Saturday 18 April 2015

બે યાર... આ તે સન્માન કે અપમાન ?

 And the Award Goes to... 
આટલું બોલાઈ ગયા પછી... ધબકાર વધી જાય. 
કોનું નામ આવશે એની રાહ જોવાય...
ને જેવું નામ જાહેર થાય કે, તરત જ તાળીઓનો ગડગડાટ થાય... 
બહુમાન થાય તેને અને તેને વધાવનારા તમામને હરખ થાય.... 

પણ વાત જ્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હોય... ત્યારે સન્માન માટે હરખને સ્થાને 'હરખપદૂડા' શબ્દ વાપરવામાં આવે તો  કેટલાકને ન  ગમે. પણ તમે જ કહો.. 2008થી સરકાર એવોર્ડ માટે ટલ્લે ચડાવતી હોય... અને હવે અચાનક સરકાર એકા-એક એવોર્ડ માટે કહે.. અને કલાકારો સામે ચાલીને સન્માન લેવા માટે જાય, એ ઘટના વખતે તો મને એમ જ કહેવાનું મન થાય કે, બે યાર... આ તે સન્માન કે અપમાન ? ઝાકમઝોળ વચ્ચે થનારા સન્માન સમારોહની જગ્યાએ માહિતી કમિશનરની કચેરીએ ખાનગીમાં સન્માન 'ગોઠવાઈ' જાય એ સન્માન મેળવનારનેય હ્રદયથી કઠ્યું નહી હોય..? જરા વિચારો તો ખરા... આપણી 'ઉત્સવપ્રિય સરકારે' એ જ કલાકારોનું જો જાહેરમાં જમાવટભેર સન્માન કર્યુ હોત તો ? કેવા ખુશ-ખુશાલ થઈ જાત કલાકારો. 
એમનો હરખ ઓફિસની ચાર દિવાલોમાં સમેટાઈ જાય એ તો ક્યાનો ન્યાય ? 
ગુજરાતી ફિલ્મોની વાત આવે એટલે લોકો જ નાકનું ટેરવું ચઢાવે છે એવું નથી. આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સરકાર માટેય ઉપેક્ષાનો જ વિષય રહી છે . ને ખાટલે મોટી ખોટ એ છે કે, પોતાના હક માટે સરકાર સામે અવાજ ઉઠાવી શકે એવું ના એસોસિયેશન છે ના ઈન્ડસ્ટ્રીનો કોઈ વ્યક્તિ. બંધ થયેલી પોલીસી નવા રૂપરંગ સાથે સારી રીતે આવવાની છે એવી વાતોની વચ્ચે જો અત્યારે આ સન્માન ઠુકરાવાય તો એ સરકારને અપમાન જેવું લાગશે એમ વિચારીનેય અમુક મિત્રોએ સામેથી મળતું સન્માન 'ભવિષ્ય'નો વિચાર કરીને ઘરભેગું કર્યુ. તો કેટલાકે ન મામા કરતા કેણો મામો શું ખોટો ? એમ િવચારીને 2008થી વ્યસ્ત રહેલી સરકારને હવે તો સમય મળ્યો છે એમ માનીને સન્માન સ્વીકાર્યુ હશે. 
ખેર... જેને આ 'સન્માન' લાગ્યુ હોય... તેને અવોર્ડ બદલ અભિનંદન.. બાકી આવું સન્માન જેને અપમાન લાગ્યુ હોય અને સરકારના મહેમાન બનીને અવોર્ડ હજુ ન લીધો હોય એને વિશેષ અભિનંદન.. ( જો કે, નહી સ્વીકારનારાને ત્યાંય 'સન્માન કુરિયર થાય' તો નવાઈ નહી !)  
ગુજરાતી તરીકે એવી આશા તો રહે કે, જાગ્યા ત્યાથી સવાર સમજીને આવતા વરસે ઓફિસની દિવાલોની અંદર ખાનગીમાં સન્માનને બદલે જાહેરમાં કલાની કદર થાય તો સારુ. 

No comments:

Post a Comment