Thursday, 6 October 2016

બોક્સઓફિસ પર ટક્કર... બધાને BEST OF LUCK


'જે પણ કહીશ એ સાચું જ કહીશ'નું પોસ્ટર
ગુજરાતી ફિલ્મ સાથે સીધી રીતે જોડાયેલા હોય  કે ગુજરાતી ફિલ્મ જગતને માત્ર સલાહ આપવાનું અને ફિલ્મ જગતની ટીકા જ કરવાનું કામ કરતા હોય તે તમામના મોઢે અત્યારે તો એક જ ચર્ચા છે.. 14મી ઓક્ટોબરની....  સાલ્લુ આ ઓક્ટોબર મહિનામાં 2જી ઓક્ટોબરે ગાંધીની અને 31 ઓક્ટોબરે સરદારની ચર્ચા થતી'તી કાયમ... પણ આ 14મી ઓક્ટોબરની ચર્ચાએ જબરું નાટક ( આમ તો ફિલ્લમ!) કર્યુ છે. 

14મી ઓક્ટબરે..... એક જ દા'ડે પાંચ પાંચ ફિલ્મ બોક્સઓફિસ પર આવી રહી છે. એ પાંચ ફિલ્મોમાં નૈતિક રાવલની ફિલ્મ 'જે પણ કહીશ એ સાચુ જ કહીશ', ઉપરાંત 'કોઈ આને પરણાવો', 'મેડ ફોર ઈચ અધર', 'લવારી' અને 'હાર્દિક અભિનંદન' છે. છેલ્લે છેલ્લે કિલ્લોલ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'ખાટ્ટી મીઠ્ઠી સેટિંગ' આ યાદીમાંથી દૂર થઈ, બાકી છ ફિલ્મોની ટક્કર નક્કી હતી. 

હવે જેની ફિલ્મ રીલિઝ થાય છે, એ મેકર્સ પણ જાણે જ છે કે એક જ તારીખે બધાના ચોકઠા ગોઠવાયા છે. ને તેઓ દર્શકોની વહેચણી બાબતે માનસિક રીતે તૈયાર પણ છે. વળી, દરેકના કંઈક ને કંઈક લોજિક અને ગણિત છે આ જ તારીખ પસંદ કરવા પાછળ. એટલે હવે દર્શકોએ પોત-પોતાને ગમતી ફિલ્મ સુધી પહોંચવાનું નક્કી કરવાનું છે. 

બીજી તરફ એક મોટો વર્ગ આવું તો ન જ થવું જોઈએ ની ચર્ચામાં પડ્યો છે. આમ એક સાથે ફિલ્મ આવવાથી ઈન્ડસ્ટ્રીને નુકસાન જશેની ચર્ચાઓ થઈ રહી છે. પણ યાર આવું તો થવાનું જ હતું એ તો સીધુ ને સટ છે. એક સાથે 100થી વધુ ફિલ્મ ઓન ફ્લોર હોય.. અને વર્ષના શુક્રવાર 52 જ હોય તો પછી એક કરતા વધુ ફિલ્મ એક જ શુક્રવારે આવે એવું બને જ ને ? એમાં કાગારોળ શું કરવા થઈ રહી છે ? રાહ જુઓને 14મીની... ને જોઈ આવો તમને ગમતા વિષય પરની ફિલ્મ....ને તમામ મેકર્સને દિલથી કહો કે, BEST OF LUCK.



Tuesday, 31 May 2016

               
                    દે તાલ્લીનું ટાઈટલ સોંગ


કિરણ આચાર્ય અને સંજય હિરપરા નિર્મિત ગુજરાતી ફિલ્મ દે તાલ્લીમાં માત્ર ત્રણ જ ગીત છે. જોકે એ દરેક ગીત જુદા મિજાજના છે. આ ફિલ્મના સંગીતકાર અનવર શેખ છે. લ્યો.. માણો ફિલ્મનું ટાઈટલ સોંગ....


Sunday, 29 May 2016

દે તાલ્લી.. ફિલ્મનું ટ્રેલર થયું રિલીઝ


કિરણ આચાર્ય.. પહેલીવાર નિર્માત્રી તરીકે આવી રહ્યા છે. ફિલ્મ નિર્માણ ક્ષેત્રે તેમણે કરેલી મહેનતનો અંદાઝ તમને આ પ્રોમો જોઈને લગાવી શકો છો. સંજય મૌર્ય અને વનરાજ સીસોદીયા પણ આ પ્રોજેક્ટ સાથે માત્ર અભિનેતાની જેમ ના રહેતા સંપૂર્ણ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે મથામણ કરી રહ્યા છે. તો ફિલ્મના નિર્માતા સંજય હિરપરા પણ પારિવારિક ગુજરાતી કોમેડી ફિલ્મ દર્શકોને ચોક્કસ પસંદ આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. દિગ્દર્શક સુનિલ સૂચક કોમેડી ટાઇમિંગ માટે જાણીતા છે. તેમની પણ દિગ્દર્શક તરીકે પહેલી ગુજરાતી ફિલ્મ છે. 
સો... બેસ્ટ ઓફ લક.. ટુ ટીમ દે તાલ્લી... 

જિતેન્દ્ર બાંધણીયા
લેખક-સંશોધક, ગુજરાતી સિનેમા

Monday, 29 February 2016

બોક્સઓફિસ પર આવી... ઓલ્વેઝ રહીશું સાથે


ગુગલ અને ગુજરાતી ફિલ્મને.. અત્યારે છે એટલો નજીકનો નાતો નહોતો.. એટલે કે, ગુજરાતી ફિલ્મ વિશે લખનારા મિત્રો બહુ ઓછા હતા... ત્યારે ગુગલ પર ખાંખાખોળા કરતા... મને વિક્રમ ઠાકોરની ફિલ્મનો રિવ્યુ લખેલો એક બ્લોગ નજરે ચડ્યો.. વાંચ્યો.. મજ્જા પડી....  પહેલી મજા તો એ વાતની હતી કે, ગુજરાતી ફિલ્મ પર રિવ્યુ લખાયેલો હતો... અને બીજુ એ ગમ્યુ.. કે, ગુજરાતી ફિલ્મ પર 2009થી માત્ર મારા બ્લોગ http://jitendrabandhaniya.blogspot.com  પર જ લખાતુ હતુ.. આ સિવાય પણ વધુ એક બ્લોગમાં ગુજરાતી ફિલ્મ વિશે લખાય છે. એ બ્લોગનું નામ મજ્જાનું છે... "બાપુનો બબડાટ... લિ.યુવરાજ".  માહિતી મેળવતા ખબર પડી કે, આ બ્લોગ.. યુવરાજ જાડેજા નામનો કોઈ યુવાન લખે છે. બ્લોગ પર સંપર્ક માટે મેસેજ છોડ્યો.. પણ જવાબ ન મળ્યો. થયું કે, બાપુ છે, મિજાજી હશે જવાબ ન આપે.. પછી અચાનક જ સંપર્કમાં આવ્યા... વાતો થઈ... ને લાગ્યુ કે, આ બાપુ મિજાજી નથી, મજ્જાના માણસ છે.. એ વખતે તેઓ ફિલ્મની તૈયારીમાં હતા.. અને હવે આ ફિલ્મ બની ગઈ છે, ગયા શુક્રવારથી ફિલ્મ પરદા પર પરીક્ષા આપી રહી છે. ફિલ્મ બોક્સઓફિસ પર સફળ થઈ ન થઈ એ ચર્ચાને બાજુએ મુકીને આ ફિલ્મ માટે યુવરાજને દિલથી અભિનંદન. અભિનંદન એટલા માટે કે, ફિલ્મ બનાવવી છે એવું સપનું સાકાર કરી શક્યા.
અભિનંદન એટલા માટે કે, કોમેડી ઝોનરની ફિલ્મ્સ જ આવી રહી છે ત્યારે મેડિકો લવ સ્ટોરીના એક નવા જ વિષય સાથે બોક્સઓફિસ પર આવ્યા. આવા વિષય સાથે આવવું એ જ હિંમતનું કામ છે. 


ઓલ્વેઝ રહીશું સાથે વિશે...   સ્ટોરી
ઓલ્વેઝ રહીશું સાથે એટલે પરદા પર આવેલી એક મેડિકો લવ સ્ટોરી.
નામ પરથી જ ખ્યાલ આવી જાય કે, આ ફિલ્મ એક લવ સ્ટોરી છે. 
એક ડોકટર અને દર્દીની લવ સ્ટોરી.
બિમારી સામે ઝઝુમતિ પ્રેમિકા અને તેને બચાવવા માટે મથતા ડોકટરની કહાણીને ફિલ્મમાં રજૂ કરાઈ છે. રીતેશ મોકાસણા લિખિત મારી ઉમર તને મળી જાય.. નવલકથા પરથી આ ફિલ્મ બનાવાઈ છે.

અભિનય
ઉમંગ આચાર્ય અને તિલ્લાના દેસાઈ અભિનીત આ ફિલ્મમાં બંનેની જોડી જામે છે... અને પરદા પર પોતાના કિરદારને બંને ન્યાય આપી શક્યા છે, શૌનક વ્યાસ દર્શકોને હસાવવામાં સફળ રહ્યા છે. બાકીના ઘણા કિરદારમાં જોઈએ એટલું જામતું નથી. કાસ્ટિંગ ડિરેક્ટરની કચાશ ચોખ્ખી દેખાય છે.

સ્ક્રીન પ્લે અને સંવાદ 
કિરદાર પ્રમાણે સંવાદો અને શૈલીનું ધ્યાન રખાયુ હતુ. પણ ક્યાંક ભારે ભરખમ લાગતા સંવાદને હળવી રીતે પણ મુકી શકાયા હોત. 

ગીત સંગીત
ફિલ્મના દિગ્દર્શક યુવરાજ જાડેજાએ લખેલા ગીતો ખરેખર અદભૂત છે... તેમાં સમીર-માનાનું સંગીત ગીતને કર્ણપ્રીય બનાવે છે. પાર્થ ઓઝા, ઐશ્વર્યા મજમુદાર અને ઓસમાણ મીર સહિતના ગાયકોએ આ ગીતમાં જમાવટ કરી છે.
દિગ્દર્શન
પહેલી જ ફિલ્મ હોઈ યુવરાજે કરેલા દિગ્દર્શનની સરાહના તો કરવી જ પડે, આમ પણ અત્યારે જે પ્રકારની ફિલ્મ ચાલી રહી છે તેની સામે આ પ્રકારની લવ સ્ટોરી સાથે આવવું એ પણ છે હિંમતનું કામ છે. પણ હા, દિગ્દર્શન બાબતે એમ પણ ચોક્કસ કહી શકાય કે, ઘણી બધી જગ્યાએ વધુ સારુ કામ થઈ શક્યુ હોત. હવે પછીની ફિલ્મ વખતે યુવરાજ આ અપેક્ષા પણ પૂરી કરે એવી આશા રહેશે.



Sunday, 7 February 2016

અભિનયના મહારાણી પદ્મારાણી : શ્રદ્ધાંજલિ સાથે સ્મરણાંજલિ


લોચા+લબાચા+ગપલું+ગોટાળો+જોલ = પોલમપોલ, ટ્રેલર મચાવી રહ્યું છે ધૂમ

       હવે રાહ... તેજસ પડિયા દિગ્દર્શિત ફિલ્મ 'પોલમપોલ'ની. આ ફિલ્મની રાહનું સૌથી પહેલું કારણ એ છે કે,  આ તે કેવી દુનિયા બાદ તેજસની બીજી ફિલ્મ હોઈ ફિલ્મ પાસે અપેક્ષા રહેવાની. ગુજ્જુભાઈમાં જિમિતે જે રીતે ધમાલ મચાવી એ પછી હવે પોલમપોલમાં ડુગ્ગીના કિરદારમાં જિમિત જોવા મળશે એટલે જિમિતના ફેનફોલોઅર્સને આ ફિલ્મની રાહ રહેવાની. એડવર્લ્ડમાં કામ કર્યા બાદ પહેલી ગુજરાતી ફિલ્મ સાથે જીનલની એન્ટ્રી થઈ રહી છે. તો સનત વ્યાસ, સુનિલ વિસરાણી, પ્રેમ ગઢવી, જયેશ મોરે જેવા કલાકારો પણ ફિલ્મ માટે મજબૂત પાસું ગણાય... એટલે હવે રાહ 12મી ફેબ્રુઆરીની... 

 

Tuesday, 2 February 2016

અભિનયના મહારાણી પદ્મારાણી

અભિનયના મહારાણી પદ્મારાણી 



અભિનયના મહારાણી પદ્મારાણી
એક અદાકારા... અનેક રૂપ..
એક અભિનેત્રી... અનેક કિરદાર...
કિરદાર કોઈ પણ હોય... મંચ કોઈ પણ હોય.. તખ્તો હોય.. પરદો હોય.. કે હોય ટેલિવિઝન... તેઓ હંમેશા બનીને રહ્યા અભિનયના મહારાણી... પદ્મારાણી..

સંજોગ તો જુઓ.. 25મી જાન્યુઆરી એ પદ્મારાણીનો જન્મદિવસ હતો... અને એ જ તારીખ.. એટલે કે 25મી જાન્યુઆરીએ જ તેમણે મહાપ્રયાણ કર્યુ.  જિંદગીના રંગમંચ પરથી પદ્મારાણીએ એક્ઝિટ કરી લીધી.. ત્યારે ટીવી નાઈન ગુજરાતી પર આ શખ્સિયત પર વિશેષ  કાર્યક્રમ કરતી વખતે.. એમના કામ પર ઉડતી નજર કરીને તોય.. એમ ચોક્કસ કહેવું જ પડે કે, પદ્મારાણીજી.. જેટલું જીવ્યા એ તખ્તા માટે જીવ્યા. અભિનય માટે જીવ્યા. કલા માટે જીવ્યા. પદ્મારાણીજીનો ઠસ્સો, તેમનો રૂઆબ, તેમનો અભિનય અને તેમની હાજરીની તો કાયમ નોંધ લેવાતી રહી છે, પરંતુ હવે તો એમ કહેવું પડે કે, તેમની ગેરહાજરીની પણ નોંધ લેવી પડે.


બહુ ફેમસ થયું હતુ.. બા રિટાયર થાય છે. 

રંગમંચને કરતા હતા પ્રેમ...
       પદ્મારાણીજીના અંતિમ શ્વાસની ખબરે.. તખ્તો હચમચી જાય એ સહજ છે.. કારણ કે, તખ્તા પર જ તો ગુજર્યુ હતુ પદ્મારાણીનું જીવન.. તેઓ રંગમંચને જ જિંદગીગણાવતા. જીવનના મોટાભાગના રવિવાર તેમણે મંચ પર ગાળ્યા. નાટકના 6000થી વધુ શો કરી ચૂકેલા પદ્મારાણી.. ફિલ્મના શુટિંગમાં ક્યાંય પણ હોય.... પણ શનિવારની સાંજે મુંબઈ માટે નીકળી જાય.... અને રવિવારે તો... તેઓનું નાટક હોય હોય ને હોય જ... 
નાટકને પ્રેમ કરતા પદ્મારાણીની જિંદગીનો પહેલો પ્રેમ પણ નાટકના કારણે જ હતો.. અને તેમનો એ પહેલો પ્રેમ એટલે નાટકના ર્નિમાતા નામદાર ઈરાની. નામદાર ઈરાની સાથે પ્રેમ થતાં તેમણે 18 વર્ષની ઉમરે લગ્ન કર્યા હતા. 


પરિવાર અને નાટકમાં પહેલી એન્ટ્રી વિશે...


પૂણેના એક મધ્યમવર્ગીય મરાઠી પરિવારના ભીમરાવ ભોંસલે, આફ્રિકામાં બારિસ્ટરની કામગીરી કરતા હતા.. ત્યાં જ પિતા ભીમરાવ ભોંસલેના ઘરે અને માતા કમલાબાઈની કુખે પદ્મારાણીનો જન્મ આફ્રિકામાં થયો. ભીમરાવ ભોંસલેની બદલી વડોદરા થતાં... તેઓ આફ્રિકાથી વડોદરા આવ્યા. એટલે એમ કહેવાય કે, પદ્મારાણીનો ઉછેર વડોદરામાં થયો હતો. વડોદરાની મહારાણી ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વખતથી જ કલામાં રૂચિ હોવાના કારણે.. એ જમાનામાં નાટ્યજગતનું મોટું નામ ધરાવતા ફરેદુન ઈરાનીની નાટ્યકંપનીમાં પદ્મારાણીનું નામ નવી અભિનેત્રી તરીકે હાઈસ્કુલમાંથી જ પહોંચ્યુ. 1951-52ના વર્ષમાં પહેલીવાર તખ્તા પર એન્ટ્રી કરી.. ત્યાર બાદ પદ્મારાણીએ ક્યારેય પાછળ વળીને જોયું નથી.

વડોદરાથી મુંબઈ ભણી...
સફળતાની બાઉન્ડ્રી વટાવનારું નાટક 
નાટ્યજગતમાં રમૂજી કિરદાર કરીને એન્ટ્રી મેળવનાર પદ્મારાણીએ.. વૈવિદ્ય સભર કિરદાર કર્યા છે. વડોદરાથી તેઓ મુંબઈ આવ્યા... અને મુંબઈમાં રંગભૂમિની સફરની શરૂઆતમાં પાનેતર નાટક સીમાચિહ્ન રૂપ બન્યું. આ નાટકમાં છવાયા બાદ તો પટરાણી, અભિષેક,  સ્વયંસિદ્ધા, તુટી દોર પતંગની, જુવાનીના ઝેર, ધૂપસળી,નીલ ગગનના પંખેરું, મને અજવાળાં બોલાવે, રાતરાણી, બા રીટાયર થાય છે, બાએ મારી બાઉન્ડ્રી જેવા કેટકેટલાય નાટકોમાં તેમણે અભિનયના ઓજસ પાથર્યા છે. એમના નાટકોને જાણે સદી કરવાની ટેવ પડી ગઈ હોય.. એમ તેમના ઘણાં નાટકના 100થી વધારે શો યોજાતા હતા.

નાટકને સમર્પિત પદ્મારાણીની નસ નસમાં અભિનય હતો એમ કહેવું એટલા માટે ખોટું નથી.. કારણ કે, તેઓએ જીવનની છેલ્લી પળ સુધી રંગભૂમિ... અને નાટકો માટેના પોતાના સમર્પણની જ ચિંતા કરી હતી. નાટ્યકર્મી સંજય ગોરડિયાએ જણાવ્યા મુજબ, જ્યારે પદ્મારાણીજીના રોગનું નિદાન થયું.. ત્યારે તેઓને પહેલી ચિંતા પોતાના રોગની નહી, પરંતુ તેમણે લીધેલા નાટકના શો અંગેની હતી. આખરે તેઓ છેલ્લુ નાટક મારી અરજી, તારી મરજી..ના શો કર્યા બાદ જ હોસ્પિટલમાં એડમિટ થયા. નાટકને લઈને આવું સમર્પણ કોનું હોય ?

બા... આ નામથી બહુ ફેમસ થયા પદ્મારાણી... કારણ કે, બા રિટાયર થાય છે.. અને બા એ મારી બાઉન્ડ્રી જેવા તેમના નાટકોએ ધૂમ મચાવેલી...

જૂની રંગભૂમિથી અભિનયની શરૂઆત કરનારા પદ્મારાણી...નવી રંગભૂમિમાં કે મોર્ડન રંગભૂમિમાં પણ એટલા જ વ્યસ્ત રહ્યા... રંગભૂમિ બદલાઈ પણ તેઓ એવરગ્રીન રહ્યા..

પદ્મારાણીના નામમાં રાણીનું ટેગ કેમ લાગ્યું  ?

અભિનયના મહારાણી પદ્મારાણી
જૂની રંગભૂમિમાં એન્ટ્રી લીધા પછી શરૂઆતના સમયમાં તો તેઓ અભિનેત્રી પદ્મા તરીકે ઓળખાતા.... પણ આ નામ પાછળ રાણીનું ટેગ લાગવાની છે એક મસ્ત કહાણી.... આ કહાણી જોડાયેલી છે ફરેદુન શેઠની નાટક કંપની સાથે.. આ નાટક કંપની જ્યાં સુધી વડોદરામાં રહી... ત્યાં સુધી અભિનેત્રી પદ્માએ.. એમના નાટકોમાં કામ કર્યુ... એવામાં એક દિવસ એવું બન્યુ કે, મારે નથી પરણવું.. નામના એક નાટક વખતે... તેની મુખ્ય અભિનેત્રી રાણી પ્રેમલત્તાની તબિયત બગડી... અને તેમના સ્થાને અન્ય અભિનેત્રીને મંચ પર ઉતારવાની ફરજ પડી... એવે વખતે રાણી પ્રેમલત્તાએ... પદ્મા પર ભરોસો મુક્યો... અને એ જ નાટકથી.. તેમના નામની પાછળ... રાણી પ્રેમલત્તાએ... રાણી લગાડ્યુ.. ને નાટકના જાહેરાતના બોર્ડમાં નામ લાગ્યુ... પદ્મારાણી. બસ ત્યારથી તેઓ ઓળખાય છે પદ્મારાણી તરીકે.

હિન્દી સિનેમામાં પદ્મારાણીનું પ્રદાન.
શું તમે જાણો છો કે શાહરૂખની ફિલ્મ પહેલીમાં હતા પદ્મારાણી ?
આમીરખાનની ફિલ્મ દિલમાં પણ હતા પદ્મારાણી... આવી તો 21 જેટલી હિન્દી ફિલ્મમાં તેમણે અભિનય કર્યો છે. તો જિતેન્દ્ર અને ગોવિંદાને ચમકાવતી ફિલ્મ.. આદમી ખિલૌના હૈ..ના ર્નિમાતા પદ્મારાણી હતા. તમને નવાઈ લાગશે, પણ કદાચ તમે આ વાતથી અજાણ હશો કે, પદ્મારાણીના નામે 13 જેટલી ફિલ્મ્સના કોશ્‍ચ્યુમ ડિઝાઈનરની ક્રેડિટ પણ બોલે છે. આમ હિન્દી સિનેમામાં અભિનેત્રી, નિર્માતા અને કોશ્ચ્યુમ ડિઝાઈનર તરીકેનું પ્રદાન પદ્મારાણીજીએ આપ્યું છે.

ગુજરાતી ફિલ્મમાં કેવી રહી સફર  ?
175 જેટલી ગુજરાતી ફિલ્મમાં પદ્મારાણીજીએ અભિનય કર્યો છે. જો તેમની પહેલી ફિલ્મની વાત કરીએ તો યાદ કરવી પડે 1961માં આવેલી ગુજરાતી ફિલ્મ નરસૈયાની હુંડી. આ ફિલ્મ એટલે પદ્મારાણીની પરદા પર એન્ટ્રીની ફિલ્મ... એ પછીથી શરૂ થયેલી ફિલ્મી સફરમાં તેમણે ક્યારેય પાછળ ફરીને નથી જોયું. આ ફિલ્મ બાદ સૌથી મોટો મુકામ ગણવો હોય તો... ફિલ્મ.. અખંડ સૌભાગ્યવતી ગણી શકાય... એ જ અરસામાં ઘણી બધી ફિલ્મમાં તેઓ દેખાતા રહ્યા. પણ એક ફિલ્મનો ઉલ્લેખ ખાસ કરવો છે. આ ફિલ્મ એટલે વેલીને આવ્યા ફૂલ. આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મને નરેશ કનોડિયા નામના હીરો મળ્યા... ને આ જ ફિલ્મમાં નરેશ કનોડિયાના માતાના કિરદારમાં પદ્મારાણી હતા. એ જ વાતને વાગોળતા નરેશ કનોડિયાએ કહ્યુ કે, જો પદ્મારાણીનું માર્ગદર્શન અને સહકાર પહેલી ફિલ્મમાં ન મળ્યો હોત તો તેઓ અભિનેતા તરીકે ઘણું જ કપરું પડ્યુ હોત. સાથે જ નરેશ કનોડિયાએ એ વાતને પણ વાગોળી કે જ્યારે તેમના પુત્ર હિતુ કનોડિયા હીરો તરીકે પરદા પર આવ્યા તો તેમના માતાના કિરદારમાં પણ પદ્મારાણી જોવા મળ્યા છે. આમ પિતા-પુત્ર બંનેના માતાના કિરદારમાં પદ્મારાણીજી જોવા મળ્યા છે. વળી. પહેલી જ ફિલ્મમાં જેઓ માતા તરીકે હતા.. એ જ પદ્મારાણીજીએ મરદનો માંડવો ફિલ્મમાં નરેશ કનોડિયા સાથે જોડી પણ જમાવી હતી. તેમની સફળ ફિલ્મની યાદી બનાવીએ ને તો પણ એ યાદી ઘણીજ લાંબી થઈ જાય.

તખ્તાને જીવનારા... અને ફિલ્મ પાછળ ક્યારેય ન ભાગનારા પદ્મારાણી..ને,... જો કોઈ દિગ્દર્શકે ઓડિશનનું કહ્યુ.. તો તો સમજો કે તેની ફિલ્મ તેઓ ન જ કરે... તેઓ સ્પષ્ટ કહેતા.. કે આટલા સમય સુધી અભિનય કર્યા બાદ.. હવે અભિનયની પરીક્ષા તો ન જ હોય ને... કદાચ એટલે જ તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતી ફિલ્મ નહોતા કરતા.. પણ હા.. છેલ્લે તેમણે જે ગુજરાતી ફિલ્મ અરવિંદ રાઠોડ સાથે કરી એ ફિલ્મ એટલે.. મારા રાજ ઠાકોરની ચૂંદડી..

પરદા પર પદ્મારાણી દરેક કિરદારમાં ખિલતા એમ કહો... કે કોઈ પણ કિરદાર પદ્મારાણીથી ખીલી ઉઠતું એમ કહો બંને એકનું એક જ ગણાય.

ભલે પદ્મારાણીજી સદેહે આપણી વચ્ચે ન હોય.. પરંતુ તેઓએ કલાજગતમાં આપેલા પોતાના પ્રદાન બદલ ચાહકોના દિલમાં સદા જીવંત રહેશે. લોકો હંમેશા યાદ કરશે કે, અભિનયના મહારાણી એટલે પદ્મારાણી.