Showing posts with label ગુજરાતી ફિલ્મ. Show all posts
Showing posts with label ગુજરાતી ફિલ્મ. Show all posts

Saturday, 12 March 2011

.... તો સિને ઈન્ડસ્ટ્રીથી બદલાવ છેટો નહી રહે

બોક્સ ઓફિસ પર ફિફ્ટી ફટકારી
       ગુજરાતી ફિલ્મ 55 દાડા પૂરા કરે એ રૂડી વાત કહેવાય. ને આ રૂડી વાત લાવનારી ફિલ્મ એટલે ફિલ્મ પ્રાણ જાયે પણ પ્રીત ન જાયે. આ ફિલ્મ આટ-આટલા દાડા થિયેટરમાં ખેંચી નાખે એ જ મોજ લાવી દે તેવી વાત છે. જો કે, આ તો કંઈ નથી. આથી પણ વધુ મોજ લાવી દે તેવી વાત એ છે કે, કદાચ એવું જલદી બને કે ગુજરાતી સિનેમાનો સારો યુગ પૂન: આવે. આ માટેના સંકેતો તો હાલ મળી રહ્યા છે. ટીવી નાઈનને આપેલાં એક ઈન્ટરવ્યૂમાં બોલિવૂડના અભિનેતા-લેખક-દિગ્દર્શક નિરજ વોરાએ ગુજરાતી ફિલ્મ બનાવવાના એંધાણ આપ્યા. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે, છેલ્લા સવા વરસથી તેઓ ગુજરાતી ફિલ્મ બનાવવાની તૈયારીઓ આદરી રહ્યા છે. ને હા, એમની ફિલ્મ પણ એક-બે નહી પણ એ હશે સાત-આઠ જેટલી. જો નિરજ વોરા બોલ્યુ પાળે તો ગુજરાતી સિને ઈન્ડસ્ટ્રીથી બદલાવ છેટો નહી રહે.
સાત-આઠ ગુજરાતી ફિલ્મ્સનું પ્લાનિંગ છે
એબીસીકોર્પ બનાવશે ગુજરાતી ફિલ્મ
                                                                                  ન માત્ર ઢોલિવૂડ પણ બોલિવૂડમાં પણ ચર્ચાનો વિષય બને તેવા બીજા સમાચાર એ છે કે, ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનની એબીસીકોર્પ લિ. હવે ગુજરાતી ફિલ્મ બનાવશે. આ વાતને નિરજ વોરા સહિત અન્ય કેટલીક હસ્તીઓએ સમર્થન આપ્યું છે. મતલબ, આ વાતમાં પણ દમ છે. ને જો એબીસીકોર્પ દ્વારા ગુજરાતી ફિલ્મનું નિર્માણ થશે તો એ ફિલ્મ પણ અલગ હશે એમાં બેમત નથી. જો બિગ-બીની કંપની ગુજરાત આવશે તો ગુજરાતી સિને ઈન્ડસ્ટ્રીથી બદલાવ છેટો નહી રહે.
એકાદ ફિલ્મનું પ્લાનિંગ તો ખરુ જ
         અભિનયના દમ પર બોલિવૂડમાં પોતાનો સિક્કો જમાવનારા મનોજ જોષી પણ ગુજરાતી  સિને ઈન્ડસ્ટ્રી માટે કંઈક નવું કરવાની ખેવના ધરાવે છે.  તેમણે તો બે-પાંચ ઉદ્યોગપતિઓને હાકલ કરી છે કે, એ ભેગા થાય, હિન્દીમાં નામના ધરાવતા ગુજરાતી કલાકાર-કસબીઓનો તેમને સાથ મળી રહે અને સૌ સાથે મળી માતૃભાષાની ફિલ્મ માટે પ્રયત્ન કરે તો સારી ફિલ્મનું નિર્માણ થઈ શકે છે. શક્ય છે કે, ખુદ મનોજ જોષી પણ એકાદ ગુજરાતી ફિલ્મ લઈને આવે. જો એ આવ્યા તો પણ ગુજરાતી સિને ઈન્ડસ્ટ્રીથી બદલાવ છેટો નહી રહે.
શમણું તો મે'ય જોયું છે
          એક ઈન્ટરવ્યૂમાં સંજય છેલના હૈયામાંથી પણ ગુજરાતી ભાષાની ફિલ્મ પ્રત્યેનો લગાવ દેખાયો. બોલિવૂડમાં સંજયદૃષ્ટી દાખવ્યા બાદ હવે  તેમની નજર જો ગુજરાત પર જલદી ઠરે, તો તેમની કલમ કમાલ કરવાની જ છે. આમ પણ  ઓછામાં  ઓછી એક ગુજરાતી ફિલ્મ બનાવવાનું તો તેમનુંય શમણું છે. ખેર, એ મોડું ન કરતા, આ બધાની સાથો સાથ ફિલ્મ બનાવે તો ગુજરાતી સિને ઈન્ડસ્ટ્રીથી બદલાવ છેટો નહી રહે.
          સારી ફિલ્મ બનાવવાના છુટા છવાયા પ્રયત્નોની જગ્યાએ એમાં સાતત્ય જળવાય તો અને તો જ દર્શકો ગુજરાતી ફિલ્મ તરફ વળી શકશે. કવિ અને સાહિત્યકાર સાંઈરામ દવે કહે છે કે, આ ધરતી પર બે જ જાતી છે, એક ગુજરાતી ને બીજી નોન ગુજરાતી.. તો આવી મહાજાતી ગુજરાતીની માતૃભાષાની ફિલ્મ માંદલી રહે એ તો વળી કેમ ચાલે.. ? આવતી નવમી એપ્રિલે ગુજરાતી સિને જગતને વધુ એક વરસ પુરુ થશે. તો એ તારીખ આવે એ પહેલાં સારપની શરૂઆત થાય તો કદાચ સુવર્ણ યુગના મંડાણને વાર નહી લાગે. બોલિવૂડમાં કાઠુ કાઢી ગયેલાં ગુજરાતીઓ ભેગા મળીને  મથશે  તો ગુજરાતી સિને ઈન્ડસ્ટ્રીથી બદલાવ છેટો નહી રહે.

Tuesday, 1 March 2011

તમારા માટે છે આ પત્ર... વાંચ્યો કે.. ?


દોસ્તો...
     સતત આપની સાથે ગુજરાતી ફિલ્મ જગતની વાતો વહેંચુ છુ, ફિલ્મ જગતની એ વાતોના લીધે જ આપની સાથે એક અતૂટ નાતો બંધાયો છે. એ નાતે જ આપની સાથે સહર્ષ એક હરખની વાત વહેંચવાની હ્રદયેચ્છા થઈ.. તો લ્યો વાંચો... 
           બ્લોગ વિશે જાણ્યા અને શીખ્યા બાદ સ્વબ્લોગ બનાવવાની ઈચ્છા થઈ. ઈચ્છાને અમલી બનાવતા પહેલાં પસંદગી કરવાની હતી વિષયની. ક્યાં વિષય પર લખુ તો આપ સૌ દોસ્તો સુધી વિચાર વાટે પહોંચી શકીશ એ વિચાર્યુ. વિષય પસંદગી માટે લાંબુ વિચારવાની એટલા માટે જરૂર ન પડી કે, હૈયે અને હોઠે એક વિષય તો હતો જ, ગુજરાતી ફિલ્મ.. એ વખતે મારુ એમ.ફીલ પણ શરૂ હતુ અને એમાં પણ વિષય ગુજરાતી ફિલ્મ જ હતો. એટલે થયું કે, શા માટે બ્લોગ પર ગુજરાતી સિનેમા પર જ ના લખું ?  મારી ઉંમરનાં જ નહી, પણ મારાથી મોટી ઉંમરના ઘણાં બધા ગુજરાતીઓને આપણી ભાષાની સિનેમાથી છેટુ પડી ગયું હતુ. આથી, એવા લોકો અને ગુજરાતી સિનેમા વચ્ચે સેતુ બંધાય એ માટે આ જ વિષય પર લખવાનો નિર્ધાર કર્યો. બ્લોગ નહીં વંચાય તો ? એવું પણ મનમાં થયું. જો કે, મનમાં ગાંઠવાળી હતી કે, કોઈ ગુજરાતી ફિલ્મ્સ માટે કંઈ કરતું કેમ નથી એવો સવાલ કરવાને બદલે આપણે જ કંઈક કરવું. એ માટે બ્લોગ શ્રેષ્ઠ માધ્યમ લાગ્યુ. લોકો હજુ ભલે ગુજરાતી સિનેમા સુધી ન જતા હોય, પરંતુ એ લોકો સુધી પણ, વાયા બ્લોગ ગુજરાતી સિનેમા પહોંચે એ આશય રાખ્યો. ને બસ.. શરૂ કર્યો બ્લોગ..... નામ રાખ્યું, Dhollywood.com. ને 11 ડિસેમ્બર 2009ના રોજ પહેલી વાર બ્લોગ પોસ્ટ મુકી... તમને થશે આજે કેમ હું આ બધુ લખી રહ્યો છુ, તો તેના માટે એક આનંદ આણતું કારણ છે.  આ કારણનો જવાબ તમને જોવા મળશે આ ચાર્ટમાં....                     
આપ સૌની ચાહનાનો ચાર્ટ      

   
            આ ચાર્ટ છે આપની ચાહનાનો... જે બતાવે છે કે, 11 ડિસેમ્બર 2009થી આજ લગી, એટલે કે, 1લી માર્ચ સુધીમાં 5066 (પાંચ હજાર છાસઠ) મિત્રોએ Dhollywood.com બ્લોગની મુલાકાત લીધી છે. ગુજરાતી ફિલ્મ્સની વાત આટલાં લોકો સુધી પહોંચાડવામાં નિમિત બન્યો એનો આનંદ છે. ને એ પણ નક્કી છે કે, Dhollywood.com દ્વારા આપના સુધી આપણી માતૃભાષાની ફિલ્મ્સની વાત પહોંચતી રહેશે. આશા તો છે કે, આપની અપેક્ષા મુજબ ગુજરાતી ફિલ્મનું મેકિંગ હોય, સારા થિયેટરમાં ગુજરાતી ફિલ્મ્સના પાટિયા દેખાય, ને એ ફિલ્મ્સ સુધી દર્શકો પણ પહોંચે. થોડો સમય લાગશે, પણ આ આશા પૂરી ચોક્કસ થશે એવું લાગી રહ્યું છે. લ્યો તારે.. વાંચતા રહેજો.. Dhollywood.com આપણું સિનેમા આપણી વાત

Friday, 7 January 2011

ઢોલિવૂડ રિપોર્ટ -2010

મેકિંગ-વાર્તાની દૃષ્ટિએ અલગ ફિલ્મ
લંડનની ભૂમિ પર બનેલી પહેલી ગુજ્જુ ફિલ્મ





આજની પેઢીને ગમે તેવી ફિલ્મ
          2010નું વર્ષ વિત્યુ.. 2011 શરૂ પણ થઈ ગયુ. વિત્યા વર્ષે 61 જેટલી ફિલ્મો આવી અને ગઈ.. પણ દર્શકોને યાદ કેટલી રહી ? જો દર્શકોને ગમી તે ફિલ્મ્સને આંકડાની દૃષ્ટિએ જોઈએ તો આંગળીના વેઢા વધારે પડે. 61માંથી જૂજ ફિલ્મ્સ એવી હતી જે વખણાઈ પણ અને ચાલી પણ. કેટલીક ફિલ્મ્સને દર્શકોએ આવકારી પણ ક્રિટીક્સે નકારી. તો કેટલીક ફિલ્મને ક્રિટીક્સે પસંદ કરી તો દર્શકોએ નકારી. ઓવરઓલ આ વર્ષ ગુજરાતી સિનેમા માટે ન અતિસારુ ગયું, ન અતિ ખરાબ. ત્યારે ચાલો એક નજર કરીએ ઢોલિવૂડ રિપોર્ટ-2010 પર.

12 વર્ષ બાદ કિરણ કુમારની રી-એન્ટ્રી
   
            આ વર્ષે સૌથી વધુ ગમે તેવી કક્ષાની ફિલ્મ બની હોય તો તે ફિલ્મ એટલે મારા રૂદિયે રંગાણા તમે સાજણા.. હિતુ-આનંદી અભિનીત અને જશવંત ગાંગાણી દિગ્દર્શિત આ ફિલ્મ વાર્તાથી લઈ મેકિંગ તમામ પાસાએ ગમે તેવી રહી. દર્શકોના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને આ ફિલ્મને સિંગલ સ્ક્રીન અને  મલ્ટીપ્લેક્ષમાં પણ રિલીઝ કરાઈ. જશવંતભાઈએ તો પૂરતા પ્રયાસો કર્યા પણ  જોઈએ એટલા દર્શકો ફિલ્મ સુધી ન પહોંચી શક્યા.
રહસ્યમય પ્રેમ કથા
          રાધા ચૂડલો પેરજે મારા નામનો, પિયુ તારા વિના મને એકલું લાગે, વાગી કાળજે કટારી તારા પ્રેમની ફિલ્મ્સ ચાલી તેના હિરો વિક્રમ ઠાકોરના કારણે. આ ત્રણ ફિલ્મ્સ પૈકી પહેલી બંને ફિલ્મ એટલે માત્ર  ફોર્મ્યૂલા ફિલ્મ. જેમાં વાર્તાની દૃષ્ટિએ નવું કશું જ નહોતુ. હા, એક્શન અને વિક્રમના સંવાદોના કારણે ફિલ્મ્સ બોક્સઓફિસ પર ચાલી ગઈ. પિયુ તારા વિના મને એકલું લાગેથી વિક્રમ ઠાકોર બન્યો ઢોલિવૂ઼ડનો સૌથી મોંઘો સ્ટાર.. કારણ કે, આ ફિલ્મ માટે વિક્રમને ચૂકવાયા 25લાખ રૂપિયા. વર્ષાન્તે આવેલી ફિલ્મ વાગી કાળજે કટારી તારા પ્રેમની ફિલ્મની વાર્તા રહસ્યમય પ્રેમ કથા હતી, આ ફિલ્મમાં એક્શન સારી રીતે ફિલ્માવાઈ હતી. આ લખાય છે ત્યાં સુધીમાં તો  એ ફિલ્મ 50 દિવસ કરતા વધારે દિવસ થિયેટરમાં ચાલી ચુકી છે.
વર્કિંગ કપલ્સનું ચિત્ર રજૂ કરતી ફિલ્મ
           તુ તો સાજણ મારા કાળજે કોરાણી અને સાવરિયા મને લઈ દે હો રંગની ચુડી ફિલ્મ્સથી જગદીશ ઠાકોર પણ મેદાનમાં છે. ગાયકમાંથી નાયક બનેલા જગદીશનો પણ નિશ્ચિત ચાહક વર્ગ છે, કદાચ એટલે જ તેની ફિલ્મ સાંવરિયા મને લઈ દે હો રંગની ચૂડી પચાસ પચાસ દિવસ સુધી થિયેટર પર ટકી રહે છે.
વિક્રમને ઢોલિવૂડનો મોંઘો સ્ટાર બનાવતી ફિલ્મ
                                                                                                                                       12 વર્ષ બાદ કિરણ કુમાર મોટાભા ફિલ્મથી ગુજરાતી ફિલ્મ્સમાં પરત આવ્યા. આ ફિલ્મ વાર્તા અને મેકિંગની દૃષ્ટિએ વખણાઈ. જો કે, સાઉથના નિર્માતાની ફિલ્મ હોવા છતાં ફિલ્મમાં ટોટલ સાઉથ ટચ ન જોવા મળ્યો. તો કિરણ કુમારના કિરદારવાળી વધુ એક ફિલ્મ એટલે મે તો હૈયે લખ્યુ સાજણ તારુ નામ. આ ફિલ્મમાં હિતેન કુમાર-બાપ દિકરાના કિરદારમાં ડબલ રોલમાં જોવા મળ્યાં. ફિલ્મ ચાલી ખરી પણ વાર્તાની દૃષ્ટિએ તેમાં વધુ નાવિન્ય ન જોવા મળ્યું.
નવતર કરવાનો પ્રયાસ
             વાર્તા અને મેકિંગ બંને દૃષ્ટિએ નાવિન્ય વાળી ફિલ્મ ગણાય સૂરજ ઉગ્યો શમણાંને દેશ. નારી કેન્દ્રી અને શિક્ષણની વાતને સાંકળીને બનાવાયેલી આ ફિલ્મ યુવાવર્ગને ચોક્કસ પસંદ પડે તેવી ફિલ્મ હતી. કોઈ જ ફેરફાર વગરની આવી રહેલી ફિલ્મ્સના ટાઈટલમાં પણ ખાસ ફેરફાર નહોતો કરાતો.. હા, આ વર્ષના  નાના ટાઈટલ જોવા મળ્યાં ચંદન રાઠોડની ફિલ્મ્સમાં.. જેમ કે, નાથિયો, કાજલ...કાળી રાત, રંગીલી, સમર્પણ. જો કે, ટિપીકલ લાંબા નામ સાથેની ચંદનની ફિલ્મ્સ પણ આવી જ. ચંદનની જ ફિલ્મ સમર્પણ લંડનની ધરતી પર શૂટિંગ કરાયેલી પહેલી ગુજરાતી ફિલ્મ બની. તો કસોટી જિંદગીની નામની એક અલગ વિષય વાળી ફિલ્મમાં નિશાંતનો અભિનય ઝળક્યો.

હિતેન કુમારનો શ્રેષ્ઠ અભિનય
હિતેન કુમારનો ડબલ ધમાકા
નવા વિષય વાળી ફિલ્મ
            આ બધી ફિલ્મસમાંથી કેટલીક રૂપિયા રળી શકી. કેટલીક ફિલ્મ ખર્ચો કાઢી શકી તો કેટલીક ફિલ્મ્સ માત્ર બની શકી. આ વર્ષે માત્ર ફિલ્મ બનાવવા ખાતર જ નહી બનાવવાનો પ્રયાસ જોવા મળ્યો કેટલાક નવતર પ્રયોગ રૂપે. આ નવતર પ્રયોગ એટલે જન્મદાતા, બેટરહાફ અને મોહનના મંકીઝ. જે પૈકી જન્મદાતા એટલે અત્યાર સુધી જોવા મળેલા તમામ ફિલ્મ્સ કરતા શ્રેષ્ઠ અભિનયવાળી ફિલ્મ. બેટરહાફ એટલે વર્કિંગ કપલ્સની વાત કરતી અને અત્યારની જનરેશનને પસંદ આવે તેવી ફિલ્મ. તો મોહનના મંકીઝ એટલે કઈક નવું કરવાનો કરાયેલો પ્રયાસ. ભલે નવા પ્રયોગો સુધી જોઈએ તેટલા દર્શકો ન પહોચી શક્યા.. પણ આ પ્રયાસો આવનારા વર્ષમાં કંઈક નવું થવાની આશાનો સંચાર કરતા ગયા..