Friday 19 November 2010

રહસ્યથી ભરપૂર પ્રેમ કહાણી : વાગી કાળજે કટારી તારા પ્રેમની

http://www.youtube.com/watch?v=JWgaBnE1Z98&feature=channel
વાગી કાળજે કટારી તારા પ્રેમની.. એક રહસ્યમય પ્રેમ કથા... નામ પ્રમાણે જ રહસ્યથી ભરપૂર છે.. થોડી થોડી વારે એક નવો વળાંક વાર્તામાં આવે અને પછી ફરી શરૂ થાય રહસ્યના તાણાવાણા.
વાર્તા :
વિક્રમ-હિતુની દોસ્તી અને બંનેનો પ્રેમ.. આ જ વાતને રહસ્યની જાળમાં શબ્દો વડે ધીરેન રાંધેજાએ ગૂંથી છે, અને તેને દ્રશ્યો વડે દર્શકો સામે મુકનાર દિગ્દર્શક છે હરસુખ પટેલ. ફિલ્મમાં પ્રેમ, બેવફાઈ, બદલો આ બધી જ બાબતને એ રીતે મુકવામાં આવી છે કે, તમને એમ તો ચોક્કસ થાય કે, આગળ શું થશે. ઘણાં પાત્રો પણ એવા મુકાયા છે કે, ક્યારેક રહસ્યનો ઉકેલ આપણને તેમના તરફ દોરી જાય, પણ એ માત્ર ઉલઝાવવા પૂરતા હોય. જે દર્શકોને સસ્પેન્સ ફિલ્મ જોવાની પસંદ હોય તેમને આ ફિલ્મ ચોક્કસ પસંદ પડે. વિક્રમનો ચાહક વર્ગ જુદા જ પ્રકારનો છે, તેમની સામે વિક્રમને આ પ્રકારની વાર્તામાં રજૂ કર્યો એ સારી બાબત કહેવાય. વળી, ત્રીજા સપ્તાહે જ્યારે હું ફરી વખત થિયેટર પર પહોંચ્યો ત્યારે ઓડિયન્સની સંખ્યા જોઈને નવો પ્રયોગ સફળ જણાયો.. આર્થિક સફળતા તો પ્રોડ્યુસર્સ જાણે !! પણ હા, માત્ર મસાલા મૂવી કરતા વિક્રમને નવી વાર્તામાં રજૂ કર્યો એ જ બાબત આગળ પણ વિક્રમના પ્રોડ્યુસર્સ અનુસરે તો દર્શકોને પણ કંઈક નવું મળી શકે. 
અભિનય :
વિક્રમનો અભિનય તેની અગાઉની ફિલ્મ કરતા ચોક્કસ સારો લાગ્યો. એક્શન સીનમાં પણ વિક્રમ જબરદસ્ત  રંગ જમાવે છે. પોલીસ ડ્રેસમાં જોઈને કહી ઉઠાય કે, ઢોલિવૂડનો દબંગ. હિતુ ભલે થોડા સમય માટે પરદા પર આવે  પણ એ પોતાના સમય દરમિયાન હંમેશની જેમ પરદા પર છવાઈ જાય છે. ખબર નહી કેમ, પણ જેમ જેમ ઉંમર થતી જાય છે તેમ તેમ ઢોલિવૂડના મહાનાયક અભિનયનો જુદો જ રંગ બતાવે છે, નરેશ કનોડિયાના ચાહકો આ ફિલ્મની તેમની અદા પર આફરિન પોકારી જ ઉઠે. વેસ્ટર્ન કોશ્ચ્યુમ સાથે જોવા મળતી મમતા દર્શકોને નજરને ઝકડી રાખે તેવી લાગી. ફિરોઝ  ઈરાની તો છે તેમના આગવા અંદાજમાં દરેક ફિલ્મમાં દેખાય જ છે.
ગમ્યું :
ફિલ્મના એક્શન સીન. ખાસ કરીને નરેશ કનોડિયા અને વિક્રમ વચ્ચેનો ફાઈટ સીન.. ગુજરાતી ફિલ્મને નીચી જ સાબિત કરનારાઓને આ સીન હિન્દી ફિલ્મના કોપી લાગશે.. પણ ભલા માણસ એ તો વિચારો કે, આપણે ત્યાં આવા સીનની શરૂઆત થઈ. 
વિક્રમને લઈને બનતી ફિલ્મથી કંઈક અલગ પ્રકારની વાર્તામાં તેને રજૂ કરાયો
ચળક-ભડકને બદલે વિક્રમને અત્યારની જનરેશનના કપડાંમાં રજૂ કરાયો
મમતાને પણ હાલના સમયની ડિમાન્ડ પ્રમાણે ટીપીકલ ગામડાની ગોરી કરતા વેસ્ટર્ન લૂકમાં રજૂ કરાઈ. 
ના ગમ્યું : 
ફિલ્મનું લાંબુ નામ જરાયે ના ગમ્યું. 
ફિલ્મ સારી બનાવવાનો પ્રયત્ન કરાય છે ત્યારે તેનું નામ "વાગી કાળજે કટારી તારા પ્રેમની" જેવું લાંબુ રાખવાની જગ્યાએ કંઈક નાનું નવું વિચારી શક્યા હોત. જે ટ્રેન્ડ ચાલે છે તેનાથી મેકિંગની દ્રષ્ટિએ તો આ ફિલ્મના નિર્માણકારો દુર હટીને નવું કરી રહ્યા છે ત્યારે નામ બાબતે પણ ટ્રેન્ડથી હટવાની હિંમત કરી ન શકે ?

1 comment:

  1. ફિલ્મ તો નથી જોઇ પણ આ વાંચ્યા પછી ચોક્કસ જોવાની ઇચ્છા થઇ છે. ફિલ્મની લાંબા નામ વિશના જીતેન્દ્રના મત સાથે હું પણ સંમત. વાગી કાળજે કટારી તારા પ્રેમની, આઉટડેટેડ ટાઇટલ લાગે છે (સોરી હરસુખભાઇ) ફિલ્મનું નામ એવું હોવું જોઇએ કે સાંભળ્યા પછી ફિલ્મ વિશે ખબર ન હોય તો પણ મનમાં જોવાની જિજ્ઞાના જાગે. મરાઠી ફિલ્મોનું આ બાબતે કહેવું પડે એકથી એક ચોટદાર ટાઇટલ હોય છે. (હરિશ્ચંદાચી ફેક્ટરી, ડોમ્બિવલી ફાસ્ટ, વાસ્તુપુરષ, અસ્તિત્વ, પક પક પકાક) આપણે ફિલ્મને સારી બનાવવા માટે લાખો રૂપિયા ખર્ચી નાખીએ છીએ પણ આ મહેનતને જે નામ આપવાનું હોય છે તે સાવ ફાલતુ (અગેઇન સોરી હરસુખભાઇ) હોય તે જામતું નથી, અને ફિલ્મ મેકિંગમાં ફિલ્મનું નામકરણ એકમાત્ર એવું કામ છે જેમાં એક રૂપિયો પણ ખર્ચાતો નથી. માત્ર થોડી સર્જનાત્મકતા, થોડી શબ્દોની રમત અને થોડું નવું વિચારવાની તૈયારી, આટલી વસ્તુ હોય તો પણ મસ્ત, ફાંકડુ, ચોટદાર ટાઇટલ મળી જાય. ગમે તો હોય ફિલ્મ જોવી પડશે ખાસ તો એક્શન માટે..

    ReplyDelete