Monday, 24 May 2010

રાહ જોઉં છું..

બ્લોગ પર નવી પોસ્ટ મુકવી છે, પણ રાહ છે એકાદ સારી ફિલ્મની.. કંઈક નવું જોવા મળે તો લખું ને.. આ વખતે બે ફિલ્મ પરદા પર આવી "મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે" અને "મોંઘા મુલની પ્રીત".. અખબારમાં તેની જાહેરાત જોઈ.. જોવા જવું હતું પણ સ્ટારકાસ્ટ અને ફિલ્મના નામ અને પોસ્ટર જોઇને હિંમત ના થઇ. હા "મોંઘા મુલની પ્રીત"માં હિતેન કુમાર દેખાય છે,, પણ જાહેરાતમાં જે રીતે બેઉ હીરોને રજુ કરાયા છે એ જોતા એવું જ લાગે છે કે કદાચ હિતેન કુમારના નામનો જ ઉપયોગ કરાયો હોઈ શકે. જો કંઈક હટકે નહિ આવે તો તે જોવા દર્શકો કેમ આવશે ? 

Monday, 3 May 2010

સ્વર્ણિમ સિનેમા..!! સોનેરી શમણું


              સ્વર્ણિમ ગુજરાતની સોનેરી ઉજવણી થઇ. બધું સોનેરી સોનેરી દેખાયું. પણ સવાલ એ છે કે બતાવવામાં આવેલી ગુજરાતની આ ચમક દમકનું એકાદું સોનેરી કિરણ ગુજરાતી સિને જગત પર  દેખાય છે ખરું ? ગુજરાતી સિને જગત કઈ દિશા અને દશામાંથી પસાર થઇ રહ્યું છે એ ચર્ચાનો વિષય છે. આ વિશે ક્યારેક ચર્ચા થાય છે.. બસ એટલું જ..બાકી બધું ત્યાનું ત્યાં જ. "પરિવર્તન સંસારનો નિયમ છે" આ વાક્ય કદાચ ગુજરાતી સિને જગત સાથે સંકળાયેલા મોટાભાગના લોકો સ્વીકારવા તૈયાર નથી.. હા થોડો વર્ગ એવો છે કે જે ઈચ્છે છે કે, પરિવર્તન જરૂરી છે. ગુજરાતી ફિલ્મને નવારૂપ રંગ સાથે નવી તરાહથી રજુ કરવા કેટલાક કલાકાર કસબીઓ મથામણ કરી રહ્યા છે, પણ આવા લોકોના નામ ગણવા આંગળીના વેઢા પૂરતા છે. શું આટલા લોકોના પ્રયત્નો પૂરતા છે ગુજરાતી સિને જગતને સધિયારો આપવા ? આ સવાલનો જવાબ છે 'ના'.  

            ગુજરાતી સિને જગતનો સુવર્ણકાળ હવે ભૂતકાળ બની ગયો છે એવું કહીને કંઈક બોલ્યાનો સંતોષ મેળવી લેવો પુરતો નથી. જરૂર છે ગુજરાતી સિને જગત માટે કંઈક કરવાની.. અને સ્વર્ણિમ ગુજરાતનું આ પાસું ૨૪ કેરેટ સોનાનું ના હોય એ સમજ્યા.. પણ સોનાનાં ઢોળાવવાળું તો જોઈએ ને ? સ્વર્ણિમ સિને જગત માટે જોઈએ છે બદલાયેલું સિને જગત. જેને જોઈ દરેક ગુજરાતી વટથી કહે, આ છે અમારું સિને જગત.  જોકે, આ માટે સિને જગતને જોઈએ છે આ બાબતો : 
પ્રદેશની નહિ ગુજરાત માટેની ગુજરાતી ફિલ્મ 
અમુક ફિલ્મ સૌરાષ્ટ્રમાં ચાલે છે તો અમુક ફિલ્મ ઉત્તર ગુજરાતમાં ધૂમ મચાવે છે. તો વળી અમુક ફિલ્મ માત્ર ને માત્ર દક્ષિણ ગુજરાતમાં જ ચાલે છે. આમાં ગુજરાતની ફિલ્મ ક્યાં ? ગુજરાતી ફિલ્મ બને છે તે ગુજરાત માટે બને છે કે કોઈ વિસ્તાર માટે તે સમજવું જ અઘરું થઇ ગયું છે. 
નવી વાર્તા 

ગુજરાતી ફિલ્મ જોયાં બાદ એમ થાય કે ગામ, જમીનદાર, ગરીબનો છોકરો-અમીરની છોકરી, વિખુટા પડેલા પ્રેમીઓ નો મેળાપ, ચુંદડી-ચૂડલો-પાલવ-માંડવો-બાળપણની પ્રીત અને બીબાઢાળ વાર્તા સિવાયની કોઈ વાત  જ નહિ હોય ? ક્યાંક પ્રયત્ન થયા છે પણ એ ફિલ્મ લોકો સુધી પહોચી નથી. 
મજબુત સંવાદ 
" મારા રુદિયાની રાણી તને જોઈ હૈયામાં પ્રીતની પહેલી મોસમનો સાદ સંભળાય છે", "તારી પ્રીતના પાલવથી... " " તારી આંખોમાં પ્રીતનું પુર દેખાય છે" આવા ટીપીકલ ડાયલોગ આજે કયો ગુજરાતી પોતાની પ્રેમિકા સામે જઈને બોલે છે ? કોઈ જ નહિ. તો પછી ગુજરાતી દર્શકોની માથે કેમ આવા જ ડાયલોગ મારવામાં આવે છે ?
જોરશોરથી પ્રચાર 
કેટલીયે ફિલ્મ્સ આવીને જતી રહે છે, જોવાની તો દુર રહ્યું નામ પણ સંભાળવા નથી મળતું. તો કેટલાક લોકો ફિલ્મ સારી હોવાનો દાવો કરે છે પણ એ સારી છે એ વાત લોકો સુધી નહિ પહોચાડાય તો લોકો ફિલ્મ સુધી જશે કઈ રીતે. ગુજરાતી સિને જગતનું સૌથી નબળું પાસું તેના પ્રચારનો અભાવ છે.
ગાડરિયા પ્રવાહમાં નહિ તણાવાનું પસંદ કરતા સિને નિર્માણકારો 
"આવું તો ના જ કરાય", "આવું તો ના જ ચાલે.." "દર્શકો આવી જ ફિલ્મ જુએ છે", "દર્શકો ફલાણો હીરો કે ફલાણી હિરોઈન હોય તો જ ફિલ્મ જોવા જાય..", " ફિલ્મનું ટાઈટલ  લાંબુ લચક જ ચાલે", "બીજા જે કરે તેવું કરો તો જ સફળ થવાય" એવું માનનારાઓનો અતિરેક છે. એટલે બદલાવ આવવાની આશ દેખાતી જ નથી.
સબસીડીને કમાણીની સીડી ન બનાવનારા સિને નિર્માણકારો 
સરકાર ગુજરાતી ફિલ્મ્સની સ્થિતિને લઇ ગંભીર બની અને ગુજરાતી ફિલ્મના નિર્માતાઓને ટેકો કરવા માટે રૂપિયા પાંચ લાખની સબસીડી જાહેર કરી. ઘણા નિર્માતાઓ આ ટેકાને જ આધાર બનાવીને ઉભા રહી ગયા. તેમણે સબસીડીનો ઉપયોગ કમાણીની સીડી તરીકે કર્યો. સબસીડીના ઉપયોગને બદલે દુરુપયોગની નીતિએ સિને જગતની ઘોર ખોદી. અહી સુપરસ્ટાર હિતેન કુમારનું એક નિવેદન ટાંકવાનું મન થાય કે, " સબસીડી વધારો.... સબસીડી વધારો.... એમ એક યાચક બનીને જતા પહેલા એ સાબિત કરીને બતાવો કે સરકારે તમને આજ સુધી જે આપ્યું તેનું તમે વળતર આપ્યું છે "
સરકારની નીતિમાં બદલાવ 
સરકાર શુભાશયથી ગુજરાતી સિને નિર્માણકારને રૂપિયા પાંચ લાખની સહાય આપે છે. સરકારનો આશય સારો છે.. પણ અહી 'સબ સમાન'  વાજબી થોડું ગણાય ? ઘોડા અને ગધેડા બેઉને સરખા એ ક્યાંનો ન્યાય ? સબસીડીની સરકારની નીતિમાં જરાક ફેરફાર કરાય અને જેવી ફિલ્મ એ પ્રમાણે સબસીડી આપવામાં આવે તો ન્યાય તોળાશે. ગ્રેડ સિસ્ટમને આધારે સબસીડીની નીતિ ઘડી શકાય. 
૩ કલાક બેસી શકાય તેવા સિનેમાગૃહ 

આ વાંચનારાને એક સવાલ, તમે છેલ્લે કઈ ગુજરાતી ફિલ્મ થીયેટરમાં બેસીને જોઈ ? રહેવા દો. જવાબ માટે ના મથશો કારણ કે એ માટે પહેલા તમારે એ યાદ કરવું પડશે કે છેલ્લે તમે કઈ ગુજરાતી ફિલ્મ જોઈ. 'મોટાભા'  ફિલ્મના ફસ્ટ ડે લાસ્ટ શોમાં જોવા હું મારા મિત્ર અમરદીપસિંહને લઇ ગયો. ફિલ્મ જોઇને તેમણે જે કોમેન્ટ હળવા મૂડમાં કરી તે ઘણી ગંભીર લાગી.. મેં પૂછ્યું કે, ''બાપુ, ફિલ્મ કેવી લાગી ?'' અમરે જવાબ આપ્યો, "ફિલ્મ છોડ પહેલા મન ભરીને ખુલ્લી હવામાં શ્વાસ લેવા દે ! તને સંશોધન બાદ એમ.ફીલની ડીગ્રી આપવાની જગ્યાએ આવા થિયેટરમાં બેસીને ફિલ્મ જોવા બદલ એમ જ ડીગ્રી આપી દેવી જોઈએ" અમારી ચર્ચામાં ફિલ્મની 'કથા'ને બદલે થિયેટરની 'વ્યથા'  મુખ્ય બની ગઈ !
ફિલ્મ બનાવનારનું સાચું સંગીત સંભળાય તેવી સાઉન્ડ સિસ્ટમ
ફિલ્મની અર્ધી સફળતા તેના સંગીતમાં છે. પણ જો સાઉન્ડ સિસ્ટમ સારી ના હોય તો સારું સંગીત પણ શા કામનું ? ફિલ્મની  સારા સંગીતની 'પથારી' ફરતા મેં સાંભળી છે ફિલ્મ 'મોટાભા'નું સરસ સંગીત હોવા છતાં સરસ ન સંભળાયું ! કારણ માત્ર ખરાબ સાઉન્ડ સિસ્ટમ. 
હીરો-હિરોઈન અને વિલનનું એક જ ઘર ! 
મોટાભાગની ગુજરાતી ફિલ્મ જુઓ, એક જ લોકેશન પરદા પર ડોકિયા કરતુ દેખાશે. દરેક ફિલ્મમાં એક હોય તે સમજ્યા.. પણ એક જ ફિલ્મમાં હીરો-હિરોઈન અને વિલનનું ઘર એક જ હોય એ કઈ રીતે ગળે ઉતરે ? ચાલો બજેટના કરને એક જ ઘરમાં શુટિંગ કરવાનું હોય એ સ્વીકાર્ય..પણ બેક ગ્રાઉન્ડ પણ બદલવાની તસ્દી નહિ લેવાની ? 
શોખવાળા છેટા રહેજો રાજ ! 
વાર્તા-લેખક-કથા-પટકથા-ગીત-સંગીત-અભિનેતા-દિગ્દર્શક અને નિર્માતા.... આ દરેક પાછળ એક જ નામ વાચવા મળે એટલે સમજવું કે કોઈ શોખીન જીવડો છે. આવા શોખીન જીવડાઓએ ભેગા મળીને સિને ઉદ્યોગને જીવવા નથી દીધો.. તમારા શોખને પોસવામાં તમે સિને ઉદ્યોગને કેટલું નુકસાન પહોચાડો છો એ ક્યારેય વિચાર્યું છે ખરું ? આવા શોખ અને 'ઈતર પ્રવુતિ' માટે ફિલ્મ બનાવનારાઓ ફિલ્મ બનાવવાનું માંડી વાળીને સિને જગતની મોટી સેવા કરી શકે. આજ મામલે હવે હિતેન કુમારે ઝુંબેશ ઉપાડી છે અને તેઓ સિનિયર કલાકારોને અપીલ કરી રહ્યા છે કે, "સારી ફિલ્મ બનાવનારને પરખો અને તેને જ સાથ આપો. માત્ર થોડાક રૂપિયા માટે કલાને ધંધો બનાવનારને સાથ આપી પ્રોત્સાહન આપવાનું ટાળો." 

આ મુદ્દા તો માત્ર નમુના છે. આ સિવાય પણ કેટલીયે એવી બાબતો છે જેના પરત્વે નજર નાખવાની હજુ બાકી છે.. કોઈ એકલપંડે કે થોડાકનો સમૂહ જો બદલાવ ઈચ્છે તો નહિ આવે.. બધા સાથે મળશે અને સહ્પ્રયત્ન કરશે તો ગુજરાતી સિને ઉદ્યોગકારો પણ સ્વર્ણિમ ગુજરાતની ગાથામાં પોતાનું પ્રકરણ આબરૂભેર ઉમેરાવી શકશે. 



Saturday, 6 March 2010

બેટર હાફ : રીયલી.... અ સિમ્પલ ગુજરાતી ફિલ્મ





                 વર્કિંગ કપલ્સની સમસ્યા, સંઘર્ષ અને સમજણવાળું સમાધાન.. આ બધી બાબતોનો સરવાળો એટલે આશિષ કક્કડની ફિલ્મ 'બેટર હાફ'.. 'બેટર હાફ' બીજી ફિલ્મ્સ કરતા 'બેટર' લાગવાનું સીધું જ કારણ છે બીબાઢાળ રજૂઆતથી કિનારો કર્યો તે.... ફિલ્મના ગીતના શબ્દો ગમી જાય તેવા અને સંગીત પણ કર્ણપ્રિય. બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ કાનને ગમ્યું. 
વાર્તા : 
માનવ ( ધર્મેન્દ્ર ગોહિલ ) અને કામિની ( નેહા મહેતા ) નો પરિચય પહેલા પ્રણય અને બાદમાં પરિણયમાં પરીણમે છે. જેવું બધાની જિંદગીમાં થાય છે તેવું જ આ કપલની જિંદગીમાં પણ થયું. પહેલા મજ્જાની લાઇફ અને પછી લાઇફલાઈન ક્યાંક તૂટે. કારણરૂપ બને છે પત્નીના સપના કરતા બમણો બની જતો પુરુષનો પરિવાર પ્રેમ. સ્ત્રી પોતાના પરિવારને ભૂલી પતિના પરિવારને પોતાનો બનાવે છે.. પણ પતિ મોટાભાગના કિસ્સામાં પત્નીના શમણાને નગણ્ય ગણે છે. માનવ અને કામિની પણ આ જ તબક્કામાંથી પસાર થયા. સંજોગવસાત માનવના ઘરનો પ્રસંગ અને કામિનીનો ડ્રીમ પ્રોજેક્ટ બંને  એક સાથે જ આવે છે. આ ઘટના એટલે બંનેના છુટા પડવાનું કારણ. જરૂરિયાત એટલે જ પ્રેમ એમ સમજતા માનવને જીભાઈ ( રાજુ બારોટ ) સમજાવે છે પ્રેમની પરિભાષા. જરૂર પડ્યે માનવની મમ્મી ( ડાયના  રાવલ ) સમજાવે છે પોતાના પુત્રને.. અને સમજણ બાદ ફરી શરુ થાય છે બંનેનો સંસાર... પ્રેમ અને સમજણ વચ્ચેના સંઘર્ષને આશિષભાઈએ સારી રીતે રજુ કર્યો છે.. ઘણાબધા કપલ્સને સ્પર્શતો વિષય હોઈ મજ્જા પડી.. 
 અભિનય : 
ધર્મેન્દ્ર ગોહિલ અને નેહા મહેતાના મજબુત અભિનય ફરતે ફરે છે આખી ફિલ્મ. બંનેએ પોત પોતાના કિરદારને જોરદાર ન્યાય આપ્યો છે. તો રાજુ બારોટ, ડાયના રાવલ, હરિતા દરેક જામે છે. મયુર ભલે બે જ ડાયલોગ બોલે પણ તેનું પાત્ર દર્શકને સહજતાથી હસાવી જાય છે. 
લોકેશન : 
માધુર્ય અને અમદાવાદના બીજા લોકેશન અમદાવાદીઓ તો ઓળખી જ જવાના. જોયેલા લોકેશન જોઈ બધું પોતીકું હોવાનો ભાવ જાગે.
બહુ ગમ્યું..
નવી તરેહની ગુજરાતી ફિલ્મ બનાવી તે. 
આવી ફિલ્મ બનાવવાની હિંમત દાખવી તે. 
ગણગણવા ગમે તેવા ગીતો આપ્યા તે.
મસ્ત મજાનું સંગીત આપ્યું તે.
સંદેશ આપતી ફિલ્મ બનાવી તે..
સારા... સ્પષ્ટ અને સીધી જ વાત કરતા સંવાદો લખ્યા તે. જરૂર પડ્યે રૂટીન લાઇફમાં બોલતા અંગ્રેજી વાક્યો વાપર્યા તે.
મલ્ટીપ્લેક્ષમાં રીલિઝ કરી તે.  
થોડું ખટક્યું...
માનવ અને કામિનીની ફરતે ફરતી વાર્તામાં બીજા પાત્રો વિસરાયા તે. જેમકે રજીસ્ટર્ડ લગ્નમાં પરિવારજન, મિત્ર કે બીજું કોઈ જ નહિ.. સાક્ષી પણ નહિ !! ,,,,, માનવ-કામિનીના ઝઘડા બાદ માનવ બોલે છે..''કામિની બધા જુએ છે''  આ સંવાદ વખતે માત્ર તે બે જ ફ્રેમમાં હતા.. તો જોતું કોણ હતું !!??
બહુ જ ઓછા લોકેશન્સનો ઉપયોગ.
મને ખટકેલી આ વાત વાંચીને 'બેટર હાફ' ટીમને કદાચ ખટકે.. મારો આશય આખીયે 'બેટર હાફ' ટીમનું દિલ દુભાવવાનો નહિ.. પણ આપની next મોટા બજેટની ફિલ્મ બાદ કોઈ આવું લખી કે કહી ના જાય તે માટે 'પાનો' ચઢાવવાનો છે.  તમારા જેવા કંઇક નવું કરનારની તો પીઠ થાબડવાની હોય.. પણ સાચું કહું સાહેબજી.. એક દર્શક તરીકે ના ગમ્યું તો કહી દીધું કારણ કે તમારી next મોટા બજેટની ફિલ્મ આનાથી પણ હટકે જોવાની આતુરતા છે. ગુજરાતી ફિલ્મ જેને જોવાની ઈચ્છા છે તે 'ડેડ ઓડીયન્સ'  આપની ફિલ્મ થકી ફરી થિયેટર સુધી આવતું થાય અને આ ફિલ્મ બહુને બહુ લોકો સુધી પહોચે એવી શુભેચ્છા.  'બેટર હાફ' ગુજરાતી સિનેજગત માટે 'બેટર'  પુરવાર થાય તેવી ખરા દિલથી અભ્યર્થના...

Sunday, 7 February 2010

મોટાભા : ઘણા સમયે આવી એક પારિવારિક ફિલ્મ




બાર બાર વર્ષે કિરણ કુમાર ફરી ગુજરાતી ફિલ્મમાં આવવાના હોય એટલે સિનેરસિકને એ ફિલ્મ જોવાની ઉત્કંઠા જરૂર હોય. ગુજરાતી ફિલ્મ જગતના અભ્યાસુ અને ગુજરાતી ફિલ્મના રસિક તરીકે મને પણ એ ફિલ્મ જોવાની એટલી જ ઉત્કંઠા હતી. શુક્રવારે જ છેલા શો માં પહોચી ગયો થિયેટર પર. ટિકીટબારી પર ભીડ જોઈ હાશકારો પણ થયો. થિયેટર ચિક્કાર ભરેલું હતું એ જોઈ ખુશી વધી. પહેલી વાર સાઉથના નિર્માતા હોઈ ફિલ્મમાં સાઉથ ટચ હશે તેવી અપેક્ષા સાથે ફિલ્મ જોઈ.

ડી. રામાનાયડુ પ્રસ્તુતિ અને અવિરાજ દિગ્દર્શિત ફિલ્મ મોટાભા એ પારિવારિક વાર્તા પર આધારિત છે. આ વાર્તા મોટાભાની આસપાસ ગુથાયેલી રહે છે. મોટાભાએટલે કે ધર્મરાજસિંહ ગોહિલ  એક એવું વ્યક્તિત્વ કે જે પરિવારને હૂફ આપવા... પરિવારને એક રાખવા બધું ન્યોછાવર કરી દે છે. પણ સંજોગો એવા સર્જાય છે કે મોટાભાના પરિવારનો માળો વીંખાઈ જાય છે. મોટાભાને ત્રણ ભાઈઓ હોવા છતાં તેમને છેક સુધી સાથ આપનાર એક જ ભાઈ રહે છે. મોટાભાને ઉપકારનો બદલો અપકારથી મળે છે. તેમને જશને બદલે અપજશ મળે છે. તે હંમેશા સુખ વહેચતા ફરતા હોય છે.. પણ વિધાતા તેમના નસીબમાં લખે છે. નર્યું દુખ. આ જ ફિલ્માં એક સંવાદ મુજબ કૌરવો અને પાંડવોની લડાઈમાં છેવટે બાણથી વિંધાય છે ભીષ્મ. કંઈક આવી જ હાલત થાય છે આ ફિલ્મમાં મોટાભાની. 

મોટાભાના કિરદારમાં કિરણ કુમાર રંગ જમાવે છે.  કિરણ કુમારના સૌથી નાનાભાઈના પાત્રમાં હિતુ ખીલી ઉઠે છે. સાથે મોના થીબા પણ મનને ફાવે તે જ કરવા વાળી મનસ્વિનીના પાત્રને ન્યાય આપે છે.  તો પદમારાણી અને રાગિણી જેવા ધરખમ કલાકારો હોઈ અભિનયનું પાસું સશકત છે. ફિલ્મમા મજ્જા પડી જાય તેવી બાબત છે ફિલ્મના મસ્ત ગીતો.. "એ છોરી.. '' અને ''કે ને મારા કાન કુંવર, i love you કહી દે'' જેવા ગીતો આજની પેઢીને સો ટકા ગમે ગમે ને ગમે જ.((જો કે, હું જે થીયેટરમાં ફિલ્મ જોવા ગયો ત્યાં કમનસીબે સાઉન્ડ એટલું ખરાબ હતું કે સંગીતકાર ઇકબાલ દરબાર અને દિગ્દર્શકે કરેલી મહેનત એ ખરાબ સાઉન્ડમા દબાઇ જાય.)) ગીતમા કોસ્ચ્યુમ-લોકેશન પણ ગમી જાય તેવા છે. ગુજરાતી ફિલ્મ્સના ગીત બીબાઢાળ રાગ થી હટીને આવા થઇ જાય એટલે તો બાપુ મોજ પડી જાય ને.. હિતુ-મોનાનું ટ્યુનીંગ જોતા ડાન્સ તો ધમ્માલ જ હોય એમાં બેમત નથી. અત્યારે બની રહેલી ફિલ્મ્સની સરખામણીએ નિર્માણ પણ સારું હતું. બસ જે વાત ખટકી તે એ કે.. દમદાર સ્ક્રિપ્ટના અભાવે આખીય ફિલ્મ જોયા બાદ મન પર હાવી થઇ જાય તેવું કોઈ પણ પાત્ર નથી. જે અપેક્ષા ના સંતોષાઈ તે એ કે સાઉથના નિર્માતા હોઈ ફિલ્મના એડીટીંગમાં સાઉથ ટચ જોવા મળશે તેમ હતું . પણ માત્ર છેલ્લે હિતુ પર થઇ રહેલા હુમલાને રોકવા કિરણ કુમાર ખેસથી તલવાર હટાવે છે. તે એક સીન સિવાય સાઉથ ટચ ક્યાંય સ્પર્શી ના શક્યો. 
હાલ જયારે પ્રેમ કહાણીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે પારિવારિક વાર્તા સાથે આવવું એ પણ એક સાહસ જ છે. આ સાહસમાં સહભાગી થનાર ટીમને અભિનંદન. 

Thursday, 28 January 2010

હિતેન કુમારનો મુક અભિનય બોલે છે

          હમણાં એક ફિલ્મ જોઈ. તેનું નામ છે, ''રાધા મારા રુદિયાની રાણી''. આ ફિલ્મની સૌથી મજાની વાત એ છે કે ફિલ્મનો નાયક મૂંગો છે. વગર બોલ્યે દર્શકો સુધી એક એક સંવાદ પહોચાડવાનો.. એટલે અભિનય ક્ષમતાની પૂરે પૂરી કસોટી. આ કસોટીમાં પર ઉતર્યા હિતેન કુમાર. આ ફિલ્મ મેં ત્રીજા અઠવાડિયે જોઈ. જોવા ગયો ત્યારે ત્રીજું સપ્તાહ હોઈ દર્શકો ઓછા હતા, પણ જેટલા હતા એ સૌને ફિલ્મ ભલે ના ગમે પણ હિતેન કુમારનું કિરદાર ગમી ગયું હશે એની સો ટકા ખાતરી. 
              વિમલ અને રાધા નામના બે ભાઈ બહેન, અને તેમનો લાખો નામનો ધરમનો ભાઈ.. ત્રણેય વચ્ચેના હેતના બંધનની આંટીઘૂંટીની વાત છે આ ફિલ્મમાં. મૂંગા વિમલના જીવનમાં આવતી એક પછી એક મુશ્કેલી અને તેનો વિમલ કઈ રીતે સામનો કરે છે તેનું નિરૂપણ કરાયું છે આ ફિલ્મમાં.     વિમલ અને પૂજાની પ્રેમ કહાણી પાંગરે એ પહેલા જ કરમાઈ જાય તે કરુણતા બતાવી છે આ ફિલ્મમાં.   પ્રેમિકાના મોત બાદ આક્રંદ કરતા હિતેન કુમારને જોઈ રૂવાંટા ચોક્કસ ઉભા થઇ જાય. તો સપના અને લાખાની પ્રેમ કહાણી શરુઆતમાં ગલગલીયા કરાવે છે. વાત રહી ત્રીજી પ્રેમ કહાણીની. તો નીતિન અને રાધાની પ્રેમ કહાણી સાવ સરળ બતાવી છે. વળી ગળાડૂબ પ્રેમ કરતો નીતિન અચાનક વિશ્વાસ ખોઈ બેસે અને પોતાની પ્રેમિકાને બેવફા માનવા લાગે એ સ્વીકારવું અઘરું લાગ્યું. 
આખી ફિલ્મ જોયા પછી એક વિચાર આવ્યો.. જો આ ફિલ્મમાં હિતેન કુમારના ભાગે બોલવાનું આવ્યું હોત તો.. ? કારણ કે, એક પણ સંવાદ બોલ્યા વગર હિતેન કુમારના નામે ફિલ્મ બોલે છે. આખી ફિલ્મ હિતેન કુમાર, જીત ઉપેન્દ્ર અને વિભૂતિ ખેંચી જાય છે. ગાયકમાંથી નાયક બનવા આવેલા નીતિન બારોટનો આખીયે ફિલ્મમાં ક્યાય ગજ વાગતો નથી. હિતેન કુમાર-કિરણ આચાર્ય, જીત ઉપેન્દ્ર- સપના અને નીતિન- વિભૂતિ એમ ત્રણેય જોડી વચ્ચે પાંગરતી પ્રેમ કહાણી આ ફિલ્મમાં બતાવી છે. આ જોડીઓમાં નીતિન સાવ નવો નિશાળીયો છે એ ચોખ્ખું દેખાઈ આવે છે. દેખાવે પણ દર્શકો તેને નાયક તરીકે સ્વીકારે એ વાત ગળે ઉતરે તેવી નથી. વળી, વિરહી ગીતોનો દર્દીલો ગાયક નીતિન બારોટ પહેલી વાર પરદા પર કહી ને જે રીતે તેને પ્રમોટ કરાયો, તે જ વાત સાબિત કરવા પરાણે દર્દીલા વિરહી ગીતો તેની પાસે કલાઈમેક્સમાં ગવરાવ્યા એ સહન કરવું પણ અઘરું હતું. કારણ જે રીતે કલાઈમેક્સ જામ્યો હતો ત્યારે વચ્ચે વચ્ચે એ ગીત અને શાયરીનો મારો ચલાવાય એ દર્શકને કઈ રીતે પસંદ પડે ? 
એક ગાયક  નાયક તરીકે ચાલી જાય એટલે પાછળ બીજા ગાયકોને નાયક તરીકે લઇ ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ જે રીતે શરુ થયો છે એ કદાચ નિર્માતાને થોડોક આર્થિક લાભ કરાવી જાય.. અથવા ચાલી ગયેલા ગાયક સામે બીજા ગાયકને ઉતર્યાનો માનસિક સંતોષ મળે.. પણ એ સંતોષ લાંબે ગાળે ફિલ્મ ઉદ્યોગને નુકસાન પહોચાડનાર છે એ કેમ ભૂલી જવાય છે ? ગાયકને ગાયક રહેવા દો, નાહકના નાયક બનાવી તેમને દર્શકોની નજરમાંથી શા માટે ઉતારો છો ? 

Monday, 25 January 2010

''હારુન અરુણ''ને એવોર્ડ બે, થિયેટર એક પણ નહિ !! વાહ રે ગુજરાત



           વધુ એક વાર ગુજરાતનું ગૌરવ ઝળક્યું આંતરરાષ્ટ્રીય સ્તરે.. આ વખતે પણ નિમિત બની ગુજરાતી બાળ ફિલ્મ 'હારુન-અરુણ'.  ઢાકામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં વિનોદ ગણાત્રા દિગ્દર્શિત આ ફિલ્મ 'જુવેનાઇલ ઓડિયન્સ એવોર્ડ' મેળવી સિદ્ધિનું એક છોગું પોતાના શિરે લગાવી ગઈ. ચિલ્ડ્રન્સ સોસાયટી દ્વારા નિર્મિત આ ફિલ્મે બીજી સફળતા મેળવી છે. આ પહેલા હારુન-અરુણે શિકાગોમાં ગુજરાતનો ડંકો વગાડ્યો હતો. ઉપર-છાપરી આ બીજી સફળતા મેળવનાર દિગ્દર્શક વિનોદ ગણાત્રા લાખ લાખ અભિનંદનના હકદાર છે. વિનોદ ગણાત્રા સાથે રાગિણીબહેન સહિતની ટીમ પણ અભિનંદનની અધિકારી છે. જે કોઈ ગુજરાતી આ સમાચાર જાણે તે કેટલો આનંદિત થઇ જાય.. જો કે, આ આનંદ વચ્ચે એક વાતનું દુખ અનુભવે કે આંતરરાષ્ટ્રીય સ્તરે નામ રોશન કરનારી ફિલ્મથી હજુ ગુજરાતની જનતા વંચિત છે. બોલો આટલી સારી ફિલ્મ હજી થિયેટરથી વંચિત છે. આ ફિલ્મ ક્યારે ગુજરાતના થિયેટરમાં આવશે એની રાહ ગુજરાતના સીનેરસિક જોઈ રહ્યા છે. યાર, એક તરફ સૌ કોઈ ફરિયાદ કરી રહ્યા છે કે, ગુજરાતી ફિલ્મ્સ સારી નથી હોતી. બીજી તરફ આટલી સારી ફિલ્મ જનતાને જોવા નથી મળતી. અરે ! બબ્બે આંતરરાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહમાં આ ફિલ્મને મળેલું સન્માન એ માત્ર, 'હારુન-અરુણ'નું  સન્માન નથી. માત્ર વિનોદ ગણાત્રા અને તેમની ટીમનું જ સન્માન નથી, પણ એ સન્માન છે ગુજરાતી ફિલ્મ જગતનું. એ સન્માન છે ગુજરાતી ભાષાની ફિલ્મનું. સન્માન છે ગુજરાતી ભાષાનું. જે ફિલ્મે આવું સન્માન અપાવ્યું છે એ ફિલ્મ થિયેટરમાં બતાવવા થિયેટર માલિકો વચ્ચે પડાપડી થવી જોઈએ. પણ અહી તો ઉલટી ગંગા છે. આ ફિલ્મ હજી પરદા પર નથી આવી એ જોતા તો એમ જ કહેવાય ને. ચિલ્ડ્રન્સ સોસાઈટી ઓફ ઇન્ડિયા દ્વારા આ ફિલ્મનું નિર્માણ સારી રીતે થાય એ માટે આર્થિક મદદ કરાઈ.. પણ હવે ખરી જરૂર તો તેને લોકો સુધી લઇ જવાની છે. નંદિતા દાસ ચિલ્ડ્રન્સ સોસાઈટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ પદે બિરાજેલા છે ત્યારે શું તેઓ એક ડગલું આગળ વધીને આ દિશામાં કશુંક નક્કર કરે તેવી આશા એક ગુજરાતી તરીકે અને એક ગુજરાતી સીને રસિક તરીકે હોય તો એમાં ખોટું કશું નથી. 
        સારી ફિલ્મને થિયેટર ના મળવું એ વિનોદ ગણાત્રા માટે નવું નથી. આ પહેલા તેમની જ ફિલ્મ ''હેડા હોડા'' વખતે  પણ આવું જ થયું હતું. ''હેડા હોડા'' પણ ઢગલાબંધ એવોર્ડ પોતાની ઝોળીમાં મેળવી ચુકી છે. અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડસ સમારોહની સફર કરી ચુકેલી આ ફિલ્મ હજુ સુધી આપણાં ગુજરાતના થિયેટર સુધી નથી પહોચી શકી. લો બોલો, આને શું કહીશું.. ? આપણાં ફૂટેલા નસીબ બીજું શું ? ''હેડા હોડા'' જેવી સારી ફિલ્મથી આપણે તો વંચિત રહ્યા છીએ. શું ''હારુન અરુણ''નું પણ એવું જ થશે ? આશા રાખીએ આ વખતે કોઈ સાચો ગુજરાતી જાગે અને ''હારુન-અરુણ''ને થિયેટર સુધી લઇ આવે. લઇ આવો યાર, આ ફિલ્મ જોયા બાદ ગુજરાતી ફિલ્મ્સ સારી નથી હોતી એવું કહેનારના મો સિવાઈ જશે એ નક્કી છે.. 

Friday, 1 January 2010

લાડવા નહિ પેંડા ખાવાનું ''બારમું''



સવાર સવારમાં છાપું આવે એટલે ઘણાને ટેવ હોય 'બેસણું' કોનું છે ને કોણ 'ગયું' એ પાનું ખોલવાની... મારી ટેવ હેડલાઈન્સ જોવાની છે, સિવાય કે શુક્રવાર. જો શુક્રવાર હોય તો  હેડલાઈન્સ છોડીને સીધું જ ફિલ્મ કઈ આવીને કઈ ગઈ એ જોવાની આદત. આ શુક્રવારે પણ આદત મુજબ છાપું ખોલ્યું ને મજ્જા પડી ગઈ. કારણ એ હતું કે તે દિવસે આપણું ઢોલીવુડ એ બોલીવુડની સમાંતર હતું. બે ફિલ્મ્સ બોલીવુડની ( ''રાત ગઈ બાત ગઈ'' અને ''બોલો રામ'' રીલીઝ થઇ અને બે  ઢોલીવુડની ( ''ધમ્માચકડી'' અને ''સજની છે દેશમાં ને વાલમ વિદેશમાં'' ) રીલીઝ થઇ. બોલીવુડની અગાઉ રીલીઝ થયેલી ''  થ્રી ઇડીયટસ''  અને ''પા'' ધૂમ મચાવે છે તો આપણી બે ફિલ્મો પણ હજુ પરદા પર છે.. ''તને પારકી માનું કે માનું પોતાની'' અને ''હૈયાની હાટડીમાં હેતના હસ્તાક્ષર''. બોલો કોઈ પણ ગુજરાતી સીને રસિકને મોજમાં લાવી દે તેવી વાત છે કે નહિ ? 
આ બધા કરતા મોજ આવે તેવી વાત તો હજુ બાકી છે. વાત જાણે એમ છે કે, આ અઠવાડીએ એક ગુજરાતી ફિલ્મનું ''બારમું'' બેઠું. જો જો પાછા કઈ સોગીયું ના વિચારતા આતો હરખાવાનું ''બારમું'' છે. લાડવા ખાવાનું નહી પેંડા ખાવાનું ''બારમું'' છે. તમે કહેશો કે એવું તો કયું ટાણું છે કે આટલો હરખ થાય.. ભાઈ કોઈ ગુજરાતી ફિલ્મ ૧૨ અઠવાડિયા પુરા કરે તો હરખ થાય કે નહિ ? હરસુખ પટેલ દિગ્દર્શિત અને વિક્રમ ઠાકોર અભિનીત ''તને પારકી માનું કે માનું પોતાની'' ફિલ્મનું આ બારમું સપ્તાહ છે. હાલ કોઈ હિન્દી ફિલ્મ ૧૦ અઠવાડિયા પુરા કરતી નથી ત્યારે આપણી ગુજરાતી ફિલ્મ બાર-બાર અઠવાડિયા ખેચી નાખે એથી રૂડું શું ? 
વિક્રમ અને હિતુ કનોડિયા અભિનીત ''પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય '' ફિલ્મે સિલ્વર જ્યુબીલી ઉજવી ત્યારે દેશની પહેલી સિલ્વર જ્યુબીલી ફિલ્મનો 'વિક્રમ' સ્થાપ્યો હતો.. ત્યારે વિક્રમની આ ફિલ્મે એની અર્ધી મંજિલ તો પૂરી કરી લીધી છે. બારમું સપ્તાહ ચાલી રહ્યું છે, અને આશાવાદી અભિગમથી વિચારીએ તો હવે માત્ર તેર સપ્તાહ જ બાકી છે. પછી સર્જાશે વધુ એક ગુજરાતી ફિલ્મ સિલ્વર જ્યુબીલી થવાનો 'વિક્રમ' .. જોકે હાલના ગુજરાતી સીને રસિકોની ઘટતી જતી સંખ્યાને જોતા તેર અઠવાડિયાનો મારગ કાપવો અઘરો છે... ખેર, બેસ્ટ ઓફ લક.. 
જીતેન્દ્ર બાંધણીયા, બુલેટીન પ્રોડ્યુસર, ટીવી ૯