ગુજરાતી ફિલ્મ પહેલા ત્રણ દિવસમાં કમાણી 65 લાખને પાર પહોંચાડે અને અઠવાડિયુ પતે ત્યાં સુધીમાં કલેક્શનનો આંંક કરોડને પાર કરી જાય તો એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ગુડ ન્યૂઝ જ કહેવાય. ને વળી, અર્બન અર્બન અર્બનના દેકારા વચ્ચે આ ફિલ્મ આવી અને કલેક્શનના આંકડાઓ દ્વારા એ બતાવી ગઈ કે રૂરલ વિષય પરની ગુજરાતી ફિલ્મ પણ થિયેટરમાં ચાલે જ છે. નવાઈની વાત તો એ છે કે, આ ફિલ્મ આવી ત્યારે તેર વર્ષ બાદ ફિલ્મની ટિકિટ બ્લેકમાં વેચાઈ તેવો કેસ નોંધાયો. જો કે, આ તો કાળાબજારિયાઓ પોલીસની ઝપટે ચડી ગયા હશે એટલે કેસ થયો બાકી વિક્રમની ફિલ્મની ટિકિટ બ્લેકમાં વેચાતી હોવાની બાબત તેના ચાહકો માટે નવી નથી. હા, માત્ર અર્બનના ટેગ વાળી જ ફિલ્મ જોવાનું વિચારનાર ગુજરાતીઓને આ બાબત ચોક્કસ નવાઈ પમાડે.
કેવી છે ફિલ્મ ?
આમ જુઓ તો મોટેભાગે જે ગુજરાતી ફિલ્મ્સ બોક્સઓફિસ ચલાવી રહી છે તેના જેવી જ ફિલ્મ ગણી શકાય. એકદમ જોરદાર ને એકદમ નવું જ જોવા મળે એવો ન તો કોઈ દાવો કરાયો કે ન તો એવું તમને જોવા મળે. અરે ક્યાંક ક્યાંક તમને સ્ક્રીન પ્લે નબળો લાગે.. પણ હા.. ફિલ્મની એક્શન અને સિનેમેટ્રોગ્રાફીમાં કરાયેલી મહેનત તમને ચોક્કસ દેખાઈ આવે. વિક્રમના અભિનયની ચર્ચા તેની અગાઉની ફિલ્મની સરખામણીએ જ કરવી પડે ને એમાં દર ફિલ્મે સુધારો દેખાતો જાય.. તો પહેલી જ ફિલ્મ સાથે તનુશ્રીનું કામ નોંધનીય છે. વિલનમાં ચંદન રાઠોડ જામે છે બોસ. હું તો માનું કે, ચંદન ગુજરાતી ફિલ્મ્સ માટે સારો વિલન સાબિત થઈ શકે તેમ છે. જો આમ થાય તો ફિલ્મના તકિયા કલામની જેમ એ ચોક્કસ બોલશે કે, સુભાનઅલ્લાહ. હિના રાજપૂત પણ પોતાના કિરદારને ન્યાય આપે છે. પણ હા સાથે એ થોડુંક ખૂંચે કે, મુખ્ય કલાકારોને બાદ કરતા અન્ય કલાકારોની અણઆવડત પરદા પર નરી આંખે દેખાઈ આવે છે, એ પછી વિક્રમના મિત્રોના કિરદારમાં રહેલા કલાકારો હોય કે ચંદનના મિત્રના મહત્વના કિરદારમાં રહેલ કલાકાર હોય. એ તમામની એન્ટ્રી વખતે સ્ક્રીનની ગતિ ચોક્કસ અવરોધાતી દેખાય. જો કે, એ નબળા પાસા પર હરેશ પટેલની એક્શન ચોક્કસ હાવી થઈ જાય. આમ પણ આ ફિલ્મ પોતાના પિતાશ્રીના સ્વપ્ન સમાન હોઈ હરેશ પટેલે ફિલ્મની સફળતા સાથે પિતાને અંજલિ આપી છે. ગુજરાતી સિનેમાના ભિષ્મ પિતામહનું જેને બિરુદ મળ્યુ હતુ એવા ગોવિંદભાઈ પટેલને ફિલ્મની સફળતાના રિપોર્ટ થકી જ હરેશ પટેલે ખરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.
