Sunday, 7 February 2010

મોટાભા : ઘણા સમયે આવી એક પારિવારિક ફિલ્મ




બાર બાર વર્ષે કિરણ કુમાર ફરી ગુજરાતી ફિલ્મમાં આવવાના હોય એટલે સિનેરસિકને એ ફિલ્મ જોવાની ઉત્કંઠા જરૂર હોય. ગુજરાતી ફિલ્મ જગતના અભ્યાસુ અને ગુજરાતી ફિલ્મના રસિક તરીકે મને પણ એ ફિલ્મ જોવાની એટલી જ ઉત્કંઠા હતી. શુક્રવારે જ છેલા શો માં પહોચી ગયો થિયેટર પર. ટિકીટબારી પર ભીડ જોઈ હાશકારો પણ થયો. થિયેટર ચિક્કાર ભરેલું હતું એ જોઈ ખુશી વધી. પહેલી વાર સાઉથના નિર્માતા હોઈ ફિલ્મમાં સાઉથ ટચ હશે તેવી અપેક્ષા સાથે ફિલ્મ જોઈ.

ડી. રામાનાયડુ પ્રસ્તુતિ અને અવિરાજ દિગ્દર્શિત ફિલ્મ મોટાભા એ પારિવારિક વાર્તા પર આધારિત છે. આ વાર્તા મોટાભાની આસપાસ ગુથાયેલી રહે છે. મોટાભાએટલે કે ધર્મરાજસિંહ ગોહિલ  એક એવું વ્યક્તિત્વ કે જે પરિવારને હૂફ આપવા... પરિવારને એક રાખવા બધું ન્યોછાવર કરી દે છે. પણ સંજોગો એવા સર્જાય છે કે મોટાભાના પરિવારનો માળો વીંખાઈ જાય છે. મોટાભાને ત્રણ ભાઈઓ હોવા છતાં તેમને છેક સુધી સાથ આપનાર એક જ ભાઈ રહે છે. મોટાભાને ઉપકારનો બદલો અપકારથી મળે છે. તેમને જશને બદલે અપજશ મળે છે. તે હંમેશા સુખ વહેચતા ફરતા હોય છે.. પણ વિધાતા તેમના નસીબમાં લખે છે. નર્યું દુખ. આ જ ફિલ્માં એક સંવાદ મુજબ કૌરવો અને પાંડવોની લડાઈમાં છેવટે બાણથી વિંધાય છે ભીષ્મ. કંઈક આવી જ હાલત થાય છે આ ફિલ્મમાં મોટાભાની. 

મોટાભાના કિરદારમાં કિરણ કુમાર રંગ જમાવે છે.  કિરણ કુમારના સૌથી નાનાભાઈના પાત્રમાં હિતુ ખીલી ઉઠે છે. સાથે મોના થીબા પણ મનને ફાવે તે જ કરવા વાળી મનસ્વિનીના પાત્રને ન્યાય આપે છે.  તો પદમારાણી અને રાગિણી જેવા ધરખમ કલાકારો હોઈ અભિનયનું પાસું સશકત છે. ફિલ્મમા મજ્જા પડી જાય તેવી બાબત છે ફિલ્મના મસ્ત ગીતો.. "એ છોરી.. '' અને ''કે ને મારા કાન કુંવર, i love you કહી દે'' જેવા ગીતો આજની પેઢીને સો ટકા ગમે ગમે ને ગમે જ.((જો કે, હું જે થીયેટરમાં ફિલ્મ જોવા ગયો ત્યાં કમનસીબે સાઉન્ડ એટલું ખરાબ હતું કે સંગીતકાર ઇકબાલ દરબાર અને દિગ્દર્શકે કરેલી મહેનત એ ખરાબ સાઉન્ડમા દબાઇ જાય.)) ગીતમા કોસ્ચ્યુમ-લોકેશન પણ ગમી જાય તેવા છે. ગુજરાતી ફિલ્મ્સના ગીત બીબાઢાળ રાગ થી હટીને આવા થઇ જાય એટલે તો બાપુ મોજ પડી જાય ને.. હિતુ-મોનાનું ટ્યુનીંગ જોતા ડાન્સ તો ધમ્માલ જ હોય એમાં બેમત નથી. અત્યારે બની રહેલી ફિલ્મ્સની સરખામણીએ નિર્માણ પણ સારું હતું. બસ જે વાત ખટકી તે એ કે.. દમદાર સ્ક્રિપ્ટના અભાવે આખીય ફિલ્મ જોયા બાદ મન પર હાવી થઇ જાય તેવું કોઈ પણ પાત્ર નથી. જે અપેક્ષા ના સંતોષાઈ તે એ કે સાઉથના નિર્માતા હોઈ ફિલ્મના એડીટીંગમાં સાઉથ ટચ જોવા મળશે તેમ હતું . પણ માત્ર છેલ્લે હિતુ પર થઇ રહેલા હુમલાને રોકવા કિરણ કુમાર ખેસથી તલવાર હટાવે છે. તે એક સીન સિવાય સાઉથ ટચ ક્યાંય સ્પર્શી ના શક્યો. 
હાલ જયારે પ્રેમ કહાણીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે પારિવારિક વાર્તા સાથે આવવું એ પણ એક સાહસ જ છે. આ સાહસમાં સહભાગી થનાર ટીમને અભિનંદન. 

Thursday, 28 January 2010

હિતેન કુમારનો મુક અભિનય બોલે છે

          હમણાં એક ફિલ્મ જોઈ. તેનું નામ છે, ''રાધા મારા રુદિયાની રાણી''. આ ફિલ્મની સૌથી મજાની વાત એ છે કે ફિલ્મનો નાયક મૂંગો છે. વગર બોલ્યે દર્શકો સુધી એક એક સંવાદ પહોચાડવાનો.. એટલે અભિનય ક્ષમતાની પૂરે પૂરી કસોટી. આ કસોટીમાં પર ઉતર્યા હિતેન કુમાર. આ ફિલ્મ મેં ત્રીજા અઠવાડિયે જોઈ. જોવા ગયો ત્યારે ત્રીજું સપ્તાહ હોઈ દર્શકો ઓછા હતા, પણ જેટલા હતા એ સૌને ફિલ્મ ભલે ના ગમે પણ હિતેન કુમારનું કિરદાર ગમી ગયું હશે એની સો ટકા ખાતરી. 
              વિમલ અને રાધા નામના બે ભાઈ બહેન, અને તેમનો લાખો નામનો ધરમનો ભાઈ.. ત્રણેય વચ્ચેના હેતના બંધનની આંટીઘૂંટીની વાત છે આ ફિલ્મમાં. મૂંગા વિમલના જીવનમાં આવતી એક પછી એક મુશ્કેલી અને તેનો વિમલ કઈ રીતે સામનો કરે છે તેનું નિરૂપણ કરાયું છે આ ફિલ્મમાં.     વિમલ અને પૂજાની પ્રેમ કહાણી પાંગરે એ પહેલા જ કરમાઈ જાય તે કરુણતા બતાવી છે આ ફિલ્મમાં.   પ્રેમિકાના મોત બાદ આક્રંદ કરતા હિતેન કુમારને જોઈ રૂવાંટા ચોક્કસ ઉભા થઇ જાય. તો સપના અને લાખાની પ્રેમ કહાણી શરુઆતમાં ગલગલીયા કરાવે છે. વાત રહી ત્રીજી પ્રેમ કહાણીની. તો નીતિન અને રાધાની પ્રેમ કહાણી સાવ સરળ બતાવી છે. વળી ગળાડૂબ પ્રેમ કરતો નીતિન અચાનક વિશ્વાસ ખોઈ બેસે અને પોતાની પ્રેમિકાને બેવફા માનવા લાગે એ સ્વીકારવું અઘરું લાગ્યું. 
આખી ફિલ્મ જોયા પછી એક વિચાર આવ્યો.. જો આ ફિલ્મમાં હિતેન કુમારના ભાગે બોલવાનું આવ્યું હોત તો.. ? કારણ કે, એક પણ સંવાદ બોલ્યા વગર હિતેન કુમારના નામે ફિલ્મ બોલે છે. આખી ફિલ્મ હિતેન કુમાર, જીત ઉપેન્દ્ર અને વિભૂતિ ખેંચી જાય છે. ગાયકમાંથી નાયક બનવા આવેલા નીતિન બારોટનો આખીયે ફિલ્મમાં ક્યાય ગજ વાગતો નથી. હિતેન કુમાર-કિરણ આચાર્ય, જીત ઉપેન્દ્ર- સપના અને નીતિન- વિભૂતિ એમ ત્રણેય જોડી વચ્ચે પાંગરતી પ્રેમ કહાણી આ ફિલ્મમાં બતાવી છે. આ જોડીઓમાં નીતિન સાવ નવો નિશાળીયો છે એ ચોખ્ખું દેખાઈ આવે છે. દેખાવે પણ દર્શકો તેને નાયક તરીકે સ્વીકારે એ વાત ગળે ઉતરે તેવી નથી. વળી, વિરહી ગીતોનો દર્દીલો ગાયક નીતિન બારોટ પહેલી વાર પરદા પર કહી ને જે રીતે તેને પ્રમોટ કરાયો, તે જ વાત સાબિત કરવા પરાણે દર્દીલા વિરહી ગીતો તેની પાસે કલાઈમેક્સમાં ગવરાવ્યા એ સહન કરવું પણ અઘરું હતું. કારણ જે રીતે કલાઈમેક્સ જામ્યો હતો ત્યારે વચ્ચે વચ્ચે એ ગીત અને શાયરીનો મારો ચલાવાય એ દર્શકને કઈ રીતે પસંદ પડે ? 
એક ગાયક  નાયક તરીકે ચાલી જાય એટલે પાછળ બીજા ગાયકોને નાયક તરીકે લઇ ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ જે રીતે શરુ થયો છે એ કદાચ નિર્માતાને થોડોક આર્થિક લાભ કરાવી જાય.. અથવા ચાલી ગયેલા ગાયક સામે બીજા ગાયકને ઉતર્યાનો માનસિક સંતોષ મળે.. પણ એ સંતોષ લાંબે ગાળે ફિલ્મ ઉદ્યોગને નુકસાન પહોચાડનાર છે એ કેમ ભૂલી જવાય છે ? ગાયકને ગાયક રહેવા દો, નાહકના નાયક બનાવી તેમને દર્શકોની નજરમાંથી શા માટે ઉતારો છો ? 

Monday, 25 January 2010

''હારુન અરુણ''ને એવોર્ડ બે, થિયેટર એક પણ નહિ !! વાહ રે ગુજરાત



           વધુ એક વાર ગુજરાતનું ગૌરવ ઝળક્યું આંતરરાષ્ટ્રીય સ્તરે.. આ વખતે પણ નિમિત બની ગુજરાતી બાળ ફિલ્મ 'હારુન-અરુણ'.  ઢાકામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં વિનોદ ગણાત્રા દિગ્દર્શિત આ ફિલ્મ 'જુવેનાઇલ ઓડિયન્સ એવોર્ડ' મેળવી સિદ્ધિનું એક છોગું પોતાના શિરે લગાવી ગઈ. ચિલ્ડ્રન્સ સોસાયટી દ્વારા નિર્મિત આ ફિલ્મે બીજી સફળતા મેળવી છે. આ પહેલા હારુન-અરુણે શિકાગોમાં ગુજરાતનો ડંકો વગાડ્યો હતો. ઉપર-છાપરી આ બીજી સફળતા મેળવનાર દિગ્દર્શક વિનોદ ગણાત્રા લાખ લાખ અભિનંદનના હકદાર છે. વિનોદ ગણાત્રા સાથે રાગિણીબહેન સહિતની ટીમ પણ અભિનંદનની અધિકારી છે. જે કોઈ ગુજરાતી આ સમાચાર જાણે તે કેટલો આનંદિત થઇ જાય.. જો કે, આ આનંદ વચ્ચે એક વાતનું દુખ અનુભવે કે આંતરરાષ્ટ્રીય સ્તરે નામ રોશન કરનારી ફિલ્મથી હજુ ગુજરાતની જનતા વંચિત છે. બોલો આટલી સારી ફિલ્મ હજી થિયેટરથી વંચિત છે. આ ફિલ્મ ક્યારે ગુજરાતના થિયેટરમાં આવશે એની રાહ ગુજરાતના સીનેરસિક જોઈ રહ્યા છે. યાર, એક તરફ સૌ કોઈ ફરિયાદ કરી રહ્યા છે કે, ગુજરાતી ફિલ્મ્સ સારી નથી હોતી. બીજી તરફ આટલી સારી ફિલ્મ જનતાને જોવા નથી મળતી. અરે ! બબ્બે આંતરરાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહમાં આ ફિલ્મને મળેલું સન્માન એ માત્ર, 'હારુન-અરુણ'નું  સન્માન નથી. માત્ર વિનોદ ગણાત્રા અને તેમની ટીમનું જ સન્માન નથી, પણ એ સન્માન છે ગુજરાતી ફિલ્મ જગતનું. એ સન્માન છે ગુજરાતી ભાષાની ફિલ્મનું. સન્માન છે ગુજરાતી ભાષાનું. જે ફિલ્મે આવું સન્માન અપાવ્યું છે એ ફિલ્મ થિયેટરમાં બતાવવા થિયેટર માલિકો વચ્ચે પડાપડી થવી જોઈએ. પણ અહી તો ઉલટી ગંગા છે. આ ફિલ્મ હજી પરદા પર નથી આવી એ જોતા તો એમ જ કહેવાય ને. ચિલ્ડ્રન્સ સોસાઈટી ઓફ ઇન્ડિયા દ્વારા આ ફિલ્મનું નિર્માણ સારી રીતે થાય એ માટે આર્થિક મદદ કરાઈ.. પણ હવે ખરી જરૂર તો તેને લોકો સુધી લઇ જવાની છે. નંદિતા દાસ ચિલ્ડ્રન્સ સોસાઈટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ પદે બિરાજેલા છે ત્યારે શું તેઓ એક ડગલું આગળ વધીને આ દિશામાં કશુંક નક્કર કરે તેવી આશા એક ગુજરાતી તરીકે અને એક ગુજરાતી સીને રસિક તરીકે હોય તો એમાં ખોટું કશું નથી. 
        સારી ફિલ્મને થિયેટર ના મળવું એ વિનોદ ગણાત્રા માટે નવું નથી. આ પહેલા તેમની જ ફિલ્મ ''હેડા હોડા'' વખતે  પણ આવું જ થયું હતું. ''હેડા હોડા'' પણ ઢગલાબંધ એવોર્ડ પોતાની ઝોળીમાં મેળવી ચુકી છે. અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડસ સમારોહની સફર કરી ચુકેલી આ ફિલ્મ હજુ સુધી આપણાં ગુજરાતના થિયેટર સુધી નથી પહોચી શકી. લો બોલો, આને શું કહીશું.. ? આપણાં ફૂટેલા નસીબ બીજું શું ? ''હેડા હોડા'' જેવી સારી ફિલ્મથી આપણે તો વંચિત રહ્યા છીએ. શું ''હારુન અરુણ''નું પણ એવું જ થશે ? આશા રાખીએ આ વખતે કોઈ સાચો ગુજરાતી જાગે અને ''હારુન-અરુણ''ને થિયેટર સુધી લઇ આવે. લઇ આવો યાર, આ ફિલ્મ જોયા બાદ ગુજરાતી ફિલ્મ્સ સારી નથી હોતી એવું કહેનારના મો સિવાઈ જશે એ નક્કી છે.. 

Friday, 1 January 2010

લાડવા નહિ પેંડા ખાવાનું ''બારમું''



સવાર સવારમાં છાપું આવે એટલે ઘણાને ટેવ હોય 'બેસણું' કોનું છે ને કોણ 'ગયું' એ પાનું ખોલવાની... મારી ટેવ હેડલાઈન્સ જોવાની છે, સિવાય કે શુક્રવાર. જો શુક્રવાર હોય તો  હેડલાઈન્સ છોડીને સીધું જ ફિલ્મ કઈ આવીને કઈ ગઈ એ જોવાની આદત. આ શુક્રવારે પણ આદત મુજબ છાપું ખોલ્યું ને મજ્જા પડી ગઈ. કારણ એ હતું કે તે દિવસે આપણું ઢોલીવુડ એ બોલીવુડની સમાંતર હતું. બે ફિલ્મ્સ બોલીવુડની ( ''રાત ગઈ બાત ગઈ'' અને ''બોલો રામ'' રીલીઝ થઇ અને બે  ઢોલીવુડની ( ''ધમ્માચકડી'' અને ''સજની છે દેશમાં ને વાલમ વિદેશમાં'' ) રીલીઝ થઇ. બોલીવુડની અગાઉ રીલીઝ થયેલી ''  થ્રી ઇડીયટસ''  અને ''પા'' ધૂમ મચાવે છે તો આપણી બે ફિલ્મો પણ હજુ પરદા પર છે.. ''તને પારકી માનું કે માનું પોતાની'' અને ''હૈયાની હાટડીમાં હેતના હસ્તાક્ષર''. બોલો કોઈ પણ ગુજરાતી સીને રસિકને મોજમાં લાવી દે તેવી વાત છે કે નહિ ? 
આ બધા કરતા મોજ આવે તેવી વાત તો હજુ બાકી છે. વાત જાણે એમ છે કે, આ અઠવાડીએ એક ગુજરાતી ફિલ્મનું ''બારમું'' બેઠું. જો જો પાછા કઈ સોગીયું ના વિચારતા આતો હરખાવાનું ''બારમું'' છે. લાડવા ખાવાનું નહી પેંડા ખાવાનું ''બારમું'' છે. તમે કહેશો કે એવું તો કયું ટાણું છે કે આટલો હરખ થાય.. ભાઈ કોઈ ગુજરાતી ફિલ્મ ૧૨ અઠવાડિયા પુરા કરે તો હરખ થાય કે નહિ ? હરસુખ પટેલ દિગ્દર્શિત અને વિક્રમ ઠાકોર અભિનીત ''તને પારકી માનું કે માનું પોતાની'' ફિલ્મનું આ બારમું સપ્તાહ છે. હાલ કોઈ હિન્દી ફિલ્મ ૧૦ અઠવાડિયા પુરા કરતી નથી ત્યારે આપણી ગુજરાતી ફિલ્મ બાર-બાર અઠવાડિયા ખેચી નાખે એથી રૂડું શું ? 
વિક્રમ અને હિતુ કનોડિયા અભિનીત ''પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય '' ફિલ્મે સિલ્વર જ્યુબીલી ઉજવી ત્યારે દેશની પહેલી સિલ્વર જ્યુબીલી ફિલ્મનો 'વિક્રમ' સ્થાપ્યો હતો.. ત્યારે વિક્રમની આ ફિલ્મે એની અર્ધી મંજિલ તો પૂરી કરી લીધી છે. બારમું સપ્તાહ ચાલી રહ્યું છે, અને આશાવાદી અભિગમથી વિચારીએ તો હવે માત્ર તેર સપ્તાહ જ બાકી છે. પછી સર્જાશે વધુ એક ગુજરાતી ફિલ્મ સિલ્વર જ્યુબીલી થવાનો 'વિક્રમ' .. જોકે હાલના ગુજરાતી સીને રસિકોની ઘટતી જતી સંખ્યાને જોતા તેર અઠવાડિયાનો મારગ કાપવો અઘરો છે... ખેર, બેસ્ટ ઓફ લક.. 
જીતેન્દ્ર બાંધણીયા, બુલેટીન પ્રોડ્યુસર, ટીવી ૯ 

Wednesday, 23 December 2009

શૂટિંગ ! મસ્ટ ગો ઓન...



કોઈ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થવાના આરે હોય.. માત્ર કલાઈમેક્સ જ બાકી હોય.... ફાઈટસીન ચાલતો હોય  અને અચાનક ફિલ્મના હીરોને વાગી જાય તો.. આવું જ બન્યું નિર્માતા-દિગ્દર્શક હરીશ પટેલની ફિલ્મ ''તું તો સાજણ મારા કાળજે કોરાણી''ના શૂટિંગ દરમિયાન. ફાઈટ દરમિયાન સુપરસ્ટાર હિતુ કનોડિયાને હાથના ભાગે ઈજા પહોચી. સંજોગવસાત આ શૂટિંગ વખતે નરેશ કનોડિયા પણ હાજર હતા. તત્કાલ હિતુ કનોડિયાને લઇ જઈ હાલોલના જ એક ડોકટરને બતાવ્યું. ઓર્થોપેડિક ડોકટરે જે નિદાન કર્યું તે ફિલ્મને બે મહિના સુધી મુશ્કેલીમાં મૂકી દે તેવું હતું... ડોકટરે કહ્યું કે, હાથનો પાટો બે મહિના સુધી ખોલવો નહિ. જો આમ થાય તો ફિલ્મ નું માત્ર બે જ દિવસ નું બાકી શૂટિંગ બે મહિના સુધી રોકવું પડે. પ્રોડ્યુસર-ડિરેક્ટર સહીત આખો કાફલો મુશ્કેલીમાં મુકાય એ વધારામાં... વળી, આમ કરવાથી ફિલ્મ પણ બે મહિના ખોરંભે ચડી જાય એમ હતી. પોતાને કારણે ફિલ્મ અને નિર્માતા-દિગ્દર્શકને નુકસાન પહોચે તેવું કરે એ હિતુ કનોડિયા શાના ? તેમણે વિચાર્યું શો મસ્ટ ગો ઓન ... અને હિતુએ હાથ પર પાટો હોવા છતા શરુ કર્યું શૂટિંગ. અમુક ટ્રિકશોટ આપીને ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું. 

આ આખોય કિસ્સો જાણવા મળ્યો હિતુ કનોડિયાના પિતાશ્રી અને ગુજરાતના લાડીલા સ્ટાર નરેશ કનોડિયા પાસેથી. અગાઉ પણ એક વાર હિતુના પગમાં ઈજા હોવા છતાં તેઓ શૂટિંગ વખતે પગ વાળીને બેઠા નહોતા. કદાચ આવી ભાવનાને કારણે જ કલાકારો કહેતા હશે... શૂટિંગ ! ( શો ) મસ્ટ ગો ઓન... આ ફિલ્મના ટાઈટલને જોતા તો હિતુ વિશે એમ કહેવાય કે, અભિનય તો તારા કાળજે કોરાણો.. 
જીતેન્દ્ર બાંધણીયા, બુલેટીન પ્રોડ્યુસર, ટીવી ૯, ગુજરાત 

Wednesday, 16 December 2009

હારુન અરુણ : મોટેરા ને ગમે તેવી બાળ ફિલ્મ



'હારુન-અરુણ' ને આન્તરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યાનું વાચ્યું ત્યારથી તે ફિલ્મ જોવાની મનસા હતી. રાહ હતી તેના થિયેટરમાં આવવાની. હજુ થિયેટરમાં તો એ નથી આવી પણ 'નઝરીયા' દ્વારા યોજવામાં આવેલા પીસ ફિલ્મ ફેસ્ટીવલમાં જોવા મળેલી આપણી ગૌરવવંતી ફિલ્મ એટલે 'હારુન-અરુણ'. ગૌરવવંતી એટલા માટે કે આ ફિલ્મે વિદેશમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે. પીસ ફિલ્મનો એવોર્ડ મેળવનારી આ ગુજરાતી બાળ ફિલ્મ વિષે કેટલા ગુજરાતીઓ જનતા હશે ખબર નથી, પણ એટલું ચોક્કસ છે કે જે ગુજરાતીઓ જનતા હશે તેમની છાતી ગજગજ ફૂલતી હશે. ગર્વ થવાનું સીધું કારણ છે, લોકો આમ પણ ગુજરાતી ફિલ્મના નામથી નાકનું ટેરવું ચઢાવે છે તેવે ટાણે કચ્છીધરા પર એક કચ્છીમાંડુંએ બનાવેલી આ ફિલ્મની નોંધ વિદેશમાં લેવાઈ છે.
હિન્દુસ્તાનના ભાગલા પડીને ભારત અને પાકિસ્તાન થયા ત્યારે મને કમને છુટા પડેલા લોકની વાત છે આ ફિલ્મમાં. લખપતના રશીદ સુલેમાંનના પરિવારના પણ દેશ સાથે ભાગ પડી ગયા. વર્ષો બાદ તેમાં માત્ર બે જ જણ બચે છે, રાશીદ અને તેનો પૌત્ર હારુન. રશીદ પોતાની આવરદા પૂરી થાય એ પહેલા હરુનને લખપત પહોચાડવા માંગતો હોય છે. એક રાતે બંને સરહદ પર કરે છે. પણ સંજોગ તેમને વિખુટા પડે છે. એકલો પડેલો હારુન ત્રણ બાળકોને મળે છે. તે બાળકો હારુનને પોતાના ઘરે લઇ જાય છે. પોતાની માં વાલબાઈથી સંતાડીને રાખે છે. આ બાળકોને હારૂને પોતાનું નામ હારુન જ કહ્યું હોય છે, પણ બાળકો સમજે છે અરુણ. અને આ રીતે હારુન થઇ જાય છે અરુણ. એ પછી સર્જાતી એક પછી  એક ઘટમાળને કરને હારુન ન માત્ર વાલબાઈ પણ આખાયે ગામને ઘેલું લગાડે છે.
રણની સફેદ ચાદર ઓઢેલા કચ્છની ધરા પર કચ્છી સર્જક ફિલ્મ કચકડે મઢે એટલે તેમાં સર્જનાત્મકતા સાથે ભાવના પણ ભળે. વિનોદ ગણાત્રાની આ ફિલ્મની નોંધ સ્થાનિક સ્તરે ન લેવાય એના કરતા વધુ દુખ એક ફિલ્મ રસિક હોવાને નાતે એ થાય છે કે હજુ આ ફિલ્મ થિયેટર સુધી નથી પહોચી. જો કે, સવાલ એ  પણ છે કે માત્ર બોક્ષ ઓફિસ સાથે નિસ્બત ધરાવતા થિયેટરમાં આ ફિલ્મ આવી પણ જાય તો તેના સુધી દર્શકો આવશે ખરા ? કારણ કે મોટાભાગના લોકો તો ગુજરાતી ફિલ્મનું નામ સંભાળતા જ નાકનું ટેરવું ચડાવે છે. ત્યારે આ તો ગુજરાતી પણ ખરી અને વધુમાં બાળફિલ્મ.!! બાળફિલ્મના નામથી સોગીયું ડાચું કરનારાઓને મારો એક જ સવાલ છે કે, અલ્યાઓ તમે તમારા ટેણીયાઓને લઇ  હેરી પોટર જોવા હોંશે હોંશે જાવ છો.. એ બાળફિલ્મ નથી ? તો પોતાની ભાષામાં બનેલી, આંતરરાષ્ટ્રીય ખ્યાતી પામેલી બાળફિલ્મથી સુગ શાને ? એક વાર હારુન અરુણ જુઓ, પછી કદાચ તમે કહી પણ નહિ શકો કે ગુજરાતી ફિલ્મ સારી નથી હોતી. હારુન અરુણ છે તો બાળફિલ્મ પણ છે મોટેરાઓને પણ ગમે તેવી.
અભિનંદન વિનોદભાઈ, ધીરુબહેન, રાગિણીબહેન અને આખીયે ટીમને.
જીતેન્દ્ર બાંધણીયા, બુલેટીન પ્રોડ્યુસર, ટીવી-૯ ગુજરાત  

Friday, 11 December 2009

અદલા બદલી : આવી ફિલ્મ્સ બદલશે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનું ભાવી

આમ તો પહેલા જ સપ્તાહે ફિલ્મ જોવાની ઈચ્છા હોય છે. પણ શું થાય સમય કાયમ સાથ નથી દેતો ને ? ફિલ્મ જોઈ ને રીવ્યુ દઈશ તેવું પ્રોમિસ મનોજભાઈને આપવા છતાં એક અઠવાડિયા સુધી ફિલ્મ ન જોઈ શકવાનો વસવસો રહ્યો. જો કે, મજા ની વાત એ છે કે જેવી આજે ફિલ્મ જોઈ કે, હસી હસીને એ વસવસો બહાર નીકળી ગયો. ખરેખર મજા પડે તેવી વાત લઇ ને આવ્યા છે મનોજભાઈ. તેમને ફરી એકવાર સાબિત કર્યું કે મનોજ નથવાણી એટલે કંઈક નવું. મુન્ના ટપોરીના કિરદારમાં પંકજ ગોસ્વામી 'રાપ્ચિક' લાગે છે, તો વિભૂતિ ટપોરી ડાયલોગ્સ બોલતી વખતે 'ઢીંચાક' લાગે છે. નિર્મિત પ્રેમ ના કિરદારમાં ખીલ્યો. જોવાની મજા પડે અને દર્શકોને ખડખડાટ હસાવવામાં મજા પડે તેવા સંવાદ અને અભિનય છે જીતું પંડ્યાનો. રાઠોડ એટલે લાંચિયા પોલીસના પાત્રને પરદે જીવંત કરનાર પાત્ર. સ્વર્ગલોકના દરેક 'કેરેક્ટર' પણ હસાવતા રહ્યા. ગુજરાતીમાં ટપોરી 'ડાયલોગ્સ' સાંભળવાની પણ મજા પડી. પૃથ્વીથી સ્વર્ગલોકની સફર કરાવતી વાર્તા જકડી રાખે છે. જોકે, સ્વર્ગ માં મુન્નો થોડીવાર ચુપ રહે એ નથી ગમતું. પણ પછી શરુ થાય છે હસાહસ.

પ્રેમ ઝંખતો મુન્નો અને પ્રેમ કરવા છતાં એકરાર ન કરી શકતો પ્રેમ અને તે બંને જેને પ્રેમ કરે છે તે પૂજા વચ્ચેની પ્રેમ કહાણી એટલે પ્રેમ અને દોસ્તીની 'અદલા બદલી'. મરદા માટેના મશીનની શોધ અને તેના થકી જ અજાણતા મુન્નાને મળતું નવજીવન એટલે જીવન અને મોતની 'અદલા બદલી'. ચિત્રગુપ્ત દ્વારા પ્રેમના બદલે મુન્નાનો જીવ લઇ જેવાની વાત એટલે જીવની 'અદલા બદલી'.

ભલે દર્શકો અપેક્ષા કરતા ઓછા મળે પણ જો નિર્માતા-દિગ્દર્શક દ્વારા આવી ફિલ્મ બનાવવાનું શરુ રખાય તો એવો દિવસ ચોક્કસ આવે કે બોલીવુડ અને ગુજરાતી ફિલ્મના દર્શકોની 'અદલા બદલી' પણ થઇ શકે.

જીતેન્દ્ર બાંધણીયા, બુલેટીન પ્રોડ્યુસર, ટીવી-૯ ગુજરાત 10:07 pm