ગુજરાતી ફિલ્મ્સમાં ગાયક હોય તે નાયક બને એ ટ્રેન્ડ તો બહુ ચાલ્યો.. પણ આ ટ્રેન્ડથી ઉલટુ કર્યુ ચંદન રાઠોડે. અભિનેતા ચંદન હવે પોતાની ફિલ્મ માટે ગાયક બન્યો.. અને જમાવ્યો ગાયકીનો રંગ. તેની અપકમિંગ કોમેડી ફિલ્મ "ઘરવાળી, બાહરવાળી, કામવાળી"માં ચંદને બે ગીત ગાઈને નવી શરૂઆત કરી છે. ચંદને અભિનેતા અને ડાન્સર તરીકે પોતાને સાબિત કર્યા બાદ હવે નવી સિદ્ધી પોતાના નામે કરી છે. બોલિવૂડના સ્ટાર્સ શાહરૂખ ખાન, આમીર ખાન, ગોવિંદા, સંજય દત્ત અને બિગ બીએ પોતાના અવાજનો જાદુ ફિલ્મ્સમાં પાથર્યો છે ત્યારે ચંદન પણ પોતાના અવાજના જાદુ સાથે નવી ફિલ્મમાં દર્શકોને જોવા-સાંભળવા મળશે. ખાસ કરીને ચંદને ગાયેલું ટપોરી ગીત તેના ધમાલિયા સંગીત અને તેના તોફાની શબ્દોના કારણે તરત જ જીભે ચઢી જાય તેવું છે.. સંગીતકાર સમીર રાવલે આ ગીતને મજ્જાનું બનાવ્યું છે. ક્યા બાત હૈ ચંદન.. હવે ગાયકમાંથી નાયક બનેલા સ્ટાર્સને પડકાર ફેંકવાનું મન બનાવ્યું છે કે શું ? આ ગીતની વાહવાહી દર્શકો કરશે તો તો ચંદન કદાચ એમ પણ ગાશે.. "નાયક હી નહી, ગાયક ભી હું મૈ..." મેં ચંદનનું આ ગીત સાંભળ્યું છે એટલે એટલું તો ચોક્કસ કહી શકીશ કે, દર્શકોને ચંદનના અવાજમાં ગીત સાંભળવાની મજા પડશે એ ચોક્કસ..
Friday, 23 July 2010
Friday, 9 July 2010
થોડી રાહ...
આ પહેલા બ્લોગ પર જે બાબત લખી કે, સમર્પણ આ શુક્રવારે એટલે કે, 9મીએ રિલીઝ થાય છે.. એમાં થોડો ફેરફાર થયો છે અને એ હવે પછીના સપ્તાહે આવશે એટલે સમર્પણ જોવા માગતા દર્શકોએ જોવી પડશે વધુ એક સપ્તાહ સુધી રાહ.. એ પછી પણ ગુજરાતી સિનેચાહકો માટે ટૂંક સમયમાં આવી રહી છે બે મોટા બેનરની ફિલ્મ, એક તો જશવંત ગાંગાણીની હિતુ કનોડિયા અને આનંદી ત્રિપાઠી અભિનીત "મારા રૂદિયે રંગાણા તમે સાજણા" અને બીજી ફિલ્મ એટલે, વિક્રમ ઠાકોર અભિનીત "પિયુ તારા વિના મને એકલું લાગે"
Tuesday, 6 July 2010
1 દિવસ, 2 કલાકાર, ડબલ ધમાકા
લાગે છે કંઈક હટકે કરવાની ચાહત છે આપણાં કલાકારોને.. અગાઉ ઘણી ફિલ્મ્સમાં કેટલાંક કલાકારો બાપ-દિકરાના ડબલ રોલમાં દેખાયા છે. આ જ બાબતનું પૂનરાવર્તન થશે 9 મી જુલાઈએ.. એક જ દિવસે આ બાબતનું બે વાર પૂનરાવર્તન થશે.
વાત એમ છે કે, 9 મી જુલાઈએ આવી રહી છે ગુજરાતી ફિ્લ્મ "મેં તો હૈયે લખ્યું સાજણ તારું નામ" અને આ જ દિવસે રિલીઝ થઈ રહી છે ''સમર્પણ". આ બંને ફિલ્મની વાર્તા તદ્દન જુદી છે, ફિલ્માંકન જુદુ છે, શુટિંગ લોકેશન જુદુ છે, પણ અભિનેતા જુદાં છે, પણ એક વાત કોમન છે અને તે એ કે, બંને ફિલ્મમાં હિરો દેખાશે ડબલ રોલમાં. એટલે કે, બાપ અને બેટા બંનેના કિરદારમાં.
"મે તો હૈયે લખ્યું સાજણ તારું નામ" ફિલ્મમાં છે સુપરસ્ટાર હિતેન કુમાર. હિતેન કુમારે આ ફિલ્મમાં એક ધરતીપુત્રનું કિરદાર નિભાવ્યુ છે સાથે જ તેઓ તેના જ પુત્રના કિરદારમાં પણ દેખાયા છે. આ અગાઉ પણ હિતેન કુમાર બાપ-બેટાના કિરદારમાં દેખાયા હતા તેમની સુપરહિટ ફિલ્મ "મહિયરમાં મનડું નથી લાગતું"ની સિક્વલમાં. એ ફિલ્મમાં જોવા મળેલો તેમનો અભિનયનો ડબલ ધમાકા ફરી દર્શકોને " મેં તો હૈયે લખ્યું સાજણ તારું નામમાં દેખાશે". આમ પણ કંઈક જુદાં જ પ્રકારના કિરદાર નિભાવવાની ચાહત હિતેન કુમારના હૈયે લખેલી છે. ત્યારે તેમની આ ચાહત આ ફિલ્મમાં કિરદાર રૂપે સાકાર થઈ છે.
લંડનના લોકેશન સાથે આવી રહેલી ફિલ્મ "સમર્પણ"માં સુપરસ્ટાર ચંદન રાઠોડ પહેલીવાર દેખાઈ રહ્યા છે બાપ-દિકરા બંનેના કિરદારમાં.. યુવા અભિનેતા ચંદન બાપ તરીકે કેવો દેખાશે તે જોવાની આતુરતા તેના ચાહકોમાં ચોક્કસ હશે. આ આતુરતાનો અંત લાવવા 9મી જુલાઈએ ગુજરાત અને લંડનમાં એક સાથે રિલીઝ થઈ રહી છે ચંદનની ફિલ્મ "સમર્પણ"
Monday, 14 June 2010
હાશ હવે ગુજરાતી ફિલ્મમાં ગ્લેમર તો આવ્યું.. !
તમારે નવતર ભાતની ગુજરાતી ફિલ્મ જોવી છે..?
ગુજરાતી ફિલ્મમાં કંઈક અલગ વિષયની વાર્તા નિહાળવી છે ?ગુજરાતી ફિલ્મમાં પણ સરસ કેમેરા વર્ક થઇ શકે એ જોયાનુભવ કરવો છે ?
ગુજરાતી ગીતો પર પણ સારી કોરિયોગ્રાફી થઇ શકે છે એ જોઈ થિરકવું છે ?
ગુજરાતી ફિલ્મમાં સાઉન્ડ ઈફેક્ટ સાથે સાઉથ સ્ટાઈલ માણવી છે ?
આ અને આવી તમામ બાબત કે જેને તમે ટિપિકલ ગુજરાતી ફિલ્મથી હટકે કહી શકો.. તે જોવી હોય તો જોઈ આવો ઇમરાન પઠાણ દિગ્દર્શિત ફિલ્મ, "સૂરજ ઉગ્યો શમણાંને દેશ" આવી જ ઘણી બધી સારપનો સરવાળો કહો કે ઉણપની બાદબાકી.. એટલે "સૂરજ ઉગ્યો શમણાંને દેશ". આ ફિલ્મ સારી ફિલ્મના શમણાં સાકાર કરશે એવું લાગ્યું.
વાર્તા
માલપુર નામના એક ગામમાં ચાલતી હોય છે બાપાસાહેબની દાદાગીરી. તેમની મેલી મુરાદના કારણે આખું ગામ અભણ રહે છે. સૌ કોઈ બાપાસાહેબના ગુલામની જેમ જીવન ગુજારે છે. આ બાપાસાહેબનો જ માણસ સૂરજ તેમની સામે બંડ પોકારે છે. તો સૂરજ જેને પ્રેમ કરતો હોય છે એ રૂપા પણ બાપાસાહેબને પડકારે છે. સૂરજ અને રૂપાની પ્રેમ કહાણી અને બાપાસાહેબ સામે અવાજ ઉઠાવવાની કહાણી આખી વાર્તામાં વળાંક લાવે છે. શિક્ષણ જેવા વિષયને જોર જુલમ અને અન્યાય સાથે સાંકળીને તેમાં સ્ત્રી શક્તિની પણ વાત કરી છે. જરૂર જણાઈ ત્યાં કોમેડીનો તડકો પણ લગાવ્યો છે. ઓવરઓલ હાલ ચાલી રહેલા ટ્રેન્ડ કરતા હટકે વાર્તા હોઈ ચોક્કસ ગમે.
અભિનય
એક્શનપેક ભૂમિકામાં હિતુ જામે છે. સહેજ સાઉથ સ્ટાઈલની છાંટ પણ હિતુના અભિનયમાં દેખાય છે. લૂક પણ અલગ દેખાય છે.
ગામડાની રૂપાળી રૂપાના કિરદારમાં મોના ટિપિકલ હિરોઈન લાગે છે, પણ રૂપા સૂરજના કિરદારમાં મોનાએ રંગ રાખ્યો છે. આ કિરદારમાં મોનાનો લૂક એટલે અદ્દલ રાજનીતિની કેટરીના.
ચંદન હલ્કી ફુલ્કી ભૂમિકામાં ક્યાંક કોમેડી કરે છે તો ક્યાંક ઈશ્કિયા અંદાજમાં દેખાય છે. સારો ડાન્સર એવો ચંદન ગીતમાં બરાબર ખીલે છે. તો ચંદન સાથે છે તેની જ ધુળકી ફેઈમ રાની શર્મા.
બાપાસાહેબ એટલે કે જાકીરખાને પાત્રમાં જીવ રેડયો.
કોમેડિયન કેરેક્ટર મફતને લોકોને હસાવવામાં સફળતા મળી.
લોકેશન
મોડાસાની આસપાસના જે ગામમાં શૂટિંગ કરાયું તે સ્થળ નયનરમ્ય છે. તે સ્થળને દર્શકો સમક્ષ વધુ સારી રીતે મુક્યું દિગ્દર્શકની સૂઝ અને સિનેમેટ્રોગ્રાફરે.
ગ્લેમરસ ગલીપચી
ગુજરાતી સિને જગતનો અત્યાર સુધીનો સૌથી લાંબો કિસિંગ સીન આ ફિલ્મમાં છે.. હિતુ અને મોનાનો લાં........બો કિસિંગ સીન એવી રીતે ફિલ્માવવામાં આવ્યો છે કે જે જરા પણ ચીપ ના લાગે. આ સીન જોઈ એમ થયું કે હાશ હવે ગુજરાતી ફિલ્મમાં ગ્લેમર તો આવ્યું.. !
Wednesday, 9 June 2010
પૂરું કરશે સારી ફિલ્મનું શમણું.. સુરજ ઉગ્યો શમણાને દેશ..
"સુરજ ઉગ્યો શમણાને દેશ"નું શુટિંગ ચાલી રહ્યું હતું ત્યારથી જ આ ફિલ્મના ઘણા વખાણ હિતુ-મોના અને ચંદન પાસેથી સાંભળ્યા હતા.. મોડાસાના એક ગામડામાં જ્યાં આ ફિલ્મનું શૂટિંગ થઇ રહ્યું હતું ત્યાં જવાનું થયું.. તે વખતે હિતુનો ગેટ-અપ જોઇને કંઈક નવું થઇ રહ્યું હોવાનું લાગ્યું પણ ખરું.. ત્યારથી હતું કે આ ફિલ્મ જોવી જ છે.. ખાસ તો આ ફિલ્મના દિગ્દર્શક ઇમરાન પઠાણે ઘણા નવા પ્રયોગો કર્યા હોવાનું સાંભળ્યું હતું.. અને આ સાંભળેલી વાત સાચી લાગી આ ફિલ્મનો પ્રોમો જોયાં બાદ.. પ્રોમોમાં જોવા મળેલા શોટ્સ, કેમેરા એન્ગલ, એક્શન, ગીત, નૃત્યની ઝલક જોતા જ થયું કે ટ્રેલર આવું અદભૂત છે તો ફિલ્મ પણ જોરદાર જ હશે.. હા એક વાત સાચી છે કે ઘાણી વખત ટ્રેલર જેવું ફિલ્મ ન પણ હોય.. પણ આ ટ્રેલર જોતા જ મારા જેવો સિનેચાહકના મનમાં થાય કે "સુરજ ઉગ્યો શમણાને દેશ".. એ સારી ફિલ્મનું શમણું ચોક્કસ પૂરું કરશે.. અને હા, ચટપટી ગ્લેમરસ ગોસીપ તો એ છે કે આ ફિલ્મમાં એક લાં.......બો કિસિંગ સીન પણ ફિલ્માવાયો છે. બોસ.. આપણી ફિલ્મોમાં હવે ગ્લેમરનો રંગ હવે રહી રહીને આવ્યો છે.. ત્યારે આ જે વાંચશે.. તેને એકાદવાર તો મનમાં ગલીપચી થશે કે હાલોને જોઈ નાખીએ.. જો આવું થાયને તો જોઈ નાખજો હો.. ગુજરાતી ફિલ્મને આપ જેવા સારા દર્શક મળશે..
તાક : હું કંઈ આ ફિલ્મનો પબ્લીસીટી મેનેજર નથી.. પણ મને પ્રોમો જોઇને થયું કે આ વાત આપ જેવા વાચકો સુધી પહોચાડવી જોઈએ.. કદાચ એ વાચકમાંથી કોઈ દર્શક બને તો સરવાળે ગુજરાતી સિને જગતને એ દર્શક વધ્યાનો ફાયદો થાયને બસ એટલો જ સ્વાર્થ...
Tuesday, 1 June 2010
Comming Soon
Must watch Special bulletin only on Gujarati Films.. Name of bulletin is L C D.. Lights Camera Dhamal.. Show time : 6 :30 pm on every sat., only on Gujarat's No.1 news Channel tv 9 Gujarat.
Tuesday, 25 May 2010
લાંબા સમયથી ચાલતો લાં.............બા નામનો ટ્રેન્ડ !
"કોઈ એક કરે એટલે આપણે પણ કરવાનું.. બોસ.. નવું કરવા જઈએ અને જો દર્શકો ના સ્વીકારે તો પતી જઈએ. જે ટ્રેન્ડ ચાલતો હોય તેને અનુસરો અને એ પ્રમાણે જ ચાલો." આવું જ કંઈક માનનારા ગુજરાતી સિને નિર્માણકારો ફિલ્મના નામમાં પણ એવું જ કરે છે.. અમુક લાંબા નામધારી ફિલ્મને સફળતા મળે એટલે શરુ થઇ જાય લાં.....બાનામ વાળી ફિલ્મનો ટ્રેન્ડ.. વળી, ઘણા નામ આપણને મજા કરાવે તેવા હોય છે. હા, લાંબા નામ વળી ફિલ્મ્સ કંઈ હમણાની વાત નથી એ પણ 'લાં.......બા' સમયથી શરુ થયેલો ટ્રેન્ડ છે. હમણાં હમણાની કેટલીક ફિલ્મ્સના નામ વાંચો.
રાધા ચૂડલો પેરજે મારા નામનો
આંખમાં કંકુ કપાળે કાજળ
હું રે વિજોગણ તારા નામની
પિયુ તારા વિના મને એકલું લાગે
દલડું દીધું મેં કારતકના મેળામાં
મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે
ચાલો ઉજવીએ પુરુષોત્તમ માસ
ભાલાવાળા મારી ભેરે રેજો
મારા રૂદિયે રંગાણા તમે સાજણા
હાલ રુપલીને પૈણવા
છે ને મસ મોટા નામધારી ફિલ્મ્સ.. અરે ફિલ્મ જોઇને થિયેટરમાંથી બહાર નીકળો તો કદાચ એ જ વખતે નામ ભૂલી જવાય એટલા લાંબા નામ છે. આ નામની પણ એક મજા છે.. ચાલો માણીએ એ મજા.. કારણ કે દરેક ફિલ્મનું નામ કંઈક કહી જાય છે. જેમ કે,
રાધા ચૂડલો પેરજે મારા નામનો
રાધા, ચૂડલો અને પ્રેમ !
આંખમાં કંકુ કપાળે કાજળ
કંકુ અને કાજળ એટલે સ્ત્રીની વાત.. અને તેના સ્થાન બદલાયા એટલે તેના પર અત્યાચારની વાત !
હું રે વિજોગણ તારા નામની
પ્રેમીના વિરહમાં પ્રેમિકા થઇ હશે વિજોગણ !
પિયુ તારા વિના મને એકલું લાગે
પ્રેમી વિના પ્રેમિકાને કેવું લાગે !
દલડું દીધું મેં કારતકના મેળામાં
મેળામાં ઇલુ ઇલુ !
મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે
તમે જ કહો જોઈએ કે ક્યાં બોલે ?
ચાલો ઉજવીએ પુરુષોત્તમ માસ
ભક્તિભાવભરી ફિલ્મની જય !
મારા રૂદિયે રંગાણા તમે સાજણા
પ્રેમરંગ !
હાલ રુપલીને પૈણવા
દર્શકો ફિલ્મ જોવા આવે કે જાનમાં ?
આ તો કંઈ નથી.. "નામસાગર"માંથી ઉડેલા થોડાક નામના થોડાક છાંટા છે.. હજુ તો આવા નામથી "સિનેસાગર" છલકાય છે..તમે શું કહો છો આ બધા નામ વાંચીને ?
Subscribe to:
Posts (Atom)


