમણે જે કોમેન્ટ હળવા મૂડમાં કરી તે ઘણી ગંભીર લાગી.. મેં પૂછ્યું કે, ''બાપુ, ફિલ્મ કેવી લાગી ?'' અમરે જવાબ આપ્યો, "ફિલ્મ છોડ પહેલા મન ભરીને ખુલ્લી હવામાં શ્વાસ લેવા દે ! તને સંશોધન બાદ એમ.ફીલની ડીગ્રી આપવાની જગ્યાએ આવા થિયેટરમાં બેસીને ફિલ્મ જોવા બદલ એમ જ ડીગ્રી આપી દેવી જોઈએ" અમારી ચર્ચામાં ફિલ્મની 'કથા'ને બદલે થિયેટરની 'વ્યથા'  મુખ્ય બની ગઈ !
ફિલ્મ બનાવનારનું સાચું સંગીત સંભળાય તેવી સાઉન્ડ સિસ્ટમ
ફિલ્મની અર્ધી સફળતા તેના સંગીતમાં છે. પણ જો સાઉન્ડ સિસ્ટમ સારી ના હોય તો સારું સંગીત પણ શા કામનું ? ફિલ્મની  સારા સંગીતની 'પથારી' ફરતા મેં સાંભળી છે ફિલ્મ 'મોટાભા'નું સરસ સંગીત હોવા છતાં સરસ ન સંભળાયું ! કારણ માત્ર ખરાબ સાઉન્ડ સિસ્ટમ. 
હીરો-હિરોઈન અને વિલનનું એક જ ઘર ! 
મોટાભાગની ગુજરાતી ફિલ્મ જુઓ, એક જ લોકેશન પરદા પર ડોકિયા કરતુ દેખાશે. દરેક ફિલ્મમાં એક હોય તે સમજ્યા.. પણ એક જ ફિલ્મમાં હીરો-હિરોઈન અને વિલનનું ઘર એક જ હોય એ કઈ રીતે ગળે ઉતરે ? ચાલો બજેટના કરને એક જ ઘરમાં શુટિંગ કરવાનું હોય એ સ્વીકાર્ય..પણ બેક ગ્રાઉન્ડ પણ બદલવાની તસ્દી નહિ લેવાની ? 
શોખવાળા છેટા રહેજો રાજ ! 
વાર્તા-લેખક-કથા-પટકથા-ગીત-સંગીત-અભિનેતા-દિગ્દર્શક અને નિર્માતા.... આ દરેક પાછળ એક જ નામ વાચવા મળે એટલે સમજવું કે કોઈ શોખીન જીવડો છે. આવા શોખીન જીવડાઓએ ભેગા મળીને સિને ઉદ્યોગને જીવવા નથી દીધો.. તમારા શોખને પોસવામાં તમે સિને ઉદ્યોગને કેટલું નુકસાન પહોચાડો છો એ ક્યારેય વિચાર્યું છે ખરું ? આવા શોખ અને 'ઈતર પ્રવુતિ' માટે ફિલ્મ બનાવનારાઓ ફિલ્મ બનાવવાનું માંડી વાળીને સિને જગતની મોટી સેવા કરી શકે. આજ મામલે હવે હિતેન કુમારે ઝુંબેશ ઉપાડી છે અને તેઓ સિનિયર કલાકારોને અપીલ કરી રહ્યા છે કે, "સારી ફિલ્મ બનાવનારને પરખો અને તેને જ સાથ આપો. માત્ર થોડાક રૂપિયા માટે કલાને ધંધો બનાવનારને સાથ આપી પ્રોત્સાહન આપવાનું ટાળો." 

આ મુદ્દા તો માત્ર નમુના છે. આ સિવાય પણ કેટલીયે એવી બાબતો છે જેના પરત્વે નજર નાખવાની હજુ બાકી છે.. કોઈ એકલપંડે કે થોડાકનો સમૂહ જો બદલાવ ઈચ્છે તો નહિ આવે.. બધા સાથે મળશે અને સહ્પ્રયત્ન કરશે તો ગુજરાતી સિને ઉદ્યોગકારો પણ સ્વર્ણિમ ગુજરાતની ગાથામાં પોતાનું પ્રકરણ આબરૂભેર ઉમેરાવી શકશે. 



10 comments:

  1. Superb observation, Hope somebody see from dhollywood, and do the needfull work,,, dont know exactly but Maharastra Gov. doing a very good jobs towards the Marathi film udhyog, hope out Government also taking initiatives for Gujarati films

    ReplyDelete
  2. good. keep it up.

    i want to tell about " dariya chhoru" a great and perfect guju film. je kadach bhulathi bani gai hati. starred by J.D. majedhiya as lead role. please jitu provide me CD / DVD of this film. i m searching it since last 11 year.

    ReplyDelete
  3. જીતુંભાઈ તમે તો પૂરેપૂરું વિચારી ને બશું જ નિહાળી ને લખ્યું છે યાર ક્યાંક ક્યાંક એવું પણ લાગતું હતું કે તમે આ બશું મારા વિષે લખ્યું છે પણ શું થાય . એક વાત કહું ગુજરાતી ફિલ્મ ના ચાહકો તો તમને મળી જશે પણ એ ચાહકો ની મજાક ઉડાવવા વાળા તમને તેના થી હજારો ગણ મળશે તેથી જ તો આજે ગુજરાતી ફિલ્મ ની પ્રગતિ રૂંધાઇ ગઈ છે .હું મારા જ મિત્ર ની વાત કરું તો એ ગુજરાતી ફિલ્મ તો ઠીક છે પણ હું ક્યારેક ભજન સંભાળતો હોય તો પણ મજાક ઉડાવે છે ......તો આમાં તમે તેને કઈ રીતે સમજાવો બોલો

    ReplyDelete
  4. hey, jitu, dats good yar keep it up, all the best. do well. take care.hey hamana ek navi movie avi che me tane yad karyu hato pan have naam bhuli gai.

    ReplyDelete
  5. અભિનંદન. એક જુદીજ ભાત પાડતો બ્લોગ. ગુજરાતી બ્લોગજગતમાં આવા બ્લોગની જરૂર છે. તમારું અવલોકન દાદને પાત્ર છે. એકે એક પાસા પર તમે પ્રકાશ ફેંક્યો છે.
    નવું કરવાની હિંમત કરનારા ઓછા છે. એક નક્કી થયેલું ગણિત છે. એ પ્રમાણે ગાડું ચાલે છે.

    ReplyDelete
  6. Really appreciable ..I must say you can make the new era of Gujarati film cinema. Things are not as possible as we thought but its up to us how can we make our efforts in a right way. Our great Gujarati culture needs our concern and support.So be passionate..Keep continue writing..I am eagerly waiting for your such an informative and wonderful stuff.All the best..
    Regards and lot of wishes
    Kruti

    ReplyDelete
  7. Passion is the driver force for a new,refreshing and evolving cinema. And it is sad that we do not have passionate film makers who can critically see the work and take bold decisions to take the process of film making in Gujarati one step forward. One should not forget that film-making is not about making a product it is about a process which desires to get better with experiments. And why to take a back seat by saying that after all it is a Gujarati movie. We should try and compete with Hollywood standards, money is a big factor but do we have smart film-makers who can make classics with limited budjet?

    ReplyDelete
  8. ગુજરાતી ફિલ્મો પર બ્લોગ લખવા માટે અને ગુજરાતી ફિલ્મોના નવી પેઢીના દર્શક તરીકે હું સૌથી પહેલા તો હું તારો આભાર માનું છું...ખરેખર તું એક ખુબ જ સારું કામ કરે છે....હું પણ ગુજરાતી ફિલ્મો જોવાની ખૂબ જ પસંદ કરું છું...પણ ક્યારેક કોઇ સારી બાંગ્લા કે મરાઠી ફિલ્મ જોઇને થાય કે આપણી ગુજરાતી ભાષાની ફિલ્મો ક્યારે રામલા-રામલીને બાપુવેડામાંથી ઉપર આવશે...તેવું નથી કે આપણે ત્યાં સાવખે ખરાબ ફિલ્મો બને છે..પણ ક્યારેક મને લાગે છે કે આપણા દર્શકો પણ એક પ્રકારની ટીપીકલ વસ્તુઓ ગમવા લાગી છે...Chaitali

    ReplyDelete
  9. jitubhai gujarati film no craze tema upyog ma levati "x"prakarani guj bhasha shaili no chhe je comon man kyarey bolto nathi ,jyare parivar ma jova malato dwesh jyathi film no climate start thai chhe te vasttavikata thi jojano dur chhe bye thway aapno blog adabhut chhe -- pranav dave journalist(gondal)

    ReplyDelete