Monday, 25 July 2011
Wednesday, 20 July 2011
રાજવીરે રાખ્યો રંગ
![]() | |
| રાજવીરમાં હિતુ કનોડિયા |
છેલ્લે બે ફિલ્મ જોઈ... "રાજવીર" અને "સરહદ પાર મારી રાધા." આ બંનેમાં "રાજવીર" જોવાની ખરેખર મજ્જા પડી. સરહદ પારની મારી રાધા ફિલ્મ વિષય સારો હોવા છતાં ખાસ મજા ન પડી. આ બંને ફિલ્મ્સ વિશે તરત લખવું હતુ, પણ સમયની ગરીબીના કારણે લખી ના શકાયું. ખેર, મોડે મોડેય મને ગમેલી ફિલ્મ રાજવીર વિશે થોડું... માત્ર ગુજરાતી ફિલ્મના ચાહકો માટે...
રાજવીર... સૌથી પહેલું તો ગમ્યું ફિલ્મનું ટાઈટલ.. અત્યારની લાં... બા નામવાળી ફિલ્મથી દુર રહીને આ ફિલ્મનું નામ રાજવીર રખાયું તે ગમ્યું. સાથે જ ગમ્યું ફિલ્મનું મેકિંગ.
વાર્તા
ફિલ્મની વાર્તા તેની ટેગ લાઈન પ્રમાણે રહસ્યમય પ્રેમકથા પ્રમાણેની જ છે. આખી ફિલ્મમાં રહસ્ય છવાયેલું રહે છે, અને દર્શકોને જકડી રાખવામાં એ જ રહસ્ય સફળ થાય છે.
અભિનય
સ્ટોરીલાઈન પ્રમાણે હિતુનો અલગ ગેટ અપ કરાયો તે ગમ્યું. બાકી દરેક ફિલ્મમાં હિરોનો લૂક એક સમાન જ હોય છે. રાજવીરનો હિતુનો નેગેટિવ શેડ અને લૂક આપણને ખલનાયકના સંજય દત્ત અને હીરોના જેકી શ્રોફની યાદ અપાવે છે, રાજવીરના કિરદારમાં હિતુનો અભિનય કાબિલેદાદ છે. તો કિરણે પણ વધુ એક ફિલ્મમાં પોતાની અભિનયક્ષમતા પૂરવાર કરી છે. નરેશ કનોડિયા ખાકી લૂકમાં જામે છે. ફિરોજ ઈરાની દરેક ફિલ્મની જેમ આ ફિલ્મમાં વધુ એક ગેટ અપ અને વધુ એક પંચલાઈન સાથે દેખાયા છે. જ્હાનવીએ સેકન્ડ લીડમાં હોવાં છતાં ધ્યાન ખેંચ્યું છે.
ગીત સંગીત
ગીત અને સંગીતને એકદમ હટકે ન કહી શકાય.. પણ સાંભળવા ગમે. ખાસ કરીને ફિલ્મમાં દરેક ગીતને ભુલાવી દે છે આઈટમ સોંગ. સંતુડી અને નરેશ કનોડિયાની ધમાલ ખરેખર કમાલ છે.
દિગ્દર્શન
ફિલ્મનું મેકિંગ ઈમરાન પઠાણની આગવી સ્ટાઈલ બતાવે છે. પહેલી ફિલ્મ સૂરજ ઉગ્યો શમણાંને દેશમાં પણ ઈમરાને મેકિંગમાં નવો પ્રયોગ કર્યો અને આ ફિલ્મમાં પણ. જે જોતાં તેમની અપકમિંગ ફિલ્મ પ્રત્યે દર્શકોની અપેક્ષા વધુ રહેશે.
..........છેલ્લે..
"પ્રાણ જાયે પણ પ્રિત ના જાયે" ફિલ્મ પછી કંઈક સારી ફિલ્મ જોવાની દર્શકોની આશ રાજવીરે પૂરી કરી હશે... હા.. મારે પણ બે ફિલ્મ જોવાની રહી ગઈ, એક તો "દલડું દીધુ મે કારતકના મેળામાં" અને બીજી "ઘરવાળી બાહરવાળી કામવાળી."
Sunday, 22 May 2011
મુકબધિરના હાવભાવ થકી સમાજની વાચા એટલે, ‘ઝીરો બની ગયો હીરો’
છેલ્લા ઘણાં સમયથી નાટક જોવાની એષણા અધૂરી હતી. ને એમાં ઝીરો બની ગયો હીરો જોવા માટે ઈઝન મળ્યું. પછી તો રોકાય તે રંગકર્મી શાનો ? વ્યવસાયે પત્રકાર, પણ હૈયે રંગભૂમિ પ્રત્યેના પ્રેમના કારણે નાટક જોવાની તક ભાગ્યે જ ચુકતો.
‘ઝીરો બની ગયો હીરો’... નામ પરથી થોડો ઘણો એવો અંદાજ આવે કે, કોમેડી નાટક હશે.. અને કોઈ નકામો વ્યક્તિ કંઈક બની જાય એવી વાત હશે વિચારી નાટક જોવા બેઠો. મારી ધારણા પચાસ ટકા સાચી અને પચાસ ટકા ખોટી પડી. સાચી ધારણા એટલે ધમ્માલ કોમેડી નાટક. આ નાટકની કોમેડી સામાન્ય નહોતી એમ એ સિવાયનો ભાગ પણ અસામાન્ય હતો. હસતા-હસાવતા નાટકની વાર્તા ક્યારે આતંકવાદ જેવી ગંભીર બાબત પ્રત્યે તમને દોરી જાય તેની તમને જાણ સુદ્ધા ન રહે. ખડખડાટ હસાવતા હસાવતા આ નાટકમાં કટાક્ષની કટાર સમાજ અને સરકારને ઘોદો મારતી જાય, તેમજ આતંકવાદનો જખમ ખોતરતી જાય. પાછો એ જખમ પર કોમેડીનો મલમ લગાવી નાટક ટાઢક પણ આપતું જાય. કન્સેપ્ટ અને વાર્તાની દૃષ્ટિએ નાટક માનસમાં ટકી રહે તેવું છે.
જેવું નાટક અફલાતુન એવા જ કિરદાર અફલાતુન. મુકબધિર હોવા છતાં રામભરોસે અભિનયના અવાજ થકી દર્શકોના દિલ સુધી સાવ સરળતાથી પહોંચી જાય છે. જનાર્દન પંડિત કહો કે મન્સુરઅલી આ દ્વિ-મુખી કિરદારમાં સનત વ્યાસની બહુમુખી પ્રતિભા પ્રાણ પૂરે છે. ખાખરાવાળા માસીની ફ્યૂઝન રેસિપી ખાવાના શોખીન ગુજરાતીઓને હાસ્યાસ્વાદ પીરસે છે. ગુજ્જુબોય બનીને જીજ્ઞેશ તેની રિંકુ સાથે દર્શકોનો પ્રેમ પામ્યો. તો રિંકુની ચાની ચાહ તો દર્શકોને પણ લાગી ગઈ. બેવડવળી ગયેલા તનધારી કરસનકાકા ટાઈમિંગ સાથે ડાયલોગ ફટકારી દર્શકોને બેવડવાળી દે છે. હુસેનનો સાઈલન્ટ અંદાઝ ઝટકો આપનારો છે તો આકાશ ચોક્સી અદાકારને બદલે પત્રકાર જ લાગે. પોલિસ ઓફિસર રાઠોડનો મિજાજ તેમના અભિનયની કડકાઈ બતાવે છે, તો દેસાઈમાં પણ ઘસાયેલો અદાકાર દેખાઈ આવે છે. ભક્તિ રાઠોડની સાઈન લેંગ્વેજ તેના અભિનયનો અવાજ દમદાર છે તેવો ઈશારો કરે છે. એક એક શબ્દને સંકેતમાં ઢાળનારી ભક્તિ.. ‘ખામોશી’ને જડબાતોડ જવાબ આપી ‘બ્લેક’આઉટ કરે છે.
દિગ્દર્શનની બારીકાઈ ઉડીને આંખે વળગે તો લેખનમાં કસાયેલી કલમની ધાર જોવા મળે છે. બેકગ્રાઉન્ડ મ્યૂઝિક આપણને ગમે તેવું. તો સેટ નાટકનું જમા પાસું ગણવો જ પડે.
મુકબધિરના હાવભાવ થકી સમાજની વાચા એટલે, ‘ઝીરો બની ગયો હીરો’
આતંકરખાઓ સામે રામભરોસે રહેતા નાગરિકોની વાત એટલે, ‘ઝીરો બની ગયો હીરો’
મુંગી જીભે બોલાતી સમાજની વાત એટલે, ‘ઝીરો બની ગયો હીરો’
સરકારના બહેરાકાને અથડાઈ ફંગોળાતી સમાજની વાત એટલે, ‘ઝીરો બની ગયો હીરો’
Subscribe to:
Posts (Atom)
