Showing posts with label roma manek. Show all posts
Showing posts with label roma manek. Show all posts

Tuesday, 15 February 2011

દિલ થામીને બેસો રોમાના દિવાના.. ટૂંક સમયમાં આવશે ફરી પરદા પર...

        ઉત્તરાયણ વખતે નરેશ કનોડિયાને સવાલ પૂછ્યો કે, કઈ હિરોઈન તમારી ફિરકી પકડે તો ગમે.. ? તેમનો જવાબ હતો.. રોમા માણેક. આ જ દિવસોમાં ચંદન રાઠોડને પણ પૂછાયો આ જ સવાલ.. ને તેની પાસેથી પણ જવાબ મળ્યો.. રોમા માણેક.
       હિરોલોગ જ જેના આટલાં દિવાના હોય ત્યારે ચાહકોની શું વાત કરવી ? ઊંચી મેડીના ઊંચા મોલ ફિલ્મમાં દેખાયેલો એક રૂપાળો ચહેરો લોકોના દિલમાં એવો વસી ગયો, કે એ ચહેરો એ પછી મોટાભાગની ફિલ્મમાં દેખાવા લાગ્યો. આ ચહેરો એટલે રોમા માણેક. પહેલી જ ફિલ્મમાં રોમા-માણેકની જોડી જામી ગુજરાતી ફિલ્મ્સના સુપરસ્ટાર નરેશ કનોડિયા સાથે.....    રોમા માણેકની ત્યાર બાદની ફિલ્મ, એટલે કમાણીની દૃષ્ટિએ ગુજરાતી ફિલ્મ જગતના તમામ રેકોર્ડ તોડનારી ફિલ્મ, દેશ રે જોયા દાદા પરદેશ જોયા. આ ફિલ્મના ટાઈટલમાં જો ફેરફાર કરીને કહીએ તો એમ કહેવાય કે, દેશમાં રે જોવાઈ દોસ્તો પરદેશમાં પણ જોવાઈ.. અને દેશમાં તો વખણાઈ દોસ્તો પરદેશમાં પણ વખણાઈ. આવી વખણાયેલી ફિલ્મની હિરોઈન હોઈ, ત્યાર બાદ રોમા માણેકની ગાડી સિને માર્ગ પર સડસડાટ દોડવા લાગી. એક પછી એક ફિલ્મમાં તે દેખાવા લાગી. તેને અભિનય કે ડાન્સ કરતા જોઈ કોઈ કહી પણ ના શકે કે આ બિનગુજરાતી અભિનેત્રી હશે. બોલિવૂડમાં ભલે રોમા માણેક પોતાનું સ્થાન જમાવી ન શકી પણ ઢોલિવૂડમાં વાગવા લાગ્યો તેના નામનો સિક્કો. છેલ્લે ઢોલી તારો ઢોલ વાગેમાં પણ દેખાઈ રોમા-નરેશ કનોડિયાની જોડી. ત્યાર બાદ થોડા સમય માટે સિનેવનવાસ લેનાર રોમા ફરી દસ્તક દેવા તૈયાર છે. ટૂંક સમયમાં ઢોલિવૂડના પરદા પર ધમાલ મચાવવાની હાલ તો તે કરી રહી છે તૈયારી. હાલ તો રોમા માણેકના અપકમિંગ પ્રોજેક્ટ્સને લઈને છે તેની ચૂપકિદી.. પણ થોડા જ સમયમાં આ બાબતે પણ રોમા કરશે ખુલાસો. નરેશ કનોડિયા સાથે તેનું સૌથી સારુ ટ્યુનિંગ હોવાનું રોમા માને છે, હાલ તો નરેશ કનોડિયા ચરિત્ર અભિનેતા તરીકે દેખાઈ રહ્યા છે ફિલ્મી પરદે.. ત્યારે શું હવે રોમા ચરિત્ર અભિનેત્રીના કિરદારમાં કમ બેક કરશે કે અત્યારની હિરોઈન્સની સામે ટક્કર લેવા આવશે પરદા પર તે રાઝ પરથી ટૂંક સમયમાં ઉઠશે પરદો.. પણ એટલું તો નક્કી છે રોમાને પરદા પર જોઈ ફરી એક વાર તેના દિવાનાઓના દિલ ચૂકી જશે એક ધબકાર...