Showing posts with label chandan rathod. Show all posts
Showing posts with label chandan rathod. Show all posts

Friday, 11 September 2015

દેશની કોઈ સરહદ પ્રેમને રોકી શકતી નથી : દર્શકો ધારે તો કમાણીને કોઈ રોકી શકતા નથી.


ગુજરાતી ફિલ્મ પહેલા ત્રણ દિવસમાં કમાણી 65 લાખને પાર પહોંચાડે અને અઠવાડિયુ પતે ત્યાં સુધીમાં કલેક્શનનો આંંક કરોડને પાર કરી જાય તો એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ગુડ ન્યૂઝ જ કહેવાય. ને વળી, અર્બન અર્બન અર્બનના દેકારા વચ્ચે આ ફિલ્મ આવી અને કલેક્શનના આંકડાઓ દ્વારા એ બતાવી ગઈ કે રૂરલ વિષય પરની ગુજરાતી ફિલ્મ પણ થિયેટરમાં ચાલે જ છે. નવાઈની વાત તો એ છે કે, આ ફિલ્મ આવી ત્યારે તેર વર્ષ બાદ ફિલ્મની ટિકિટ બ્લેકમાં વેચાઈ તેવો કેસ નોંધાયો. જો કે, આ તો કાળાબજારિયાઓ પોલીસની ઝપટે ચડી ગયા હશે એટલે કેસ થયો બાકી વિક્રમની ફિલ્મની ટિકિટ બ્લેકમાં વેચાતી હોવાની બાબત તેના ચાહકો માટે નવી નથી.  હા, માત્ર અર્બનના ટેગ વાળી જ ફિલ્મ જોવાનું વિચારનાર ગુજરાતીઓને આ બાબત ચોક્કસ નવાઈ પમાડે. 

કેવી છે ફિલ્મ ?
આમ જુઓ તો મોટેભાગે જે ગુજરાતી ફિલ્મ્સ બોક્સઓફિસ ચલાવી રહી છે તેના જેવી જ ફિલ્મ ગણી શકાય. એકદમ જોરદાર ને એકદમ નવું જ જોવા મળે એવો ન તો કોઈ દાવો કરાયો કે ન તો એવું તમને જોવા મળે. અરે ક્યાંક ક્યાંક તમને સ્ક્રીન પ્લે નબળો લાગે.. પણ હા.. ફિલ્મની એક્શન અને સિનેમેટ્રોગ્રાફીમાં કરાયેલી મહેનત તમને ચોક્કસ દેખાઈ આવે. વિક્રમના અભિનયની ચર્ચા તેની અગાઉની ફિલ્મની સરખામણીએ જ કરવી પડે ને એમાં દર ફિલ્મે સુધારો દેખાતો જાય.. તો પહેલી જ ફિલ્મ સાથે તનુશ્રીનું કામ નોંધનીય છે. વિલનમાં ચંદન રાઠોડ જામે છે બોસ. હું તો માનું કે, ચંદન ગુજરાતી ફિલ્મ્સ માટે સારો વિલન સાબિત થઈ શકે તેમ છે. જો આમ થાય તો ફિલ્મના તકિયા કલામની જેમ એ ચોક્કસ બોલશે કે, સુભાનઅલ્લાહ. હિના રાજપૂત પણ પોતાના કિરદારને ન્યાય આપે છે. પણ હા સાથે એ થોડુંક ખૂંચે કે, મુખ્ય કલાકારોને બાદ કરતા અન્ય કલાકારોની અણઆવડત પરદા પર નરી આંખે દેખાઈ આવે છે, એ પછી વિક્રમના મિત્રોના કિરદારમાં રહેલા કલાકારો હોય કે ચંદનના મિત્રના મહત્વના કિરદારમાં રહેલ કલાકાર હોય. એ તમામની એન્ટ્રી વખતે સ્ક્રીનની ગતિ ચોક્કસ અવરોધાતી દેખાય. જો કે, એ નબળા પાસા પર હરેશ પટેલની એક્શન ચોક્કસ હાવી થઈ જાય. આમ પણ આ ફિલ્મ પોતાના પિતાશ્રીના સ્વપ્ન સમાન હોઈ હરેશ પટેલે ફિલ્મની સફળતા સાથે પિતાને અંજલિ આપી છે. ગુજરાતી સિનેમાના ભિષ્મ પિતામહનું જેને બિરુદ મળ્યુ હતુ એવા ગોવિંદભાઈ પટેલને ફિલ્મની સફળતાના રિપોર્ટ થકી જ હરેશ પટેલે ખરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. 


Friday, 25 February 2011

પ્રાણ જાયે પણ પ્રિત ના જાયે... ટાઈટલ પર ન જાવ, ફિલ્મ જોવા જાવ.. 2011ની પહેલી હિટ ફિલ્મ

         પ્રાણ જાયે પણ પ્રિત ના જાયે... આ ફિલ્મને ન માત્ર લવ સ્ટોરી કહી શકાય.. ન માત્ર સીધી સાદી ફિલ્મ કહી શકાય... ન સુપરડુપર બ્લોકબસ્ટર હિટ ફિલ્મ કહી શકાય.. પણ એટલું તો કહેવું જ રહ્યું કે, પ્રાણ જાયે પણ પ્રિત ના જાયે.. એટલે 2011ની પહેલી હિટ ફિલ્મ..
  
વાર્તા
         વાર્તાની દૃષ્ટિએ પ્રાણ જાયે પણ પ્રિત ના જાયે અત્યારની ફિલ્મ્સ કરતાં નોખી તરી આવે છે. આ ફિલ્મ માટે પસંદ કરાયેલો વિષય વણસ્પર્શ્યો ગણી શકાય. હિંદુ યુવક અને મુસ્લિમ યુવતી વચ્ચેની પ્રેમકહાણી સાથે અત્યારની સ્થિતિ ગૂંથી લેવાઈ છે. હિંદુ-મુસ્લિમ સંબંધો બાબતે કહેવાતા સેક્યુલારિસ્ટોએ ગુજરાતને બદનામ કર્યુ છે અને કર્યે રાખે છે, ત્યારે આ પ્રકારની વાર્તા સાથે આવવું એ કાબિલ-એ-તારીફ છે. પ્રવીણ અને રેશ્માની પ્રેમ કહાણીને રજૂ કરતી વખતે કોઈની લાગણી ન દુભાય તેનું લેખકે  ખાસ ધ્યાન રાખ્યું છે. 
આ ફિલ્મ એટલે ચાર ભેરુબંધ હિતેન કુમાર, ચંદન રાઠોડ, જિત ઉપેન્દ્ર અને જિજ્ઞેશ મોદીની કહાણી.. રેશ્મા અને પ્રવીણની પ્રેમ કહાણી.. પ્રવીણ તરફી સંજનાના એક તરફી પ્રેમની કહાણી..  જહાંગીરખાન અને રામસિંહ બાપૂના બદલાની આગની કહાણી.. ધર્મના વાડા બાંધનારા  કહેવાતા અગ્રણીઓને શીખની લપડાક મારતી કહાણી.. આ દરેક પાસાને એટલી સારી રીતે વણી લેવાયા છે કે દર્શકોને ચોક્કસ પસંદ પડે. 
સંવાદ 
સંવાદ એ આ ફિલ્મનો પ્લસ પોઈન્ટ છે. પછી તે જહાંગીરખાન અને રામસિંહ બાપૂ વચ્ચેના સંવાદ હોય કે, પ્રેમની અભિવ્યક્તિ કરતાં પ્રવીણ અને રેશ્માના સંવાદ હોય...  ફિલ્મ જોનારાઓને ફરી યાદ  અપાવું અને નહી જોનારાઓને સ્હેજ સંવાદનો આસ્વાદ કરાવું તો... "તું જિંદગીને નાટક સમજીને બેઠી, અને હું નાટકને જિંદગી ગણી બેઠો" સંવાદ હોય કે પછી, "મને પ્રેમમાં તરતા ન આવડ્યું તો શું થયું મરતા તો આવડ્યું"  અથવા તો.. "સંજોગ તો જો.. પહેલાં હું મોડો પડ્યો ને પછી તું"  કે પછી ફિલ્મના અંતમાં હિતેન કુમાર દ્વારા બોલાતો સંવાદ લઈ લો.. એ સાંભળ્યા બાદ આપ બોલી જશો એક જ શબ્દ.. "વાહ.." 
ગીત-સંગીત 
"માધિયાની મા એ પીવરાવ્યો.." જેવું અલ્લડ ગીત હોય.. કે પછી "ઢોલનો ધબકાર નહી.." જેવું પ્રેમ ભર્યું ગીત.. આ ફિલ્મના ગીતો દર્શકોને સાંભળવા સાથે ગણગણવા ગમે તેવા છે. ખાસ તો ગીતના અર્થસભર શબ્દો ઘણું બધુ કહી જાય છે.
અભિનય
મલ્ટીસ્ટારર ફિલ્મ હોવા છતાં દરેક પાત્ર પોતાના કિરદારને ન્યાય આપી શક્યા છે. વધુ એક વાર લવરબોય તરીકે ચંદન રાઠોડ પૂરા માર્ક્સ લઈ જાય છે. તો જીત ઉપેન્દ્ર તેની એક્શન હિરોની ઈમેજમાં વધુ એક છોગુ ઉમેરી જાય છે. હિતેન કુમાર માટે એટલું કહેવાય કે, તે છવાઈ જાય છે. તો જીજ્ઞેશ ભૂલકણા બાબાના કિરદારને તો બંને અભિનેત્રીઓ પોત-પોતાના કિરદારને યોગ્ય ન્યાય આપે છે. ફિરોઝ ઈરાની વિશે તો કહેવું જ શું.. એ તો દર્શકો માટે દરેક ફિલ્મમાં કંઈક અલગ અંદાઝ સાથે જ  જમાવટ કરી દે છે.
દિગ્દર્શન 
જ્યારે આવો વિષય હોય ત્યારે દિગ્દર્શકની સૂઝની પણ પરીક્ષા થતી હોય છે, અને આ પરીક્ષામાંથી બરકત વઢવાણીયા થઈ ગયા છે પાસ. ફિલ્મને તેમણે સુપેરે દર્શકોને પીરસી છે.
ખાસમખાસ
આ ફિલ્મ માટે ખાસમખાસ વાત એટલે ફિલ્મનો વિષય. બીજી ખાસ વાત એ છે કે, હિંદુ-મુસ્લિમ યુવક-યુવતી વચ્ચેની આ ફિલ્મના પ્રોડ્યુસર-દિગ્દર્શકનો પણ આવો જ સંયોગ છે.  નિર્માતા મહેશ પટેલ, સુરેશ પ્રજાપતિ અને દિગ્દર્શક બરકત વઢવાણીયા. ને હા, વાર્તા-દિગ્દર્શનમાં જો આવા પ્રયોગો થતાં રહેશે તો દર્શકો સો ટકા વખાણશે. ત્રીજા અઠવાડિયા બાદ ફિલ્મ જોવા જવાનું બન્યું ત્યારે પણ થિયેટરમાં ગમે તેટલી સંખ્યામાં દર્શકો જોવા મળે એ ફિલ્મના સારા પાસાના કારણે જ સ્તો.. બાકી, હિન્દી ફિલ્મ્સમાં પણ ત્રીજા દિવસ બાદ, કાગડા ઉડતાં દેખાય છે. આ ફિલ્મનું ટાઈટલ ટ્રેન્ડ પ્રમાણે લાંબુ છે , પણ લાંબા ટાઈટલ પર ન જાવ, હજી આ ફિલ્મ થિયેટરમાં ચાલી જ રહી છે, જેને જોવાની બાકી છે તેણે મોડું કરવા જેવું નથી..

Wednesday, 1 December 2010

ચંદનની અપ-કમિંગ ફિલ્મ : તમારા વિના અમારું કોણ ?

http://www.youtube.com/watch?v=9azQ5ndsJYcચંદનની અપકમિંગ ફિલ્મ તમારા વિના અમારું કોણ ? ટોટલ ફેમિલી ડ્રામા.. ચંદન ફરી એક વાર લવર બોયની ભૂમિકામાં.. ઢોલિવૂ઼ડના મુન્નો મુન્ની..

Wednesday, 27 October 2010

અપકમિંગ ધમ્માલ ફિલ્મ્સ..

              રિલીઝના આંકને જોઈએ તો વરસે દહાડે ફિલ્મ ફટકારે છે અર્ધી સદી.. પચાસ જેટલી ફિલ્મ રિલીઝ થતી હોય ત્યારે તેમાંથી કેટલીક ફિલ્મ થઈ જાય છે સુપરહિટ.. તો કેટલીક ફિલ્મ થઈ જાય છે સુપર ફ્લોપ... પણ આ હિટ-ફ્લોપની હારમાળ વચ્ચે આવી રહી છે પાંચ એવી ફિલ્મ જેના પર રખાઈ રહી છે ઘણી બધી આશાઓ... આ પાંચ ફિલ્મ એટલે.. 
વાગી કાળજે કટારી તારા પ્રેમની 
ઓ સાજણ ફરી ક્યારે મળીશું..
ઘરવાળી બહારવાળી કામવાળી 
જય વિજય
અને
મોહનના મંકીઝ
          આ પાંચેય ફિલ્મ્સ થોડા જ સમયમાં હશે પરદા પર..  વાત કરીએ જો આ ફિલ્મ અંગે તો સૌથી પહેલા રિલીઝની તૈયારી છે તે ફિલ્મ એટલે વાગી કાળજે કટારી તારા પ્રેમની.. વિક્રમ ઠાકોર-મમતા સોની અને હિતુ કનોડિયા અભિનીત આ ફિલ્મના સુકાની છે હરસુખ પટેલ.. હરસુખ પટેલ એન્ડ ગ્રુપ દ્વારા બનાવાયેલી આ ફિલ્મ, વિક્રમની અગાઉની ફિલ્મ કરતા વધારે ધમ્માલ મચાવશે કે કેમ તે જાણવા વધુ રાહ જોવાની જરૂર નથી. કારણ કે, વિક્રમના વધી રહેલા ક્રેઝને 'કેશ' કરવા અને દિવાળીની રજાઓમાં મનોરંજનરસિયાઓની મજા માણવાની આદતને વટાવવા ફિલ્મ રિલીઝ માટે ટાણું પસંદ કરાયું છે દિવાળીનું. વિક્રમનો જે આગવો ચાહક વર્ગ છે તે આ ટાણું નહી ચુકે તો નિર્માતા માટે ફિલ્મ બની શકે છે પૈસા વસૂલ...
              વિક્રમ સિવાય ધૂમ મચાવતો બીજો સુપરસ્ટાર એટલે ચંદન રાઠોડ.. ચંદન હાલ સાત જેટલા જુદા જુદા પ્રોજેક્ટ્સ પર કરી રહ્યો છે કામ..  ઓ સાજણ ફરી ક્યારે મળીશુ..  દ્વારા ચંદન દિવાળીના દિવસોમાં જ આવી રહ્યો છે દર્શકોને મળવા.. આ ફિલ્માં ચંદન-રીનાની જોડી છે તો દિગ્દર્શક છે કેશવ રાઠોડ.  યંગસ્ટર્સને ધ્યાનમાં રાખી આ ફિલ્મમાં વિષય પસંદ કરાયો છે લવસ્ટોરી. ચંદન-રીનાની જોડીને રંગીલીમાં તો દર્શકોએ વખાણી હવે આ  ફિલ્મ દ્વારા છઠી વખત આવી રહેલી આ જોડી ફરી ધૂમ મચાવશે કે કેમ તે તો ત્યારે જ ખબર પડશે જ્યારે પરદા પર આવશે આ ફિલ્મ.. 
         આ સિવાય આવી રહી છે વધુ એક ફિલ્મ આ ફિલ્મ એટલે ઘરવાળી બહારવાળી કામવાળી. નામ પરથી જ ફિલ્મ ધમ્માલ કોમેડી હોવાનો અંદાજ આવી જાય છે. ગોવિંદા માટે 'ભોલા' નામથી બનનારી આ ફિલ્મ કોઈ કારણસર ન બની શકી અને હવે તે ગુજરાતી ભાષામાં બની રહી છે, અને સંજોગ તો જુઓ, ગોવિંદા માટેની આ ફિલ્મ જે હિરો કરી રહ્યો છે તે ડાંન્સિંગ અને કોશ્ચ્યુમ સ્ટાઈલના કારણે ઓળખાય છે ગુજરાતી ગોવિંદા તરીકે.. આ હિરો એટલે ચંદન રાઠોડ. પિતા કેશવ રાઠોડના દિગ્દર્શનમાં ચંદન આ ફિલ્માં ઘરવાળી  બહારવાળી અને કામવાળી સાથે પરદા પર ધમાલ સર્જે.. એ પહેલાં જ ફિલ્મનું એક મસ્તીભર્યુ ગીત ચંદનના જ અવાજમાં રેકોર્ડ કરાયું અને ચંદન પર જ ફિલ્માવાયુ. એટલે આ ફિલ્માં જોવા મળશે ચંદનનો એકટર + સિંગરનો ડબલ ધમાકા..
           ચંદનના ડબલ ધમાકાને ટક્કર દેવા તૈયાર છે હિતુ કનોડિયા.. અને એ પણ ડબલ ધમાકા સાથે. હિતુની અપકમિંગ ફિલ્મ જય-વિજયમાં તે દેખાશે ડબલ રોલમાં. આ ફિલ્મમાં જ હિતુ પર જ ફિલ્માવાયું છે એક સોંગ.. જેના શબ્દો છે, "ઓ ડાર્લિંગ.. માય નેમ ઈઝ હિતુ..." આ ગીત અને ફિલ્મને લઈ હિતુ છે આતુર. લકી આનંદ દિગ્દર્શિત આ ફિલ્મમાં હિતુના ડબલ રોલ સાથે જોવા મળશે ચુલબુલી મોના થીબા. 'મારા રૂદિયે રંગાણા તમે સાજણા' ફિલ્મ બાદ,  આ ફિલ્મમાં હિતુ પાસે દર્શકોની અપેક્ષા પણ વધી ગઈ છે. 
            દર્શકો સ્વીકારે કે ન સ્વીકારે, પણ નિર્માણકર્તાઓએ પોતાની જવાબદારી સમજીને એક પછી એક પ્રયોગાત્મક ફિલ્મ દર્શકોને પીરસવાનું શરૂ રાખ્યું છે, તેના જ ભાગ રૂપે આવી રહી છે ફિલ્મ મોહનના મંકીઝ. આ ફિલ્મનું ટાઈટલ જેટલું હટકે છે તેટલો જ હટકે લા્ગ્યો આ ફિલ્મનો પ્રોમો. વેલ, પ્રોમોમાં ફિલ્મ જેટલી પસંદ પડી છે તેટલી જ પસંદ તેને જોયા બાદ પડે તે પણ છે જરૂરી. ગાંધી વિચારને કંઈક અલગ રીતે આ ફિલ્મમાં રજૂ કરાયો હોવાનો દાવો કરાઈ રહ્યો છે ત્યારે ફિલ્મ આડે સવાલ એ પણ છે કે, લગે રહો મુન્નાભાઈમાં ગાંધી વિચારને જે રીતે રજૂ કરાયો તે જોનાર દર્શક આ ફિલ્મને કેટલી પચાવી શકશે.
             આ સિવાય પણ કેટલીક ફિલ્મ મચાવવા આવી રહી છે ધમાલ.. તે વિશે પણ તમરા સુધી પહોંચાડીશ માહિતી.. પણ... ટૂંક સમયમાં.. વાંચતા રહો.. dhollywood.com

Wednesday, 9 June 2010

પૂરું કરશે સારી ફિલ્મનું શમણું.. સુરજ ઉગ્યો શમણાને દેશ..

"સુરજ ઉગ્યો શમણાને દેશ"નું શુટિંગ ચાલી રહ્યું હતું ત્યારથી જ આ ફિલ્મના ઘણા વખાણ હિતુ-મોના અને ચંદન પાસેથી સાંભળ્યા હતા.. મોડાસાના એક ગામડામાં જ્યાં આ ફિલ્મનું શૂટિંગ થઇ રહ્યું હતું ત્યાં જવાનું થયું.. તે વખતે હિતુનો ગેટ-અપ જોઇને કંઈક નવું થઇ રહ્યું હોવાનું લાગ્યું પણ ખરું.. ત્યારથી હતું કે આ ફિલ્મ જોવી જ છે.. ખાસ તો આ ફિલ્મના દિગ્દર્શક ઇમરાન પઠાણે ઘણા નવા પ્રયોગો કર્યા હોવાનું સાંભળ્યું હતું.. અને આ સાંભળેલી વાત સાચી લાગી આ ફિલ્મનો પ્રોમો જોયાં બાદ.. પ્રોમોમાં જોવા મળેલા શોટ્સ, કેમેરા એન્ગલ, એક્શન, ગીત, નૃત્યની ઝલક જોતા જ થયું કે ટ્રેલર આવું અદભૂત છે તો ફિલ્મ પણ જોરદાર જ હશે.. હા એક વાત સાચી છે કે ઘાણી વખત ટ્રેલર જેવું ફિલ્મ ન પણ હોય.. પણ આ ટ્રેલર જોતા જ મારા જેવો સિનેચાહકના મનમાં થાય કે "સુરજ ઉગ્યો શમણાને દેશ".. એ સારી ફિલ્મનું શમણું ચોક્કસ પૂરું કરશે.. અને હા, ચટપટી ગ્લેમરસ ગોસીપ તો એ છે કે આ ફિલ્મમાં એક લાં.......બો કિસિંગ સીન પણ ફિલ્માવાયો છે. બોસ.. આપણી ફિલ્મોમાં હવે ગ્લેમરનો રંગ હવે રહી રહીને આવ્યો છે.. ત્યારે આ જે વાંચશે.. તેને એકાદવાર તો  મનમાં ગલીપચી થશે કે હાલોને જોઈ નાખીએ.. જો આવું થાયને તો જોઈ નાખજો હો.. ગુજરાતી ફિલ્મને આપ જેવા સારા દર્શક મળશે.. 
તાક : હું કંઈ આ ફિલ્મનો પબ્લીસીટી મેનેજર નથી.. પણ મને પ્રોમો જોઇને થયું કે આ વાત આપ જેવા વાચકો સુધી પહોચાડવી જોઈએ.. કદાચ એ વાચકમાંથી કોઈ દર્શક બને તો સરવાળે ગુજરાતી સિને જગતને એ દર્શક વધ્યાનો ફાયદો થાયને બસ એટલો જ સ્વાર્થ...