Friday 10 April 2015

ગુજરાતી ફિલ્મ્સના 'અચ્છે દિન' ક્યારે ?

ગુજરાતી ફિલ્મ્સમાં'ય હતો દમ
આપણી ફિલ્મ્સ કોઈથી નહોતી કમ
કદાચ એટલે જ હીન્દી સિનેમામાં મોટું નામ ધરાવતા અદાકારો ગુજરાતી ફિલ્મ્સમાં કામ કરતા હતા.  
જરાં યાદ કરો... ગુજરાતી ફિલ્મનો સુવર્ણ કાળ... 
ગુજરાતી ફિલ્મ્સના 'અચ્છે દિન' ક્યારે ?
જ્યુબિલી કુમાર ઉર્ફે રાજેન્દ્ર કુમાર, અમઝદ ખાન, શત્રુઘ્નસિંહા, ડેની, નસીરુદ્દીન શાહ, શક્તિ કપુર, ગુલશન ગ્રોવર, ઓમપુરી, સદાશિવ અમરાપુરકર, ગોવિંદ નામદેવ, અપૂર્વ અગ્નિહોત્રી, તનુજા, રીનારોય, માધુરી દીક્ષિત, સ્મિતા પાટીલ... સહિત... કેટ-કેટલાય ચહેરાઓ ગુજરાતી ફિલ્મના પરદે દેખાઈ ચૂક્યા છે. બોસ, એ વખતની આપણી ફિલ્મ્સમાં કંઈક તો દમ હશે ને યાર... કંઈ એમ જ ઓછા આ ચહેરાઓ આપણી ફિલ્મમાં દેખાવાનું પસંદ કરે  ? દલીલ જ કરવી છે તે લોકો તો એમ પણ કહેશે કે, એ સમયે તેમની પાસે વધારે કામ નહી હોય એટલે તેમણે કામના ભાગ રૂપે આપણી ફિલ્મ્સ સ્વીકારી હશે.. આવી દલીલ કરનારાઓ સાથે શબ્દથી સંઘર્ષ કરવા કરતા તેઓ વધુ એક વખત ઉપરના નામ વાંચી લે અને તેમણે જે સાલમાં ગુજરાતી ફિલ્મમાં કામ કર્યુ એ જ વર્ષે તેમણે કરેલી હિન્દી ફિલ્મની યાદી મારી પાસેથી મેળવી શકે છે. કોઈએ કંઈ એમ જ ગુજરાતી ફિલ્મમાં કામ નહોતું કર્યુ. પણ એ ફિલ્મની સ્ટોરી અને એ વખતની મર્યાદાઓમાં થઈ શકે તેવું મેકિંગ જોવા મળતું હતુ. ચાલશે... જેવી વિચારસરણી તો ઘણી પાછળથી આવી. બાકી એ વખતની સુપરહિટ ફિલ્મને આજે પણ જુઓ તો તમને તેનું  મેકિંગ  ચોક્કસ ગમશે જ. 
ગુજરાતી ફિલ્મો નહી જોનારાઓના મનમાં એવી પણ દલીલ હોય છે કે, માત્ર કેડીયુ-ધોતી અને ચણિયાચોળી વાળી જ ગુજરાતી ફિલ્મ હોય છે. પણ યાર.. આ માનસિકતાને જડતાથી વળગી રહેવાની જગ્યાએ એય યાદ કરોને કે એક આખેઆખો ગાળો એવો ગયો.. જેમાં એવી જ ફિલ્મ આવી.. કે જેમાં તમને જે લૂક જુઓ ગમે છે એ જ લૂક સાથે ફિલ્મ્સ બની.
ધીરે ધીરે લોકકથાનક વાળી ફિલ્મ વધતી ગઈ... જ્યાં સુધી એ કથાનક ગમ્યા ત્યાં સુધી દર્શકોએ જોઈ ફિલ્મ.. ને વખાણી. પણ પછી પરિવર્તન તો જોઈએ ને... આપણા મેકર્સ તો ઘેટાંચાલની જેમ ચાલ્યા જ ગયા... પછી દર્શકોએ થિયેટર તરફ ચાલવાનું બંધ કર્યુ.  
હવે ફરી... સારી આશા બંધાઈ છે. 
સારા મેકર્સ સામે આવી રહ્યા છે. 
નવલોહિયા મથી રહ્યા છે. 
સંદીપ પટેલની મોતીના ચોક રે સપનામાં દીઠા હોય કે નવા પ્રયોગ સાથેની લવ ઈઝ બ્લાઈન્ડ, જનમોજનમ, આશિષ કક્કડની બેટરહાફ, નૈતિક રાવલ અને ખંજનની ચાર, મૌલિક પાઠકની વીર હમીરજી, વિપુલ વ્યાસની પરદેશ- એક સપનું, ધવલ પટેલે બનાવેલી ફિલ્મ વ્હીસ્કી ઈઝ રિસ્કી, ઓસ્કરના નોમિનેશનમાંથી ફેંકાયેલી ફિલ્મ ધ ગુડ રોડ, આ વર્ષે જ આવેલી ફિલ્મ, હેપ્પી ફેમિલી પ્રા. લિ, આપણે તો ધીરુભાઈ, આ તે કેવી દુનિયાથી માંડી અભિષેક જૈનની કેવી રીતે જઈશ અને બે યાર... સહિતની ફિલ્મની સફર હવે સારી ફિલ્મની અને ફિલ્મ જગતના 'અચ્છે દિન'ની આશા જગાવે છે. પણ હા.. સારી લોકકથાનક વાળી ફિલ્મની સાથે જેમ ગમે તે લોકકથાની ફિલ્મ.. ગમે તેવા મેકિંગ સાથે દર્શકોની માથે ઝીંકી દેવાઈ. એવી જ રીતે 'અર્બન ગુજરાતી ફિલ્મ'ના નામે પણ દર્શકોની બેન્ડ બજાવાય છે, એ બંધ થાય તો સારુ. કારણ કે, સારી ફિલ્મ હશે વિચારીને થિયેટરમાં ગયા પછી  જે દર્શકોનો દાવ થઈ જાય છે એ ફરી બીજા સારા પ્રયત્ન વખતે થિયેટરથી દુર રહેવાનું જ વિચારશે.. ને એને સવાલ થશે,  ગુજરાતી ફિલ્મ્સના 'અચ્છે દિન' ક્યારે ?

No comments:

Post a Comment