Sunday, 3 January 2016

ગુજરાતી ફિલ્મનું ફ્લેશબેક 2015



           2015નું વર્ષ ગયું.. ને 2016 શરૂ થઈ ગયું.. આ દરમિયાન 2015ના છેલ્લા રવિવારે LCD શોમાં.. આખા વર્ષની ફિલ્મના લેખા-જોખા કર્યા. કેટલી ફિલ્મ આવી ? કઈ ફિલ્મ બોક્સઓફિસ પર ચાલી ? કયા સ્ટાર્સે કરી જમાવટ ? કોને મળી પછડાટ ? આવા સવાલ સાથે જો 2015ની ફિલ્મ વિશે કોઈને માહિતી મેળવવી હોય તો માત્ર એક ક્લીક કરો, આ શોની youtubeની લીંક પર.. આ ક્લીક બાદ તમે જોઈ શકશો ગુજરાતી ફિલ્મનું ફ્લેશબેક - 2015

 ગુજરાતી ફિલ્મનું ફ્લેશબેક - 2015 : જિતેન્દ્ર બાંધણિયા
 


Tuesday, 15 December 2015

ગુજરાતી ફિલ્મોમાં યંગિસ્તાન

“છેલ્લો દિવસ જોઈ?”
“ના યાર જવું છે, ક્યાં ચાલે છે ? આજે જ જોઈ આવું”
“બે રહેવા દે, ટિકિટ નહી મળે, હાઉસફૂલ જાય છે.”
આવી ચર્ચા યંગસ્ટર્સમાં રોજ સાંભળવા મળે છે. કિટલી કલ્ચરવાળી આજની જનરેશન હોલિવૂડની ભૂલીને આપણી ગુજરાતી ફિલ્મની ચર્ચા થાય... એ જ સોલિડ મજા આવે એવી વાત છે. કૃષ્ણદેવ યાજ્ઞિક દિગ્દર્શિત ‘છેલ્લો દિવસ’ એ કંઈ પહેલી ફિલ્મ નથી જેની ચર્ચા થતી હોય... હમણાં હમણાં ગુજરાતી ફિલ્મની ચર્ચાઓ જામી છે. આ પહેલા ઈશાન રાંદેરિયા દિગ્દર્શિત ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’,  તેમજ અભિષેક જૈનની ‘બે યાર’ અને ‘કેવી રીતે જઈશ’ ફિલ્મની લોકોમાં ચર્ચા થઈ છે, અને સાથે ફિલ્મ વખણાઈ પણ છે. તો આ ફિલ્મોએ બોક્સઓફિસ પર બિઝનેસ પણ સારો કર્યો છે.
આ સિવાય પણ કિર્તન પટેલની ‘બસ એક ચાન્સ’, વિજયગીરીની ‘પ્રેમજી’ સહિતની એવી પણ ફિલ્મ્સ છે, જે પણ ચર્ચામાં રહી. પરંતુ તેને બોક્સઓફિસ પર ધારી સફળતા ન મળી. ગુજરાતી ફિલ્મ્સમાં આવેલા આ પરિવર્તનનું એક કારણ યંગિસ્તાન મનાય છે. યુવા... આ એવું ફેક્ટર છે, જે મેકર અને ઓડિયન્સ બંને રીતે ગુજરાતી ફિલ્મ સાથે જોડાયું અને ફિલ્મનો ‘છેલ્લો દિવસ’ આવે એ પહેલા સારા દિવસની દિશા તરફ એક પછી એક ફિલ્મ આગળ વધી રહી છે. ધ્વનિ ગૌતમની અપકમિંગ ફિલ્મ ‘રોમ-કોમ’ અને શીતલ શાહની ‘હુતુતુતુ’ તેમજ નંદિતા સિંઘાની ‘રેડ’ના પ્રોમોઝ સારા લાગી રહ્યા છે, તો ફૈઝલ હાશ્મીની ‘વિટામીન શી’ અને યુવરાજ જાડેજા દિગ્દર્શિત ‘ઓલ્વેઝ રહીશું સાથે’ ફિલ્મ ટાઈટલ પરથી જ મજ્જાના વિષય સાથેની હશે એવી આશા છે.

આવા જ વિષય પર ગુજરાતી ફિલ્મના ક્રિટીક કાર્તિકેય ભટ્ટ, દિગ્દર્શક અભિષેક જૈન અને દિગ્દર્શક ફૈઝલ હાશ્મી સાથે ટીવી-9 પર મજ્જાની ચર્ચા થઈ. તેની વીડિયો લીંક પર એક ક્લીક કરો.. અને જાણો કોણ કોણ સામેલ છે ગુજરાતી ફિલ્મના યંગિસ્તાનમાં.
ગુજરાતી ફિલ્મનું યંગિસ્તાન -1 

ગુજરાતી ફિલ્મનું યંગિસ્તાન -2 

ગુજરાતી ફિલ્મનું યંગિસ્તાન -3 

Monday, 21 September 2015

ગુજ્જુભાઈ ખરેખર 'ગ્રેટ' છે...!! ગમે એવી ગુજરાતી ફિલ્મ


             ગુજ્જુભાઈ સિરિઝના નાટકો જોયેલા... હવે ગુજ્જુભાઈ એટલે કે, સિદ્ધાર્થ રાંદેરિયા 'ગુજ્જુભાઈ ધ ગ્રેટ' ફિલ્મ લઈને આવતા હોય એટલે હસાવશે એવી અપેક્ષા તો તેમના નાટકના જોનારને હોય હોય ને હોય જ.  હા, ફિલ્મ જોતા પહેલા એવું હતુ કે, ફિલ્મ નાટક  ન હોય તો સારું.. ને જેવી ફિલ્મ પતી કે તરત થયું કે, ના.. નાટક નહોતું જ, પરદા પર ફિલ્મ જ દેખાતી હતી. જો કે, એ માટેની ક્રેડિટ ડિરેક્ટર ઈશાનના ખાતામાં જાય. ફિલ્મની જે પંચ લાઈન છે તેમ 1ST સુપર કોમેડી ગુજરાતી ફિલ્મ.. દેખાઈ રહી છે. 

સ્ટોરી અને સ્ક્રીનપ્લે
એન્જોય... એન્જોય.... અને એન્જોય.... આવો જીવનમંત્ર રાખનારા હસમુખ ગાંધીની ફેમિલિ ફરતે આખી ફિલ્મની કહાણી છે. એ કહાણીમાં દિકરી તનિષા, તનિષાનો બોયફ્રેન્ડ મોન્ટુ અને હસમુખ ગાંધીનો મેનેજર બકુલ બુચ કઈ રીતે ટ્વીસ્ટ લાવે છે એ ઘટમાળ માત્ર ને માત્ર હાસ્ય સર્જે છે. અધૂરામાં પૂરુ તેમાં પોલીસ અને આતંકવાદી ભળે એટલે કહાણી જામતી જાય છે. સિદ્ધાર્થ રાંદેરિયાનો સ્ક્રીનપ્લે એટલે હાસ્યની ગેરંટી તો હોય જ.

અભિનય
સિદ્ધાર્થ રાંદેરિયા ધમાલ મચાવે જ.. પણ એમની ધમાલ જેટલી જ કમાલ કરી જિમિત ત્રિવેદીએ. સિદ્ધાર્થ રાંદેરિયા સાથે સ્ક્રીન શેર કરવી એટલે તગડા એક્ટર હોવું અનિવાર્ય અને આવશ્યક બંને હતુ, ને જિમિતને જોઈ દર્શકો ચોક્કસ એમ બોલે છે કે, હસમુખભાઈને બકુલ બરાબરનો મળ્યો છે.!! સ્વાતિ શાહ તો મજ્જાના એક્ટ્રેસ છ જ.  સુનિલ વિસરાણી અને ધર્મેશ વ્યાસ પણ પોલીસ અને આતંકવાદીના કિરદારમાં જમાવટ કરે છે. 
ગીત સંગીત
નિરેન ભટ્ટ અને ઈશાન રાંદેરિયાના ગીતોને પાર્થ ભરત ઠક્કર અને અદ્વેત નેમલેકરે સંગીત આપ્યુ છે. ગીત યંગસ્ટર્સને પસંદ આવે એવી ફ્લેવરના સંભળાય છે.
દિગ્દર્શન
ફિલ્મ જે રીતે સ્ટાર્ટ થાય છે. એ જ સીકવન્સ બતાવી દે છે કે ઈશાનની ગાડી દોડવાની છે બોસ. પહેલી જ ફિલ્મ ને એમાં સિદ્ધાર્થ રાંદેરિયા ( ભલે ને પિતા હોય ) સામે ડિરેક્શન તરીકે એન્ટ્રી લેવાની અઘરું તો ગણાય જ. ને એમાં આઉટ એન્ડ આઉટ કોમેડી સબ્જેક્ટ એટલે દિગ્દર્શક તરીકે ઈશાને અઘરી પરીક્ષા પાસ કરવાની હતી.. જે ઈશાને કરી છે.

ફિલ્મ શા માટે જોવા જવી ? 
જો તમે સરસ મજાની ગુજરાતી ફિલ્મ જોવા માગતા હોય તો ડેફિનેટલી તમારે આ ફિલ્મ જોવી જોઈએ. 

કોણ ન જોવા જાય ?
જેને ગુજરાતી ફિલ્મ માટે સોગિયું ડાચું જ રાખવાનું છે અને ફિલ્મની નિંદા જ કરવાની છે એ મહેરબાની કરીને જોવા ન જાય... કેમ કે, જો એ જોવા જશે તો એને પણ હસાવી દેશે આ કોમેડી ફિલ્મ...

  

Friday, 11 September 2015

દેશની કોઈ સરહદ પ્રેમને રોકી શકતી નથી : દર્શકો ધારે તો કમાણીને કોઈ રોકી શકતા નથી.


ગુજરાતી ફિલ્મ પહેલા ત્રણ દિવસમાં કમાણી 65 લાખને પાર પહોંચાડે અને અઠવાડિયુ પતે ત્યાં સુધીમાં કલેક્શનનો આંંક કરોડને પાર કરી જાય તો એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ગુડ ન્યૂઝ જ કહેવાય. ને વળી, અર્બન અર્બન અર્બનના દેકારા વચ્ચે આ ફિલ્મ આવી અને કલેક્શનના આંકડાઓ દ્વારા એ બતાવી ગઈ કે રૂરલ વિષય પરની ગુજરાતી ફિલ્મ પણ થિયેટરમાં ચાલે જ છે. નવાઈની વાત તો એ છે કે, આ ફિલ્મ આવી ત્યારે તેર વર્ષ બાદ ફિલ્મની ટિકિટ બ્લેકમાં વેચાઈ તેવો કેસ નોંધાયો. જો કે, આ તો કાળાબજારિયાઓ પોલીસની ઝપટે ચડી ગયા હશે એટલે કેસ થયો બાકી વિક્રમની ફિલ્મની ટિકિટ બ્લેકમાં વેચાતી હોવાની બાબત તેના ચાહકો માટે નવી નથી.  હા, માત્ર અર્બનના ટેગ વાળી જ ફિલ્મ જોવાનું વિચારનાર ગુજરાતીઓને આ બાબત ચોક્કસ નવાઈ પમાડે. 

કેવી છે ફિલ્મ ?
આમ જુઓ તો મોટેભાગે જે ગુજરાતી ફિલ્મ્સ બોક્સઓફિસ ચલાવી રહી છે તેના જેવી જ ફિલ્મ ગણી શકાય. એકદમ જોરદાર ને એકદમ નવું જ જોવા મળે એવો ન તો કોઈ દાવો કરાયો કે ન તો એવું તમને જોવા મળે. અરે ક્યાંક ક્યાંક તમને સ્ક્રીન પ્લે નબળો લાગે.. પણ હા.. ફિલ્મની એક્શન અને સિનેમેટ્રોગ્રાફીમાં કરાયેલી મહેનત તમને ચોક્કસ દેખાઈ આવે. વિક્રમના અભિનયની ચર્ચા તેની અગાઉની ફિલ્મની સરખામણીએ જ કરવી પડે ને એમાં દર ફિલ્મે સુધારો દેખાતો જાય.. તો પહેલી જ ફિલ્મ સાથે તનુશ્રીનું કામ નોંધનીય છે. વિલનમાં ચંદન રાઠોડ જામે છે બોસ. હું તો માનું કે, ચંદન ગુજરાતી ફિલ્મ્સ માટે સારો વિલન સાબિત થઈ શકે તેમ છે. જો આમ થાય તો ફિલ્મના તકિયા કલામની જેમ એ ચોક્કસ બોલશે કે, સુભાનઅલ્લાહ. હિના રાજપૂત પણ પોતાના કિરદારને ન્યાય આપે છે. પણ હા સાથે એ થોડુંક ખૂંચે કે, મુખ્ય કલાકારોને બાદ કરતા અન્ય કલાકારોની અણઆવડત પરદા પર નરી આંખે દેખાઈ આવે છે, એ પછી વિક્રમના મિત્રોના કિરદારમાં રહેલા કલાકારો હોય કે ચંદનના મિત્રના મહત્વના કિરદારમાં રહેલ કલાકાર હોય. એ તમામની એન્ટ્રી વખતે સ્ક્રીનની ગતિ ચોક્કસ અવરોધાતી દેખાય. જો કે, એ નબળા પાસા પર હરેશ પટેલની એક્શન ચોક્કસ હાવી થઈ જાય. આમ પણ આ ફિલ્મ પોતાના પિતાશ્રીના સ્વપ્ન સમાન હોઈ હરેશ પટેલે ફિલ્મની સફળતા સાથે પિતાને અંજલિ આપી છે. ગુજરાતી સિનેમાના ભિષ્મ પિતામહનું જેને બિરુદ મળ્યુ હતુ એવા ગોવિંદભાઈ પટેલને ફિલ્મની સફળતાના રિપોર્ટ થકી જ હરેશ પટેલે ખરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. 


Saturday, 18 April 2015

બે યાર... આ તે સન્માન કે અપમાન ?

 And the Award Goes to... 
આટલું બોલાઈ ગયા પછી... ધબકાર વધી જાય. 
કોનું નામ આવશે એની રાહ જોવાય...
ને જેવું નામ જાહેર થાય કે, તરત જ તાળીઓનો ગડગડાટ થાય... 
બહુમાન થાય તેને અને તેને વધાવનારા તમામને હરખ થાય.... 

પણ વાત જ્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હોય... ત્યારે સન્માન માટે હરખને સ્થાને 'હરખપદૂડા' શબ્દ વાપરવામાં આવે તો  કેટલાકને ન  ગમે. પણ તમે જ કહો.. 2008થી સરકાર એવોર્ડ માટે ટલ્લે ચડાવતી હોય... અને હવે અચાનક સરકાર એકા-એક એવોર્ડ માટે કહે.. અને કલાકારો સામે ચાલીને સન્માન લેવા માટે જાય, એ ઘટના વખતે તો મને એમ જ કહેવાનું મન થાય કે, બે યાર... આ તે સન્માન કે અપમાન ? ઝાકમઝોળ વચ્ચે થનારા સન્માન સમારોહની જગ્યાએ માહિતી કમિશનરની કચેરીએ ખાનગીમાં સન્માન 'ગોઠવાઈ' જાય એ સન્માન મેળવનારનેય હ્રદયથી કઠ્યું નહી હોય..? જરા વિચારો તો ખરા... આપણી 'ઉત્સવપ્રિય સરકારે' એ જ કલાકારોનું જો જાહેરમાં જમાવટભેર સન્માન કર્યુ હોત તો ? કેવા ખુશ-ખુશાલ થઈ જાત કલાકારો. 
એમનો હરખ ઓફિસની ચાર દિવાલોમાં સમેટાઈ જાય એ તો ક્યાનો ન્યાય ? 
ગુજરાતી ફિલ્મોની વાત આવે એટલે લોકો જ નાકનું ટેરવું ચઢાવે છે એવું નથી. આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સરકાર માટેય ઉપેક્ષાનો જ વિષય રહી છે . ને ખાટલે મોટી ખોટ એ છે કે, પોતાના હક માટે સરકાર સામે અવાજ ઉઠાવી શકે એવું ના એસોસિયેશન છે ના ઈન્ડસ્ટ્રીનો કોઈ વ્યક્તિ. બંધ થયેલી પોલીસી નવા રૂપરંગ સાથે સારી રીતે આવવાની છે એવી વાતોની વચ્ચે જો અત્યારે આ સન્માન ઠુકરાવાય તો એ સરકારને અપમાન જેવું લાગશે એમ વિચારીનેય અમુક મિત્રોએ સામેથી મળતું સન્માન 'ભવિષ્ય'નો વિચાર કરીને ઘરભેગું કર્યુ. તો કેટલાકે ન મામા કરતા કેણો મામો શું ખોટો ? એમ િવચારીને 2008થી વ્યસ્ત રહેલી સરકારને હવે તો સમય મળ્યો છે એમ માનીને સન્માન સ્વીકાર્યુ હશે. 
ખેર... જેને આ 'સન્માન' લાગ્યુ હોય... તેને અવોર્ડ બદલ અભિનંદન.. બાકી આવું સન્માન જેને અપમાન લાગ્યુ હોય અને સરકારના મહેમાન બનીને અવોર્ડ હજુ ન લીધો હોય એને વિશેષ અભિનંદન.. ( જો કે, નહી સ્વીકારનારાને ત્યાંય 'સન્માન કુરિયર થાય' તો નવાઈ નહી !)  
ગુજરાતી તરીકે એવી આશા તો રહે કે, જાગ્યા ત્યાથી સવાર સમજીને આવતા વરસે ઓફિસની દિવાલોની અંદર ખાનગીમાં સન્માનને બદલે જાહેરમાં કલાની કદર થાય તો સારુ. 

Friday, 10 April 2015

ગુજરાતી ફિલ્મ્સના 'અચ્છે દિન' ક્યારે ?

ગુજરાતી ફિલ્મ્સમાં'ય હતો દમ
આપણી ફિલ્મ્સ કોઈથી નહોતી કમ
કદાચ એટલે જ હીન્દી સિનેમામાં મોટું નામ ધરાવતા અદાકારો ગુજરાતી ફિલ્મ્સમાં કામ કરતા હતા.  
જરાં યાદ કરો... ગુજરાતી ફિલ્મનો સુવર્ણ કાળ... 
ગુજરાતી ફિલ્મ્સના 'અચ્છે દિન' ક્યારે ?
જ્યુબિલી કુમાર ઉર્ફે રાજેન્દ્ર કુમાર, અમઝદ ખાન, શત્રુઘ્નસિંહા, ડેની, નસીરુદ્દીન શાહ, શક્તિ કપુર, ગુલશન ગ્રોવર, ઓમપુરી, સદાશિવ અમરાપુરકર, ગોવિંદ નામદેવ, અપૂર્વ અગ્નિહોત્રી, તનુજા, રીનારોય, માધુરી દીક્ષિત, સ્મિતા પાટીલ... સહિત... કેટ-કેટલાય ચહેરાઓ ગુજરાતી ફિલ્મના પરદે દેખાઈ ચૂક્યા છે. બોસ, એ વખતની આપણી ફિલ્મ્સમાં કંઈક તો દમ હશે ને યાર... કંઈ એમ જ ઓછા આ ચહેરાઓ આપણી ફિલ્મમાં દેખાવાનું પસંદ કરે  ? દલીલ જ કરવી છે તે લોકો તો એમ પણ કહેશે કે, એ સમયે તેમની પાસે વધારે કામ નહી હોય એટલે તેમણે કામના ભાગ રૂપે આપણી ફિલ્મ્સ સ્વીકારી હશે.. આવી દલીલ કરનારાઓ સાથે શબ્દથી સંઘર્ષ કરવા કરતા તેઓ વધુ એક વખત ઉપરના નામ વાંચી લે અને તેમણે જે સાલમાં ગુજરાતી ફિલ્મમાં કામ કર્યુ એ જ વર્ષે તેમણે કરેલી હિન્દી ફિલ્મની યાદી મારી પાસેથી મેળવી શકે છે. કોઈએ કંઈ એમ જ ગુજરાતી ફિલ્મમાં કામ નહોતું કર્યુ. પણ એ ફિલ્મની સ્ટોરી અને એ વખતની મર્યાદાઓમાં થઈ શકે તેવું મેકિંગ જોવા મળતું હતુ. ચાલશે... જેવી વિચારસરણી તો ઘણી પાછળથી આવી. બાકી એ વખતની સુપરહિટ ફિલ્મને આજે પણ જુઓ તો તમને તેનું  મેકિંગ  ચોક્કસ ગમશે જ. 
ગુજરાતી ફિલ્મો નહી જોનારાઓના મનમાં એવી પણ દલીલ હોય છે કે, માત્ર કેડીયુ-ધોતી અને ચણિયાચોળી વાળી જ ગુજરાતી ફિલ્મ હોય છે. પણ યાર.. આ માનસિકતાને જડતાથી વળગી રહેવાની જગ્યાએ એય યાદ કરોને કે એક આખેઆખો ગાળો એવો ગયો.. જેમાં એવી જ ફિલ્મ આવી.. કે જેમાં તમને જે લૂક જુઓ ગમે છે એ જ લૂક સાથે ફિલ્મ્સ બની.
ધીરે ધીરે લોકકથાનક વાળી ફિલ્મ વધતી ગઈ... જ્યાં સુધી એ કથાનક ગમ્યા ત્યાં સુધી દર્શકોએ જોઈ ફિલ્મ.. ને વખાણી. પણ પછી પરિવર્તન તો જોઈએ ને... આપણા મેકર્સ તો ઘેટાંચાલની જેમ ચાલ્યા જ ગયા... પછી દર્શકોએ થિયેટર તરફ ચાલવાનું બંધ કર્યુ.  
હવે ફરી... સારી આશા બંધાઈ છે. 
સારા મેકર્સ સામે આવી રહ્યા છે. 
નવલોહિયા મથી રહ્યા છે. 
સંદીપ પટેલની મોતીના ચોક રે સપનામાં દીઠા હોય કે નવા પ્રયોગ સાથેની લવ ઈઝ બ્લાઈન્ડ, જનમોજનમ, આશિષ કક્કડની બેટરહાફ, નૈતિક રાવલ અને ખંજનની ચાર, મૌલિક પાઠકની વીર હમીરજી, વિપુલ વ્યાસની પરદેશ- એક સપનું, ધવલ પટેલે બનાવેલી ફિલ્મ વ્હીસ્કી ઈઝ રિસ્કી, ઓસ્કરના નોમિનેશનમાંથી ફેંકાયેલી ફિલ્મ ધ ગુડ રોડ, આ વર્ષે જ આવેલી ફિલ્મ, હેપ્પી ફેમિલી પ્રા. લિ, આપણે તો ધીરુભાઈ, આ તે કેવી દુનિયાથી માંડી અભિષેક જૈનની કેવી રીતે જઈશ અને બે યાર... સહિતની ફિલ્મની સફર હવે સારી ફિલ્મની અને ફિલ્મ જગતના 'અચ્છે દિન'ની આશા જગાવે છે. પણ હા.. સારી લોકકથાનક વાળી ફિલ્મની સાથે જેમ ગમે તે લોકકથાની ફિલ્મ.. ગમે તેવા મેકિંગ સાથે દર્શકોની માથે ઝીંકી દેવાઈ. એવી જ રીતે 'અર્બન ગુજરાતી ફિલ્મ'ના નામે પણ દર્શકોની બેન્ડ બજાવાય છે, એ બંધ થાય તો સારુ. કારણ કે, સારી ફિલ્મ હશે વિચારીને થિયેટરમાં ગયા પછી  જે દર્શકોનો દાવ થઈ જાય છે એ ફરી બીજા સારા પ્રયત્ન વખતે થિયેટરથી દુર રહેવાનું જ વિચારશે.. ને એને સવાલ થશે,  ગુજરાતી ફિલ્મ્સના 'અચ્છે દિન' ક્યારે ?